17 ફેબ્રુઆરી, 2014

જેલના સળિયા પાછળનો એક કિસ્સો (Udaan 34)

જેલના સળિયા પાછળનો એક કિસ્સો
બહુરૂપી બનીને આખી દુનિયાને એ છેતરતો રહેતો. પહેલું જ ફ્રોડ એણે સગા બાપ સાથે કર્યું. મોજશોખ પૂરા કરવા પિતાના ક્રેડિટ કાર્ડ પર ઓટો મોબાઇલ સ્પેરપાર્ટ્સ ખરીદ્યા અને બજારથી ઓછી કિંમતે વેચી માર્યા. ભણવામાં કોઇ રસ હતો નહીં. હા, આખી દુનિયામાં ફરવું હતું. એ પણ મફત. એક જાણીતી એર લાઇન્સના પાયલટનો પોષાક તૈયાર કરતી ટેઇલરિંગ ફર્મને ફોન કર્યો. કહ્યું કે, પોતે પાયલટ છે અને એનો યુનિફોર્મ ખોવાઇ ગયો છે, તાત્કાલિક મોકલી આપો. એટલા રોબદાર પ્રભવશાળી અવાજે વાત કરી કે ટેઇલર માની ગયો અને યુનિફોર્મ એણે કીધેલાં સરનામે બા-અદબ મોકલી આપ્યો.
બસ હવે બીજું શું જોઇએ? અસલથી અસલી લાગે એવા ચાર-પાંચ પાસપોર્ટ, પાયલટનું લાયસન્સ અને આઇડી પણ એણે બનાવેલા. ઇચ્છા થાય ત્યારે એરપોર્ટ પર પહોંચી જતો. પોતે જેનો પાયલટ બનેલો એ સિવાયની એરલાઇન પકડતો. ઇમર્જનસી ગાઇડલાઇન પ્રમાણે પેલી એરલાઇન્સ એને તાત્કાલિક પ્રવાસની ફેસિલિટી આપતી. ફ્રેન્ક ઉડતો રહેતો. એકવાર કોઇ ફ્લાઇટમાં પાયલટે ફ્રેન્કને કર્ટસી ફ્લાઇટ ઓફર કરી, 'આવો ફ્રેન્કભાઇ લો, આ પ્લેન થોડું તમે ઉડાડો'. ૩૦, 000 ફીટની ઊંચાઇ. ૧૪૦ લોકોની લાઇફ અને નકલી પાયલટ. એ તો સારું છે, વિમાનોમાં ઓટો-પાયલટ બટન હોય છે. નહીંતર, ફ્રેન્કલી ફ્રેન્કભૈને ફ્રેન્કનેસ ભારે પડી હોત.
એ નકલી ચેક પણ બનાવી જાણતો. બેંકમાં નકલી ખાતાં ખોલાવી નકલી બેલેન્સ બતાવી એના આધારે અસલી ઓવર ડ્રાફ્ટ મેળવતો. અને લાઇફમાં ફ્રીક-આઉટ મારતો. વર્ષો સુધી ફ્રોડબાજી કરી છેવટે પકડાઇ ગયો ફ્રેન્ક. ફ્રેન્ક એબ્ગેનલ. આજે સાઉથ કેલિફોર્નિયામાં રહે છે. એની કંપની એબ્ગેનલ એસોસિએટ્સ ફાયનાન્શિયલ સંસ્થાઓને સિક્યોરિટી એડવાઇઝ આપે છે. ફ્રેન્ક આજે મલ્ટિ મિલિયનર છે. એફબીઆઇ અજન્ટ્સની કોલેજમાં ફ્રેન્ક ફાયનાનશિયલ ફ્રોડ કેવી રીતે રોકવા એ ભણાવે છે. કેચ મી ઇફ યુ કેન નામથી એણે એક પુસ્તક લખ્યું છે. યસ, તમે તો મૂવિ પણ જોયું છે.
ફ્રેન્ક જેવા અપરાધીઓનું તો એક મોટું લિસ્ટ મળે. પણ હવે થોડો સીન બદલાય છે. અસલ વાત શરૂ થાય છે. હવે જે કહીશ એવું દુનિયામાં ક્યાંય બન્યું નથી. કારણ કે, આ ગુજરાતમાં બન્યું છે. આ એક એવા અનોખા માણસની વાત છે જેણે જેલની પરિભાષા બદલી નાંખી. આવો, જઇએ અમદાવાદ. ૨૦૧૨નું વર્ષ છે. ઇલેકેશનનો દિવસ છે. નવરંગપુરા વિસ્તારના પોલિંગ બૂથ પર એક પ્રભાવશાળી પ્રીસિડિંગ ઓફિસર ઊભા છે. પંદરેક સહોગીઓનો સ્ટાફ છે. ઓફિસર સૂચના આપી રહ્યા છે. એમની સુરક્ષાનો કડક બંદોબસ્ત છે. પોલિસ અધિકારીઓ એમની વાતને અંતિમ આજ્ઞા માની અનુસરે છે. હા, એ જ પોલિસ જેણે ૨૦૦૩માં ઓફિસર ભાનુભાઇ પટેલને એરેસ્ટ કરેલા!
