21 ફેબ્રુઆરી, 2014

સૂરજ બનતા પહેલાની આગ! (Hollywood Café 15)


સૂરજ બનતા પહેલાની આગ!
બધી શક્તિઓ, શક્યતાઓ દાવ પર લગાવી એક અદનો ઇન્સાન કલમને ખોળે માથું મૂકે ત્યારે? ત્યારે ઝંઝાવાત આવે છે. એકેએક સૂરતીનું દિલ આ વાતથી વાકેફ છે. માત્ર લખીને જિંદગીની જંગ જીતવાના મનસૂબા કોઇ નાનાસૂના ગજાંનું કામ નથી. એક તરફ વેદિયો, બોરિંગ, પકાઉ જેવી ઠેકડી ચાલતી હોય. બીજી તરફ ખરાં ઉમદા સર્જનોની કઢંગી નકલ ઉતારી પળવારમાં ધનના જોરે ફેમસ થઇ જતા લોકો હોય. ડગલેને પગલે હડધૂત કરતા પબ્લિશર્સ હોય. એકાદવાર છાપીને મહિનાઓ સુધી ધક્કા ખવડાવવાનો કોઇ અહેસાન પણ કરે. ક્યાંક ફાસ્ટ લાઇફમાં બિઝી લોકો વાંચીને મૂડ મુજબ દાદ આપવાની દયા પણ કરે. લેખન એટલે લખનારના જિગરના લોહી અને ઇન્ટલેક્ચ્યુઅલ્સના સ્વીકાર વચ્ચે ચાલતી ધગધગતી લક્ઝુરિયસ રમત.
એક ખોલી હોય, જેનું ભાડું ચૂકવવાના પૈસા ન હોય. ચપટી અનાજ ખરીદવા ઘરનું છેલ્લું ઠામ વેચવું પડે. એક-બે ડિગ્રી તાવમાં વળી દવા ખાવાની શેઠાઇ શાની? વળી પાછું, હાથ નહીં લંબાવવાની ટેક.... કોણ જાણે કેમ પણ, સદીઓથી આ માણસો આ જ હાલતમાં ફરે છે. બહાર કોઇ કદર નહીં. ઘરમાં કોઇ કિંમત નહીં. જિંદગી પણ એને જીવાડવાનો ભાર અનુભવે. એમાં ૧૮૩૭ની મંદીનો વિકરાળ કાળ. છતાંય, બસ લખીને જ જીવવું એ આખરી ફેંસલો. જમાનાભરના તિરસ્કારની આગ, અપમાનોની આગ, અવહેલનાની આગ, ક્ષમતાહીન લોકોની અદેખાઇની આગ, પેટની આગ.... આ બધા અંગાર પી જઇને એક દિવસ જ્યારે શબ્દનો ધોમધખે, ત્યારે સૂરજ ઊગે છે.
કેફેની લાયબ્રેરીના એક પુસ્તકમાંથી માઇકલે માથું ઊંચું કર્યું. ગર્વથી જીવવાના અને જીતવાના સંકલ્પ સાથે. બસ શબ્દનું ગુમાન કાળજામાં ભરીને હવે ઝઝૂમવું છે. ૨૬-૨૭ની ઉંમર સુધી ભણીને જોબ કરવાના તમામ પ્રયત્નો એ કરી ચૂક્યો હતો. પણ હૃદય કચકડાંનો ધબકાર ચાહતું હતું. અભિનેતા બનવું હતું, સુપર સ્ટાર. એજન્ટ્સ તો એનો ચહેરો જોઇને જ મજાક ઉડાવતા. જન્મથી ચહેરાની એક તરફ પેરેલિસીસની ખોડ. હસે તો મોં વંકાય, બોલે તો જીભ થોથવાય. ભાડાંના ઘરમાંથી પણ જેને બહાર ફેંકી દીધો હોય, એને ગ્લેમરની દુનિયામાં પગ કોણ મૂકવા દે? કેટલાં પખવાડિયાં સબ-વે બસ સ્ટેન્ડ પર પડી રહ્યો હશે એની તો કોઇ ગણતરી જ નહોતી.
