14 માર્ચ, 2014

ટીનએજના મનગમતાં કેજમાં જકડતાં મૂવિઝની સફર (Hollywood Café 18)


ટીનએજના મનગમતાં કેજમાં જકડતાં મૂવિઝની સફર
બેલનો સાઉન્ડ એટલે કોઇવાર રણકાર પણ મોટેભાગે ભણકાર. બંને બેલ પાછાં જોડે જ વાગે. ટન.... ટન.... કરતો ટનથી વધારે વજનનો સ્કૂલનો બેલ. ટીન.... ટીન.... કરતો ઝણઝણાટી બોલાવતો ટીનએજનો બેલ. બંને પ્રકારમાં થોડું ઇન્વિટેશન, થોડું ઇવોકેશન, થોડું રિવોલ્યુશન, થોડું ઇવોલ્યુશન અને થોડું ઇરિટેશન. એક બાજુ સૌથી ડિફરન્ટ લાગવા સ્ટાઇલ આપણો અતોપતો શોધતી હોય. બીજી તરફ આપણે કોઇ ફ્રેન્ડનો અતોપતો શોધી એની સામેની બારીમાં સ્ટાઇલ શોધતા હોઇએ. આપણા હાલ-હવાલ, પહેરવેશ, દિમાગી હાલત જોઇ કોઇ બુદ્ધુ કહે તો, કહેનારની મૂર્ખતાને વાંકા મોઢે હસીને માફ કરી દઇએ. મનમાં નોટ્ટી નોટ્ટી ગૌરવની મોટ્ટી મોટ્ટી ફિલિંગ આવે. અને બોસ, આઇ એમ, વોટ આઇ એમ માનવાનો જે જલસો પડે, જે જલસો પડે.
મનમાં બેફામ ડાયનેમાઇટના ધડાકા થઉં થઉં થાય ત્યાં સ્કૂલ કોલેજની ડિસિપ્લિન વારેવારે ડાયનેમાઇટની વાટ બુઝાવી નાંખે. લાઇફનો આ એવો ફેઝ છે, જેના ફ્યૂઝ ગમે ત્યારે જોડાઇને, લાઇફ ટાઇમ કનફ્યૂઝ કરતા રહે છે. પેલી બારી પરથી પરદો ઉંચકવા આપણે હંમેશાં મથતા રહીએ છીએ. જ્યારે પરદો ખૂલે ત્યારે? જવા દો યાર, એ વાત સીક્રેટ રહે તો જ સારું. હું કહી દઉં ને ક્યાંક આ કેડી હોરોનની માફક તમારી પણ પોલ ખુલ્લી પડી જાય તો?
સોળ વર્ષે પહેલી જ વાર સ્કૂલમાં જતી કેડી હેરોનની વાત ખબર છે? એ સાયન્ટિસ્ટ મા-બાપની દીકરી છે. ૧૨ વર્ષ આફ્રિકા રહીને હોમસ્કૂલમાં ભણી છે. હવે આવી છે, મોમ-ડેડ સાથે અમેરિકા. સ્માર્ટ, ક્યૂટ, ઇનોસન્ટ કોડીને ક્લાસમાં જેનિસ અને ડેમેઇન સાથે દોસ્તી પણ થઇ. એમણે ખાસ કીધું કે, સ્કૂલના પ્લાસ્ટિક્સ ગ્રૂપથી દૂર રહેજે. પણ કોઇનું માને તો કેડી શાની? એ પ્લાસ્ટિક્સ ગ્રૂપ સાથે દોસ્તી કરે છે. ગ્રૂપ ક્વિન રેજીનાની એક સીક્રેટ ડાયરી ચોરે છે. ને પછી શરૂ થાય છે સ્કૂલ ગર્લ્સની ક્યાંય ન જોવા મળે એવી કટ્ટર ધમાલ.
રેજીનાના તમામ સીક્રેટ કોડીને ખબર છે. હવે એને રેજીનાને હટાવી સ્કૂલ ક્વિન બનવું છે. રેજીનાને હરાવવાના બધા પેંતરા એ અજમાવે છે. એના એક્સ-બોય ફ્રેન્ડ સાથે લવ-સ્ટોરી જમાવે છે. મોમ-ડેડની ગેરહાજરીમાં ઘરે એક નાની પાર્ટી થ્રો કરે છે. ત્યારે જાહેરમાં કેડીનાં રહસ્યો ખૂલી જાય છે. સ્કૂલ ગર્લ્સનાં સીક્રેટ, જેલસી, કાવાદાવાને રમૂજી રીતે ખુલ્લી મૂકતી એક ફિલ્મ છે,મીન ગર્લ્સ. સુપર ગ્લેમર ડૉલ લિન્ડસી લોહાનને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી આ મૂવિ મસ્ત છે. તમારી સ્કૂલમાં તમારી જાણ બહાર ચાલતી ખૂફિયા વાતો પરથી આ ફિલ્મ ઘણા પરદા ઉપાડે છે. ૨૦૦૪ની બોક્સ ઓફિસ બ્લોક બસ્ટર મીન ગર્લ્સની મજા એવી છે કે, એ તમારા મનની વાતો પણ રૂપેરી પરદે મૂકી દે છે. તો જોવી છેને આજે જ?
