30 ડિસેમ્બર, 2013

‘મૂક’ શિક્ષકની અનોખી દાસ્તાન (Udaan 28)

'મૂક' શિક્ષકની અનોખી દાસ્તાન
બીજીવાર નજર પડી અને ફૂટપાથના કિનારે બેન્ચ પર બેઠેલી કંદરા ચમકીને ઊભી થઇ ગઇ. પરોઢિયે ઊંધ નહોતી ઊડી? કોઇ વિચિત્ર સપનું હતું? કોઇ જાદૂગર સંતાઇને કંઇ ખેલ બતાડી રહ્યો હતો? એણે આસપાસ નજર ફેરવી. વહેલી સવારે પેપર હોકર્સ, મોર્નિંગ વોકર્સ, જોગર્સ સિવાય બીજું હોય પણ કોણ? એ કંઇ સમજે તે પહેલાં તો વળી પાછો ખેલ એની તરફ આવતો દેખાયો. એક સ્ટાઇલિશ કાર એની નજીક આવીને ઊભી રહી. ડ્રાઇવર વિનાની એક ચમચમતી કાર. કંદરાએ કાચમાંથી જોયું. એમાં ન કોઇ ચાલક હતો. ન કોઇ બેઠું હતું. તોય એ કોઇ ગફલત વિના ચાલી આવી હતી.
કંદરાને જોઇને કારનું હોર્ન વાગ્યું. કોઇ પણ ડરી જાયને? એને પણ બૂમ પાડવાનું મન થયું. પણ, અવાજ ગૂમ! ત્યારે જ એના મોબાઇલ પર એક મેસેજ આવ્યો. 'યોર ન્યૂ યર સરપ્રાઇઝ સ્વીટી, ગેટ ઇન'. પતિ આદાનનો મેસેજ હતો. જાણે કોઇ અદ્રશ્ય શોફર વિવેકથી એને બેસવા વિનંતી કરતો હોય તેમ ખાલી કારનો પાછળનો દરવાજો ખૂલ્યો. એ જોઇ રહી હતી ત્યાં ફરી આદાનનો મેસેજ આવ્યો, 'એકદમ સેફ છે, બેસીને ઘરે આવી જા'.
૨૦૧૪ની સાલ લાગવામાં માંડ ૪૮ કલાક બાકી છે દોસ્તો! હજી પણ તમને આ સપનું લાગતું હોય તો વિશ્વાસ રાખો બહુ જલદી સાચું પડશે. જો જાદૂનો કિમિયો લાગતો હોય તો એ કિમિયાગરનું નામ છે, સિબેસ્ટિયન થ્રોન! જર્મનીમાં જન્મેલો આ યુવાન વિજ્ઞાની, ગૂગલનો વાઇસ પ્રેસિડેન્ટ અને ફેલો છે. ગૂગલ ડ્રાઇવરલેસ કારને આખરી ઓપ આપી રહ્યો છે. બહુ નજીકના ભવિષ્યમાં એ તમારી સામે એક સ્ટાઇલિશ ચમચમતી મોટર કાર રજૂ કરશે. જેમાં ડ્રાઇવરની જરૂર નહીં હોય. ગૂગલ મેપથી તમારી જર્ની કારને કહી દો, પછી નિરાંતે પાછલી સીટમાં આ અખબાર વાંચતા ઓફિસ પહોંચો. રસ્તામાં કોફી શોપ કે બેંકમાં થઇને જવું હોય તો પણ કાર શોફર તૈયાર છે.
ઇન્ટેલિજન્ટ લેસર સેન્સરથી આસપાસના વાહનોની ભાળ રાખતી આ કાર કરતાં પણ સિબેસ્ટિયન થ્રોનનું એક બહુ મોટું પ્રદાન છે. 'મૂક' – MOOC – મેસિવ ઓપન ઓનલાઇન કોર્સ સિસ્ટમનો એ પ્રણેતા છે. સન ૨૦૧૧ની એક સવારે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ક્લાસમાંથી ભણાવીને ઘર તરફ જતાં કોમ્પ્યુટર સાયન્સના આ પ્રોફેસરને વિચાર આવ્યો. મારા વર્ગમાં માત્ર ૨૦૦ વિદ્યાર્થીઓ જ કેમ? એ ઘરે પહોંચ્યો. એક સાદો વિડિયો કેમેરા ઓન કર્યો. બ્લેક બોર્ડને બદલે પેપર નેપ્કિન લીધા. ઓછી લાઇટ અને લો રિઝોલ્યુશન રેકોર્ડિંગમાં એણે પહેલું લેક્ચર રેકોર્ડ કર્યું. ત્રણ મહિનાના સમયમાં બેઝિક કમ્પ્યુટર સાયન્સના એ જ લેક્ચર્સ, હોમવર્ક, અસાઇનમેન્ટ્સ અને એક્ઝામ્સ ઓનલાઇન મૂકી દીધા જે ભણવા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની ફીઝ ૫૨, ૦૦૦ ડોલર્સ થાય. શું ધારો છો? કેટલા વિદ્યાર્થીઓ આ ક્લાસમાં જોડાયા હશે? ૧૬૦, ૦૦૦ લોકોએ આ ઓનલાઇન કોર્સનો લાભ લીધો. સૌથી નાનો ૧૦ વર્ષનો વિદ્યાર્થી હતો અને સૌથી મોટા વિદ્યાર્થીની ઉંમર હતી ૭૦ વર્ષ. એમાં એના સ્ટેનફોર્ડના સ્ટુડન્ટ્સ પણ હતા.