એક સવારે તે ઉઠ્યો. બાંકડાના પડોશમાં થાંભલા જ હોયને? પણ આજે પડોશી પહેલો સગો થઇને ઊભો હતો. રાતે કોઇ પોસ્ટર લગાડી ગયું હતું, એક્ટર્સ વોન્ટેડ. હાથ-મોં ધોઇને એ પહોંચી ગયો એજન્ટના સરનામે. એજન્ટ મળ્યા વિના ચાલ્યો ગયો. હમણાં આવશે એવી આશાએ માઇકલ ત્યાં ગેલેરીમાં જ બેસી રહ્યો. રાત પડી. જવું હોય તો જાય પણ ક્યાં? એ બેસી રહ્યો. ક્યારે આંખ મીંચાઇ ગઇ ખબર ન રહી. સવારે એજન્ટ આવ્યો. માઇકલની ઘેલછા જોઇ ખંધું હસ્યો, બોલ, એક નાનો રોલ છે, કરીશ’? ક્યાં ખબર હતી એને કે આ ચીપ રોલ કરવામાં છેવટે બદનામી વહોરવી પડશે? પણ કોઇ ચોઇસ હતી? હાલત એટલી બદતર હતી કે, લૂંટફાટ કરે ક્યાં આ રોલ કરે. માઇકલે તરત હા પાડી દીધી. આવા ઉતરતી કક્ષાના થોડાં ઘણાં રોલ કર્યા પણ કંઇ જામતું નહોતું. ચિલ્લર જેવાં પૈસા મળતા અને બદનામી નફામાં.
ન્યૂ યોર્કની કડકડતી ટાઢમાં ઠુઠવાતા માઇકલ પાસે ભાડે ઘર રાખવાના પણ પૈસા નહોતા. એટલે ઠંડીથી બચવા લાયબ્રેરીમાં બેસી રહેતો. આજે લાયબ્રેરીમાં એનો ભેટો ૧૮૩૭ના એક લેખક સાથે થઇ ગયો. ઇંગ્લિશ પર અંગ્રેજોના ઇજારાની ખફગી વહોરનાર પહેલો અમેરિકન લેખક. જેનાં ઓરિજિનલ સર્જનોની સસ્તી નકલો સામે એ કંઇ જ કરી ન શક્યો. જે ડિટેક્ટિવ સ્ટોરીઝનો જનક હતો. જેના પાત્રો પરથી શેરલોક હોમ્સ જેવાં અનેક પાત્ર બન્યા. જેના સર્જનોની આભા આજેય ફિલ્મકારો અને સ્ક્રીન રાઇટર્સમાં દેખાય છે. જેની કવિતામાંથી કલ્પનાઓ ચોરીને આજેય લોકો એવોર્ડ જીતે છે. એવો પહેલો ખુમારીદાર લેખક, એડગર એલન પો. મંદીના કારમા કાળમાં લેખન કાર્યને વ્યવસાય બનાવનાર એડગરનું પુસ્તક માઇકલે વાંચ્યું અને વિચારોના મોટો ફલક ઉઘડતો ગયો. માઇકલે કલમ ઉપાડી.
થોડા ઘણા સ્ક્રીન પ્લે લખ્યા પણ ખરા. પરંતુ, હાલત બદથી બદતર બનતી ચાલી. શબ્દ એટલે કે આગ સાથેની રમતમાં બચે તો શું બચે? એને ખરીદનાર મળતા તોય રખડાવી રડાવીને ૧૦૦ ડોલર માંડ આપતા. એક દિલની દિલદારી જીવલેણ હતી અને બીજો મુફલીસીનો માર. માઇકલ અને એની પત્ની સાવ ભાંગી પડ્યાં હતાં. પત્નીના દાગીના વેચવા પડ્યા. જિગરના ટુકડા જેવો વફાદાર દોસ્ત બટકસ પચાસ ડોલરમાં વેચવો પડ્યો. પોતે ખાવાના સાંસાં હતા ત્યાં ડોગીને શું ખવડાવે?
ભાંગી પડેલા મનને થોડી કળ વળે એટલે માઇકલ, મહંમદ અલી અને ચક વેપનરની ફાઇટ જોવા ગયો. મુક્કાબાજીએ તૂટેલા હતાશ મનમાં કોણ જાણે કેવી કળ જોડી કે પછીના ૨૦ કલાકમાં માઇકલે એક સ્ક્રીપ્ટ લખી. કોને ખબર હતી કે આ સ્ક્રીપ્ટ ઓસ્કરમાં બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીન પ્લે અને બેસ્ટ એક્ટિંગ માટે નોમિનેટ થશે? બેસ્ટ પિક્ચર, બેસ્ટ એડિટિંગ અને બેસ્ટ ડિરેક્શન માટે એવોર્ડ જીતશે? ચાર્લી ચેપલીન અને ઓરસન વોલેસ પછી પહેલી જ વાર પહેલી ફિલ્મને આટલી પ્રસદ્ધિ મળશે? માઇકલ સિલ્વેસ્ટર ગ્રેડેન્ઝિઓ સ્ટેલોનને પણ ક્યાં ખબર હતી કે રોકી ફિલ્મથી એ પોતે સુપર સ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોન બની જશે. એને તો આ સ્ક્રિપ્ટમાં મેઇન રોલ કરવો હતો અને બટકસ પાછો મેળવવો હતો.
