૨૦૧૪માં સમ્મોહનના અસંખ્ય કિસ્સાઓ બનશે!
બળવાન મહારાજા સત્યવ્રત
નદી કિનારે વિહાર કરી રહ્યો છે. કુમારી કંદ રાજ્યનો એ મહાતેજસ્વી રાજા છે. ખળખળ
વહેતી નદીનું જળ હાથમાં લેવા એ જરા ઝૂકે છે. ત્યાં વહેણમાં તણાઇ આવતી એક નાની
માછલી સત્યવ્રત રાજાને આજીજી કરે છે. હે રાજા, આ નદીનો વેગીલો પ્રવાહ આગળ પર્વત
પરથી નીચે જળ પ્રપાત બનીને પડશે. તું મને બચાવી લે! રાજાને કરૂણા
ઉપજે છે, એ માછલીને નાના ઘડામાં મૂકે છે. માછલીનું કદ વધે છે, રાજા એને મોટાં
પાત્રમાં મૂકે છે. એમાં પણ માછલીનું કદ વધે છે. રાજા સૌથી મોટાં પાત્રમાં એને મૂકે
છે. પરંતુ, માછલી મોટીને મોટી થતી જાય છે. રાજા એક મોટા કૂવામાં એને મૂકે છે. કૂવો
પણ નાનો પડે છે. રાજા માછલીને નદીમાં લઇ જાય છે. માછલીનું કદ નદી કરતાં પણ મોટું
થાય છે. છેવટે રાજા સત્યવ્રત માછલીને મહાસાગરમાં લઇ જાય છે. અને ત્યાં એનું કદ
એટલું મોટું થાય છે કે,આખો સમુદ્ર નાનો પડે.
કંઇ યાદ આવ્યું? હા, મત્સ્યાવતાર. સમુદ્રમાં ગયા પછી, મત્સ્યમાંથી
વિષ્ણુ પ્રગટ થાય છે. રાજાને આવી રહેલા જળપ્રલય વિશે ચેતવણી આપે છે. એક નાવ
બનાવવાનું કહે છે. જેમાં સૃષ્ટિના તમામને બેસાડી બચાવી લેવાનું સૂચન કરે છે. આ
રાજા સત્યવ્રત બીજું કોઇ નહીં, પણ સાતમા મનુ. વૈવસ્વત મનુ. શ્રદ્ધા એમનાં પત્ની. કુમારી-કંદ
એટલે આજનું કન્યા કુમારી. અને શ્રદ્ધા-મનુના વંશજો આપણે માનવો. આજે સૃષ્ટિ પર સાતમા
મનુનું શાસન છે, એમ મનાય છે. મહાન ઇસ્લામમાં પણ હઝરત નૂહની આ જ દાસ્તાન છે. હઝરત
નૂહે એક વિશાળ તરાપો બનાવી મહાપ્રલયમાંથી સમગ્ર જીવસૃષ્ટિને ઉગારી હતી. પવિત્ર બાઇબલ
આ મહાન રાજાને નોઆહ કહે છે. બોલો છેને આપણા બધાની એકની એક કથા. તોય મારા-તારાની નિરંતર વ્યથા?
મહારાજ મનુ કહો, હઝરત
નૂહ કહો કે પ્રોફેટ નોઆહ. આપણા સૌના એક જ મહાન પિતાએ આપણી સૃષ્ટિને, હસ્તીને, એક જ
ઇશ્વરના આદેશથી આપણા માટે ઉગારી હતી. એમાં આનંદથી, સંપથી જીવતા રહેવા. પણ આપણે?
રસલ ક્રો. જેનિફર
કોનેલી. એમા વોટ્સન. એન્થની હોપ્કિન્સ. રે વિન્સ્ટન. લોગન લેર્મન જેવાં સુપર સ્ટાર્સ. અને ઓવોર્ડ વિનિંગ ડિરેક્ટર
ડેરેન ઓર્નોફ્સ્કીની નવી મૂવિ. બુક ઓફ જિનેસિસ એટલે તનખ એટલે સૌથી પહેલું હિબ્રુ
બાઇબલ. જેને ક્રિશ્ચ્યાનિટીમાં ઓલ્ડ ટેસ્ટામેન્ટ કહે છે. એમાંની એક કથા નોઆઝ આર્ક
(નોઆહનું જહાજ) ઉપર આધારિત, આ વર્ષે જેની વિશ્વમાં રાહ જોવાય છે તે ફિલ્મ ‘નોઆહ’. આગામી માર્ચમાં
તમારી ઉપર સમ્મોહિની છાંટવા આવી રહી છે.