એની ઓનલાઇન પરીક્ષાનું પરિણામ પણ જાણવા જેવું છે. પહેલાં ૪૦૦ નંબરમાં સ્ટેનફોર્ડનો એકેય સ્ટુડન્ટ નહોતો. એ સ્કોર મેળવનારમાં એકલા હાથે ઘર-બાળકો સંભાળતી ગૃહિણીઓ, અફગાનિસ્તાનમાં યુદ્ધ વચ્ચે જિંદગી માટે ઝઝૂમી રહેલા યુવાનો, નિવૃત્ત વ્યક્તિઓ હતા. ૧૯૦ દેશના લોકોએ એકસાથે આનો લાભ લીધેલો. આધુનિક શિક્ષણ જગતમાં લોકશાહીની આ 'મૂક' ક્રાંતિ હતી. આ પ્રયોગની સફળતા પછી સિબેસ્ટિયને ઓડેસિટી (UDACITY) યુનિવર્સિટીની સ્થાપના કરી. જેનો અર્થ છે નિર્ભયતા! ખરેખર, નિર્ભય રહેવા માટે જ્ઞાન એકમાત્ર રસ્તો છે.
આ યુનિવર્સિટી કોઇ લાલ ઇંટની પ્રિમાઇસીસમાં નથી. એ તમારા કમ્પ્યુટર સ્ક્રીન પર ચાલે છે. વેબ સાઇટ ડેવલપમેન્ટ, કમ્પ્યુટર સાયન્સ, એપ્લિકેશન ડેવલપમેન્ટ, સર્ચ એન્જિન બિલ્ડિંગ જેવાં અનેક કોર્સ ફ્રી ભણી શકાય છે. લાખોની સંખ્યામાં જગતભરના વિદ્યાર્થીઓ આનો લાભ લઇ રહ્યા છે. સંખ્યા દિન-બ-દિન વધતી જાય છે. જાતે શીખી શકાય તેવી પદ્ધતિએ ચાલતા કોર્સમાં બહુ જ ઓછા બાઇટ્સના ટૂંકા અને અસરકારક વિડિયો છે. કાબેલ ઇન્સ્ટ્રક્ટરર્સ છે. મજાની વાત એ છે કે, બધું જ જ્ઞાન પ્રેક્ટિકલ દ્વારા અપાય છે. તમે જે શીખો એનો આજની દુનિયામાં શો ઉપયોગ છે, તેના જીવંત ઉદાહરણો બતાવાય છે. એકસરખા રસના વિષયો ધરાવતા લોકોની વિશાળ ઓનલાઇન કમ્યુનિટી છે. સતત વિચારોનું આદાન-પ્રદાન ચાલે છે. એમ જ જ્ઞાનની પ્રક્રિયા આગળ વધે છે.
બાય ધ વે, આ અગાઉની ઉડાનમાં એક જવાબનો સવાલ મેં પૂછેલો, યાદ છે? તો એ સવાલ છે, 'શેરલોક હોમ્સ, સહયોગી વોટ્સનને શું કહેતા'? 'એલિમેન્ટ્રી, માય ડિયર વોટ્સન'! શેરલોક હોમ્સ, સ્કોટિશ લેખક કોનન ડોયલની કથાઓનું કાલ્પનિક ડિટેક્ટિવ પાત્ર છે.
જ્ઞાનની દુનિયામાં MOOC દ્વારા લોકશાહી સર્જનાર સિબેસ્ટિયન થ્રોન ઓડેસિટીના કો-ફાઉન્ડર, ગૂગલના વાઇસ પ્રેસિડેન્ટ અને સ્ટેનફોર્ડના પાર્ટ ટાઇમ કમ્પ્યુટર સાયન્સ રિસર્ચ પ્રોફેસર છે. એમના પ્રયોગની સફળતા પછી એમઆઇટી, હાર્વર્ડ, ઓક્સફર્ડ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઝ MOOC માટે પ્રેરાઇ છે. સિબેસ્ટિયનની સંસ્થાના ઇન્વેસ્ટર, મોટા ઉદ્યોગપતિ, ઉત્સાહથી કહે છે, 'કોઇએ વિચારેલું, આફ્રિકાના કોઇ બાળકના હાથમાં, ચોરસ કાચ પર, આખી હાર્વર્ડ, મૂકી શકાય? એક ટેબ્લેટ માત્રથી'?
ભારતવાસીઓ સાચી ક્રાંતિ આને કહેવાય. નવા વર્ષે ચર્ચા આની હોય. આ જ્ઞાનની લોકશાહી છે. એમાં દરેક ઉમેદવાર સત્તાધારી બને છે. એમાં જીતની ગેરંટી છે. આપણા વિચાર બદલીએ, દેશ-દુનિયાનું ભાવિ આપોઆપ બદલાઇ જશે. 'હેપી ન્યૂ યર'!
Viral Mehta