સમીરની નવી જોબ
બેશુમાર વરસાદની એ સાંજે ભણતરના સર્ટિફિકેટ્સને પ્લાસ્ટિકની કોથળીમાં બચાવતો સમીર, કિસ્મતને કોસતો એક ઝાડ નીચે ઊભો રહી ગયો. 23ની ઉંમર. ઇન્ટર્વ્યુઝની ભરમાર. કેરિયરના નામનો કકળાટ. પેકેજની ભૂતાવળ. પરિવારની આશાઓ. પોતાનાં સ્વપ્નો. ખિસ્સામાં છેલ્લી 10ની નોટ. પાંચ કિ.મી. જેટલો ઘરનો રસ્તો. પાણીથી ફૂલીને ફાટી ગયેલા નવા નક્કોર શૂઝ. શહેરનો તમામ વાહન વ્યવહાર ઠપ્પ. મુફલીસી પણ આથી બદતર ન હોય. જો થોડી સભાનતા ગુમાવી હોત તો એ ચોક્કસ લમણું ઝાલીને હેઠો ફસકાઇ પડ્યો હોત. પણ એ અદબ વાળીને ઊભો હતો. ઠંડાગાર પવનમાં સમીરનું હાડ કાંપી રહ્યું હતું. 'એ ભાઇ.... ઓય.... એ ભાઇ.....'
દૂરથી આવતા કોઇ અવાજે સમીરને ઢંઢોળ્યો. સડકની સામે પાર, કારની બહાર આવી, બંને હાથ ઊંચા કરી કોઇ એને બોલાવી રહ્યું હતું. વરસાદની દીવાલ પાછળ એણે જોયું કે કોઇ મિડલ એજ એક્ઝિક્યુટિવ કદાચ મદદ માંગી રહ્યા હતા. 'કારનો શોખ એને.... ને ઘક્કા અમારે મારવાના....', સમીર મનમાં જ સમસમીને બોલી ગયો. તૂટેલા બૂટ અને ખોટકાયેલું મન ઘસડતો સમીર મશીનવત્ ત્યાં પહોંચ્યો. 'સેલ નથી વાગતો, રીપેર કરી આપોને....', બ્લેક મર્સિડીઝના માલિકે કહ્યું. 'રીપેર....? એઝ ઇન.... વોટ'? સમીરે ચીડથી પૂછ્યું. 'ઓ વાઉ.... આજકાલ મિકેનિક પણ ઇંગ્લિશમાં વાત કરે છે, અમેઝિંગ', કાર માલિકે કટાક્ષ કર્યો, 'આ પાટિયું મારીને અમસ્તા ઊભા છો'? સમીરે પાછળ જોયું તો તે જે ઝાડ નીચે ઊભો હતો ત્યાં કાટાઇ ગયેલા પતરા પર હાથે લખેલું 'મોટર મિકેનિક'નું પાટિયું હતું.
બેકારીના આ બદતર પડાવ પર પણ કિસ્મતની આ મજાકથી સમીરને જાત પર હસવું આવી ગયું. ક્યાં મોટર મિકેનિક ને ક્યાં પોતાની મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી.... એણે હવે રમત આગળ ચલાવી. 'કોઇ માણસ નથી બોસ, સાધનો પણ નથી'. 'આ છેને લો, કારનું ટુલબોક્સ', પેલાએ પાનાં-પક્કડ આપતા કહ્યું. 'લો આ કોથળી પકડો અને બોનેટ ખોલો', ટુલબોક્સ લેતા સમીરે ચીડથી કીધું. વરસતા વરસાદમાં પાંચેક મિનિટ એ બોનેટ નીચે મથ્યો ને બોલ્યો.... 'સેલ મારો પાર્ટી'. ઘર્રર્રર્ર.... કરતી મર્સિડીઝ ચાલુ થઇ ગઇ. 'વંડરફૂલ.... આઇ કાન્ટ થેન્ક યુ ઇનફ યંગ મેન....' કાર માલિકે ખુશખુશાલ થઇને કહ્યું અને સમીરના હાથમાં એક મોટી કડકડતી નોટ મૂકી દીધી. 'નો.... નો.... આઇ જસ્ટ....', 'આ તારી ખુમારીની કિંમત છે, ખેરાત નથી છોકરા'. સમીર કંઇક બોલવા જતો હતો એને રોકીને પેલા વ્યક્તિએ કહ્યું. 'મને પણ ખબર છે તું મિકેનિક નથી, તારી ફાઇલ મેં જોઇ એન્જિનિયર....' સર્ટિફિકેટ્સની કોથળી પાછી આપતા એમણે કહ્યું. 'આ મારું કાર્ડ છે, ફુરસદ હોય ત્યારે મળજે.... અત્યારે કોઇ બીજા કસ્ટમર તારી રાહ જુએ છે.... આ પાનાં-પક્કડ રાખ કામ લાગશે'. પેલાં પાટિયાં તરફ એમનો ઇશારો હતો. સમીરે વળીને જોયું તો એક-બે બીજી કાર આવીને ઊભી રહી ગઇ હતી. ખડખડાટ હસી પડ્યા બંને.... 'દોસ્ત, કામ કોઇ નાનું-મોટું નથી, કામ કામ છે, એ કરનાર મહાન છે'. કહીને એ કાર લઇ ત્યાંથી નીકળી ગયા. સમીરે કાર્ડ જોયું....એમ. એફ. જીનવાલા, મેનેજિંગ ડિરેક્ટર, એમ્પાયર ગ્રૂપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ. હજી ગયા રવિવારે જ એમની લાઇફ સ્ટોરી પરનો લેખ 'કથીરથી કંચન' એણે વાંચ્યો હતો.
