17 માર્ચ, 2014

માનવી પહેલાં અને પછીની એક વાત (Udaan 38)

માનવી પહેલાં અને પછીની એક વાત
બે ડગલાં પછીનું કંઇ દેખાય નહીં એવું અંધારું હતું. એ પણ ભરબપોરે! ચારે બાજુ ઘેરા લીલાં રંગના અસ્પષ્ટ અંધકારમાં સપડાયો હતો. ઉપર નજર કરી તો દેખાયો સૂરજનો તલસાટ. અજવાળું ધરતી સુધી પહોંચતા પહેલાં જ વાંસના ઊંચાં ગીચ વૃક્ષોમાં પીંખાઇ જતું. દિવસ ચઢતો એમ જંગલની લીલાશ વધુને વધુ ઘેરી થતી હતી. રાતના કાળા ભમ્મર અંધારમાં ઉંડાણ કે અંતર હજીય અંદાજી શકાય. બે ઘડી આંખો મીંચી, ભીંસીને કંઇક કળી શકાય. પણ તમ્મર ચઢી જાય એવું લીલું ઘટ્ટ અંધારું જિંદગીમાં પહેલીવાર જોયું હતું. એની આંખો હવે રંગ કે અંતર પરખવાની ક્ષમતા ગુમાવી ચૂકી હતી. વરસાદી જંગલમાં એ કેમ્પથી ખાસ્સો દૂર નીકળી ગયો હતો.
તીરછી કિનારીનાં પાન સતત ઘસાવાથી સવીરના ગાલ છોલાઇ ગયા હતા. આંખો અને ગાલ પર એણે હાથની આડશ કરી રાખી હતી. જંગલમાં ભેજ અને લીલાશની વાસ નસ્કોરાં છોલાઇ જાય એવી તીવ્ર હતી. જમીન પર કે આસપાસ, બધું એક સરખું લાગતું હતું. ભેદી હરિત અંધારમાં રસ્તાની ભાળ કાઢીને આંખોમાં હવે રીતસર કળતર થતું હતું. આ ક્યાં આવી ગયો હતો એ? હારીને બેસી પડ્યો સવીર. આંખો પર જોરથી હાથ દબાવી દીધા. એને થયું જોરથી બૂમ પાડીને ચિત્કાર કરું. એવું કરવા પ્રયત્ન પણ કર્યો. પણ અવાજ ભયમાં રહેંસાઇ ગયો. બસ એ જ ક્ષણે જોણે કોઇ જૂની ઇમારતનો મોટો સ્તંભ આકાશમાંથી આવીને પછડાયો. બરાબર એ બેઠેલો ત્યાંથી એક હાથના અંતરે. ધણધણી ઉઠ્યું જંગલ.
સવીર કંઇ વિચારે એ પહેલાં એક બીજો થાંભલો જબરદસ્ત ધમાકા સાથે એની પીઠને લગભગ અડીને પછડાયો. એની આંખોમાં અંધારાં ઉતરી આવ્યાં. શું થવા બેઠું હતું આજે? શું કામ એ કોઇને કીધા વિના કેમ્પ છોડીને આવ્યો? હવે આ જંગલમાંથી એ પાછો ફરી શકશે? ઘરે માતા-પિતા, કોલેજના દોસ્તોને ફરી ક'દી મળી શકશે? કેટલાં સ્વપ્ન જોયાં હતાં સવીરે. સારું કામ કરશે, મોટું નામ કરશે. વિચારોમાં ઘેરાઇ, ગભરાઇ ગયો હતો ત્યાં ફરી એકસાથે બે થાંભલા અડખે-પડખે આવીને પડ્યા. નક્કી કોઇ ભયાનક કુદરતી આફત હતી. એનું મગજ કામ નહોતું કરતું. એની સામે હવે માત્ર સદીઓ અને યુગો સુધી ન કપાય એવો અંધકાર હતો. મૂર્છા ખાઇને એ ત્યાંને ત્યાં ઢળી પડ્યો.
જાણે હવે કેટલી સદીઓ સુધી એ આમ જ બેહોશ રહેવાનો હતો. આ ઘેઘૂર ગાઢ જંગલમાં. કોઇ રેસ્ક્યુ ટીમ આવે તોય એને શોધી શકવાની નહોતી. સ્ટડી ટૂર પર નીકળેલો સવીર હવે કોઇ અખબારના કોર્નરમાં અજાણી નોંધ બનીને રહી જવાનો હતો. અચાનક એની બંધ આંખ સામે સફેદ ખમી ન શકાય એવા તીવ્ર પ્રકાશનો ધોધ વરસ્યો. પોપચાંની તડ થોડી ખૂલી. નજર સામે એક ભયાનક મોટો ખડક એની ઉપર તોળાઇ રહેલો. કોઇ ગતાગમ પડતી નહોતી. કાળમીંઢ કદાવર ખડક એની ઉપર પડવાનો જ હતો. ત્યાં કાનના પરદા ચીરી નાંખતી એક ગર્જના સંભળાઇ. બંને હાથે કાન બંધ કરી આંખો ભીંસી સવીર બેઠો થઇ ગયો.
