1 જુલાઈ, 2013

મને બધું આવડે (Udaan 3)


મને બધું આવડે
'બે બદામના આ એમબીએ.... પગાર આપડાથી બે મીંડા વધારે.... ને આવડતના નામે મીંડું'. 'હાવ હાચી વાત કાકા, જેરોક્શ કાડવાની નો આવડે.... ને કે'વાય એમ-બી-એ.... મને-બધું-આવડે'. કોરસ ગારમેન્ટ્સના માર્કેટિંગ ડિવિઝનમાં એકાઉન્ટન્ટ અને સપ્લાયર, નવા મેનેજમેન્ટ ટ્રેઇની વિશેષને સંભળાય તેમ બોલી રહ્યા હતા. 'ચાર દી નૈ ટકે.... આપડી ગેરંટી કાકા....'. સપ્લાયરે જોરથી કીધું.
ગજા બહારની એજ્યુકેશન લોન લઇ પિતાએ બહુ હોંશથી વિશેષને બી-સ્કૂલમાં ભણાવ્યો હતો. પ્લેસમેન્ટ પણ ઠીક મળ્યું હતું. પણ ક્યાં બી-સ્કૂલમાં શીખેલું મેનેજમેન્ટ અને ક્યાં બહારની આ રૂઢ દુનિયા. સભ્ય પરિવારમાં ઉછરેલા, માસ્ટર્સની ડિગ્રી ધરાવતા વિશેષને રોજેરોજ આ ટોણાં સાંભળવાનું કંઇ ગમતું નહોતું. કોઇને ન ગમે. 'કોઇ બાત નહીં, એક દિન સબ સમજ જાએંગે....', મનોમન કહી વિશેષ કોઇ ફાઇલમાં પરોવાયો.
11 વાગ્યા હતા. ચિફ મેનેજર ધમધમાટ આવી પહોંચ્યા. 'મોર્નિંગ ચિફ....', વિશેષે કહ્યું, પણ કોઇ પ્રતિસાદ વિના દેસાઇ કેબિનમાં ચાલ્યા ગયા. ગુસ્સામાં હતા. શેર માર્કેટ ક્રેશ થવાને કારણે ડિસ્ટ્રિબ્યુટરે ગારમેન્ટનો માલ પરત મોકલ્યો હતો. કોરસની ઓફિસના એલિગન્ટ લેન્ડસ્કેપ પર ચાર મોટી ટ્રકો આવીને ખડકાઇ હતી. હવે શનિ, રવિ પછી બે જાહેર રજા. ચાર દિવસ બજાર લગભગ બંધ. પાંચમા દિવસે ઓડિટ. મંદીના માહોલમાં કંપની આમ પણ એકાદ બ્રાન્ચ વાઇન્ડ અપ કરવા વિચારતી હતી. પોતે એનો ભોગ ન બને તેનું જબરદસ્ત ટેન્શન દેસાઇને સતાવી રહ્યું હતું. 'ધીસીઝ નોટ ડન યાર.... ક્યા જવાબ દું હેડ ઓફિસ કો?' ડિસ્ટ્રિબ્યુટર પર દેસાઇ વરસી રહ્યા હતા.
ડિસ્ટ્રિબ્યુટરની ફાઇલ લાવો. દેસાઇએ એકાઉન્ટન્ટને કીધું. 'સરજી આણે તો ખરો ખેલ પાડ્યો'. પેલો દોઢસારો થતા બોલ્યો. 'ખેલ તો હવે પડશે.... તાબડતોબ ક્યાંથી નવો ડિસ્ટ્રિબ્યુટર બનાવું ને આ ખટારા....? ઉફ્....', દેસાઇ ખૂબ અકળાયેલા હતા. 'એક સજેસન કરું સરજી....? ઓલા નવા ટ્રેઇનીને કામ સોંપોને....?', એકાઉન્ટન્ટે ગોળો ગબડાવ્યો. 'માય ફૂટ.... ટ્રેઇનીને શું આવડે?' દેસાઇ તાડુક્યા. 'એ તો સરજી એમ-બી-એ એટલે મને-બધું-આવડે.... અજમાવી તો જુઓ?' પેલાએ કહેતા તો કહ્યું પણ ભૂલી ગયો કે, દેસાઇ પોતે પણ એમબીએ જ હતા.
પછીની મિનિટોમાં વિશેષ ચિફની કેબિનમાં હતો. 'કોઇ પણ હિસાબે ડિસ્ટ્રિબ્યુટર સાથે નેગોશિએટ કરી કન્સાઇન્મેન્ટ અનલોડ કરાવવું પડશે. એટલીસ્ટ 50% પેમેન્ટ એચ. ઓ. ને મોકલવું પડશે. ડુ સમથિંગ, ડુ એનીથિંગ.... હું પણ ટ્રાય કરું છું', કહીને દેસાઇ નીકળી ગયા. અચાનક આવેલી જવાબદારીથી વિશેષ નર્વસ હતો. એણે પ્રયત્નો શરૂ કર્યા. ડિસ્ટ્રિબ્યુટર કોઇ મુલાકાત કે મચક નહોતો આપતો. છેવટે એનો ફોન જ સ્વીચ ઓફ થઇ ગયો. સાંજ પડી ગઇ. ઓફિસ લગભગ ખાલી હતી. વિશેષ આંખો બંધ કરી કંઇ વિચારી રહ્યો હતો. 'વિસેસ ભૈ, કૈં કામ હોય તો કેજો હોંકે....', કોઇ જોક મારી હોય તેમ અકાઉન્ટન્ટ અને બીજો એક જણ હસ્યા ને ટિફિન ઉપાડી રવાના થયા. ઓફિસમાં વિશેષ મોડા સુધી એકલો હતો.
