ગેરંટીડ ફ્રેશનેસનાં પ્યોર ઇન્સન્ટન્ટ મૂવિ મસાલા!
બેન્ટલી કારની ચાવી તમારા હાથમાં આપીને કોઇ કહે, ‘લે દોસ્ત આ કાર
આજથી તારી’, તો સહેજેય નવાઇ નહીં. તમને ભલે અજીબ લાગે પણ એક જબરદસ્ત વાત ચાલી છે. સૌ સૌનાં
ગજા મુજબ કોઇને કંઇકનું કંઇક આપી દે છે. કોઇવાર કોઇ અજાણી વ્યક્તિ કોઇનું મોટું
હોટેલ બિલ ચૂકવીને ચાલી જાય છે. ક્યાંક કોઇની સારવારનો મોટો ખર્ચ કોઇ ઉપાડી લે છે.
કોઇની કોલેજની ફી ચૂકવાઇ જાય છે. જેની સાથે દુશ્મની હોય એના વૃદ્ધ પિતાને હાથ પકડીને
કોઇ આંગણા સુધી મૂકી જાય છે. બિલ્ડિંગમાં લિફ્ટ બંધ હતી. એક મહિલાના હાથમાંથી બધો
સામાન ઉપાડીને કોઇ અજાણ્યો યુવાન છેક સાતમે માળ મૂકી ગયો. આ કંઇક અજબ ઘટનાઓ બની
રહી છે.
કહેવાય છે, આ હેલ્પ, ફેવર, સહકાર, ઉપકારની શરૂઆત એક નાની પેન્સિલથી થઇ. એકવાર
એક પરીક્ષામાં કોઇ વિદ્યાર્થી પેન્સિલ ભૂલી ગયો. બાજુમાં બેઠેલા છોકરાએ પોતાની
પેન્સિલ એને આપી દીધી. પછી રિઝલ્ટ આવ્યું. નેચરલી, પેન્સિલ આપી એ બાળકે કોરું પેપર
મૂક્યું હતું, એટલે નાપાસ થયો. પેન્સિલ મળી એ વિદ્યાર્થી પહેલા નંબરે પાસ થયો હતો.
એણે પેલા છોકરાનો આભાર માન્યો અને કહ્યું, ‘દોસ્ત તારો આ
ઉપકાર હું કઇ રીતે ચૂકવું’? ત્યારે આ બાળકે શું
કહ્યું જાણો છો? ‘એક કામ કર દોસ્ત, તું તારી ઇચ્છા હોય એટલી મદદ કોઇ પણ ત્રણ
જણને કરીશ તો મને બદલો મળી જશે. પણ એક શરત છે. એ ત્રણ જણ પાસે પણ તારે વચન લેવું
પડશે કે એ લોકો પણ ત્રણ ત્રણ જણને એમનાથી શક્ય હોય એટલી હેલ્પ કરે’. પેલા બાળકને વાતમાં રસ પડ્યો. એ પણ તૈયાર થઇ ગયો. અને આ
ગજબનો સિલસિલો શરૂ થઇ ગયો. દરેક મદદ મેળવનાર અન્ય ત્રણ જણને કોઇ પણ રીતે મદદરૂપ
થાય છે.
જ્યારે કોઇ મોટો ઉપકાર કરે તો, એ પાછો વાળવાને બદલે, આગળ વધારો. ‘પે ઇટ ફોર્વર્ડ’ – એક બિલકુલ નવા
વિચાર અને થીમ ઉપર લખાયેલી કેથરીન રાયનની નૉવેલ પરથી વર્ષ ૨૦૦૦માં આ ફિલ્મ બની
હતી. એની ડિરેક્ટર હતી મીમી ઉર્ફ મરિયમ લેડર. લેસ્લી ડિક્સને નૉવેલનું ફિલ્મની પટકથામાં
રૂપાંતર કર્યું હતું.
આવી જ થીમ પર ૧૯૫૪માં પણ એક ફિલ્મ બની હતી, ‘મેગ્નિફિસન્ટ
ઓબ્સેશન’. બોટિંગ રેસમાં અક્સમાત નડતા રેસ્ક્યુ ટીમ
રોબર્ટ મેરીકને તળાવમાં ડૂબતો બચાવે છે. એ જ સમયે સામે પાર ડો. હડ્સનને હાર્ટ એટેક
આવે છે. રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી શકતી નથી. અને સેવાભાવી ડોક્ટર બચી શકતા નથી. પોતાના
લીધે જાન ગુમાવનાર ડોક્ટર વિશે જાણીને મેરીકને ભારે અફસોસ થાય છે. એ નક્કી કરે છે,
દુનિયામાં વધુને વધુ લોકોને ડોક્ટર્સ બનવા પ્રેરિત કરવા. મેરીક પોતે પણ સર્જન બને
છે. શક્ય એટલા તમામને મદદરૂપ થાય છે.