ઝીણી આંખે ચોતરફ જોયું તો પેલા ચાર મોટા થાંભલાની વચ્ચે એ કોકડું વળીને બેઠેલો. જંગલની બહાર. કઇ રીતે આવ્યો? કોણ લાવ્યું? થાંભલા પર ઝૂલતી મહાશિલા શું હશે? વિચારતો હતો ત્યાં એના માથે કંઇક અડ્યું. જાણે કોઇ હાથ ફેરવી રહ્યું હોય તેમ. ઊંચું જોયું તો.... બાપ રે.... ગરોળી જેવું જાનવર. ફૂટબોલના કદની એની આંખો. જૂના જમાનાની કોઇ તોતિંગ તિજોરી કરતાંય મોટું એનું માથું. રોડ પર જોયેલાં સિમેન્ટના મોટાં નળા જેવી લાંબી ડોક હતી એની. સવીરના માથાં પર કાળજીથી એ જાનવર જાણે સ્નેહ વરસાવતું હતું.
કોણ હશે? 'રાજા છે મારું નામ', માથે મુગટ જેવાં હાડકાં ધરાવતું જાનવર બોલ્યું, 'રાજાસોરસ નર્મદેન્સીસ. ૫૬ મિલિયન વર્ષ પહેલાંનો તારો વડદાદો. ડાયનોસોર અને માનવ વચ્ચેની છેલ્લી કડી. આ નર્મદાના ગાઢ જંગલો અમારું વતન. હવે કોઇ નેચર પાર્કમાં અમારાં માત્ર અશ્મિ (ફોસિલ) જોવાં મળે છે. તમારાં બેઝબોલના દડા જેવાં અમારાં ઇંડાં હવે પથ્થરના ગોળા બની ગયા છે'. સવીર આ મહાકાય ડાયનોસોરની વાતો જાણે સમજી રહ્યો હતો. સામે બોલવા ગયો પણ અવાજ ન નીક્ળ્યો. રાજાએ એના માથે ફરી સ્પર્શ કર્યો. હળવો સ્પર્શ. તોય હલબલી ગયો. એક મોટી ગર્જના કરી રાજા જંગલમાં જતો રહ્યો. સડકના બમ્પથી બસ ડગમગી. ડ્રાઇવરે ઇન્દ્રોડા પાર્ક પહોંચીને હોર્ન વગાડ્યું. સવીરની આંખ ખૂલી ગઇ. ફોસિલ પાર્ક આવી ગયો હતો.
દોસ્તો, માનવી આ સૃષ્ટિનું છેલ્લું સર્જન છે? કે ઉત્ક્રાંતિનું એક પગથિયું માત્ર? માનવથી આગળ પણ કંઇક હશે? એ શોધવા આપણે પૂર્વજો, વિષે ભણવું પડે. પેલિયોન્ટોલોજી, જીવાશ્મ વિજ્ઞાન. ભારત અને એમાંય ગુજરાત તો માનવ અને ડાયનોસોરને જોડતો છેલ્લો વારસો સંઘરીને બેઠું છે. ડાયનોસોરના અશ્મિઓની સૌથી મોટી બિછાત ગુજરાતમાં છે. તમારે એ વિષે ભણવું છે? તો જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, હૈદરાબાદમાં પેલિયોન્ટોલોજીમાં માસ્ટર્સ કરી શકાય. ટૂંક સમયમાં પ્રવેશ પરીક્ષાની જાહેરાત થશે. એની વેબસાઇટ જોતાં રહેજો. ક્વોલિફાઇડ પેલિયોન્ટોલોજિસ્ટને દુનિયા સામેથી પોંખવા આવે છે.
સવીર અશ્મિઓ જોતો પાર્કમાં ફરી રહ્યો હતો. ત્યાં વાંસની ઝાડીમાં દૂર કંઇક હાલ્યું. એણે જોયું તો એક કિંગફિશર પંખી ડાયનોસોરના વિશાળ મોડેલના મુગટ પર ઉડીને બેઠું હતું. સવીરે પાસે જઇને તકતી વાંચી. 'રાજાસોરસ નર્મદેન્સીસ'. એણે એના ચહેરા સામે જોયું, રાજા જાણે હસીને કહેતો હતો, 'બોલ ભણવું છેને અશ્મિ વિજ્ઞાન'?

Viral Mehta