28 ફેબ્રુઆરી, 2014

હોલિવૂડનાં ગીતોની વણકહી રોમાંચક કથાઓ (Hollywood Café 16)


હોલિવૂડનાં ગીતોની વણકહી રોમાંચક કથાઓ
બંદીવાન તને મુબારક શમશીર, તખ્તો-તાઉસ, તાજ ને રાજ; બુલબુલની બાદશાહત જો જ્યાં ટહૂકી ત્યાં બાગ બની ગયો. કેફે વાહ, વાહથી ગાજી ઉઠ્યું. આજે ઘણા વખતે કવિરાજ આવ્યા હતા. સૌને ખબર હતી આજે ફિલ્મો ઉપરથી કોઇ નવા પરદા ખૂલશે. બધા એકસાથે કવિરાજ સામે ગોઠવાઇ ગયા હતા. કવિરાજે એક રોમાંચક વાત શરૂ કરી. બિંગ ક્રોસબી, એક એક્ટર હતો જેણે એક કેરેક્ટર બે વાર ભજવ્યું અને બંને વખત એકેડેમી અવોર્ડ માટે નોમિનેટ થયો. ૧૯૪૪માં ફાધર ચક ઓમેલીના રોલ ગોઇંગ ઓન માય વે મૂવિમાં બિંગને બેસ્ટ એક્ટરનો ઓસ્કર મળેલો. પછીના વર્ષે ઇન્ગ્રીડ બર્ગમેન સામે આ જ કેરેક્ટર એણે ધ બેલ્સ ઓફ સેન્ટ મેરીઝમાં પણ ભજવ્યું અને નોમિનેટ પણ થયો.
બિંગની વધુ એક ખાસિયત હતી. એ સિંગર હતો. ૨૦મી સદીનો સુપર હિટ સિંગર. એની અડધો બિલિયન રેકોર્ડ્ઝ આજે પણ સરક્યુલેશનમાં છે. હવે સાંભળો બિંગની એક જબરદસ્ત હકીકત. એના બે હિટ નંબર્સ ડિરેક્ટર્સને એટલા ગમી ગયા કે એમણે એ ગીતના ટાઇટલ પરથી મૂવિ બનાવ્યાં. ૧૯૩૭માં એક ફિલ્મ બનેલી વાઇકીકી વેડિંગ’. હવાઇ ટાપુની પ્રસિદ્ધ બ્યૂટિ કોન્ટેસ્ટ મિસ પાઇનેપલ પ્રિન્સેસ પર બનેલી આ મ્યૂઝિકલ ફિલ્મનો ડિરેક્ટર ફ્રેન્ક ટ્યૂટલે હતો. બિંગ આ ફિલ્મનો હીરો હતો. એણે ઘણા બધા ગીતો આ ફિલ્મ માટે રેકોર્ડ કર્યાં હતાં. એમાંથી એક ગીત હતું સ્વીટ લેલાની’. ગીતકાર હેરી ઓવેન્સે એની દીકરીના જન્મ પછી લખ્યું હતું. લેલાનીનો અર્થ અલૌકિક ફૂલોની માળા. ત્યાં હવાઇ કન્યાઓમાં આ નામ પોપ્યુલર છે. ૧૯૩૭માં આ ગીતને બેસ્ટ ઓરિજિનલ સોંગનો ઓસ્કર મળેલો. પરંતુ હવે સાંભળો એક ટ્વિસ્ટ.
ઓસ્કર તો આ ગીતને મળ્યો પણ મશહૂર થયું બ્લૂ હવાઇ. યસ, આપણા સૌના ફેવરિટ એલ્વિસ પ્રિસ્લીની રોમેન્ટિક મ્યૂઝિકલ ફિલ્મનું ટાઇટલ. ડિરેક્ટર નોર્મન ટોર્ગે બિંગનો ઓરિજિનલ ટ્રેક ટાઇટલ સોંગ તરીકે રાખ્યો હતો. ગીતકાર હતા લીયો રોબિન અને રાલ્ફ રેઇંગર. એક ગીત, એક ગાયક અને એની કેટકેટલી કથાઓ? કેફેના દોસ્તોમાં રોમાંચની એક લહેર દોડી ગઇ. બિંગ ક્રોસબીના એક બીજાં ગીત સાથે આનાથી પણ રોચક વાત જોડાયેલી છે. કવિરાજે વાત આગળ વધારી.
