14 ફેબ્રુઆરી, 2014

દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં! (Hollywood Café 14)


દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં!
બહાર એટલે લહેર એટલે પવન એટલે શીત એટલે ઉષ્ણ એનું ચિત્ર દોરી દો તો ખરા. બાગ એટલે ખિલવું એટલે ફૂલ એટલે શૂળ એટલે મીઠું એને શબ્દમાં લખી દો તો ખરા. દખ્ખણાદા વાયરે વસંતની કળીઓમાં પરોવાઇ જવાની મોસમ છે. કોઇની લટ જોડે પવન અડપલાં કરે ત્યારે સમસમીને રહેવું વિષમ છે. કોઇ ખબર તમારા લગી પહોંચે એ પહેલાં આખું જગ જાણે એવો આલમ છે. આજે ૧૪મી ફેબ્રુઆરી. ૨૦૧૪નું વર્ષ. અને હોલિવૂડ કેફેમાં આપણી ૧૪મી મુલાકાત! કવિવર ઉમાશંકર જોષીની પંક્તિને શીર્ષકે બેસાડી આવો, ફીસ્ટ ઓફ વેલેન્ટાઇન એટલે કે, વેલેન્ટાઇન્સ ડે સેલિબ્રેટ કરીએ.
રમ્ય ગુલાબ આપે છે. માના સ્વીકારે છે. કેફેમાં ઉલ્લાસનું વાતાવરણ છે. શાખા કોઇ ખાસ કારણે અમેરિકાથી ટૂંકી રજા લઇને આવવાની છે. અંશ આતૂરતાથી રાહ જોઇ રહ્યો છે. ત્યાં પેલા કોર્નરમાં કંઇક રકઝક જેવું ચાલી રહ્યું છે. રમ્ય-માના એમની કોમન ફ્રેન્ડ પ્રથાને કંઇ કહી રહ્યાં છે. પ્રથા તે માનવા તૈયાર નથી. કાંતને પોતે ખૂબ નજીકથી જાણે છે. એમની વચ્ચે કોઇ વાત છૂપી નથી એવો વિશ્વાસ એને છે. રાગ કોલેજ બંક કરી કેફેમાં પહોંચી ગયો છે. આજે તો નૃપા અહીં આવશે જ એવો એને વિશ્વાસ છે. બેકપેકમાં ફૂલો સંતાડી કેફેની ગેલેરી સીટ પર રાહ જોઇ રહ્યો છે. હર્ષ, ઉલ્લાસ, ઉન્માદ, રકઝક, મૂંઝવણના વાતાવરણમાં અચાનક કંઇક અજાયબ વાત બને છે. અચાનક રાત પડવા લાગે છે. ફૂલો, હાર્ટશેપ બલૂન્સ, તોરણો, સુશોભનોથી રંગીન બનેલાં કેફેમાં ધીમેધીમે રંગ બદલાવા લાગે છે. સૌના અશ્ચર્ય વચ્ચે બધું શ્વેત-શ્યામ (બ્લેક એન્ડ વ્હાઇટ) થતું જાય છે.
ઇલ્સા રોષથી તમતમીને કેફેમાં આવે છે. રિકને એક ખુલ્લા કોર્નરમાં હાથ ખેંચીને લઇ જાય છે. તતડાવીને કહે છે પેલા કાગળો પાછા આપવા માટે. રિક મોં ફેરવી લે છે. ઇલ્સાનો આક્રોશ ભભૂકી ઊઠે છે. હેન્ડબેગમાથી ગન કાઢી રિક પર તાકે છે. હાથ કંપે છે. પેરિસમાં રિકને પહેલીવાર મળેલી એ ઘટના યાદ આવે છે. આંખ ભીની થઇ જાય છે. રિકના ખભે માથું મૂકી વિલાપ કરે છે. કબૂલે છે કે, પોતે રિકને હજી પણ એટલો જ પ્રેમ કરે છે પણ હવે સંજોગો અલગ છે. એણે ત્યારે માની લીધેલું કે, પતિ લેઝ્લો યુદ્ધમાં ફના થઇ ગયો છે. પરંતુ, એ પાછો આવ્યો અને તે રિકને કંઇ કહ્યા વિના ચાલી નીકળી. રિકની નફરતની આગ પણ હવે શમે છે. ઇલ્સાના પતિ લેઝ્લોને અમેરિકા મોકલવાનું એ વચન આપે છે. પરંતુ, જો ઇલ્સા કાસાબ્લાન્કામાં પોતાની સાથે રહે તો. કેફેમાં દરેકનું ધ્યાન કાસાબ્લાન્કા મૂવિમાં પરોવાયું છે. મ્યૂરી બર્નેટ અને જ્હોન એલિસનના કદી ન ભજવાયેલા એક સ્ટેજ પ્લે પરથી ડિરેક્ટર માઇકલ કર્ટિઝની ફિલ્મ, કાસાબ્લાન્કા. ૧૯૪૨માં બની હતી અને રોમેન્ટિક મૂવિમાં આજેય પહેલા નંબરે આવે છે. ફિલ્મમાં છેલ્લે રિક, ઇલ્સાને એક વાત કહે છે, આજે નહીં તો આવતીકાલે. પણ જલદી જ થયું હોત. અને પછી જિંદગીભર એક વસવસો રહ્યો હોત તને’! આનું રહસ્ય કેફેમાં તો બધાને ખબર પડી ગઇ. તમારે એઝ યુઝ્વલ ફિલ્મ જોવી જ રહી.
