અજબના કોર્સ ગજબની કરિયર
બેસ ભણવા નહીંતર કાઢી મેલીશ ઘરમાંથી. કામકાજ કરવું નહીં, મળેલી જોબ ચચ્ચાર મહિનામાં છોડી દેવાની ને રખડી ખાવાનું બૂડથલો ભેગા. આખી જિંદગી આ ટણટણીયું જ વગાડવાનો વારો આવશે. બંધ કરે છે કે, તારા બાપાને ફોન કરું?
ગુજરાત જ નહીં, દેશના બધા ઘરોમાં ગ્રેજ્યુએટ્સને, એક યા બીજા કરાણે, મમ્મી આમ જ વઢતી હશે. એય શું કરે? ટેલેન્ટ, હોબી, આર્ટ, રસના વિષયોને છેક સ્કૂલથી ઇતર પ્રવૃત્તિમાં ખપાવતાં ભણતરની બલિહારી છે, દોસ્તો! આજે બબલુનો પણ વારો હતો. એના રૂમમાં ગિટારનો અવાજ સંભળાયો કે મમ્મી બગડ્યાં. બબલુ પણ સમસમીને બેઠેલો, 'નહીં કરું બંધ જા. કર ફોન ડેડીને. કહી દે હું જઉં છું ઘર છોડીને'. મમ્મી તો બબલુના વળતા એટેકથી હબક ખાઇ ગયાં. દોડતા પહોંચ્યા એના રૂમમાં. બબલુ હસતો હસતો બોલી રહેલો. એણે મમ્મીના હાથમાં લિવરપુલ યુનિવર્સિટીનો એડમિશન લેટર આપ્યો. મમ્મીનો બધો ગુસ્સો ઉતરી ગયો. લેટર વાંચીને આશ્ચર્ય થયું કે, આવો વળી કેવો કોર્સ. એ પણ માસ્ટર્સ?
MA ઇન 'ધ બીટલ્સ'. બોલો, છેને અજબનો કોર્સ. વિશ્વમાં આજ સુધીના સૌથી સફળ પોપ ગ્રૂપનો કેસ સ્ટડી હવે ઓફિશિયલ અભ્યાસક્રમ બની ગયો છે. છેલ્લા ૫૦ વર્ષમાં પોપ-સંગીતમાં આવેલાં પરિવર્તનો. એની સમાજ પર પોઝિટિવ અસરો. બીટલ્સનું યોગદાન. જેવાં અનેક સબ્જેક્ટ્સ પરનો આ કોર્સ 'ધ વર્લ્ડ કેપિટલ સિટી ઓફ પોપ' લિવરપુલમાં ૨૦૦૯થી ભણાવાય છે. વિશ્વનો આ એકમાત્ર અનોખો કોર્સ છે. મોડર્ન ડે મ્યૂઝિક બફ આ ભણીને કલ્ચર સ્ટડીઝમાં ઉજ્જ્વળ કરિયર બનાવી ચૂક્યા છે. સ્વિટ્ઝરલેન્ડની સારા કેલોગ તો ગર્વથી કહે છે, 'મારો રેઝ્યુમે બધા કરતા અલગ છે, 'આઇ એમ ધ વોલરસ'. બીટલ્સના ગીતકાર જ્હોન લેનનના શબ્દોમાં વોલરસ એટલે સપનાંને હકીકતમાં બદલનાર. કદાચ તમે પણ, ખરું?
આઉટ ઓફ બોક્સ થિંકિંગના મોટા ઉપાડે ચાવળા કાઢતા એજ્યુકેશન માર્કેટિંગના ખાંટુઓને સમજાવી દો કે, ખરું ક્રિએટિવ થિંકિંગ કોર્સની નવીનતામાં છે. સ્ટુડન્ટને એક બોક્સમાંથી આઉટ કરીને બીજા બોક્સમાં ઝીંકવાના કાવતરાંમાં નહીં. કેનેડામાં હમ્બર કોલેજના હેડમાસ્તરની મજાક ઉડાવો તો હાઇએસ્ટ માર્ક મળે. કોઇ ડીન કે ફેકલ્ટીના ચાળા પાડો, પેટ નેમ આપો તો શાબાશી અને કદાચ મેડલ પણ મળે. હા, હમ્બર કોલેજ કોમેડી માટે ખરેખર સિરિયસ છે. એની સ્કૂલ ઓફ ક્રિએટિવ એન્ડ પરફોર્મિંગ આર્ટ્સમાં તમે કોમેડી રાઇટિંગ અને પરફોર્મન્સમાં ડિપ્લોમા કરી શકો છો. બોલો, છે કોઇ આવો કોર્સ અહીંયા? બોગસ બોગસ થિયરી, બોગસ પ્રોજ્ક્ટ, બોગસ રિસર્ચ શીખીને પપ્પુ ઓપિનિયન પોલના કૌભાંડ ન કરે તું શું કરે બાપડો?