વ્હાઇટ ક્રિસમસ. ઇરવિંગ બર્લિન રચિત આ ગીત પહેલી વાર રેકોર્ડ થયું અને ગિનેસ બુકમાં રેકોર્ડ હોલ્ડર બની ગયું. આજ સુધી આ બેસ્ટ સેલિંગ સિંગલ સોંગનો રેકોર્ડ કોઇ તોડી શક્યું નથી. આખા વિશ્વમાં એની ૫૦ મિલિયન કોપી વેચાઇ હતી. આ ગીત એટલું હીટ હતું કે બિંગ સિવાયના ગાયકોએ પણ રેકોર્ડ કર્યું. આ બધાં વર્ઝન ભેગાં કરીએ તો આંકડો ૧૦૦ મિલિયનથી વધુ કોપી સુધી પહોંચે. બોલો, છે કોઇ જે આ રેકોર્ડ તોડી શકે? હવે જુઓ મજા. ૧૯૫૪માં ડિરેક્ટર માઇકલ કર્ટિઝે એક ફિલ્મ બનાવી. એ સાથે ખુલ્યું સિને જગતના આધુનિક પ્રોડક્શનનું સૌથી પહેલું પાનું. વિસ્ટા-વિઝન, વાઇડ સ્ક્રીન, ટેક્નિકલર મૂવિ. નામ હતું વ્હાઇટ ક્રિસમસ અને હીરો આપણો બિંગ ક્રોસબી. કેફેના દોસ્તો આફરીન હતા. કોઇ ગીત સાથે આટલી બધી કથાઓ જોડાયેલી હોય એની એમને પહેલીવાર ખબર પડી હતી.
એન્ડી કૌફમૅનનું નામ સાંભળ્યું છે? આધુનિક સ્ટેન્ડ અપ કોમેડીનો બેતાજ બાદશાહ. એન્ડીનાં ઘણા વર્ઝન ઇન્ડિયામાં પણ દર શનિ, રવિ કોઇક ટીવી ચેનલ પર હમણાંથી ફેમસ થયા છે. એન્ડી ફોરેન મેન એન્ડ માઇટી માઉસ અને લાટકાના પાત્રો માટે જાણીતો હતો. આ એવો પહેલો કોમેડિયન હતો, જે પોતાને કોમેડિયન કહેવડાવતો નહોતો. પ્રસિદ્ધ નેતા, અભિનેતા, સેલિબ્રિટીઝની એન્ડી જે રીતે નકલ ઉતારતો એવી આજ સુધી કોઇ ઉતારી શક્યું નથી. એન્ડી બધાની નકલ ઉતારતો પણ ક્યારેય તે એલ્વિસ ઇમ્પેશનિસ્ટની જમાતમાં જોડાયો નહોતો. એક્ટર સિંગર, એલ્વિસ પ્રિસ્લીની નકલ કરનાર એલ્વિસ ઇમ્પેશનિસ્ટ કહેવાતા. એક જમાનામાં આખી રેડિયો ચેનલ્સ અને ટીવી ચેન્લ્સ માત્ર એલ્વિસ ઇમ્પેશનિસ્ટ પર ચાલતી.
પછી એકવાર કોઇ શોમાં લોકોની ડિમાન્ડ પર એણે એલ્વિસની નકલ ઉતારી અને ધમાલ મચી ગઇ. એન્ડી જેવી નકલ કોઇ કરી શક્યું નહોતું. આ મહાન પરફોર્મર એન્ડીની યાદમાં એમેરિકન ઓલ્ટરનેટિવ રોક ગ્રૂપ આર. ઇ. એમ. દ્વારા એક ગીત બન્યું, મેન ઓન ધ મૂન. ગીતકાર માઇકલ સ્ટીપ હતો. ૧૯૯૨માં ધૂમ મચાવતા એ ગીત પરથી ૧૯૯૯માં મિલોસ ફોર્મેને એ જ ટાઇટલથી ફિલ્મ બનાવી. એમાં એન્ડી કૌફમૅનનું પાત્ર ભજવનાર હતો તમારો ગમતો જીમ કેરી.
હોલિવૂડમાં એવાં અનેક ગીતો છે જેની કહાણી, ફિલ્મો કરતાંય રોમાંચક છે. બ્રેન્ડોન નામનો એક છોકરો હતો. વિધિની વક્રતા એવી કે સમય જતાં એ છોકરી બની ગયો. માનવજાતની સમજથી પર આ એક સત્ય ઘટના હતી. બ્રેન્ડોન સામે આઝાદી, હિંમત, ઓળખ હવે ચેલેન્જ બનીને ઊભાં હતાં. એ પોતનું શહેર છોડીને નાબ્રાસ્કા ચાલ્યો ગયો. બાયોલોજિકલી એ ભલે છોકરી હતો પણ જીવ છોકરાનો જ રહ્યો. ત્યાં નાબ્રાસ્કામાં એને લાના મળી. એના પ્રેમમાં પડ્યો. અન્ય છોકરાઓ સાથે ફાઇટ ઝગડા ત્યાં પણ થતા રહ્યા. એક દિવસ એના દુશ્મનોને ખબર પડી કે આ એક છોકરી છે. પછી શું? મરદ જાતની બર્બરતા ટીના પર કહેર બનીને વરસી. એ અત્યાચારનો ભોગ બન્યો એની હત્યા થઇ.
