મૉકબસ્ટર્સઃ નામ તો સાંભળ્યાં હશે?!?
બિસ્તરાં પોટલાં બાંધી લેજો જૂના કપડાંનાં. ભાઇઓ-બહેનો, હવે ઝભ્ભા પણ ટાઇટ
પડવા લાગ્યા છે. પેટ ધરખમ વધી ગયું છે. હવે તો પાટલૂન કાઢો, કબાટમાંથી. પ્યાલા
બરણીમાં આપી દો એને. નહીંતર, ઝાટકીને માથે વીંટાળી લો. સંકલ્પ કરો કે, નાડાં પકડીને
ખેંચી કાઢીશું ઘરના તકિયામાંથી. બાંધી દઇશું ઢમઢોલ પેટના સિમાડાઓ ફરતે. આ તડબૂચ છે
તડબૂચ મિત્રો, બહારથી ગોળમટોળ અને અંદર ફક્ત પાણી. બાંગડુઓ તમારા પેટનો આ ગ્લોબ બતાડે
છે કે, ગ્લોબલ ખાંડ ખાઉ લોકો અહીં વસે છે. આખી દુનિયા જાણે છે, તમારી ખાંડ ખાવાની
તાકાત. હવે ધરપત થઇ હોય તો, ઊભા રહો ચાટલાં સામે. જુઓ વધેલું પેટ. પછી બંને હાથ
ઊંચા કરી મુઠ્ઠીઓ વાળો. સંકલ્પ કરો કે આ ફાંદ હું ઉતારીને જ રહીશ....
કેફેના ટીવી પર કોઇ નેતા રૅલીને સંબોધન કરતા હતા. વોલ્યુમ મ્યૂટ કરેલું હતું.
નેતાના હાવભાવ પકડીને સમાસ વાક્યો જોડી રહ્યો હતો. નેતાની સ્પીચને એણે આબાદ રીતે
શરીર ઉતારવાની ટીપ્સની માફક રજૂ કરી હતી. બધા પેટ પકડીને ખડખડાટ હસતા હતા. વર્ષો
પહેલાં ૧૯૪૦ અને ૫૦ના દશકમાં હૉલિવૂડની કોમેડી જોડી અબોટ અને કોસ્ટેલોએ આ જ રીતે એક
નવાં જોનરની શરૂઆત કરી. આ બંને એમના રેડિયો, સ્ટેજ પ્રોગ્રામ્સ અને મૂવિઝમાં પ્રસિદ્ધ
રાજકારણીઓ, ફિલ્મો, એક્ટર્સ, સેલિબ્રિટીઝના ચાળા પાડતા, મૉકરી કરતા. ૬૦ના દશકમાં એક
સાવ નવાંસવાં છોકરડાએ મૉકરી જોનરને નવો જ એંગલ આપ્યો. આ યુવાન આમ તો અમેરિકાની
ક્લબો, સ્ટેજ શોમાં સ્ટેન્ડ-અપ કોમેડી કરતો હતો. જોક્સની બુક્સ છાપતો. કોમેડી
નાટકો લખતો. કોઇ વાર ગીતકાર પણ બની જતો. લાઇફમાં એ કોઇ ટર્નિંગ પોઇન્ટની રાહ જોતો
હતો. અને એ પોઇન્ટ આવ્યો. છેક જાપાનથી.
વાત એમ બની કે જેમ્સ બોન્ડ સીરિઝનું પહેલું મૂવિ ‘ડૉ. નો’ જાપાનમાં રજૂ થયું. જાપાની ઓડિયન્સને પહેલી જ વાર રોમાન્સ,
એક્શન, સસ્પેન્સ, થ્રીલરનો એકસાથે મલ્ટિપલ ડોઝ મળ્યો. આ પ્રકારના મનોરંજનની
ડિમાન્ડ ત્યાં વધી ગઇ. જાપાનના રાઇટર, ડિરેક્ટર્સ એક્શનમાં આવ્યા. એમાંથી એક તકાશી
સુબોશીમા. એણે જોમ્સ બોન્ડની થીમ પર એક સીરિઝ બનાવી, ‘ઇન્ટરનેશનલ સીક્રેટ
પોલિસ’. આ સીરિઝનું એક મૂવિ હતું ‘કી ઑફ કીઝ’. આ ફિલ્મ અમેરિકાના પેલા
જવાનિયાએ જોઇ. હાકા કુશી, કાકા મૌશી, જૂશી પીશી, ચાકા ચાકા. આવા જાપાની
ડાયલોગ્સમાં તમને ને મને પડી એટલી જ સમજ એને પણ પડી. હાકા કાકા ને કુશી માશી સાથે
જૂસ પીને ચાકા ચાકા જેવા થઇ ગયા. બસ આપણી જેમ જ એ હસી હસીને બેવડ વળી ગયો. એને જાપાનનું
પેલું ગંભીર સસ્પેન્સ મૂવિ ખડખડાટ હસાવતી કૉમેડી જેવું લાગતું હતું.