ટીન એજ એટલે એક સ્વપ્ન-કુમાર હોય કોઇ સ્વપ્ન-પરી હોય. પાંખોમાં આકાશની તમન્ના હોય ને આંખોમાં મેઘધનુષ. ટીન એજ એટલે એવું કેજ, જ્યાંથી છટકીને જિંદગીભર ત્યાં જ જકડાવાનું મન થાય. હૉલિવૂડ મૂવિઝમાં બેક ટુ સ્કૂલ થીમ પર બનેલી અનેક ફિલ્મો એટલે જ સુપર હિટ છે.
પાંચ ખૂંખાર ખુર્રાંટ એકબીજાથી ચઢે એવાં તોફાનીઓ એક જ ક્લાસ રૂમમાં ભેગા થાય તો? અમેરિકાની એક સ્કૂલમાં એવો શિરસ્તો છે. દર શનિવારે આવા બદમાશ સ્ટુડન્ટ્સે વાઇસ પ્રિન્સિપાલ રિચર્ડ સામે ડીટેન્શન માટે હાજર થવું. એવાં પાંચ નામચીન સ્ટુડન્ટ્સ છે, ઍલિસન, બ્રાયન, જ્હૉન, એન્ડ્રુ અને ક્લૅર. આ પાંચેય સાવ અલગ ગેંગના છે. એકમેક સાથે એમને કોઇ નિસ્બત નથી. કોઇની વાતમાં કોઇને રસ નથી. એક દિવસ પહેલી જ વાર આ પાંચેય ભેગા થઇ જાય છે. રાબેતા મુજબ રિચર્ડ એમને એક ઓરડામાં લઇ જાય છે. હજાર શબ્દોમાં મારો પરિચય વિષય પર નિબંધ લખવાનો આદેશ આપે છે. હવે આઠ કલાક આ ખૂંખાર તોફાનીઓ એક રૂમમાં છે. બહાર જવાની, ઉંઘવાની, સીટ પરથી ઊભા થવાની એમને પરમિશન નથી.
રિચર્ડના ગયા પછી જાત પર ખાસ્સો કન્ટ્રોલ કરીને બેઠેલા આ પાંચેય ધીમે ધીમે ઓરિજિનલ રંગમાં આવે છે. ઍલિસનને આ લોકોમાં કોઇ રસ નથી. એને ગમે તેમ કરીને આઠ બોરિંગ કલાક કાઢવા છે. જ્હૉન એની ફિરકી લેવાનું શરૂ કરે છે. હવે કોઇ મોટો હુડદંગ નક્કી છે. પણ અહીં એક ટ્વિસ્ટ આવે છે. બધાના આશ્ચર્ય વચ્ચે અલક મલકની વાતો શરૂ થાય છે. દરેક પોતાની કેફિયત બયાન કરે છે. એક પછી એક નવાં ખાનગી સીક્રેટ ખૂલે છે. નિબંધ એક બાજુ રહી જાય છે. છેલ્લા એક કલાકમાં બ્રાયન નિબંધ લખે છે. રિચર્ડ કરતા સાવ અલગ વિષય પર. નિબંધનું ટાઇટલ છે, ધ બ્રેક ફાસ્ટ ક્લબ.
તમારી સ્કૂલમાં હતા આવા બદમાશ તોફાનીઓ? કે પછી તમે ખુદ એવા હતા? એક પળે ખડખડાટ હસાવતી તો બીજી જ ક્ષણે ચોધાર આંસુએ રડાવતી આ ફિલ્મ ૧૯૮૫માં બનેલી. ડિરેક્ટર જ્હોન હ્યુજીસના માસ્ટર પીસ તરીકે આ મૂવિ આજે પણ એટલું જ મશહૂર છે. હાઇસ્કૂલ ડ્રામા ફિલ્મોમાં આવી કોઇ ફિલ્મ બની નથી એવું ક્રિટિક્સ પણ માને છે. ખૂંખાર સ્ટૂડન્ટ્સની લાઇફને બારીકાઇથી સમજાવતી આ ફિલ્મ તમે પણ અચૂક જોઇ લેજો.
