7 માર્ચ, 2014

મૂવિ ચાહકોને ચોંકાવતા ટાઇટલ્સનું તોફાન (Hollywood Café 17)

મૂવિ ચાહકોને ચોંકાવતા ટાઇટલ્સનું તોફાન
બિરબલ નાનપણથી કૅફેમાં બધાનો માનીતો હતો. એના પિતા જમાદાર બહાદૂરસિંગ શહેરમાં ભણવા લઇ આવેલા. જો કે, બિરબલ જેનું નામ, એ ભણે? એ તો ભલભલાને ભણાવે એવો ચબરાક હતો. ખાસ્સા લાંબા સમયે લગ્નની રજા પરથી પાછો આવેલો. કૅફેના તોફાનીઓ એની ફિરકી લેવા તૈયાર હતા. પરંતુ, એની જોડે મસ્તી કરવામાં ક્યાંક પોતાની ફિલમ ન ઉતરે એનું પણ ધ્યાન રાખવાનું હતું. સૌ એની રાહ જોતા હતા, ત્યાં એનાઉન્સમેન્ટ થયું. બિરબલ બહાદૂરના લગ્નની ખુશીમાં, કૅફેના પાંચેય સ્ક્રીન પર આજે ફ્રી મૂવિઝ જોવા મળશે.
પાંચેય સ્ક્રીન પર ધમાકેદાર મૂવિઝ હતાં. ધ ફાસ્ટ એન્ડ ધ ફ્યૂરિયસ. કેચ મી ઇફ યુ કેન. ઇન્ડિપેન્ડન્સ ડે. આયર્ન મેન. મૅન ઇન બ્લૅક. મૂવિ હોલમાં બિરબલે બધાનું સ્વાગત કર્યું, આવો દોસ્તો જુઓ હવે કમાલની ધમાલ. તોફાની પલટન પોતપોતાને ગમતા મૂવિની મસ્તીમાં ખોવાઇ ગઇ.
મૅન ઇન બ્લૅક શરૂ થઇ. જોનારના આશ્ચર્ય વચ્ચે વ્હાઇટ ડ્રેસમાં ત્રણ મેડિકલ સ્ટુડન્ટ સ્ક્રીન પર આવ્યા. બધાને થયું આ બિરબલની વળી કોઇ મજાક લાગે છે. હમણાં વિલ સ્મીથ અને ટોમી લી જોન્સ બ્લૅક ડ્રેસમાં આવશે. એલિયન્સ સાથે વોર શરૂ કરશે. કોઇ બીજા ગ્રહ પર જશે. એવું તો કંઇ થયું નહીં પણ પેલા ત્રણ ડોક્ટરીના સ્ટુડન્ટનું તોફાન શરૂ થયું. વર્ષોથી સતત છેલ્લા ક્લાસમાં ડચકાં ખાતાં આ ત્રણ જણને કોલેજ છેવટે ડોક્ટર જાહેર કરવાનો નિર્ણય કરે છે. એમાંય આ ત્રણ પોતાની ઓળખ છૂપી રાખવાની સામી શરત મૂકે છે. લોક સેવા માટે સમર્પિત રહેવાના વચન સાથે એ શરત મંજૂર રાખવામાં આવે છે.
આ ત્રણ બબૂચકો કોઇ વાર પેશન્ટની દવા પી જાય. તો કોઇ ચાલુ ઓપરેશને પેશન્ટના પેટમાં કાતર લટકાવી ફિઝિક્સનો બાકી રહેલો પ્રેક્ટિકલ પૂરો કરે. એક પછી એક અવનવી ધિંગામસ્તીમાં ઓડિયન્સ હસી હસીને બેવડ વળી ગયું. એક તબક્કે તો બધા ભૂલી પણ ગયા કે અહીં મૅન ઇન બ્લૅક જોવા બેઠા છે. ફિલ્મ પતી અને ટાઇટલ જોયાં તો ફિલ્મનું નામ એ જ હતું. ૧૯૩૪માં આવેલી મૅન ઇન વ્હાઇટ પરની આ સ્પૂફ ફિલ્મ હતી. હા, સુપ્રસિદ્ધ થ્રી સ્ટૂજીઝ સીરિઝની સિક્વલ પણ ખરી. ડિરેક્ટર હતા બૅરી સોનેનફિલ્ડ. ફિલ્મ બેસ્ટ શોર્ટ સબ્જેક્ટ કોમેડી માટે ઓસ્કર નોમિનેશન મેળવી ચૂકી હતી.
