આપશાહી, બાપશાહી ને લોકશાહી
બ્રોન્ઝ હિલ પરની પેલી વિલા જુઓ તો દોમદોમ સાહેબી દૂર દૂર સુધી પથરાયેલી દેખાય. નજીક જતાં દેખાય, વિલાની ભવ્યતાને બરાબર અધવચ્ચેથી કાપતો તોતિંગ મનભેદ. સાહેબીના હક્કદારો વચ્ચેના પાડાખારની ચાડી ફૂંકતી મોટી દીવાલ. એક તરફ ઇન્ડેપ્સના માલિકો રહે ને બીજી તરફ હિન્ડેપ્સના. વિશાળ સામ્રાજ્યના સ્થાપકની વિદાય પછી સૌથી મોટો સોફ્ટવૅર જાયન્ટ બે હિસ્સામાં વહેંચાઇ ગયેલો. હવે મોં જોવાના પણ સંબંધ નહોતા. મકાનના દરવાજા પણ એક બીજાથી વિરૂદ્ધ દિશામાં ખૂલતા.
ટેકરી ઉતરતા મોટું ચોગાન આવે. ત્યાં કર્મચારી આવાસના પણ બે ભાગ. આવાસ સંકુલ પછી એ જ રીતે વહેંચાયેલી બંનેની કોર્પોરેટ ઓફિસ. એક જ ગ્રૂપ હતું ત્યારે વિશ્વનું સૌથી મોટું ગ્રૂપ ગણાતું. હવે સંપત્તિ વહેંચાતા એ સાખ પણ તૂટી હતી. ઇન્ડેપ્સના સંચાલકો અસલ સ્થાપકોની નીતિને ચોક્કસ અનુસરતા. પરંતુ, યુવા એમડીમાં અનુભવનો અભાવ હતો. અનુભવી બોર્ડ મેમ્બર્સમાં હવે પહેલાં જેવી ધગશ નહોતી. આઉટ સોર્સિંગ કરવું પડતું. એમાં સતત નિષ્ફળતા મળતી. હિન્ડેપ્સના નવા ચેરમેન કાબેલ હતા. પરંતુ, ચેરમેનના તાનાશાહ જેવા સ્વભાવથી બોર્ડમાં અંદરખાને અણગમો રહેતો અને કર્મચારીઓમાં ગભરાટ. એમની ધાક એવી હતી કે ન છૂટકે એમના ગુણગાન કરવા પડતા. એક જાયન્ટના તૂટવાથી માર્કેટમાં અન્ય નાના-મોટાં ગ્રૂપ પણ ઊભાં થયેલાં. હવે તો એ બધા પણ પોતાને નંબર વન ગણાવતા.
આ બંને જૂથની સાઠમારીનો અજાણતા જ ભોગ બન્યું હતું એક નવયુગલ. અરણી, યુએસની ડિગ્રી ધરાવતી યુવાન સોફ્ટવૅર એન્જિન્યર અને એનો પતિ, ડાયનેમિક યુવાન ડો. મંથન. કંપનીના ભાગલા પછી હવે અરણી ઇન્ડેપ્સની પ્રેસિડેન્ટ હતી અને મંથન હિન્ડેપ્સમાં સોફ્ટવૅર રિસર્ચ હેડ. એમનો પ્રોબલેમ હતો ઘર! એક કંપનીના કર્મચારી હવે બીજી કંપનીના મકાનમાં રહી શકે તેમ નહોતા. આજે એક કોફી શોપમાં હસતાં હસતાં બંને ઉગ્ર થઇ ગયાં. મધુર તકરારમાંથી ચકમક ઝરી. કરિયર અને પ્રગતિ માટે અરણી પાછા વિદેશ જવાની વાત કરતી હતી પણ મંથન આ ધરતી અને કર્મને સમર્પિત હતો. બાજુના ટેબલ પર બેઠેલા એક સિનિયર સિટિઝન એમની વાત સાંભળી મનમાં હસી રહ્યા હતા.
'સાંપ્રતરાય મારા મિત્ર હતા. આપણી સંસ્કૃતિના સમરસ સિદ્ધાંતના આગ્રહી. દરેકને સમાન દરજ્જો એમનું લક્ષ હતું'. વડીલ પોતાની મસ્તીમાં બોલી રહ્યા હતા. 'પશુપતિનાથ, મારું નામ'. બંને સામે હસીને એમણે કહ્યું, 'ફારસી ભાષામાંથી સંસ્કૃતમાં એક શબ્દ આવ્યો સિંધુ જે બન્યો હિન્દુ. ઇન્ડસ વેલી, સિંધુ ખીણની સભ્યતાના આપણે વંશજો. હડપ્પન સભ્યતામાં સમરસતા હતી. પદ-પ્રતિષ્ઠા, ઊંચા-નીચાં, જાત-ભાત જેવાં કોન્સેપ્ટ નહોતા. એટલે ત્યારના લોકો ખુશમિજાજ હતા. આજની માફક ટકાવારીની સ્પર્ધાના ભણતર અને કરિયર, પેકેજની દોટમાં ખતમ થતી માનવતા નહોતી'. બંને હવે પશુપતિનાથ સામે બેસી ગયાં.
