વિશ્વનો સૌથી મોટો એક્ટર કોણ?
‘બહેનો-ભાઇઓ, આપણે અહીં કોઇ સપનું જોવા નહીં,
રાજકીય અને આર્થિક વાસ્તવિકતાના હાલ તપાસવા ભેગા થયા છીએ. અમેરિકા? અમેરિકા એક સેકન્ડ રેટ પાવર બની
ગયું છે. તેની વેપાર ખાધ અને નાણાકીય ખાધનો ફાંસલો એક ભયાનક દુઃસ્વપ્ન છે. આપણો
દેશ એક સુપ્રીમ ઇન્ડસ્ટ્રીયલ પાવર હતો, એ જમાનામાં શેર હોલ્ડર્સને જવાબ આપવો પડતો.
પણ હવે, મુક્ત બજારના દિવસો છે. આ કંપનીનું
વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્ય ઊભું થયું કારણ કે, તેમાં તેના સ્થાપકોની મૂડી દાવ પર
હતી. એમને વિકાસની ચાહત હતી, લાલચ હતી. પરંતુ, આજે મેનેજમેન્ટનો કંપનીમાં કોઈ
હિસ્સો નથી! કહેવાનો મતલબ, બહેનો-ભાઇઓ લાલચ - એક સારા
વિશ્વના નિર્માણ માટે - સારી બાબત છે. લાલચ અધિકાર છે. લાલચ કામ કરે છે. લાલચ
સ્પષ્ટતા કેળવે છે. લાલચ આત્મામાં સોંસરવી ઉતરે છે અને પ્રગતિને વેગ આપે છે. લાલચ, તેના કોઇ પણ સ્વરૂપમાં ઉમદા છે
- જીવનની લાલચ, ધનની લાલચ, પ્રેમની લાલચ, જ્ઞાનની લાલચ – માનવજાતના
વિકાસમાં લાલચનો મોટો પ્રભાવ છે. અને મારા શબ્દો યાદ રાખજો મિત્રો, લાલચ આ ટેલ્ડર પેપર કંપનીને જ નહીં, એક મોટા
કોર્પોરેશનને પણ ઉગારશે, જેનું નામ છે, યુએસએ’.
આ માઇકલ ડગ્લસ છે. ‘વોલ-સ્ટ્રીટ’ના શેર બ્રોકર, ગોર્ડન ગેકોના પાત્રમાં ‘લાલચ બૂરી બલા છે’, આ કથનને છટાદાર રીતે એણે ખોટું ઠેરવ્યું હતું. એણે ટેલ્ડર પેપરના શેર હોલ્ડર્સ સામે
સાબિત કરેલું, ‘લાલચ સારી બાબત છે’ – ગ્રીડ ઇઝ ગુડ. ડગ્લસની આ સ્પીચ ખૂબ વખણાઇ હતી.
હોલિવૂડ કેફેમાં દોસ્તો વચ્ચે પાત્રમાં જાન ફૂંકનાર કલાકારોની ચર્ચા નીકળી
હતી. દરેક જણ પોતાના ગમતા કલાકારને શ્રેષ્ઠ સાબિત કરવા જાનદાર દલીલો પેશ કરી રહ્યા
હતા. પછી પ્રવેગ શાનો પાછળ રહે. એણે ‘સેવિંગ પ્રાઇવેટ રાયન’માં કેપ્ટન મિલરની હૃદય સોંસરી ઉતરી જતી સ્પીચ કહી.
‘માઇક? આજની તારીખમાં મને અહીં તાણી રાખનાર તાકાત કઇ? ખબર છે? આ ત્રણ સો
ડોલરની જોબ? ત્રણ સો ડોલર્સ? હું પેન્યિલવેનિયાના એક નાના શહેર એડલીની શાળામાં શિક્ષક છું. ઇંગ્લિશનો
શિક્ષક. કમ્પોઝિશન શીખવું છું. ૧૧ વર્ષથી હું થોમસ
અલ્વા એડિસન હાઇ સ્કૂલમાં કામ કરું છું. સ્પ્રિંગ સિઝનમાં બેઝબોલ ટીમનો કોચ પણ હતો.
ત્યાં ઘરે તો લોકોને માટે મારું કામ એટલે મને મળતા પૈસા. પરંતુ અહીં? કોઇ નથી જાણતું અહીં હું શું કરું છું. એમના માટે તે મોટું રહસ્ય છે. ઘણીવાર
વિચાર આવે કે, હું કેટલો બદલાઇ ગયો છું? પાછો જઇશ ત્યારે મારી પત્ની, પરિવાર
મને ઓળખી શકશે? એને હું
ક્યારેય આજના જેવા દિવસો વિશે કહી શકીશ? અને રાયન? એના વિષે મને
કંઇ ખબર નથી. મને પડી પણ નથી. એ માણસ મારા માટે કંઇ નથી. તે માત્ર એક નામ છે.