શાખા મુંબઇ એરપોર્ટથી સ્ટેશન જવા નીકળી છે. ટ્રાફિક જામમાં ફસાઇ છે. સયાજીનગરી એક્સપ્રેસ નીકળી જાય છે. અંશ કેફેમાં અકળાય છે. શાખાને ચિંતિત જોઇ એક હેન્ડસમ બિઝનેસ મેન એને લિફ્ટ ઓફર કરે છે. શાખા કચવાતા મને કારમાં બેસે છે. કેફેમાં નૃપાને આવતી જોઇ રાગ ફૂલો લઇ સામે જાય છે. પ્રોફેસર નૃપા સ્ટુડન્ટ રાગની ચેષ્ટા પર હસી પડે છે. પોતાના ફિયોન્સે સાથે પરિચય કરાવે છે. રાગ શરમાઇ જાય છે. નૃપા ફૂલો ક્ષેમાને આપવા કહે છે. ક્ષેમા રાગની ક્લાસમેટ છે અને તેને પસંદ કરે છે. ક્ષેમા વિષે વિચારતા રાગની નજર સામે એલિઝા આવતી દેખાય છે. પ્રોફેસર હેન્રી સામે સોફામાં બેસે છે.
એલિઝાના એટિકેટ્સથી બધા અંજાઇ જાય છે. કોઇ કહે, રાજકુમારી હશે. તો કોઇ કહે, મોટા ધનવાન પરિવારની છે. પરંતુ, ત્યાં તો બહાર રેસ શરૂ થાય છે ને એલિઝા અસલ ફોર્મમાં આવે છે. ઘોડાને બકઅપ કરતા એનું બેફામ વર્તન જોઇને લોકો દંગ રહી જાય છે. પ્રોફેસર માથું કૂટે છે કે, આટઆટલી ટ્રેઇનિંગ છતાં આ ફૂલની દુકાનવાળીએ આબરૂ કાઢી આજે. એલિઝાને પણ ભૂલ સમજાય છે. પછી એક પાર્ટીમાં મોટા અમીર ઉમરાવો વચ્ચે ફરી એલિઝા રજૂ થાય છે. ફરી એનાથી લોકો અભિભૂત થાય છે. એને તાલીમ આપવાની ક્રેડિટ પ્રોફેસરને મળે છે. પરંતુ પ્રોફેસર હવે એલિઝાથી દૂર રહે છે. અલબત્ત એના વિના એમને ફાવતું નથી. ત્યાં એક દિવસ એલિઝા ફ્રેડી સાથે એના એંગેજમેન્ટની વાત કરવા આવે છે. પછી શું? એલિસ અને હેન્રી ફરી એક થયા? બર્નાડ શોના પિગ્મેલિયન પરથી બનેલી મૂવિ જોઇ લો. માય ફેર લેડી. જ્યોર્જ ક્યુકોર દિગ્દર્શિત આ મૂવિ પરથી દેવ આનંદે મનપસંદ બનાવી અને ગુજરાતીમાં બની સંતુ રંગીલી.