એકવાર હસતાં હસતાં એની ડાગળી ચસકી. એને આ જ મૂવિના સંવાદો ફરી લખવાનું મન
થયું. લખી પણ કાઢ્યા. કોઇ ચાવીની શોધ પર બનેલી જાપાની ફિલ્મની આખી વાર્તા જ એણએ
બદલી કાઢી. નવી સ્ટોરી પ્રમાણે હવે આ ફિલ્મ કોઇ સીક્રેટ એગ રેસિપીની શોધ પર
રચાયેલી ખડખડાટ હસાવતી કૉમેડી ફિલ્મની કથા હતી. યુવાને મૂળ ફિલ્મના ડિરેક્ટર
તકાશીનો સંપર્ક કર્યો. આખી વાત રજૂ કરી. સ્ક્રીપ્ટ સાંભળીને તકાશી પણ હસી પડ્યો. યુવાને
તકાશીના સુપરવિઝનમાં ફિલ્મના નવા રમૂજી સંવાદો અંગ્રેજીમાં રેકોર્ડ કર્યા. પહેલી જ
વાર અમેરિકામાં આ અજબ પ્રકારની ફિલ્મ રજૂ થઇ અને ધમાલ મચી ગઇ. મૂવિનું નામ હતું, ‘વોટ્સ અપ, ટાઇગર લીલી’? મશહૂર લેખક,
દિગ્દર્શક, નિર્માતા, અભિનેતા વૂડી એલનની આ ડેબ્યૂ ફિલ્મ હતી. કોઇ જાણતું નહોતું એવી
મૂવી બ્લૉકબસ્ટર સૉરી મૉકબસ્ટર હિટ બની ગઇ. સ્પૂફ મૂવિઝની નવી દિશાઓ ખૂલી ગઇ.
વૂડીને તો જલસો પડી ગયો. એણે હવે સીધો જેમ્સ બોન્ડને જ હાથમાં લીધો. ૧૯૬૭માં
કસિનો રોયલની સાવ નવી જ મૉકબસ્ટર પેરડી એ જ નામથી બનાવી. દુનિયા ફરી એકવાર પેટ
પકડીને હસવા લાગી. વૂડી એલને વધુ એક સફળ સીરિઝ કાસાબ્લાન્કા પર સ્પૂફ મૂવિ બનાવી ‘પ્લે ઇટ અગેન, સેમ’. જોતજોતાંમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન વૂડી, સ્પૂફિંગ મૉકબસ્ટરનો
બેતાજ બાદશાહ બની ગયો. હવે તે પોતાની સુપર હિટ ફિલ્મો બનાવે છે.
મેલ બ્રૂક્સને જો કે, આ જોનરમાં પડવું જ નહોતું. એકવાર એની મુલાકાત એક તોફાની
માણસ સાથે થઇ. આ એવો માણસ હતો જે કોઇ સિરિયસ લાઇન બોલે તો પણ લોકો ખડખડાટ હસી
પડતા. એની એક લાઇન આજે પણ એટલી જ પ્રસિદ્ધ છે. ‘જેનો કોઇ ભરોસો ન
હોય એની ઉપર ક્યારેય, ક્યારેય શંકા ન કરવી’. વિચારવા બેસો
તો, કનફ્યુઝનને વધુ કનફ્યુઝ કરીને દિમાગના ફ્યૂઝ ઉડાડે એવી વાત છે. જરા નિરાંતે
વિચારજો. સમજ પડશે તો રહી રહીને એકલા એકલા હસી પડશો. મેલ બ્રૂક્સને પણ આ માણસ ગમી
ગયો. એણે પૂછ્યું, ‘દોસ્ત તું આટલી સહજતાથી
કૉમેડી કઇ રીતે કરી શકે છે’? પેલો કહે, ‘એ તો મારી ફરજનો ભાગ છે’. બ્રૂક્સને કંઇ
સમજાયું નહીં. એણે પ્રશ્નાર્થભાવે જોયા કર્યું. ‘જો દોસ્ત, આ કામ
મને આઠ વર્ષનો હતો ત્યારે હોમવર્કમાં મળેલું’, પેલાએ વાત
વધારી, ‘મારી મમ્મીને રુમેટિક ફીવર (સંધિવાનો તાવ)
આવેલો. દાક્તરે સૂચના આપેલી, માને હસાવ, હસતી રાખ, તો જ એ એનું દર્દ ભૂલી શકશે. એટલે મેં દરેક વાત પર હસવું આવે એ રીતે બોલવાનું શરૂ કર્યું’.