પરંતુ રેમેલ જઇને તેને શોધીને ઘેર પાછો મોકલવાથી મને મારી પત્ની મળવાનો હક્ક પાછો
મળતો હોય તો એ મારે મન મોટી આવક છે. એટલે આ જ મારા માટે મિશન છે. છોડીને જવું હોય
તો તું ખુશીથી જા. યુદ્ધના મોરચે જા. ઠીક છે, હું કોણ કોઇને રોકનાર? હું પેપર્સ પણ તૈયાર કરી દઇશ. પણ દોસ્ત, યુદ્ધમાં આપણે જેને મારીએ છીએ તે દરેક
સોલ્જર ઘરથી દૂર વસેલો, મોત સામે ઝઝૂમતો એક પિતા છે. એવું હું માનું છું’.
કેપ્ટન મિલર ઉર્ફ, ટોમ હેન્ક્સ. સુપર સ્ટાર ટોમ
હેન્ક્સ. પ્રવેગની વાતથી બધા સ્તબ્ધ હતા. કોણ શ્રેષ્ઠ એક્ટર નક્કી કરવું એ વધુને
વધુ અઘરું કામ થઇ ગયું હતું. ત્યાં તો અનુમતિએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું. એક
ઓસ્કર, એક બાફ્ટા, બે એમી અને ચાર ગોલ્ડન ગ્લોબ એવોર્ડ વિનર રોબર્ટ ડૂવેલના ‘એપોક્લિપ્સ નાઉ’નો મોનોલોગ યાદ કરાવ્યો.
આ ક્લાસિક વિયેતનામ વોર ફિલ્મમાં, એક બીચ પર નેપલામ (બોમ્બમાં વપરાતું જેલી જેવું એક ઘાતક તત્ત્વ)ની સ્ટ્રાઇકનું દ્રશ્ય છે. લેફ્ટનન્ટ કર્નલ કિલ્ગોરના પાત્રમાં રોબર્ટ ડૂવોલ વર્ષો પહેલાની એક આવી જ હડતાલની વાત યાદ કરે છે. દુઃખમાં ગરકાવ
થઇ જાય છે. યુદ્ધે સર્જેલી દુર્દશા પર ગજબનો સટાયર છે એમાં. ‘તમને કોઇ વાસનો અનુભવ થાય છે? એક અજીબ પ્રકારની વાસ? નેપલામની વાસ છે, માય સન! વિશ્વમાં સૌથી અનોખી સ્મેલ છે એની. રોજ સવારે મને એની ગંધ આવે છે. હવે તો એની સાથે પ્રેમ થઇ ગયો છે. ખબર છે, એક વાર અમે એક ટેકરી પર સતત ૧૨ કલાક બોમ્બ ઝીંકેલા. પછી એની ઉપર હું ચાલ્યો હતો. એકેય શરીર એવું નહોતું જેમાં આ વાસ ન હોય. બસ એક ગંધ હતી ચારે તરફ. ગોસોલિન જેવી ગંધ. આખી ટેકરી પર, જાણે કે જીતની સુવાસ. કાશ.... કોઇ દિવસ આ યુદ્ધોનો અંત આવશે.... (આવશે?) ’
હવે તો સંમતિ પણ ચૂપ ન રહી. જેના અવાજના લહેકાની આખી દુનિયા ચાહક હોય એની વાત કેમ ભૂલાય? અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટે જેને થર્ડ ગ્રેટેસ્ટ સ્ક્રીન લિજેન્ડ ગણાવ્યો હોય એવા જેમ્સ સ્ટુઅર્ટને તો યાદ કરવો જ પડેને? ‘મિ. સ્મીથ ગોઝ ટૂ વોશિંગ્ટન’ની એણે વાત કરી. એક નિખાલસ યુવાનની પસંદગી સેનેટ તરીકે થાય છે. વોશિંગ્ટન પહોંચી એ અનુભવે છે કે, શાસન કરપ્શનમાં ખદબદે છે. એ રોકવાના પ્રયત્નો કરે છે. તો ઉપરથી એની ઉપર ભ્રષ્ટાચારના આરોપ મૂકાય છે. છેલ્લે આંખો ખોલી નાખે તેવું એનું બયાન કોર્ટમાં રજૂ કરે છે.
