6 જાન્યુઆરી, 2014

સૌથી લાંબી શેલ્ફ-લાઇફવાળી કરિયર (Udaan 29)

સૌથી લાંબી શેલ્ફ-લાઇફવાળી કરિયર
બાળપણમાં જ બાપુ મોટે ગામ ચાલી નીકળ્યા. જયાની બાને માથે મોટી જવાબદારી આવી પડેલી. ગામનાં કાચાં મકાનમાં ત્રણેક ગાય હતી. દૂધની આવકથી ઘર ચાલતું. દિવસ આખો ઢોરાં પાછળ જતો. સાંજે છોરાં રમતાં-કૂદતાં નિશાળથી આવતાં ને બા હરખાઇ જતી. માંડ બે ચોપડી ભણેલી બાને જયા ભણે એનો ભારે ઉજમ હતો. ગામમાં લોક ટકોર પણ કરતું, 'ચંચી, સોડીને તો ઘરકોમ જ હારું. ઇયોન તો શાશરે જૈનં સોણ્ય વાશીદં ન ચૂલોં જ કરવાનોં'. પણ આ તો ચંચી હતી. દીકરીને ડિગ્રી મળે એ જ એનું સપનું હતું. 'હોવઅ, જયા એવડો મોટો ચૂલો હંભાળશ ક આખો મલક જોઇ રેશ્યે', એ સંભળાવી દેતી.
તોય આજે બાને ઉચાટ હતો. ઘડીઘડી બારણે જોઇ આવતી. એક મન કહેતું, શીરો શેકી કાઢ્ય, તો બીજું મન કહેતું, બેશ્ય નં, જયા આવતી જ અશ્યે. જયાનું બારમા ધોરણનું પરિણામ હતું. બાને આમ તો હરખ હતો. તોય જાતજાતના વિચારો આવી જતા. રઘવાટ થઇ ગયેલો. છેવટે ગમાણની સાફસૂફીમાં મન પરોવ્યું. તોય ઉચાટ જ ઉચાટ! ત્યાં તો અંદર રસોડાંમાં કૈંક અવાજ સંભળાયો. બા દોડતી ત્યાં પહોંચી.
'હેય લ્યી સોડી. આ શું મોંડ્યુંશ. ઊભી થા. હેંડ ઉઠ્ય ક. કોંય રિજલ્ટમોં તો કૈંક....', એક તો રઘવાટ અને ઉપરથી જયાને ચૂલા પર જોઇ. એવો તો ગુસ્સો ચઢ્યો બાને. 'હા, બા. હવે આખી જિંદગી મારે ચૂલો....', 'બોલીશ નૈં, ખા મારી શોગન, શુ આયું'? ઘ્રાસકો પડ્યો બાને. જયાને બોલતી રોકી લીધી. 'આ રિઝલ્ટ આવેને બા એ છોકરીઓ....', જયા થોડી રોકાઇ. 'તે શુ? એવી સોડીઓનું શું થયે'? બા હેઠે બેસી પડી. 'એવી છોકરીઓને.... ચૂલા સંભાળવા પડે', જયાએ દુપટ્ટામાં મોં સંતાડી દીધું.
બા ઠંડી પડી ગઇ. બધો ઉજમ ઉતરી ગયો. ગામને શું કહેશે? અવાજ તો દબાઇને ગળામાં શૂળની જેમ ભોંકાતો હતો. પંદર વરસ પહેલાં સૂકવી નાંખેલો દરિયો પોપચાં તોડીને બહાર આવવામાં જ હતો. બાની હાલત જોઇ જયાને થયું હવે બહુ મજાક નથી કરવી. 'કેમ બા, તું જ તો કહે છે, જયા એવડો મોટો ચૂલો સંભાળશે કે આખો મલક જોતો રહેશે. તો હવે જોવાદે આખા મલકને. એક વાર ફૂડ-ટેક્નોલોજિસ્ટ બની જવા દે', જયાએ હસીને બાના ગાલ લૂછતા કહ્યું. 'પણ્ય એમાં ડીગરી મળશં?' બાથી માંડ બોલાયું. 'બા, હવે આ ચંચીની દીકરીને બી. ટેક.ની ડિગ્રી મળશે'. કહેતા જયા બાને હરખથી વળગી પડી.
દોસ્તો! આઝાદી પહેલાંની એક વાત કહું. ગુજરાતના દૂધ ઉત્પાદકોની હાલત કફોડી હતી. એ જમાનામાં ખરીદનારની મરજીના ભાવે દૂધ, દહીં, ઘી, માખણ, છાશ વેચાતાં. મહેનત કરનારને કંઇ મળતું નહીં અને વચેટિયા માલદાર બનતા. ત્યારે દૂધ ઉત્પાદકો સરદાર પટેલને મળ્યા. આ શોષણ રોકવામાં મદદરૂપ થવા વિનંતિ કરી. પટેલે જવાબદારી સોંપી ભડેલી, વલસાડના યુવાન મોરારજી દેસાઇને. એમણે ત્રિભૂવનદાસ પટેલની આગેવાનીમાં અમૂલની રચના કરી. એ જ રીતે ઉત્તર ગુજરાતમાં માનસિંહભાઇ પટેલના અધ્યક્ષ પદે, દૂધ સાગરની સ્થાપના થઇ.
