24 ફેબ્રુઆરી, 2014

જેલના સળિયા પાછળનો એક કિસ્સો (Udaan 35)

દેશનો સૌથી ભરોસાપાત્ર વ્યક્તિ
બપોરનો પોણા કલાકનો સ્લોટ હમણાં ખાલી છે. રસોઇ-રેસિપી શોનો કોન્ટ્રાક્ટ પૂરો થયો છે. રિન્યુ થવામાં મહિનો થશે. પેલા બે ટ્રેઇની આમ પણ નવરા છે. લગાડો એમને ડ્યૂટી પર. રેસિપી જેવી ટીઆરપી તો જ નહીં મળે. એટલે એમને ટાટા, બાયબાય કહેવામાં પણ કોઇ પ્રોબલમ નહીં થાય. કોસ્ટ કટિંગ યુ સી? કાલથી જ શરૂ કરો.
એની, ન્યૂઝ ચેનલની નવી બનેલી આસિસ્ટન્ટ એડિટર. રાતે દસ વાગ્યે ટીમને સૂચના આપી રહી હતી. સાંજે મહત્તમ વ્યૂઅરશીપ સ્લોટમાં પ્રોગ્રામ આપતા સિનિયર એન્કર્સમાં નિરાંતની લહેર દોડી ગઇ. ખાલી સ્લોટમાં નવાં જોડાયેલાં પાત્ર અને યોગ્યતાની ડ્યૂટી ગોઠવાઇ ગઇ. બપોરનો પહેલો પ્રોગ્રામ રજૂ કરવા એમની પાસે માંડ એક રાતનો સમય હતો. સ્ટુડિયોના બંને ફ્લોર ફીચર પ્રોગ્રામના શૂટિંગમાં બિઝી હતા. પાત્ર અને યોગ્યતા ક્યારે પોતાના પ્રોગ્રામની સ્ક્રીપ્ટ તૈયાર કરે, ક્યારે શૂટિંગ કરે, ક્યારે એડિટિંગ થાય ને ક્યારે બ્રોડકાસ્ટ?
થોડા સંકોચ સાથે બંનેએ મેડમને રજૂઆત કરી. 'ફરિયાદો નહીં, સોલ્યુશન આપો કે તમે શું કરશો?' એનીએ સામે જોયા વિના કીધું. 'ઇફ યુ પરમીટ, અમે લાઇવ શો કરીએ તો?' પાત્ર બોલ્યો. મેડમ તો અંદરખાને આ બંને કોઇ ગફલત કરે એની રાહ જોતાં જ હતાં. છતાં થોડી દુવિધા અને થોડી લાગણી કડક અવાજમાં ભેળવી કહ્યું, 'તમને કોઇ અનુભવ નથી. શોનું કંટેન્ટ હજી નક્કી નથી. ઓન એર જવામાં જો કોઇ લોચો થયો તો સમજી લેજો કે આવતીકાલ પછી હું તમને અહીં કોઇ ચાન્સ....', 'નો વરીઝ મે'મ, અમે ચેનલની રેપ્યુટેશનનું પૂરતું ધ્યાન રાખીશું'. પાત્ર મેડમને ખાતરી આપી રહ્યો હતો. 'ઓ. કે. દેન ટ્રાય યોર લક, ડુ યોર બેસ્ટ', એનીએ ફોર્મલ સ્માઇલ સાથે પરમિશન આપી.
એડિટર ઇન ચિફ ફરમાન, એની, અન્ય સિનિયર્સ કોન્ફરન્સના એલઇડી સ્ક્રીન સામે ગોઠવાઇ ગયા. સ્ટૂડિયોમાં બધા કેમેરા જાણે કોઇ તોપની માફક પાત્ર અને યોગ્યતા સામે તાકી રહ્યા હતા. 'લાઇટ્સ, રોલ સાઉન્ડ, રોલ કેમેરા, સાયલેન્સ, એન્ડ અ ફાઇવ, અ ફોર, અ થ્રી, અ ટુ, અ વન.... એન્ડ ગો....' પ્રોગ્રામ ડિરેક્ટરના આદેશ સાથે ચારે તરફ 'ઓન એર' લખેલી લાલ લાઇટો ચાલુ થઇ ગઇ....
'ઉઠ કે અબ બઝ્મે જહાં કા ઔર હી અંદાઝ હૈ, મશરીક-ઓ-મગરીબ મેં તેરે દૌર કા આગાઝ હૈ. ઉઠ, જાગ ને જો હવે જિંદગીનો અર્થ બદલાઇ રહ્યો, પૂરવ ને પચ્છમ હવે તારો જ સૂર્ય દેખાઇ રહ્યો. અલ્લામા ઇકબાલના આ દિલ-ધડક શેર સાથે, હું પાત્ર અને હું યોગ્યતા 'બપોરનાં ગુલાબ'માં આપનું સ્વાગત કરીએ છીએ. ઇકબાલ, ઇસ્લામના પ્રખર જ્ઞાતા, ઊર્દૂ ફારસીના વિદ્વાન કવિ. ખુદી, રૂહ, આત્મા, સેલ્ફના શોધક. સેલ્ફથી સેલ્ફલેસનેસના બોધક ઇકબાલ. સર અલ્લામા ઇકબાલ. સિયાલકોટ પાકિસ્તાનમાં જન્મ્યા હતા'.