સડકની પેલે પાર જતાં ફાટેલા શૂ પર નજર પડી, પાણી સાથે આવીને અખબારનો ટૂકડો ચીપકી ગયો હતો. એ સાફ કરવા ઝૂક્યો.... 'જોબ શોધવાની નહીં, જોબનું સર્જન કરવાની જરૂર છે – સામ પિત્રોડા'. એક એન્જિનિયર સીધેસીધો બીજા એન્જિનિયર સાથે વાત કરી રહ્યો હતો. અને સમીરમાં દબાઇ, ચંપાઇને બેઠેલો એન્જિનિયર જાણે કહી રહ્યો હતો, 'તેં તો દોસ્ત મર્સિડીઝ ચાલુ કરી, હવે તું કંઇ પણ ચાલુ કરી શકીશ, જોબ તો મળી ગઇ તને....'
'જોબ મળી ગઇ પપ્પા....'. બે-ત્રણ કારનું કામ પતાવીને ઘરે પહોંચતા જ સમીરે સમાચાર આપ્યા. કંપની?
એન્જિનિયરિંગ કંપની છે.
પોસ્ટ?
બોસની પોસ્ટ પપ્પા.
પેકેજ?
મારે જ નક્કી કરવાનું છે.
પપ્પાને ત્યારે સમીરના જવાબો વિચિત્ર લાગ્યા હતા. પણ આજે એક મોટી ઓટોમોબાઇલ કંપનીના ઓથોરાઇઝ્ડ સર્વિસ સ્ટેશનનો શિલાન્યાસ કરતા પુત્રને જોઇ અપાર ગર્વ અનુભવી રહ્યા છે. ઉત્સવનો માહોલ છે. સહુ ખુશ છે. પહેલી ઇંટ મૂકાય છે. 'સેલ નથી વાગતો, રીપેર કરી આપોને....' સમીરનું ધ્યાન અવાજ તરફ જાય છે. જીનવાલા હાથમાં 'મોટર મિકેનિક'નું પાટિયું લઇને હસતા ઊભા છે. અને એ સાંજનો વરસાદ સમીરની આંખોમાંથી હરખ બનીને છલકાય છે.
આ વાત ભારતના 25 વર્ષથી નીચેના 55 કરોડ યુવાઓના જોશ અને ધગશને સમર્પિત છે. શિક્ષણ અમૂલ્ય છે અને એથી પણ અણમોલ છે તમારો આત્મવિશ્વાસ. આ બંનેના મેળમાં જે ખૂટે છે તે છે, સાદી-સીધી સમજ. ભણતરનો સાચો ઉપયોગ. તમે કંઇ પણ ભણ્યા હો, એનો માનવસમાજના ખપમાં શો ઉપયોગ છે તે શોધી કાઢો. કામનો મૂશળધાર વરસાદ વરસતા વાર નહીં લાગે. આલિશાન કોર્પોરેટ કચેરીઓ, લાઇફ સ્ટાઇલ વગેરે કલ્પનાઓની વાતો છે. કર્મની વાસ્તવિકતા કલ્પનાથીય સુંદર હોય છે. તમારી જ અંદરની શક્તિઓ બંને હાથ ઊંચા કરી તમારી મદદ માંગી રહી છે. તમારી અંદરના એ અમાપને એક અવસર આપી જુઓ. જોબ શોધવાની જફામાં સપડાયેલી કેરિયરનું બંધ બોનેટ ખોલીને એક સેલ તો મારો પાર્ટી.... લાઇફ બદલાઇ જશે.
કુદરત આપણી સાથે સંકેતની ભાષામાં વાત કરે છે. એના સંકેત સમજો. ઓપર્ચ્યુનિટી ત્યાં તમારી આસપાસમાં જ બેઠી છે. ઉઠાવી લો....
Viral mehta