10 ફેબ્રુઆરી, 2014

એક દિવસ સાવ અચાનક (Udaan 33)


એક દિવસ સાવ અચાનક
'બસને.... મહેતાજી, તમે છેવટે મજાક કરી જ લીધી આજે'. 'અરે ના ના દવે આ તો થોડી વાતો અખબારોમાં જોઇ તે થયું તમને સંભળાવું'. બુક સ્ટોરના રિડિંગ કોર્નરમાં બે થોડા જૂનવાણી પણ પ્રભાવશાળી સજ્જનો ઉપર સ્હેજેય સૌનું ધ્યાન ખેંચાતું હતું. ધોતી, ઝભ્ભો, ખેસ, થેલો અને ચહેરા પર ગજબનું તેજ. 'પણ સાચું કહેજો દવે, તમે ઢોલ વગાડી વગાડીને થાકી ગયા તોય અંતે તો હેમનું હેમ', મહેતાએ હસીને કીધું. 'જુઓ જુઓ મહેતાજી તમારાથી નાનો છું એટલે સામે જવાબ નથી આપી શકતો, પણ જાગીને જુઓ તો તમને જગત નહીં દીસે', દવેના માર્મિક કટાક્ષ પર મહેતાજી મરક મરક હસી રહ્યા. બંનેની વાતોમાં આસપાસ બેઠેલાઓને કોઇ મેળ જડતો નહોતો તોય રસ પડ્યો. બધાએ ખુરશીઓ એમની તરફ ફેરવી લીધી.
'મને પેલી કડી બહુ ગમે છે, સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો, બહુ સરસ રચના છે', મહેતા બોલ્યા. 'જુઓ વળી પાછી મજાક'? દવે હવે ખરેખર અકળાયા, 'મને પણ પેલી પંક્તિ બહુ અસરદાર લાગી હોં કે મહેતાજી, પક્ષાપક્ષી ત્યાં નહિં પરમેશ્વર, સમદ્રષ્ટિ ને સર્વ સમાન'. બુક સ્ટોરમાં જાણકારોને હવે ગડ બેસવા લાગી. આ કોઇ ખરેખર મહાપુરૂષો જ છે. 'માફ કરશો આપ બેઉને ક્યાંક જોયા હોય તેમ લાગે છે. આપનો પરિચય'? એક જણથી રહેવાયું નહીં એટલે પૂછી જ લીધું. 'આ મારા મિત્ર, એન. એલ. દવે', મહેતાજીએ કહ્યું તો દવે તરત બોલ્યા, 'અને ક્યારના મારી મજાક ઉડાવે છે તે આ એન. કે. મહેતા'. તમે કોઇ પ્રોફેસર કે શિક્ષક છો? પેલા યુવાને ફરી પૂછ્યું તો બંને જોરથી હસી પડ્યા. 'બેસ બેસ જુવાન, અમે બે અમારી એળખભૂલ્યા લોકો છીએ. આજે આ પુસ્તકોમાં અમારો પરિચય શોધવા નીકળ્યા છીએ'. દવેએ હસતા હસતા કહ્યું.
આસપાસ યુવક યુવતીઓને આ રહસ્યમય સજ્જનો અને એમની વાતોમાં મજા પડી હતી. 'અમારા આ દવે તો બહુ ભણેલા ગણેલા માણસ છે. મુંબઇ એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણ્યા છે. એક જાણીતા અખબારના સ્થાપક તંત્રી પણ ખરા. હું તો બિચારો અંગૂઠાછાપ મહેતો', મહેતાજીએ ફરી ધીમું હસતા કીધું. 'બસ મહેતાજી બસ, મારી કેટલી મજાક ઉડાવશો? તમારું કાર્ય તો આ દેશના નક્શા પર ક્રાંતિનું પહેલું કદમ હતું. અમે બધા બસ એને અનુસરતા રહ્યા', દવે કહેતા ગયા, 'કોઇ એ બાજુ જુએ નહીં તે જમાનામાં તમે ત્યાં જઇ હરિરસ ગાયો'. 'ને તમે જે ડાંડિયો પછાડીને કીધું દવે, એવો વીરરસ તો જગતમાં શોધ્યો જડે તેમ નથી. જ્ઞાતિભેદ, જાતિભેદ, નારી સન્માન પર તમારા વિચારો પણ આ દેશમાં પહેલી ક્રાંતિ સમાન હતા. તમારી રચના ગુજરાતનું ગૌરવગાન બની છે'. 'ને મહેતાજી તમારું વૈષ્ણવ જન તો આજે દેશના ઘરઘરમાં ગૂંજે છે'. 'પણ અફસોસ દવે, આ બધું ગૂંજે ગાજે એટલું જ હજી ન તો ભેદ ભૂંસાયા ન તો ક્રાંતિ આગળ ચાલી. બસ બધું આ શબ્દોમાં અટવાઇને અટકી ગયું'!