પાત્ર અને યોગ્યતા એક પછી એક વાક્ય અનુભવી એન્કર્સને ચકિત કરી દે એવી બાહોશીથી બોલતા હતા. કોઇ ઉછાંછળાપણું નહીં, કોઇ ઉચાટ નહીં. દર્શકમાં વિશ્વાસ ઊભો કરતી સ્થિરતા અને પ્રમાણસરના લયબદ્ધ આરોહ-અવરોહ. સાચા ભાષાપ્રયોગ અને દરેક વાક્યે કોઇ નવી વાતે બાંધતો, બંધાતો ઉત્કટતાનો માહોલ. કોન્ફરન્સ રૂમમાં બધાંની નજર ટીવી પર જડાઇ ગઇ હતી. હૃદય સ્તબ્ધ હતા અને અસ્તિત્વ પાત્ર અને યોગ્યતાએ હાઇજેક કરી લીધેલાં.
'દોસ્તો, જાણો છો, ઇકબાલના દાદા-દાદી કાશ્મીરી પંડિત પરિવારના હતા. પછી એમણે ઇસ્લામ સ્વીકાર્યો. ઇકબાલનું એક ગીત આપણે ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીએ હોંશથી ગાઇએ છીએ, સારે જહાઁ સે અચ્છા, હિન્દૌસ્તાઁ હમારા.... આવો ફરી એક વાર સાંભળીએ અને જોઇએ આ ગીત'. લાઇન એડિટરે ટ્રેક રન કર્યો. બીજી તરફ કોન્ફરન્સ રૂમમાં ફરમાન પર ફોન આવ્યો. રસોઇ શો સ્પોન્સર કરવાની ના કહેનાર ક્લાયન્ટ 'બપોરનાં ગુલાબ' માટે તૈયાર હતા. 'કોઇ વાર આ હિટ શોમાં મને ચાન્સ મળશે'? શોના પહેલા બ્રેકમાં એની મેડમ બંને પાસે આવ્યાં હતાં. સાચુકલું હસીને શાબાશી આપી રહ્યાં હતાં.
બ્રોડકાસ્ટ જગતના સૌથી સફળ એન્કરની વાત કહું દોસ્તો! એક એવો શખ્સ જે માનવીના ચંદ્ર પર ઉતરવાની વાત ઉત્સાહથી કહેતો તો આખું અમેરિકા ખુશ થતું. જેણે કેનેડીના અવસાનની કૈફિયત રજૂ કરીને ચશ્મા ઉતાર્યાં ત્યારે બધાંની આંખો ભીની હતી. વિયેતનામ યુદ્ધના રિપોર્ટમાં એણે કહ્યું કે, 'દીસ વોર ઇઝ અનવીનેબલ' અને પ્રેસિડેન્ટ જ્હોન્સન યુદ્ધવિરામ કરી ચર્ચા માટે પ્રેરિત થયા. જે આજે પણ 'મોસ્ટ ટ્રસ્ટેડ મેન ઇન અમેરિકા' તરીકે ઓળખાય છે તે, એન્કર વોલ્ટર ક્રોનકીટ.
સતત કોઇ નવા ચહેરાની તલાશમાં રહેતું બ્રોડકાસ્ટ વિશ્વ આજે પણ કોઇ પરફેક્ટ, વિશ્વસનીય એન્કરની શોધમાં છે. જાણીતા તો ઘણા છે, પણ આખો દેશ જેનો ભરોસો કરે, જેના અવાજમાં સત્ય રણકે, જે તથ્યને વાચા આપી શકે, રજૂઆતમાં આગવી અસલીયત હોય, જેના સવાલમાં દરેક દેશવાસીની ફિકર હોય, જેના જવાબની શોધ કોઇ નવાં પાત્ર અને યોગ્યતાની પ્રેરણા બને એવાં કેટલાં?  
દર્શકો આજેય શોધમાં છે, દેશના સૌથી ભરોસાપાત્ર વ્યક્તિની. જે નિર્ભેળ, નિષ્પક્ષ, નિર્ભિક, નિઃસ્તબ્ધ હોય. છે કોઇ એન્કર તમારા ધ્યાનમાં? જુઓ સામે પેલા આયનામાં, મેળવો આંખથી આંખ, આપો જવાબ તમારા પોતાના સ્વયંને. આવો બ્રોડકાસ્ટ વિશ્વની કરિયરમાં. વિષયોનાં ઉંડાણ અને કલ્પનાઓની ઉડાન સાથે રજૂઆતની સ્પષ્ટતા લઇને. તમારી શક્તિઓના સાર સાથે દેશના વિશ્વાસનો તાર જોડાવા તૈયાર છે. મનસૂબા મક્કમ હોય તો એક દિવસ એની મેડમની માફક આખો દેશ તમને પણ સલામ કરશે.

Viral Mehta