હોલિવૂડ કેફે તો ક્યારનુંય
આ વર્ષના નવાં મૂવિઝની રાહ જોઇને બેઠું છે. અજબ-ગજબ વિશેષણ ઓછું પડે એવાં નવાં
મૂવિઝ ૨૦૧૪માં રજૂ થશે. આ તો થઇ સૃષ્ટિ પર સૌથી લાંબો સમયથી રાજ કરી રહેલા
મહારાજાની વાત. પણ ધરતી પરના સૌથી લાંબા મૂવિ પ્રોજેક્ટ વિશે સાંભળ્યું છે? ‘ધ ટ્વેલ્વ યર પ્રોજેક્ટ’. ફિલ્મ ડિરેક્ટર અને સ્ક્રીન રાઇટર રિચર્ડ
લિંકલેટરે પોતાના હોમ સિટી ઓસ્ટિન, ટેક્સાસમાં આ પ્રોજેક્ટ લોન્ચ કરી ૨૦૦૨માં
શૂટિંગ શરૂ કરેલું. જો જો માની બેસતા કે આ કોઇ ડોક્યુમેન્ટરી કે એવું કંઇક હશે. આ
કાયદેસર ત્રણ કલાકની ફૂલ લેન્થ ફીચર ફિલ્મ છે. આ જાન્યુઆરીમાં જ રીલીઝ થઇ. રિચર્ડે
ફિલ્મનું નામ છેક સુધી સંતાડી રાખેલું. હવે ‘બોયહૂડ’ ફિલ્મ ચાહકોમાં ખૂબ પ્રશંસા મેળવી ચૂકી છે.
મેસન અને એનાથી મોટી
બહેન સામન્થાની કિશોરાવ્સ્થામાં માતા-પિતા અલગ થાય છે. ટેક્સાસ છોડીને ભાઇ બહેન મા
ઓલિવિયા સાથે હ્યુસ્ટન રહેવા જાય છે. બાર વર્ષના સમયગાળામાં ઓલિવિયા ત્રણેક નવાં
સંબંધોમાં પરોવાય છે, અલગ થાય છે. દરમ્યાન મેસન મોટો થાય છે. ફોટોગ્રાફી શીખે છે.
એની પોતાની જીવનશૈલિ ઘડાતી જાય છે. પસંદ નાપસંદમાં અટવાય છે. અવાજ ઘેરો થતો જાય
છે. ગર્લફ્રેન્ડ મળે છે. કથામાં ન સમજાય તેવું કંઇ નથી. વાતમાં મજા એક બાળકના
કીડહૂડથી, ચાઇલ્ડહૂડથી, બોયહૂડ સુધી થતા પરિવર્તનો પર ટ્રેકિંગની છે. અલગ થયેલા
માતા-પિતા સાથે બદલાતા સંબંધોની છે.
ફિલ્મમાં મેસનનું
પાત્ર ભજવતો એલર કોલ્ટ્રેન સાત વર્ષનો હતો ત્યારથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું
હતું. હવે તે 12th ગ્રેડમાં છે. બાર
વર્ષમાં દર વર્ષે થોડા થોડા શિડ્યુલમાં રિચર્ડ શૂટિંગ કરતો રહ્યો. ઉંમર વધતા પાત્ર
મેસન સાથે અભિનેતા એલરની પણ સમજમાં પરિવર્તનો આવ્યાં અને પાત્ર ડિરેક્ટની ધારણા
કરતાં પણ વધુ નિખરતું રહ્યું. બોયહૂડમાં મોટું પાત્ર સમય પોતે ભજવે છે. બાર
વર્ષમાં તમામ કલાકારોના દેખાવથી માંડીને માનસિકતા અને સ્વાભાવિકતામાં આવેલાં
પરિવર્તનો પર સમયના પ્રભાવનો રિચર્ડે ભરપૂર લાભ લીધો છે. મૂવિમાં એક ટ્વિસ્ટ છે.
અને તમને ખબર છે, હું એ તમને નહીં કહું. તો ફરી એકવાર ખોવાઇ જાવ તમારા પોતાના
બોયહૂડની મોહિનીમાં. જોઇ કાઢો આ મૂવિ.
હવે જઇએ નોર્થ
કાર્થેજ, મિસૌરી. હસબંડ-ઓફ-દ-યર નિક અને એની બેહદ સુંદર પત્ની એમીની પાંચમી વેડિંગ
એનિવર્સરીનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે. ભેટ સોગાતોનો વરસાદ વરસી રહ્યો છે. શુભેચ્છાઓ
અનેક સ્પંદનોમાં લહેરાઇ રહી છે. એની ધૂન પર આમંત્રિતો નાચી ઉઠ્યા છે. ત્યાં જ
નિકની સુંદર જીવનસંગીની એમી તેમના રેન્ટેડ મેકમેન્શનમાંથી અચાનક ગાયબ થાય છે. કોઇ
સગડ મળતા નથી. પોલિસ, મિડિયા અને એમીના પેરેન્ટ્સ તરફથી વધતા પ્રેશર સામે નિક હતાશ
છે. એની ઉપર પત્નીના મર્ડરનો આરોપ છે. કોઇ એની નિર્દોષતા સ્વીકારવા તૈયાર નથી,
સિવાય નિકની ટ્વિન સિસ્ટર માર્ગો.