તમે કોઇવાર સ્કૂલના રી-યુનિયનમાં ગયા છો? હવે ફરી જાવ ત્યારે જરા ધ્યાન રાખજો. શક્ય છે, ફરી પાછા થોડાં વર્ષો પહેલાંના સમયમાં સરી જાવ. મેચ્યોર લાગતા ફ્રેન્ડ્ઝ, બોય-ફ્રેન્ડ્ઝ ફરી યુવાન થઇ જાય. દાદા-દાદી જે ઘરની તસવીરોમાં હતા એ જીવતા જાગતા તમારી સામે બેઠાં હોય. એ અમસ્તાં પૂછે, બોલ બેટા કોઇ પ્રોબલેમ તો નથીને? ત્યારે રી-યુનિયનમાં જતા પહેલાં પતિ સાથે થયેલા ઝગડાની વાત નીકળે. દાદા-દાદી તો ચમકીને ઊભાં જ થઇ જાયને? તમારે માટે ભલે થોડા કલાકો પહેલાંની વાત હોય, પણ દાદા-દાદી? એમના માટે તો તમે હજી સ્કૂલમાં છો. એમને તમારા પતિ વિષે ક્યાંથી કંઇ ખબર હોય? પેગી સુ સાથે આવું થયું હતું. વર્તમાન અને ભૂતકાળમાં એક સાથે ચાલતી પેગી સુ ગોટ મેરિડ મૂવિમાં. ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાની આ ફિલ્માં નિકોલસ કેજ, જીમ કૅરી, હેલન હન્ટ, કેથલીન ટર્નર જેવાં ખ્યાતનામ કલાકારો છે. તમારી સ્કૂલના આ વખતાના રી-યુનિયનમાં આ મૂવિ રાખજો. જૂના દોસ્તો સાથે હસીને લોટપોટ થવાનો અનુભવ ખરેખર યાદગાર રહેશે.
હાઇસ્કૂલ ડ્રામાની વાત ડેડ પોયટ્સ સોસાયટી વિના અધૂરી રહે. એક ક્રાંતિકારી ભાષા શિક્ષકની અનોખી વાત. કવિતા સમજવા ભાષાનું ગણિત ઊર્ફે વ્યાકરણ ગોખવાની ક્યાં જરૂર છે? એને નિયમો પ્રમાણે રેન્ક અપાય? કવિતા, નવલ કથા તો દિલને દિલના સ્પર્ષની વાત છે. એમાં પેલા સ્થાપિત થયેલા મંચબાજી કરનારા, શિબિરો ભરનારા, દેખાડો કરનારાની કોને ગરજ? ક્લાસરૂમની પણ શી જરૂર? નીકળી પડો ચોગાનમાં. પહોંચો કોઇ ગુફામાં. અનુભવો કવિના હૃદયના ધબકાર તમારા સીનામાં. તમને ખરેખર લાગશે તમારામાં પણ કોઇ રચનાકાર હયાત છે. ફિલ્મની કથા સ્ક્રિપ્ટ રાઇટર ટોમ શૂલમેનને મોન્ટગોમેરી એકેડેમીમાં થયેલા અનુભવો પર આધારિત છે. યુવાનોમાં હંમેશાં પ્રિય રહેલી પિટર વૅરની આ ફિલ્મ કોઇ પણ સમયે હિટ રહી છે. તમે જોઇ છે?
જીવનનાં બધાં સંભારણાંમાં હાઇસ્કૂલની યાદો સૌથી મોખરે રહે છે. એક સરખી ઉંમરના ક્લાસ મેટ્સ સાથે લઢતા ઝગડતા મોટા થવાનો રોચક લ્હાવો જિંદગીમાં એક જ વાર મળે છે. એટલે જ દરેકને કોલેજ કરતાં સ્કૂલના એ નાદાન, રમતિયાળ, ધૂળિયા, સેપિયા ટોન પકડી ચૂકેલાં સ્મરણો વધુ લાઇવ લાગે છે. કોલેજ તો દુનિયાદારીની સમજણ પછીની વાત છે. સ્કૂલ યારી-દિલદારીનું પહેલું પગથિયું છે. હૉલિવૂડના કાબેલ ડિરેક્ટર્સ આપણને ટીનએજની રોમાંચક રી-વિઝિટ કરાવતા રહે છે.
Viral Mehta