પોતે મેઇન રોલ ન કરે તો પ્રોડ્યુસર ૧૨૫, ૦૦૦ ડોલર્સ આપવા તૈયાર હતા. સ્ટેલોનને ના કહી દીધી. પોતાના શબ્દોની તાકાત એ જાણતો હતો. પ્રોડ્યુસરે ફરી ૩૨૫, ૦૦૦ ડોલર્સ ઓફર કર્યા. પરંતુ રોલ વિના. એણે એની પણ ના કહી દીધી. છેવટે, નવા ચહેરા પર ગેમ્બલ ખેલવા સ્ટેલોનને હિરો લઇ માત્ર ૩૫, ૦૦૦ ડોલર્સમાં એમણે રોકી ફિલ્મની સ્ક્રિપ્ટ ખરીદી. અને પછી જે થયું એ સમયની સાક્ષીએ આપણી નજર સામે છે. પરંતુ, સાઇનિંગ અમાઉન્ટ મળી કે તરત સ્ટેલોન ગયો બટકસને પાછો લેવા. પેલા લિટલ જીમીએ તો આખા ઘરની ચિલ્ડ્રન પાર્ટી બોલાવી કીધું, આ બધાને ડોગી ગમી ગયો છે. હવે પાછો કઇ રીતે આપે? વાસ્તવમાં સ્ટેલોનની શરૂ થઇ રહેલી સ્ટારડમની રજ ત્યાં પણ ઊડી હતી. એને તો મુક્કો મારી જીમીનું મોં તોડી આપવાનું મન થયું પણ રોકાઇ ગયો.
છેવટે રોકી ફિલ્મમાં એક નાનો રોલ અને ૩૦૦૦ ડોલર્સની ડીલમાં જીમી માન્યો. તમને યાદ હોય તો રોકી ફિલ્મમાં એક જણ છેલ્લે સ્ટેલોનને પૂછે છે, હે! ડીડ યા વીન’? સ્ટેલોન સામો સવાલ કરે છે, વોટ આર યુ, ડેફ?’ એટલે પેલો કહે છે, નો આઇ એમ શોર્ટ આ જ એ લિટલ જીમી. અને આ જ એ મહાન લેખક, દિગ્દર્શક, સ્ટાર, સુપર સ્ટાર અને આપણો રોકી, રેમ્બો, ઓસ્કર, ધ સ્પેશ્યલિસ્ટ, સિલ્વેસ્ટર સ્ટેલોન.
સુપર સ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોને હિન્દી ફિલ્મમાં પણ એક્ટિંગ કરી છે. નામ યાદ આવે છે? અક્ષય કુમાર કરીના કપૂરવાળી કમ્બખ્ત ઇશ્ક. સ્ટેલોનની પ્રેરણા બનેલા એડગર એલન પોનાં સર્જનો તમે પણ અચૂક વાંચજો. ૧૮૪૫માં લખાયેલી એની એક કવિતા છે, ધ રેવેન’. આ એક કથા કાવ્ય છે. લયબ્ધતા, સૂરબદ્ધતા, સ્ટાઇલાઇઝ્ડ, આધુનિક અમેરિકન ઇંગ્લિશના ભાષા પ્રયોગો અને સુપરનેચરલ (અલૌકિક) વાતાવરણ માટે પ્રસિદ્ધ છે. એમાં એક કાગની મુલાકાતની વાત છે. સમજણ અને પાગલપનને આરે ઊભેલા એક પ્રેમી સાથે મુલાકાતની વાત.
એક ધોમધખતા લેખકના તેજમાંથી અનેક ઝળહળતા સિતારા ઉપજે એનું પ્રખર ઉદાહરણ સિલ્વેસ્ટર સ્ટેલોન છે. પુસ્તકોના હાર્ડ બાઉન્ડ કવર કે લાયબ્રેરીના જૂના સ્ટેન્ડમાં ધૂળ ખાઇને પણ લેખક હંમેશા કોઇકનો રાહબર બનતો જ રહે છે. સ્ટેલોન જેવા સેંકડો મારફત જગતને સતત સમજાવતો રહે છે કે, શક્તિ, પાવર, ઊર્જા મસલમાં નહીં અકલમાં વસે છે. ખરેખર, દુનિયાની આગનું ગજું છે, સૂરજને બાળી શકે?
Viral Mehta