બ્રાન્ડોન ટીનાની આ સત્ય ઘટના પરથી કિમ્બર્લી પિયર્સે ૧૯૯૯માં બોયઝ ડોન્ટ ક્રાય બનાવી. એમેરિકન ઓલ્ટરનેટિવ રોક ગ્રૂપ ધ ક્યોર દ્વારા ૧૯૭૯માં આ જ ટાઇટલ પરથી એક ગીત બની ચૂક્યું હતું. જેમાં ત્રણ ઇમેજિનરી છોકરાઓની વાત હતી. બોલો ગીતને શી ખબર કોઇ દિવસ પોતે જ એક સ્ટોરી બની જશે?
હવે સાંભળો એક લગ્નોત્સુક કન્યા સોફીની વાત. સોફીને એક દિવસ મમ્માની જૂની પર્સનલ ડાયરી મળે છે. ચોરી-છૂપી એ વાંચે છે ત્યારે એને ખબર પડે છે, એના ત્રણ પિતા છે. આઇ મીન, આ ત્રણમાંથી કોઇ એક હોવાની શક્યતા છે. સોફી એ ત્રણેયને લગ્નનું આમંત્રણ મોકલે છે, એ પણ મમ્માની જાણ બહાર. ને પછી સર્જાય છે, રોમાંસ રમૂજની ગલીપચી, ગડમથલને ભૂલભૂલામણી મામા મીયા. ગુજરાતીમાં મીનિંગ ઓ માડી રે... કવિરાજ બોલ્યા ને કેફેમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. ઘણાં વર્ષોથી બ્રોડ વે મ્યૂઝિકલની એક કોમેડી મામા મીયા હીટ હતી. અને મામા મીયા સ્વિડિશ પોપ ગ્રૂપ આબાનું સુપર હિટ ગીત પણ હતું. એ જ નામથી એક મ્યૂઝિકલ કોમેડી બ્રિટિશ ડિરેક્ટર ફીલિડા લોઇડે ફિલ્મ બનાવી જેમાં મેરિલ સ્ટ્રીપ, પીયર્સ બ્રોન્સન લીડ રોલમાં હતા.
એવું જ એક સોંગ છે, જે એક સુપર હિટ સસ્પેન્સ થ્રીલરની થીમ બની ગયું હતું. ૧૯૭૩માં નોર્મન જિમ્બલ અને લોરી લીબરમેન કેફેમાં બેઠા હતા ત્યારે આ ગીત લખાયું. ચાર્લ્સ ફોક્સે કમ્પોઝ કર્યું અને રેબેકા ફ્લેક દ્વારા જ્યારે પર્ફોર્મ થયું ત્યારે વર્ષનું સૌથી હિટ નંબર બની ગયું. કિલિંગ મી સોફ્ટલી. હીધર ગ્રેહામ અને જોસેફ ફાઇન્સને ચમકાવતી ડિરેક્ટર ચેઇન કેજની ફિલ્મ પણ આ જ નામથી ૨૦૦૨માં બની. પોતાના લીવ-ઇન બોય ફ્રેન્ડને છોડીને કોઇ અજાણ્યા માણસના પ્રેમમાં પડલી નાયિકાની આ કથા છે. એ સ્ટ્રેન્જર સાથે લગ્ન પણ કરે છે. પછી શરૂ થાય છે, થથરાવી મૂકતા નનામા પત્રો, મેસેજ અને ધમકીઓનો સિલસિલો.
કવિરાજે ભરપૂર રોમાંચક માહિતી સાથે એટલાં તો સસ્પેન્સ મૂકી દીધાં હતાં કે, કેફેમાં બેઠેલા બધા જ તમારી માફક આ દરેક મૂવિ જોવાનો પ્લાન બનાવી રહ્યા હતા. કવિરાજે છેલ્લે સ્ટેન્ડ બાય મીનો ટ્રેક મૂક્યો. બેન ઇ. કિંગનો ઓરિજિનલ ટ્રેક હતો. જ્હોન લેનને પણ આ ગીત ગાયું છે અને શાહરૂખની ફિલ્મ રા. વનમાં પણ એ જ ગીત છે. સ્ટેન્ડ બાય મી મૂવિ પણ છે. સ્ટીફન કિંગની નોવેલ ધ બોડી ઉપરથી રોબ રેઇનરની કોમેડી ફિલ્મ.
હોલિવૂડ ફિલ્મોમાં તો ફિલ્મી ગીતોનો બહુ મોટો વારસો છે. દરેક એવોર્ડમાં બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે એક સ્પેશ્યલ કેટેગરી પણ છે. આપણા રહેમાનભાઇને બેસ્ટ કમ્પોઝર અને ગુલઝારને બેસ્ટ લીરિક્સનો ઓસ્કર મળેલો.... જય હો યાદ છેને?
Viral Mehta