ચાર દિવસ પછીની સવાર. ઓફિસમાં અફરાતફરીનો માહોલ. કંપાઉંડમાંથી ચારેય ટ્રક ગાયબ. આખી ઓફિસ ભાગદોડમાં. ડિસ્ટ્રિબ્યુટરને કંઇ જ ખબર નહોતી. ચોકીદારે વિશેષનું નામ આપ્યું. એનો કોઇ પત્તો, કોઇ સંપર્ક નહોતો. 'આઇ વોન્ટ દીસ ગાય નાઉ, એટ એની કોસ્ટ....', દેસાઇના ગુસ્સાનો પાર નહોતો. પોલિસ ફરિયાદની તૈયારી જ થઇ રહી હતી. 'મોર્નિંગ ચિફ', વિશેષે આવતા જ કીધું. 'વ્હેર દ હેલ વેર યુ, યુ ક્રૂક.... ટ્રક્સ ક્યાં છે'? દેસાઇએ પ્રશ્નોની ઝડી વરસાવી. 'આપણે બેસીને વાત કરીએ.... સર'? વિશેષે એક કવર આપતાં કહ્યું. 'વોટ્સ દીસ? રેઝિગ્નેશન? યુ આર ફાયર્ડ....', દેસાઇએ કવર ફગાવ્યું. એક ચેક એમાંથી સરી પડ્યો. '50% પેમેન્ટ.... સર', વિશેષે કવર હાથમાં આપતા કહ્યું. દેસાઇને કંઇ સમજ ન પડી. વિશેષે કેબિન તરફ ઇશારો કર્યો. બંને અંદર ગયા. થોડી વારે કેબિનનો બેલ રણક્યો. દેસાઇએ એકાઉન્ટન્ટને બોલાવી કીધું, 'એક નવો કોન્ટ્રાક્ટ તૈયાર કરો. વિશેષ ડિસ્ટ્રિબ્યુટર્સના નામથી. સોલ ડિસ્ટ્રિબ્યુટર્સ ફોર કોરસ ગારમેન્ટ્સ'.
'હાઉ ડીડ યુ ડુ ઇટ માય બોય'? દેસાઇના આશ્ચર્યનો પાર નહોતો. 'સાંજે આપણે સાથે જમીશું ચિફ, ત્યારે વાત. અત્યારે હેડઓફિસને સમાચાર આપી દો', વિશેષે કહ્યું. 'ઓફકોર્સ, પણ ડિનર મારા તરફથી', દેસાઇએ કહ્યું અને બંને છુટા પડ્યા.
સાંજે ક્લબમાં દેસાઇ રાહ જોતા હતા. વિશેષ તેના ચાર દોસ્તો સાથે આવી પહોંચ્યો. 'આશિતા, મનોજ, કલ્પન, માધવ. ચાર દિવસ, ચાર ટ્રક્સ, ચાર સાથીઓ, એણે ઓળખાણ આપી. ડિસ્ટ્રિબ્યુટર ગાયબ હતો. અમે વેપારીઓનો સીધો સંપર્ક કર્યો. રજાઓમાં શોપિંગ જોતાં કોરસને કોઇ ના કહે તેમ નહોતું. ઓર્ડર બુક કર્યા. ત્રણ ટ્રક તો તાત્કાલિક અનલોડ થઇ ગઇ. બાકીની એક પણ થઇ જશે', વિશેષ કહી રહ્યો હતો અને દેસાઇ મરકાટ સાથે સાંભળી રહ્યા હતા. 'ઓ. પી. એમ. ખરુંને'? દેસાઇ બોલ્યા.
ભણવામાં લુઇસ ડી બ્રાન્ડીસની થિયરી આવતી ઓપીએમ – અધર પીપલ્સ મની – એ અમલમાં મૂકી વિશેષે કમાલ કરી દીધી. કોરસનો માલ અને વેપારીઓના પૈસા. એની પર થયેલી મજાક સાચી પડી. ચાર દિવસ પણ ન ટક્યો એ ઓફિસમાં. બિઝનેસ ભણ્યો હતો. બિઝનેસ કરવા માટે. કરી બતાવ્યો.
એમબીએની છાશવારે મજાક ઉડાવતી આ જ દુનિયાને આવતા 10 વર્ષમાં 20 મિલિયન મેનેજર્સની જરૂર પડશે. તમે પણ કદાચ એમબીએ ભણ્યા હશો. તો બદલી દો મજાકને હકીકતમાં. એકવાર અવાજ ખોલીને કહી દો આ જગતને કે, હા, 'મને બધું આવડે'.
આજે 1 જુલાઇ. વરસનો બરાબર વચ્ચેનો દહાડો. આજે કંઇક તો કરો. કંઇક કરવાથી બેશક કંઇક થશે.
Viral Mehta