૧૩ વર્ષની ઉંમરથી એક્ટિંગ શરૂ કરનાર એ મહાન કૉમેડિયનનું નામ છે, જીન વાઇલ્ડર. યસ,
‘વિલી વોન્કા એન્ડ ચોકલેટ ફેક્ટરી’ વાળો. મેલ-જીન ડ્યુઓએ એક પછી એક જબરદસ્ત સ્પૂફ આપ્યા. આ ડ્યુઓની
અમેરિકન ઓલ્ડ વેસ્ટ સભ્યતા પર કટાક્ષ કરતી પહેલી જ મૂવિ ‘બ્લેઝિંગ સેડલ્સ’ સુપર મૉકબસ્ટર બની. એમની હોરર પેરડી ‘યંગ ફ્રેન્કેસ્ટાઇન’ હૉલિવૂડની
શ્રેષ્ઠ કૉમેડીમાં સ્થાન ધરાવે છે. આ જોડીએ સ્પૂફ મૂવિઝને નવો વળાંક આપ્યો. ફિલ્મો
પરથી બનતા સ્પૂફ ઉપરાંત, સભ્યતા, રિવાજો, કોઇ ખાસ પાત્ર કે વ્યક્તિના વર્તનને પણ
સ્પૂફમાં સ્થાન આપ્યું.
આજે ૨૧મી સદીમાં વેયન્સ બ્રદર્સ સ્પૂફોલોજીમાં ફરી એક નવો તરંગ લાવ્યા છે. સીટમાં
બેઠાબેઠા ધ્રૂજાવતી ‘સ્ક્રીમ’ ફિલ્મની હોરર કથાને બેઝ રાખીને એમણે ‘સ્કૅરી મૂવિ’ સીરિઝ રજૂ કરી. દરેક
સીનમાં પહેલા ડરાવતો અને પછી જોરથી હસાવતો ગૅગ આ સીરિઝની ખાસિયત છે. એમાં વેયન્સ
બ્રદર્સે આઇ નો વોટ યુ ડીડ લાસ્ટ સમર, ધ સિક્સ્થ સેન્સ, ધ યુઝવલ સસ્પેક્ટ્સ,
ડોસન્સ ક્રીક, ધ મેટ્રિક્સ, ધ બ્લૅર વિચ પ્રોજેક્ટ્સ જેવાં સુપર હિટ મૂવિઝના
જાણીતાં દ્રશ્યોમાં ભય અને રમૂજ એકસાથે મૂકીને ફિલ્માવ્યા છે.
સ્પૂફ ફિલ્મોની સફળતા રાઇટર, ડિરેક્ટરની ઓડિયન્સ સમજવાની આવડત પર રહેલી છે. એમાં
સૌથી મોટી ચેલેન્જ છે, મૂળ ફિલ્મ ન જોઇ હોય એવા દર્શક પણ કૉમેડીની મજા લઇ શકે તેવી
રજૂઆત. સભ્યતા અને રિવાજ પરના કટાક્ષ બે-ધારી તલવાર પણ સાબિત થઇ શકે. અહીં
બૉલિવૂડમાં કદાચ એટલે જ સ્પૂફ બનાવવાનું જોખમ કોઇ લેતું નથી. આપણો સમાજ કૉમેડી
બાબતે કુંઠિત છે. આપણે ઇન્ડિયન્સ કોઇનો ઠઠ્ઠો મન મૂકીને માણીએ છીએ, પણ આપણી કોઇ
મજાક ઉડાવે તો સહનશીલતા લાલચોળ જવાબ આપી દે છે. એટલે જ અવૉર્ડ ફંક્શન કે ટીવીના
કૉમેડી શો સુધી જ આવા ગૅગ મર્યાદિત રહે છે. એમાંય કોરટ-કચેરી કરવા લોકો ઉધાડા પગે
દોડતા હોય છે.
એની વેઝ, પરીક્ષાઓ પતી હશે, નહીં પતી હોય તો પતી જશે. પછી વેકેશનની ખરી મજા
માણવી હોય તો, આપણે વાત કરીએ સ્પૂફ મૂવિઝ જોઇ કાઢજો. આ મૉકબસ્ટર્સમાં મેન વિથ ટુ
બ્રેન્સ, સ્ટુડન્ટ બૉડીઝ, ધ કેન્ટકી
ફ્રાઇડ મૂવી, રીપઝેસ્ડ, નેકેડ ગન, ઍરપ્લેન, હિસ્ટ્રી ઑફ વર્લ્ડ-પાર્ટ 1 પણ યાદગાર
સ્પૂફ મૂવિઝ છે. અને છેવટે કંઇ જ ન સૂઝે તો, ચાર-પાંચની ટોળકી ભેગી કરો. ટીવી પર
કોઇ પણ ચેનલ સેટ કરો. વૉલ્યુમ મ્યૂટ કરો. તમારી રીતે મજાકિયા સંવાદો બોલવાનું શરૂ
કરો. કંઇ ચીલાચાલુ કરવા કરતા સ્પોન્ટેનિયસ સ્પૂફની મજાથી આ વેકેશન યાદગાર બનાવો. શું
કહો છો?
Viral Mehta