‘હું ધારું છું આ (ભ્રષ્ટાચાર) એક ભૂલાયેલું કાર્ય છે, મિ. પેઈન. તમને બધાને એનો ઇલમ નથી. મિ. પેઈન તે જાણે છે. એકવાર એમણે જ કહેલું કે આ જ છે જેની વિરુદ્ધ લડવું જોઇએ. અને એકવાર એમણે સંઘર્ષ પણ કરેલો. કારણ એક સાદો, સરળ નિયમ છે: તમારા પડોશીને પણ પ્રેમ કરો. અને આ તિરસ્કારથી ખદબદતા વિશ્વમાં આજે માત્ર આ એક મહાન નિયમ પર સૌનો વિશ્વાસ છે. તમે એ નિયમ વિશે જાણો છે મિ. પેઇન. એટલે જ હું તમારો ચાહક હતો. મારા પિતાની માફક. આ ભૂલાયેલા કામ માટેની લડત કદાચ સૌથી કપરી છે. એમાં જીવનું જોખમ છે. આ માટે જાન આપી દેનારને આપણે બંને જાણીએ છીએ, મિ. પેઈન. તમને હું એના જેવો લાગું છું? તમને બધાને એવું લાગે છે? પણ ના, હું એના જેવો નથી. હું આ અહીં ઊભો. ક્યાંય નહીં જઉં. ભલે આ કોર્ટ મારી વિરુદ્ધ જુઠ્ઠાણાંથી ભરાઇ જાય. હું લડીશ આ ભૂલાયેલા કાર્ય માટે. ભલે ટેલર અને એની ફોજ અહીં ચઢી આવે. કોઇક તો હશે જે મારી વાત સાંભળશે’.
કેફેમાં દોસ્તોની મૂંઝવણે માઝા મૂકી હતી. કોણ દુનિયાનો સૌથી સારો અભિનેતા? ત્યાં તો મેનેજરે ટીવી ચાલુ કર્યું. સદીના મહાનાયકનો જ ઇન્ટર્વ્યુ ચાલતો હતો. સૌના આશ્ચર્ય વચ્ચે એન્કરે પણ આ જ સવાલ પૂછ્યો, ‘મિ. બચ્ચન, તમે કોને સોથી શ્રેષ્ઠ અભિનેતા માનો છો’? જાણો છો બચ્ચનનો જવાબ? ‘મારી દ્રષ્ટિએ સૌથી મોટો એક્ટર એ છે, જે કોઇ પણ પાત્ર જીવી જાણે. દરેક પાત્રમાં નવી જાન લાવે. અમે બધા તો ડાયલોગ્સ અને સીન સુધી સૌથી છેલ્લે પહોંચીએ છીએ. પાત્રોમાં પ્રાણ ફૂંકવાનું સૌથી પહેલું કામ કરે છે, લેખકો. આ દરેક પાત્રને સૌથી પહેલા એનેક્ટ કરનાર છે, લેખક. એ જ છે, દુનિયાનો સૌથી મોટો એક્ટર. સુપર-હિટ ફિલ્મનું મૂળ કારણ સુપર-હિટ સ્ક્રીપ્ટ જ હોઇ શકે’.
ગમતું ગીત સાંભળીને ગાયકો, સંગીતકારનું નામ યાદ રાખનાર આપણે બધા. ફિલ્મની સ્ટારકાસ્ટમાં ડાન્સ માસ્ટર સિખ્ખેનું નામ જાણતા આપણે બધા, લેખક કે ગીતકાર વિશે જાણવાની ક્યારેય તસ્દી લેતા નથી. પરંતુ, આ તો અભિનયની તમામ પરાકાષ્ઠા પાર કરી ચૂકેલો માનવી છે. એ જ આ કહી શકે. દુનિયાભરના કથા લેખકો, સંવાદ લેખકો, સ્ક્રીન રાઇટર્સ માટે બીગ-બી તરફથી આ સૌથી મોટું સન્માન છે.
યાર, મને તો દુનિયાના તમામ ઓસ્કર, ફિલ્મ-ફેર એક પળમાં જીતી લીધાનો અનુભવ થયો. કેફેના દોસ્તોએ પણ એકસાથે બીગ-બીને સેલ્યુટ મારી. અને નિયમ બનાવ્યો, કોઇ પણ ફિલ્મના લેખકનું નામ સૌથી પહેલા જાણવું.... તો ઉપરના સંવાદો લખનારનાં નામ તમે પણ શોધી કાઢો!
Viral Mehta