હોલિવૂડ કેફેમાં નવા વર્ષે અવનવી વાતો પર બનેલાં મૂવિઝની ચર્ચા નીકળી હતી. આ
એવાં મૂવિઝ છે જે મનના કોઇ ખૂણામાં હંમેશ માટે પોતાની અલગ જગ્યા બનાવી લે છે. પે
ઇટ ફોર્વર્ડને અમેરિકાએ બંને હાથ ફેલાવીને વધાવી હતી. ઇન્સન્ટન્ટલી ફ્રેશ થવું હોય
તો, કલેક્શનમાં રાખવા જેવી આ યુનિક ફિલ્મ છે.
શહેરમાં ફરતા ફરતા કોઇ મહાયોગી તમને મળે અને કોઇ સિદ્ધ મંત્ર આપે. જે બોલતાં જ
તમારું ધાર્યું થવા લાગે! લાઇફની બધી નકારાત્મકતા
દૂર થઇ જાય. આવું જ બને છે કાર્લ એલન સાથે. સ્ટેફની સાથે ડિવોર્સ પછી કાર્લ બહાવરો
બની જાય છે. પોતાની જાતને નિષ્ફળ સમજવા લાગે છે. વારેવારં દોસ્તો સાથે બાખડી પડે.
ન હોય ત્યાંથી લઢવાર વહોરે. વ્યસની કહેવાય એટલે સુધી વંઠેલ થઇ જાય છે. એમાંને એમાં
એક દિવસ ખાસ દોસ્તના એંગેજમેન્ટ ચૂકી જાય છે. સ્વાભાવિક છે એને ખરાબ લાગે. બંને ખાસ
દોસ્તો સાથે મોટી તકરાર થાય છે.
બુદ્ધિના લઠ્ઠ થઇ ગયેલા કાર્લને એક દિવસ કોઇ વડીલ, ‘યસ’ સેમિનારમાં ભાગ લેવાની સલાહ આપે છે. મને-કમને કાર્લ જોડાય
છે. ત્યાં દરેક વાતમાં ‘હા’ કહેવાનું શીખવે છે. કાર્લ કંઇ લાંબુ વિચાર્યા વિના
સેમિનારમાં શીખેલી વાત અમલમાં મૂકે છે. અને જિંદગીમાં ચમત્કારો થવા લાગે છે.
એકમાત્ર ‘હા’ કહેવાથી શુંનું શું
પળવારમાં બદલાતું જાય છે! કાર્લને નવી ગર્લ ફ્રેન્ડ
પણ મળે છે. ‘યસ મેન’ બની જાય છે
કાર્લ એલન ઉર્ફ તમારો અને મારો ફેવરીટ જીમ કેરી! દરેક ક્ષણે નવો
રોમાંચ આપતી આ ફિલ્મમાં છેલ્લે કલ્પના બહારની એક રસપ્રદ ઘટના બતાવાઇ છે. તમને લાગે
છે, હું એ તમને અહીંયાને અહીંયા કહી દઇશ? મૂવિ જોઇ કાઢો, મૂવિ! શક્ય છે, તમારી લાઇફમાં
પણ બધું આ ‘યસ’ મંત્રથી બદલાઇ જાય!
એક જર્મન ખિસકોલીની વાત કહું. બીજી ફેબ્રુઆરીએ ત્યાં પેન્સિલવેનિયામાં ગ્રાઉન્ડહોગ
ડે સેલિબ્રેટ કરે છે. ગ્રાઉન્ડ હોગ એક પ્રકારની ખિસકોલી છે. કહે છે, બીજી
ફેબ્રુઆરીએ તે પોતાના દરમાંથી બહાર આવે અને વાદળનું વાતાવરણ હોય તો વસંત ઋતુ બસ
આવી જ સમજો. પણ જો ખિસકોલી બહાર નીકળે અને તડકો હોય.... અને જો એ પોતાનો પડછાયો
જોઇ લે, તો આ શિયાળો આવતા છ મહિના રહેશે. પંક્સટોની, પેન્સિલવેનિયામાં આ દિવસે
મોટો ઉત્સવ હોય છે. લોકો તૈયાર થઇને ચોગાનમાં ભેગા થાય છે. સ્પીચ આપે છે. આનંદ કરે
છે. આ વાતનું રિપોર્ટિંગ કરવા એક ન્યૂઝ ચેનલની ટીમ મોકલવામાં આવે છે.