એક તરફ અંગ્રેજો સામે અસહકાર – નોન- કો-ઓપરેશનની ચળવળ તો બીજી તરફ ગુજરાતમાં સહકારી – કો-ઓપરેશન ક્રાંતિની શરૂઆત. ગુજરાતે બ્યૂગલ ફૂંક્યું હતું, શ્વેત ક્રાંતિનું. જેને કારણે આજે ગામેગામ અનેક ચંચી અને સેંકડો જયાનાં સ્વપ્નો સાકાર થઇ રહ્યા છે. ગુજરાતની સમૃદ્ધિનાં પાયામાં છે, ગામમાં વસતી મહિલાઓ. કડકડતી ટાઢ, કાળઝાળ ગરમી કે મૂશળધાર વરસાદ.... પરોઢિયે સાડા ત્રણના ટકોરે જાગીને મોડી રાત સુધી પશુપાલનમાં જોડાયેલું ગ્રામજગત દેશની ઇકોનોમીનાં પાનાં લખે છે.
ચીન સાથેનાં યુદ્ધમાં લશ્કરના જવાનોને દૂધ પહોંચાડવું અનિવાર્ય હતું, ત્યારે આપણા માનસિંહભાઇએ પડકાર ઝીલ્યો હતો. દૂધ સાગરમાં ઐતિહાસિક પ્લાન્ટ સ્થાપ્યો હતો. જવાનોને દૂધનો પાવડર પહોંચાડ્યો હતો. આ શરૂઆત હતી ફૂડ-ટેક્નોલોજીની. દૂધ-સાગરના સ્થાપક માનસિંહભાઇની સ્મૃતિમાં MIDFT – માનસિંહભાઇ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેરી એન્ડ ફૂડ ટેક્નોલોજીની સ્થાપના થઇ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેના વિદ્યાર્થીઓમાં લગભગ અડધોઅડધ કન્યાઓ છે. ઘરમાં રસોઇ કરતી નારીના ચિત્રને આ કન્યાઓ ફૂડ-ટેક્નોલોજિસ્ટ બનીને વૈશ્વિક ફલક પર મૂકી રહી છે. ભોજનના સ્વાદ, સુગંધ અને ગુણને લાંબો સમય જાળવી રાખવાનાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી સાથે પોતાની કરિયરને નવો ઓપ આપી રહી છે.
ફૂડને લાંબી શેલ્ફ-લાઇફ આપતી ફૂડ-ટેકેનોલોજીના અભ્યાસનો ઇતિહાસ ફ્રેન્ચ કેમિસ્ટ અને માઇક્રોબાયોલોજિસ્ટ લૂઇ પાશ્ચરે ૧૮૬૪માં શોધેલી પાશ્ચરાઇઝેશન પદ્ધતિ કરતાંય જૂનો છે. ફૂડને ગરમ કરીને જાળવી રાખવાની પદ્ધતિ ૧૧૧૭થી ચીનમાં પ્રસિદ્ધ હતી. પરંતુ, પહેલીવાર ૧૮૧૦માં પેરિસના નિકોલસ એપર્ટે હવા ચૂસ્ત કન્ટેનરમાં ખાદ્ય પદાર્થો જાળવી રાખવાની ટેક્નિક શોધી. એક જાડા કાચની બોટલમાં ફૂડ ભરી, વેક્સથી સીલ કરી, કેનવાસ લપેટી, ભોજન રંધાઇ જાય એટલાં ગરમ પાણીમાં રાખવાની એણે શોધ કરી હતી. એપર્ટ ફૂડ કેનિંગનો જનક કહેવાય છે. એની ટેક્નિકને એપર્ટાઇઝેશન પણ કહે છે.
માણસને જીવવા માટે જરૂરી ત્રણ બેઝિક્સમાં 'રોટી' એટલે કે ભોજન સૌથી પહેલું અને સૌથી મહત્ત્વનનું છે. એકલા રહેતા યુવાનો હોય કે વર્કિંગ કપલ, પેક ફૂડ, પ્રિઝર્વ્ડ વાનગીઓ, ઇન્સ્ટન્ટ મિક્સ, રેડી-ટુ-ઇટ, રેડી-ટુ-કૂક ફૂડનો મહિમા વધતો જાય છે. ફૂડ-ટેક્નોલોજિસ્ટની ડિમાન્ડ દિન-બ-દિન વધી રહી છે. એટલે જ પ્રિઝર્વ્ડ ફૂડની માફક આ કરિયર પણ સૌથી લાંબી શેલ્ફ-લાઇફ ધરાવે છે. ગુજરાતમાં એ માટે ચાર મહાવિદ્યાલયો છે.
૧૨માની પરીક્ષાને બે મહિના બાકી છે. તમારી નજીકનું ફૂડ ટક્નોલોજી મહાવિદ્યાલય જોઇ રાખજો!

Viral Mehta