ફિલ્મ મશહૂર
લેખિકા જિલિયન ફ્લેનની રેઝર-શાર્પ કલમે લખાયેલી નોવેલ ‘ગોન ગર્લ’ પરથી બની છે. ડિરેક્ટર
છે, ધ ફેમસ ડેવિડ ફિન્ચર. નિકના પાત્રમાં છે, સ્ટાર બેન એફ્લેક અને એમીનું પાત્ર
ભજવે છે, ખૂબસૂરત રોઝમન્ડ પાઇક. ‘ગોન ગર્લ’ તો ઓક્ટોબરમાં આવશે પણ તમે આ નોવેલ આજે જ
વાંચી કાઢો. ને પછી મારી વાત સાંભળો. આખી નોવેલ વાંચીને સસ્પેન્સ જાણી લીધા પછી પણ
તમને મૂવિનો એન્ડ ખબર નહીં પડે. કારણ? નોવેલ કરતા
મૂવિનો એન્ડ જુદો છે. તમે મને તો ઓળખો જ છોને, હું તો તમને નહીં જ કહું કે એમીની
ડાયરીના પેલા પેરેગ્રાફમાં શું હતું. અને પેલા સિલ્વરી ગિફ્ટ બોક્સમાંથી શું
મળેલું. ઓક્ટોબરની રાહ જુઓ ત્યારે.
સસ્પેન્સની વાત
નીકળી જ છે તો આવો તમને વધારે ટીઝ કરું. આમાં તો મને પણ વૂડી એલન ચીઢવે છે. આજકાલ
એની સ્ટેપ ડોટર સાથે કોઇ વિવાદ ચાલી રહ્યો છે. એ જે હોય તે, આપણે એની નવી ફિલ્મ ‘મેજિક ઇન ધ મૂનલાઇટ’ની વાત શરૂ કરીએ અને તરત પૂરી કરીએ. કેમ કે, આ
મસ્તીખોર માણસ કોઇ દા’ડો એના મૂવિની સ્ટોરી લીક
થવા દેતો નથી. બહુ ગજબનાક, માસ્ટર સ્ટોરી ટેલર છે અને એથીય કાબેલ ડિરેક્ટર છે. ફિક્શનમાં
રિયાલિટીથી ફરી પાછો ફિક્શનમાં એટલી આબાદ રીતે તમને ફેરવે છે કે, તમે તમારા
કન્ટ્રોલમાં ન રહો. એ દેખાડે તે જુઓ અને કહે તે જ સાંભળો. હિપ્નોટાઇઝ ઊર્ફે સમ્મોહન.
એની ફિલ્મ જોઇ હોય પછી એનાં દ્રશ્યો જિંદગીભર યાદ રહે. આ એની પકડ છે. એટલે જ આપણી માફક
આખી દુનિયા જૂનમાં ‘મેજિક ઇન ધ મૂનલાઇટ’ની રાહ જોઇ રહી છે. એમા સ્ટોન, કોલિન ફિર્થ,
એલીન એટકિન્સ આમાં મુખ્ય ભૂમિકામાં દેખાશે.
ઓલંપિક રેસલિંગ
ચેમ્પિયન ભાઇઓ માર્ક શલ્ટ્ઝ અને ડેવ શલ્ટ્ઝ તથા જ્હોન ડુ પોન્ટની કન્ટ્રાવર્સી.
એટલે ‘ફોક્સકેચર’ ફાર્મમાં જ્હોને
કરેલા ડેવના કથિત મર્ડરની મિસ્ટ્રીનાં પાનાં ખોલવા ડિરેક્ટર બેનેટ મિલર તૈયાર છે.
ફોક્સકેચર ગઇસાલ ડિસેમ્બરમાં રીલીઝ થવાની હતી પણ હવે આ વર્ષે થશે. આપણા ટોમભાઇ
ક્રૂઝની બિગ બજેટ ‘એજ ઓફ ટુમોરો’ તો તમે જોવાના જ છો. એ જ રીતે એક્શન,
ઇફેક્ટ્સના શોખીનો માટે 300ની સિક્વલ ‘રાઇઝ ઓફ એન
એમ્પાયર’ પણ તમે નહીં ચૂકો.
આ સાલ મૂવિ રસિકો
માટે હોલિવૂડ જબરદસ્ત સમ્મોહન લઇને આવી રહ્યું છે. એટલે એવું પણ થાય કે તમે સિલ્વર
સ્ક્રીનની પેલે પાર પહોંચીને ત્યાંથી તમે જ તમને મંત્રમુગ્ધ થઇને મૂવિ જોતાં
દેખાવ. અચ્છી અચ્છી પાર્ટીઓ ખોવાઇ જવાની બોસ, જો જોને....
Viral Mehta