ત્યાં આયર્ન મેનના પરાક્રમો જોવા બેઠેલું ઓડિયન્સ તો બોક્સિંગ જોતું હતું. મૂવિનો હીરો બોક્સિંગનો ખેલાડી છે. એની હાલત ખરાબ છે. જીત મળતી નથી. પત્ની છોડીને જતી રહે છે. એ સદમા પછી ખેલાડી ગેમ માટે ગંભીર બને છે. પોતાની જાતને લોઢાની માફક મજબૂત બનાવે છે. એક પછી એક ટાઇટલ જીતે છે. પત્નીને ખબર પડે છે. પ્રસિદ્ધિ અને સમૃદ્ધિ જોઇ પાછી ફરે છે. પતિના જૂના એજન્ટને હટાવી પત્ની નવો માણસ રાખે છે. જે એનો છૂપો પ્રેમી છે. સસ્પેન્સ, એક્શન, ડ્રામા, થ્રીલથી ભરપૂર આ મૂવિનું નામ પણ આયર્ન મેન હતું. ૧૯૩૧માં ટોડ બ્રાઉનિંગે બનાવી હતી. એક આયર્ન મેન ૧૯૫૧માં પણ બનેલી. આ જ ફિલ્મની રી-મેક હતી. આશ્ચર્યની વાત એ છે કે, ૧૯૨૫માં બનેલી એક સાયલેન્ટ ફિલ્મનું નામ પણ આયર્ન મેન હતું. અત્યાર સુધીની ફિલ્મોનું ટોટલ મારો તો ૨૦૧૫માં આવનારી રોબર્ટ ડાઉની જૂનિયરની આયર્ન મેન ૪ સાથે સાતથી વધુ ફિલ્મો આ જ નામથી બની છે.
બિરબલ પર લોકો એમ જ આફરીન નહોતા. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસનું ઓડિયન્સ પણ કોઇ નવી વાતમાં ખોવાઇ ગયેલું. જેલ તોડીને ભાગેલો કેદી સામાન્ય લોકોના હાથમાં ઝડપાઇ જાય છે. એટલે પેલો એક યુવાન છોકરીને ત્યાંથી જ કિડનેપ કરી ભાગે છે. સંતાતો ફરે છે. પેલી છોકરી સાથે સતત બબાલો પછી પ્રેમ થાય છે. હવે આગળ નવી લાઇફ છે અને પાછળ પોલિસ. ક્રોસ બોર્ડર કાર રેસમાં ભાગ લઇ મેક્સિકો ભાગી જવાનો બંને પ્લાન કરે છે. રેસમાં કાર ચાલુ કરતાં જ સામે પોલિસ આવી જાય છે. કોણ ફૂટી ગયું હશે બોલો? ના, હું નહીં કહું. ૧૯૫૫ની જ્હોન આયર્લેન્ડની ધ ફાસ્ટ એન્ડ ધ ફ્યૂરિયસ જોઇ લો. આ નામની એક કોમેડી મૂવિ ૧૯૩૯માં પણ બનેલી. એમાં ક્રાઇમ સોલ્વિંગ કપલનું તોફાન હતું. એની ત્રણ સિક્વલ બનેલી. ત્રણેમાં કપલ બદલાતાં હતાં. બોલો છે ને કમાલ!
કેચ મી ઇફ યુ કેન જોનારા પણ એવાં જ આશ્ચર્યમાં હતા. સ્ક્રીન પર ટોમ હેન્ક્સ નહોતો કે, ન લિયોનાર્ડો, ન ચોર પોલિસની રમત. છતાં મજાની મૂવિ હતી. એમાં હતી એક સ્ટુડન્ટની સ્ટ્રગલની વાત. પોતાની સ્કૂલને બચાવવા સ્ટુડન્ટ લીગલ એજ ન હોવા છતાં એક ઓટોમોટિવ રેસમાં ભાગ લે છે. ૧૯૮૯માં લેખક, દિગ્દર્શક સ્ટીફન સોમર્સની ડેબ્યુ ફિલ્મ હતી કેચ મી ઇફ યુ કેન. મને ખબર છે, તમે જોઇ છે. આવી રેસ, કોમ્પિટિશનની સ્ટોરી પરથી બનેલી પેલી બે હિન્દી ફિલ્મો. સ્ટુડન્ટ ઓફ ધ યર અને યારિયાં. પેલું કહે છેને, અમસ્તી વાતમાં, ક્યાંનું ક્યાં નીકળે, શુંનું શું નીકળે; સાવ અણધાર્યું જ્યાંનું ત્યાં નીકળે, હુંનું તું નીકળે. એવો ખેલ પાડેલો આજે બિરબલે. જોવા ગયાં કંઇક ને નીકળ્યું કંઇક. પણ જે હતું એમાં અલગ રોમાંચ હતો.