'સાંપ્રત ચાહતો કે આ કંપની સમરસ લોકશાહીથી ચાલે. કોઇ સાહેબ નહીં, કોઇ ક્લાર્ક નહીં. બધા જ લોકો કર્મચારી. સાંપ્રતના ગયા પછી વારસદારો અને બોર્ડ અલગ થયા. હવે એક તરફ આપશાહી છે ને બીજી તરફ બાપશાહી'. વડીલે હસીને કીધું. 'તો સર અમે શું કરીએ'? અરણીએ પૂછ્યું. 'અરણી મંથનથી પવિત્ર અગ્નિ પ્રગટે છે. તો પ્રગટાવો જ્ઞાનની જ્યોત. જગાડો એમણે સૂવાડી દીધેલા આપણા સાંપ્રતને. લખો લોકશાહીનું નવું ભવિષ્ય'. 'એ અમે કેવી રીતે કરી શકીશું, અમે તો....' 'સોફ્ટવૅર એન્જિનિયર્સ, ખરું'? મંથનની વાતમાં સૂર પૂરાવી વડીલ હસ્યા.
'આ જ તો આજના ભણતરની ખાનાખરાબી છે, દોસ્ત. સ્ટુડન્ટને ખબર પડે કે એ ભણી ઉતર્યો ત્યારે જમાનો કંઇક નવી શોધ કરી બેઠો હોય. પેલાને પોતાના વિષયના પુસ્તકિયાં જ્ઞાન સિવાય કોઇ ઇતર નોલેજ ન હોય. આખી જિંદગી પોતાની હયાતીનાં કન્ફ્યુઝનમાં કાઢી નાખે. કોઇ સમસ્યા આવે તો છળી મરે'. એમની વાત સામે અરણી-મંથન પાસે કોઇ દલીલ નહોતી. 'આપણી સભ્યતાના મૂળમાં રહેલા લોકશાહીના સિદ્ધાંતો આજે આખું વિશ્વ અવનાવી રહ્યું છે. જ્યારે આપણે પૂર્વજો કરતાંય પાછળ જઇ રહ્યા છીએ. લોકશાહીની આડમાં રહીને રાજા બનવાની વાતો કરીએ છીએ. ખરેખર અભ્યાસ કરવો હોય તો આનો કરવો જોઇએ. સ્ટેનફોર્ડ અને હાર્વડ જેવી યુનિવર્સિટીઝે ડેમોક્રસીના ફ્રી ઓન-લાઇન કોર્સ કંઇ અમસ્તા તો નહીં જ મૂક્યા હોયને'?
'પણ સર'.... 'આ ભણીને અમે શું કરીશું, ખરું'? મંથનને રોકતા પશુપતિનાથે કીધું, 'કેમ, કાર્લમાર્ક્સનો સામ્યવાદ શોખથી વાંચો છો. રાજા-રજવાડાના ઇતિહાસની જાહોજલાલીમાં બધાને રસ પડે છે. હિટલરશાહીના સૌ ઉદાહરણ ગોખી રાખ્યાં છે. તમામ નિષ્ફળ રાજપ્રથાઓ વિશે બધી ખબર છે. તો સૌથી સફળ પોલિટિકલ સિસ્ટમ લોકશાહી કેમ નહીં? સૂતેલાં અર્થતંત્રને જગાડવા પણ લોકશાહીને મજબૂત કરવી પડશે. એ જ ફ્યૂચર છે. આજે જાણી લો, તો કાલ તમારી છે. નહીંતર, આપશાહી, બાપશાહીને જ લોકશાહી માની બેસશો'. કહીને પશુપતિનાથ ગયા.
અરણીએ ટેબ્લેટથી સર્ચ કર્યું. લૅરી ડાયમંડની કરિયર વિશે વાંચીને દંગ રહી ગઇ. લૅરી પોલિટિકલ સોશિયોલોજિસ્ટ છે. સ્ટેન્ફોર્ડમાં પ્રોફેસર છે. હૂવરમાં ફેલો છે. ડેમોક્રેટિક ડેવલપમેન્ટ પર ચાલતાં સંશોધનો સુપરવાઇઝ કરે છે. લૅરી અનેક દેશોના ડેમોક્રસી સલાહકાર છે. બંનેને હવે ખબર પડી કે લોકશાહી પણ કરિયરનો વિષય છે.
દોસ્તો, આપણો તો જન્મ જ લોકશાહીમાં થયો. એને જીવંત રાખવા એ વિષે જાણવું જ રહ્યું. કોઇ પણ સ્ટ્રીમના અભ્યાસ સાથે લોકશાહી વિષે તો ભણવું જ પડે. કેમ કે, લોકશાહી પાછલા, હાલના અને આવી રહેલા સાંપ્રતની સૌથી ડિમાન્ડિંગ સિસ્ટમ છે. એટલે જ એમાં ખરેખર કરિયર છે. કરો ઓન કમ્પ્યુટર અને જોડાઇ જાવ લોકશાહીના ફ્રી કોર્સમાં.
Viral Mehta