સિનિયર અને કાબેલ પત્રકાર ફીલને આખી વાત વાહિયાત લાગે છે. એમાં કોઇ સ્ટોરી
જેવું લાગતું નથી. એટલે જેમતેમ શૂટિંગ કરી પોતાની ટીમને લઇ શહેર તરફ લઇ રવાના થઇ જાય
છે. હાઇ-વે પર ભારે ટ્રાફિક જામ થયેલો હોય છે. એક રાત રોકાયા પછી જ જઇ શકાય તેવી
સ્થિતિ છે. આખી ટીમ પંક્સટોની પાછી ફરે છે. બીજે દિવસે વહેલી સવારે ફીલ જાગીને જુએ
છે તો ‘ગ્રાઉન્ડહોગ ડે’નો જલસાનું જાણે
પુનરાવર્તન થઇ રહ્યું છે. ફરી એ ત્યાંથી નીકળવા જાય છે. ફરી ટ્રાફિક જામ મળે છે.
ફરી પાછા આવે છે. અને એકની એક ઘટના રોજ ફરી ફરીને બને છે. ‘ગ્રાઉન્ડહોગ ડે’ સીન બાય સીન
થ્રીલ વધારતી કોમેડી છે. હેરોલ્ડ રેમીસનું ઉમદા ડિરેક્શન, ડેની રૂબિનની વાર્તા, બિલ
મ્યૂરી, એન્ડી મેકડોવેલ્સ અને ક્રિસ એલિયટનું પરફોર્મન્સ બેનમૂન છે. છેવટે એવું
થાય છે કે, હું બાકીની સ્ટોરી તમને કહેતો નથી અને તમે ફિલ્મ જોવા લાગો છો.
પેલી રૂપકડી ભૂલકણી ડ્રૂ બેરીમૂરનું ‘50 ફર્સ્ટ ડેટ્સ’. બધ્ધે બધ્ધી કોલેજ ગોઇંગ બેબીઓને અને અફ કોર્સ એમની
મમ્મીઓને ગમી જાય તેવું ક્યુટ, ક્યુટ મૂવિ છે. હા, બોય્ઝ ને ડેડીઝ પણ સ્ક્રીન પરથી
આંખ હટાવી નથી શકતા. કોઇ લગ્ન જ ભૂલી ગયેલી છોકરીને રોજ પરણેલી છે તે યાદ કરાવવા ‘સાયબો’ કેટલેટલાં ‘ગુલાબનો છોડ’ બને છે તે જોવાં અને
જોતાં રહેવા આ પણ સંગ્રહમાં રાખવા જેવું મૂવિ છે.
માનસિક સંતુલન ગુમાવી ચૂકેલા પતિને સાત વર્ષની દીકરી સાથે છોડીને એક સ્ત્રી
ચાલી જાય છે. પછી જિંદગી દરેક ક્ષણે સેમ માટે એક નવો પડકાર બનીને ઊભી રહે છે.
પોતાની જેમ જ માનસિક વ્યાધિથી પિડાતા સાથીઓ મળીને કેવી રીતે તેનો સામનો કરે છે, તે
દર્શાવતી એક ઉમદા ફિલ્મ છે, ‘આઇ એમ સેમ’. નામ સાંભળેલું હોય તેવું લાગે છેને? યસ.... ‘માય નેમ ઇઝ (શાહરુખ) ખાન’, રાઇટ? એમાં ઘણો હિસ્સો
સેમના પાત્ર પરથી લેવામાં આવ્યો છે.
ગમે તેવી સ્થિતિમાં એક ઝપાટામાં મૂડ બદલી કાઢતા, ગેરંટીડ પ્યોર ફ્રેશનેસ
આપતાં, અનેક હોલિવૂડ મૂવિઝ, જોનારના મનમાં પરમેનેન્ટ મકાન બનાવી જાય છે. તમે પણ
લાઇફમાં સમયના થોડા પ્લોટ પોતાને માટે ફાળવો. મનની મહેલાતમાં મહાલવાથી મોટી સાહેબી
કોઇ નથી. બેંક લોન, વીમા, એડમિશન, પરસન્ટેજ, જોબ, કાર, બંગલા, હાઇ-વે, પ્રોપર્ટી,
પોલિટિક્સનો રોજનો કકળાટ વગેરે વગેરે જેવી રોજ કોઇ નવી કે એની એ જફાથી તાત્કાલિક
છૂટકારો મેળવવા હોલિવૂડ કેફેની મુલાકાત લો. ઇન્સટન્ટ તાજગી તમારી જ રાહ જુએ છે.
Viral Mehta