દોસ્તો, પડી ઓળખાણ? જ્ઞાનના માર્ગે ક્રાંતિ લાવનાર આપણા આ બંને પૂર્વજોની? એન. એલ. દવે એટલે નર્મદાશંકર લાલશંકર દવે. એન. કે. મહેતા એટલે નરસિંહ કૃષ્ણદામોદર મહેતા. ભેદભાવ, અસ્પૃષ્યતા, અસમાનતા જેવાં સમાજના દુઃષણો સામે ગાંધી કરતાંય પહેલા ઝઝૂમનાર આ બંને ક્રાંતિવીર મહાકવિઓ છે. પરંતુ, જ્યાં હશે ત્યાં અફસોસ કરી રહ્યા હશે કે, હજી ભારત અનામતો રાખવા કાઢવાની, એના સ્વરૂપ બદલવાની વાતોમાં ફંગોળાય છે કેમ? ક્યારેય વિચાર આવ્યો, હજી આ દેશમાં કોઇનો પરિચય દલિત શબ્દથી આપવો પડે એ શરમજનક નથી? કોઇની ઓળખ વંચિત તરીકે નોંધાય એનું દુઃખ નથી કોઇને?
વાત એડમિશન અને નોકરીમાં કોને કેટલી અનામતની નથી. દર્દ એનું છે અને હૃદય ઉપર હાથ મૂકીને સ્વીકારવું પડશે કે, આજેય આપણી કુંઠિતતા આપણા જ મનમાં એક જુદો ખૂણો રાખીને ઊભી છે. વાસ્તવમાં જ્ઞાતિભેદનું નિવારણ સમરસ હૃદયમાં છે. કોઇ પરિવારમાં જન્મ એ મારા અધિકારમાં હતું જ નહીં. કોઇના અધિકારમાં ન હોય. તો પછી આ ભેદભાવ શું છે? શું આ બદલાવ જરૂરી નથી?
જેના માટે અનામતોની ચર્ચા જ્યારે ત્યારે ભભૂકી ઊઠે છે એ લોકો કોણ છે તે જાણો છો? છે કોઇમાં હિંમત રોજ સવારે સડક પર ધૂળ ફાકીને દુનિયાની અવર-જવર માટે સફાઇ કરવાની? રોજ વાસીદું ઉપાડવાની? ગટરમાં ઉતરીને કીચડ કાઢવાની? ઘેર ગણેશ બેસાડતા ઢોલ કોણ વગાડે છે? હોલિકા દહનનો પવિત્ર અગ્નિ કોને હાથે પ્રગટે છે? ગામોમાં આજેય પ્રસંગનું આમંત્રણ આપવા કોણ જાય છે? કોના બેન્ડ-વાજાંની ધૂન પર જાનૈયા ઝૂમે છે? કોણે પેલું ત્રાંબાનું તપેલું બનાવ્યું હશે? કોણે તમારાં મકાનની ઇંટ ચણી હતી? જે રૂના ગાદલાં પર મીઠી નીંદર આવે છે તે કોણે બનાવ્યું? કોણે સીવેલો ડ્રેસ પહેરીને સુંદર લાગો છો? પેલી બધાને ગમે છે તે મોજડી કોણે બનાવી હશે? એ તો બધું ઠીક, તમે જેમાંથી પાણી પીઓ છો એ માટલી કોણે બનાવી?
દોસ્તો, જરૂર આ સમજ કેળવવાની છે. આપણી જિંદગીના દરેક શ્વાસમાં વણાયેલા આપણા જ ભાઇને કોઇ વંચિત શાનો કહે? દલિત કોણ છે? આપણી માનસિકતા કે કંઇ બીજું? રાજરમતના ખેલાડીઓ છો એમની રમતો રમે, આપણે નર્મદ, નરસિંહની રાહે આગળ આવીએ. આપણું દિલ કોતરીને પડેલી અસમાન અનામતની ટકાવારીઓ મિટાવીએ. કરિયરના દરેક ક્ષેત્રમાં પરસ્પર ક્ષમતા વૃદ્ધિના સાથીદાર બનીએ.
Viral Mehta