હાઇવે પર કારમાં બિઝનેસ મેન માન સાથે વાતો કરતા શાખાને થાય છે, આ જ તો એ પરફેક્ટ મેન છે. એના સ્વપ્નોનો રાજકુમાર! એની મંઝિલ તો સફરમાં જ મળી ગઇ. હવે અંશને મળું કે નહીં? કેફેમાં અંશ હજી રાહ જુએ છે. બુકશોપ તરફ જાય છે. કેથલીન અને જો વચ્ચે ચાલતી તકરાર પર ધ્યાન જાય છે. ફોક્સ બુક્સના માલિક જો ફોક્સનો ગલીના છેડે નવી બુક શોપ શરૂ કરવાનો પ્લાન છે. કેથલીનની બુક શોપ માટે એ મોટી સ્પર્ધા છે. જો પ્લાન બદલવા તૈયાર નથી. એટલે કેથલીનને આ માણસ પર ભારોભાર નફરત છે. કેથલીનનો એક ઇ-મેલ ફ્રેન્ડ છે, NY152 એની સાથે કેથલીન શોપગર્લના નામથી રોજ પોતાની વાત કહે છે. પેલો એને સામી લડત આપવા હિંમત આપતો રહે છે. છેવટે ફોક્સ બુક સ્ટોર ખૂલે છે અને કેથલીનની શોપ બંધ થવાના આરે પહોંચે છે. શોપગર્લ એના ઇ-મેલ ફ્રેન્ડને મળવાનું નક્કી કરે છે. બંને મળે છે પણ ખરા. પછીની વાત જાણવા યુ હેવ ગોટ એ મેઇલ’! નોરા એફ્રોન ડિરેક્ટેડ આ મૂવિ જોઇને ટોમ હેન્ક્સ અને મેગ રાયનની જોડીના પ્રેમમાં પડી જવાય છે. ૧૯૪૦ની ધ શોપ અરાઉન્ડ ધ કોર્નરની આ આધુનિક રી-મેક છે.
રમ્ય-માનાની કઇ વાત પ્રથા માનવા તૈયાર નથી? અંશને શાખા મળશે? રાગ અને ક્ષેમાની લવ-સ્ટોરીનું શું? પાત્રોના નામ ગુજરાતી છે, પણ ૨૦૧૦માં બનેલી વેલેન્ટાઇન્સ ડે જોશો તો બધા જવાબ મળી જશે. ગેરી માર્શલની આ રોમેન્ટિક મૂવિમાં તમને ગમતા બધા હોલિવૂડ સ્ટાર્સ જોવા મળશે.
રોમાન્સ શબ્દ ક્યાંથી આવ્યો? એની આઇડિયા? હા, રોમ, રોમનિકસ એટલે રોમન સ્ટાઇલ. જીવનની સૌથી જાજરમાન અનુભૂતિ પ્રેમમાં લાવણ્ય, અદબ, મલાજો અટલે રોમન સ્ટાઇલમાં રોમાન્સ. રોમિયો અને જુલિયેટનો રોમાન્સ. એરિક સિગલની ફિલ્મ લવ-સ્ટોરીનો નિઃસ્વાર્થ રોમાન્સ. આ ફિલ્મની કથા પરથી અખિયોં કે ઝરોખોં સે જેવી અસંખ્ય હિન્દી ફિલ્મો બની. તેની એક ટ્યૂન તમારા મોબાઇલનો રિંગટોન પણ હશે.
વિલિયમ વિલરની ફિલ્મ રોમન હોલિડેમાં રાજકુમારીના અને પત્રકારના પ્રણયનો અનોખો રંગ છે. પ્રેમની સાચી ઉત્કટતા જોવી હોય તો એન્થની મિંઘેલાની ઓસ્કર વીનર ધ ઇંગ્લિશ પેશન્ટ અચૂક જોવા જેવી છે. ૧૦૪ વર્ષના વેમ્પાયરના પ્રેમમાં પડતી ટીનએજર બેલા સ્વાનની રોમેન્ટિક ફેન્ટસી પર ધ ટ્વાઇલાઇટ સાગા સીરિઝની પાંચ મૂવિ બની છે. સ્ટેફની મેયરની કથામાળાને ટોચના પાંચ ડિરેક્ટર્સે બેનમૂન બનાવી છે. નિકી રાહ જોતો ઊભો રહ્યો પણ ટેરી ન જ આવી. એણે ધારી લીધું કે કિસ્સો પતી ગયો. અને પછી એક દિવસ બંને ક્યાંક મળી ગયા. એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર છ મહિના પછી મળીને એક બીજાના થઇ જવાના કોલ દેનાર બે પ્રેમીએની અમર કથા એટલે ૧૯૫૭ની લિયો મેકકેરી દ્વારા દિગ્દર્શિત એન અફેર ટુ રિમેમ્બર. એની ઉપરથી આમીર મનિષાની મન બની.
રંગ એટલે લાલ એટલે ગાલ એટલે તલ એટલે દિલ હવે ખોળી દો તો ખરા. નજર એટલે જોવું એટલે સ્વપ્ન એટલે સાચું એને પાડી દો તો ખરા. હોલિવૂડ કેફેના સૌ પ્રેમીઓને જીવનસુંદરીની બધી વસંત મુબારક. હેપી વેલેન્ટાઇન્સ ડે!
Viral Mehta