ડો. ભાનુભાઇ નાનજીભાઇ પટેલ. ૮૦ના દાયકામાં અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ થયા હતા. કોઇક કારણસર ડોક્ટરને જેલની સજા થઇ. કારણ એટલે નથી કહેતો કારણ કે, જેલના સળિયા પાછળ રહીને ડોક્ટરે જે કર્યું એની સામે ગુન્હાઓ, સજાઓ, અને કારાગાર નાના લાગે. જેલમાં ડોક્ટરને એમની લાયકાત મુજબ શરૂઆતમાં ડિસ્પેન્સરીનું કામ સોંપવામાં આવેલું. પછી, ઇંગ્લિશ આવડતું હોવાને કારણે લાયબ્રેરીનું કામ પણ મળ્યું. અને લાયબ્રેરીમાં બેસીને ડોક્ટરે લિમ્કાબુક ઓફ રેકોર્ડ્ઝ, યુનિક વર્લ્ડ રેકોર્ડ્ઝ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્ઝમાં નામ લખી કાઢ્યું.
કોઇ એક વ્યક્તિ ડોક્ટર થયા પછી કેટલી ડિગ્રીઓ મેળવી શકે? જરા અંદાજ મૂકી જુઓ. ડોક્ટર ઇંદિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) અને બાબાસેહેબ આમ્બેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) ના અભ્યાસક્રમોમાં જોડાયા. બી. એસસી. એમ. એસસી. બી. કોમ. એમ. કોમ. તો થયા. ઉપરાંત, એમણે ઇન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા સહિત ઇન્શ્યોરન્સ, ફાયનાન્શિયલ મેનેજમેન્ટ, ઓપરેશન રિસર્ચ, કોસ્ટ એકાઉન્ટિંગ, એડવાન્સ એકાઉન્ટિંગ, હ્યુમન રાઇટ્સ જેવાં સંખ્યાબંધ ડિપ્લોમા મેળવ્યા. ડોક્ટરે ફંક્શનલ ઇંગ્લિશ, પર્સનલ કમ્પ્યુટર એસેમ્બલિંગ, ગાંધી વિચાર પરિચય, ફૂડ એન્ડ ન્યૂટ્રીશન, ફૂડ સેફ્ટી, બીકીપિંગ, આન્ત્રપ્રેન્યોરશીપ, ડિઝાસ્ટર મનેજમેન્ટ, બિઝનેસ સ્કીલ્સ, જનરલ ઇલ્ક્ટ્રોનિક્સ, ટુરિઝમ મેજેનમેન્ટ જેવાં અગણિત સર્ટિફિકેટ કોર્સ કર્યા.
સજા પૂરી થઇ ત્યારે ડોક્ટરે 31 કોર્સ પૂરા કર્યા હતા. આઠ ડિગ્રી ડિપ્લોમા મેળવેલા અને સાત વધુ કોર્સમાં અભ્યાસ ચાલુ હતા. ડોક્ટર એમબીએ પણ છે. ભાનુભાઇ પોતાની સફળતાઓનું શ્રેય જેલના સ્ટાફને આપે છે અને ગર્વથી કહે છે કે, વ્હાલી દીકરીને પોતે હવે કંઇ પણ ભણાવી શકશે.
મનમાં મક્કમ ઇરાદો હોય અને ડો. ભાનુ પટેલ જેવી લગન હોય, પછી જેલના સળિયાની શી વિસાત. એક વિદ્યાર્થી તરવરતી જવાનીમાં, બહારની દુનિયામાં રહીને ન કરી શકે, તે ૫૮ વર્ષના ભાનુભાઇએ જેલવાસ દરમિયાન કરી દેખાડ્યું. હવે એમનું નામ વિશ્વની સૌથી મોટી ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં લખાવાની તૈયારી છે.
ડોક્ટર હાલ BAOU માટે કન્સલ્ટન્ટ કોર્સ કોઓર્ડિનેટર છે. સંસ્થા એમને રૂ. ૧૦, ૦૦૦ જેટલું વેતન આપે છે. કામકાજ માટે એક વાહન આપ્યું છે. ડોક્ટર અલગ અલગ જેલોમાં કેદીઓને અભ્યાસનું મહ્ત્ત્વ સમજાવે છે અને ભણાવે છે. ટૂંક સમયમાં એ વ્યાખ્યાતા પણ બની જશે. હમણાં જ થયેલી ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં ડો. ભાનુભાઇ પટેલ નવરંગપુરા મત ક્ષેત્રમાં પ્રીસિડિંગ ઓફિસર હતા.
દોસ્તો, જેલવાસને જ્ઞાનના સહવાસથી જીવનની સૌથી ઉજ્જ્વળ ઘટના બનાવનાર ડો. ભાનુભાઇ પટેલ એકમાત્ર વ્યક્તિ છે. અને એ આપણા ગુજરાતના છે. મને તો ભગતસિંહ, નહેરુ, ગાંધી, સરદાર જેવા આઝાદીના લડવૈયાઓ પછી પહેલીવાર કોઇ જેલના કેદીને સલામ કરવાનું મન થયું હોય એ છે, ડો. ભાનુભાઇ પટેલ.
Viral Mehta