તાણ વધારનારું, ઉત્સાહ તોડનારું શિક્ષણ ક્યાં સુધી ચાલે? સ્પર્ધાની આડમાં હુંસાતુંસી, ચડસાચડસી, તિરસ્કાર, વેર અને છેવટે કામચોરી માટે પ્રેરતું શિક્ષણ શું કરવાનું? ભારતમાં તાજેતજરમાં ચગેલી સૌથી મોટી સમસ્યા એટલે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચાર એટલે શું જાણો છો? કામચોરી. કાબેલિયત, હુન્નર, ક્ષમતા વિના, ડિગ્રી અને પોસ્ટની ધાક બેસાડીને બેઠાબેઠા લાયકાત કરતા વધુ પૈસા બનાવાવના શોર્ટકટ શોધવા એટલે કામચોરી. આ રોકવા શિક્ષણ બદલવું પડે. રિઝલ્ટ, ટાકાવારી કહે તે હીરો ને બાકી બધા ઝીરો એ બદલવું પડે. ટીચર બનવા સૌથી ઊંચું પરિણામ લાવનારને જ લાયક ગણવા પડે. ઓછે ટકે ને પાંખી તકે મજબૂરીથી લોકોને ટીચર બનાવવાનો જુલમ ન કરાય.
વિદ્યા એટલે મનને, જીવનને હળવું ફૂલ કરતી મુક્તિની અનુભૂતિ. 'सा विद्याया विमुक्तये'. ભણવાની મજા વિમુક્તિમાં છે. બોલો તમારે કોલેજમાં જઇને મનગમતાં મૂવિ જોવાં છે? બેઠાંબેઠાં મ્યૂઝિક સાંભળવું છે? ફોરેનની કે દેશી ટીવી સિરિયલો જોઇને ટાઇમપાસ કરવો છે? હોલિડેઝ એન્જોય કરવા છે? મ્યૂઝિયમ્સમાં લટારો મારવી છે? મસ્તીની દુનિયામાં કરિયર બનાવી છે? હા, આ બધા જ વિષયોમાં મસ્તી કરતા કરતા ભણાય એવાં અભ્યાસક્રમને પોપ કલ્ચર સ્ટડી કહે છે. પછી જુઓ માસ મિડિયા, જર્નાલિઝમ, સોશિયલ કમ્યુનિકેશન, એડવર્ટાઇઝિંગ જેવાં સૌથી આધુનિક કરિયર ક્ષેત્રોમાં ધમધોકાર કરિયર તમારી રાહ જુએ છે. આ અભ્યાસ માયામી સ્કૂલ ઓફ પોપ કલ્ચર સ્ટડીઝમાં ભણી શકાય છે. ઓહાયો, યુએસની બ્લોઇંગ ગ્રીન સ્ટેટ યુનિવર્સિટીઝ પણ પોપ સ્ટડી કોર્સીઝ ઓફર કરે છે. પછી મમ્મી ટીવી જોતાં રોકે તો કહી દેવાનું હું ભણું છું, ડુ નોટ ડિસ્ટર્બ.
નેવાડા, લાસ વેગસ. નામ પડેને કસિનો, પાર્ટીઝ, નાઇટલાઇફની ચકોચૌંધ, ધમાધમ ધૂમના દ્રશ્યો દેખાય. અહીં એ સિવાય પણ એક જગ્યા પ્રસિદ્ધ છે. યુનિવર્સિટી ઓફ નેવાડા. એમાં એક અજબ કોર્સ ચાલે છે. એન્ટરટેનમેન્ટ એન્જિનિયરિંગ એન્ડ ડિઝાઇન. વિશ્વનું એન્ટરટેનમેન્ટનું વડું મથક લાસ વેગસ જ આ કોર્સની કલ્પના કરી શકે. દુનિયામાં સૌથી ઝડપથી વિકસી રહેલો ધંધો છે, એન્ટરટેનમેન્ટ. આ ક્ષેત્રમાં એન્ટરટેનમેન્ટ ડિઝાઇનર્સની ભારે ડિમાન્ડ છે. કોઇ એક ગ્રૂપના સભ્યોને ઝડપથી સમજીને એમને પ્રસન્ન કરે એવું મનોરંજન ત્વરિત ઊભું કરવું. કોઇ તૈયાર મનોરંજન સેન્ટરમાં વૈવિધ્ય લાવવું. સાવ નવા મનોરંજનો શોધવાં. એ આ કોર્સમાં ભણાવાય છે. બોલો, જવું છે નેવાડા?
ડીસિશન લેવામાં, જજમેન્ટમાં તકલીફ પડે છે? મન હા કહે પણ ફેમિલી ના કહે તો? કોઇ પૂછે કે શું ભણો છો અને શું કરશો તો જવાબ આપતા આંટા આવી જાય છે? એવું તો કોઇ પણ કોર્સમાં થવાનું દોસ્તો. એટલે જ ઇન્ડિયાના યુનિવર્સિટીની કેલિ સ્કૂલ ઓફ બિઝનેસ, ડીસિશન સાયન્સમાં પી. એચડી. સુધીના કોર્સ ઓફર કરે છે. તો મૂકો બધું અસાઇડ, કરો ડીસાઇડ. ભણો કોઇ કોર્સ અજબ ને બનાવો કરિયર ગજબ!
Viral Mehta