ઇન્ડિપેન્ડન્સ ડે પણ સાવ જુદી કથા પર બનેલી મૂવિ હતી. પૃથ્વિ પર આવી ચઢેલા એલિયન્સની સલ્તનત નેસ્તોનાબૂદ કરતા વિલ સ્મીથની વાત જ નહોતી. અમેરિકન નોવેલિસ્ટ એલિસ હોફમેનની કથા પરથી બનેલી ૧૯૮૩ની ઇન્ડિપેન્ડન્સ ડે રોબર્ટ મેન્ડેલે ડિરેક્ટ કરેલી. વુમન એમ્પાવરમેન્ટની એક સાથે એનેક કથાઓ આ ફિલ્મના તાણાવાણા ગૂંથે છે. કોઇ નાના સબર્બમાં રેસ્તરાંની વેઇટ્રેસ તરીકે કામ કરતી મૅરીને ફોટોગ્રાફીમાં કરિયર બનાવવી છે. એણે પોતાની આર્ટથી રેસ્તરાં સજાવી છે. ત્યાં એકવાર જેક પાર્કર આવે છે. મોટાં અને આધુનિક શહેરોની જાહોજલાલી કરતાં આ રેસ્તરાંનું વાતાવરણ એને ગમી જાય છે. મૅરીને પોતાની કલામાં આગળ વધવા હિંમત આપે છે. બંને વચ્ચે સ્નેહનો તંતુ જોડાય છે. બીજી તરફ જેકની પરણેલી બહેન પતિના અત્યાચારનો ભોગ બને છે. મૂંગા મોંઢે, લોક લાજે સહન કરતી જાય છે. છેવટે જેક અને મૅરીને ખબર પડે છે. એને મદદ કરવા આગળ આવે છે. પરંતુ, બહેન ના કહે છે. અંતે બહેન જે પગલું ભરે છે, એ કોઇનીય કલ્પના બહારનો વિષય છે. ઇન્ડિપેન્ડન્સ એટલે કે આઝાદી, મુક્તિના વિષયને સાવ નવી રીતે આલેખતી આ ફિલ્મ આજે પણ કલેક્શનના શોખીનોમાં ફેવરિટ છે.
કૅફેમાં એક પછી એક મૂવિ પત્યાં અને તોફાની ટોળકીઓ બહાર આવતી ગઇ. બધા મોટા રાઉન્ડ ટેબલ પર ચૂપચાપ બેસીને આ ફિલ્મોના અનુભવો વિચારતા હતા. ત્યાં બિરબલ આવ્યો. સાથે એની પત્ની માલિહા પણ હતી. પણ આ શું? બંનેના હાથમાં સફરજન જેવું રતુંબડું એક એક બાળક? બિરબલના ટ્વિન્સ હતાં. દીકરીનું નામ અગ્રીમા અને દીકરો અદ્વય. બિરબલના આ સરપ્રાઇઝથી તોફાની ટોળીએ ધમાલ મચાવી દીધી. ઓત્તેરીકી.... હવે ખબર પડી, સાહેબ આટલી લાંબી રજા પર કેમ હતા. પણ હજી બિરબલનું એક વધુ સરપ્રાઇઝ બાકી હતું. મિઠાઇના બોક્સમાં મૂકેલું એક લિસ્ટ.
મિલિયન ડોલર બેબી, બ્રેવહાર્ટ, બેડ બોય્સ, ટ્વાઇલાઇટ, ગ્લેડિયેટર, ક્રેશ, ચોકલેટ, ધ આઇલેન્ડ, મિ. એન્ડ મિસિસ સ્મિથ, સ્પીડ, ધી અપાર્ટમેન્ટ, ધી એવેન્જર્સ, બ્રોકન એરો, ધ ઇગલ.... લિસ્ટમાં નહીં નહીં તોય વીસેક સુપર હિટ મૂવિઝનાં નામ હતાં. હા, આ બધા જ નામ પરથી તમે જાણો છો એ સિવાય સાવ અલગ સ્ટોરીલાઇન પર પહેલાં પણ ફિલ્મો બની છે. એ બધી પણ એવી જ સુપર હિટ હતી. મોકો મળે તો અચૂક જોઇ લેજો. શોખીનોના કલેક્શનને આ ફિલ્મો બેશક સમૃદ્ધ કરશે.
Viral Mehta