સપનું – તમારી, મારી એકમાત્ર આગવી હકીકત!
બારણાં તો હતાં જ નહીં. આખાં શહેરમાં દરેક મકાનને માત્ર બારીઓ હતી. બાલ્કનીના
કઠેડા પર એ ઊભો હતો. એણે નીચે જોયું. ૩૦૦ માળ તો સહેજેય હશે. એણે એક ઇંટની જાડાઇના
કઠેડા પર ચાલવાનું શરૂ કર્યું. બાલ્કનીની પાળ પર એ મક્કમ પગલે ચાલતો હતો. બીજી તરફ
એક નવી જ ઇમારત બની હતી. એની ઊંચી છત પરથી એ પોતે જ પોતાને જોઇ રહ્યો હતો. સાંકડી પાળ
પર હવે લગભગ દોડી રહેલું પોતાનું જ સ્વરૂપ જોઇ એને ગભરાટ વ્યાપી ગયો. રખેને પગલું
ચૂક્યો તો હજારો ફીટ નીચે.... અને એનો પગ લપસ્યો. એ પડ્યો. સડસડાટ નીચે....
એ તો સારું હતું, મહાનગરપાલિકાની છત પર ધ્વજનો પોલ હાથમાં આવી ગયો. ધીરેથી એ
છત પર આવ્યો. જોયું તો બે તરફ પગથિયાં હતાં. નીચે ઉતરીને મુંબઇ ચર્ચગેટ સ્ટેશન
આવતું. ઉપરનો રસ્તો અમદાવાદ માણેકચોક જતો. એને જવું હતું હોલિવૂડ કેફેમાં. મકાનની
એક બારીમાંથી એણે જોયું. કેફેમાં દોસ્તો રાહ જોતા હતા. એમની સાથે વાત કરવા એણે બારીને
ધક્કો માર્યો. પણ લે.... એ બારી હતી જ નહીં. મકાન સાથે જડાઇ ગયેલું એલસીડી ટીવી
હતું. ધડાકા સાથે એનો સ્ક્રીન તૂટ્યો. બધું હચમચી ગયું.... દ્વિરેફની આંખ ખૂલી ગઇ.
ઇજન એનો ખભો જોરથી હચમચાવી રહેલો. કેફેના એલસીડી સ્ક્રીન પર ચાલી રહેલી ઇન્સેપ્શન
મૂવિમાં કોઇ બ્લાસ્ટ થયો હતો....
સપનું! સૃષ્ટી પરના દરેકની એકમાત્ર આગવી હકીકત. સ્વપ્નો વિષે સંશોધન કરતા વિજ્ઞાનીઓ
કહે છે, જાગ્રત અવસ્થા કરતા સ્વપ્નમાં માણસ હજારોગણી ઝડપે વિચારે છે. એક અંદાજ
મુજબ, દરેક વ્યક્તિ રોજ રાતે ત્રણથી છ સપનાં જુએ છે. પણ આંખ ઉઘડતાની સાથે મોટાભાગે
બધા જ ભૂલી જાય છે. આખા વિશ્વને સપનાં દેખાડતું હોલિવૂડ પોતે પણ સપનાના જગતથી
એટલું જ અંજાયું છે.
વસંત પૂરબહાર હોય ત્યારે પીચ એટલે કે આલુના
વૃક્ષોનું વન ધરતી પરનું સૌથી સુંદર સ્થળ બની જાય. હજારો પરીઓ જાણે ગુલાબી ગાઉન
સજીને રમતી લાગે. આ જ સમયે જાપાનમાં ડોલ્સ ફેસ્ટિવલ, ‘હીના મત્સુરી’ યોજાય. પણ ત્યાં એક બાળક ભારે વિષાદમાં છે. એના પરિવારે આંગણાનું પીચ વૃક્ષ
કાપી નાખ્યું છે. હવે ઢીંગલીઓ એની સાથે નહીં બોલે. ઉદાસ મને બેઠેલા બાળકને મોટી
બહેનનો ઠપકો મળે છે. ત્યાં જ એનું ધ્યાન દરવાજાની બહાર દોડી જતી એક નાની છોકરી પર
પડે છે. બાળક પણ પણ એની પાછળ દોટ મૂકે છે. બંને કપાયેલાં પીચ વનમાં દોડી રહ્યાં
છે. એક ટેકરી આવે છે. ઢોળાવ પર બહેનના કલેક્શનની ઢીંગલીઓ જીવતી થઇને ઊભી છે. બધી
બાળકથી નારાજ છે, અણમોલ પીચ વૃક્ષને ભર વસંતે કાપી નાખવા બદલ! ઘણી આજીજી, વિનંતિ પછી ઢીંગલીઓ રીઝે છે. બાળકને ખિલેલાં ગુલાબી વૃક્ષોમાં ધીમા
નૃત્યની એક ઝલક બતાવે છે. ઢીંગલીઓ અદ્રશ્ય થાય છે. બાળક પેલી નાની છોકરીની પાછળ ઘર
તરફ આવે છે. આંગણામાં પેલાં કપાયેલાં વૃક્ષ પર નવાં અંકુર જોઇ હરખાય છે.
વિખ્યાત જાપાની લેખક, ડિરેક્ટર અકીરા કુરોસાવાની
ફિલ્મ ‘ડ્રીમ્સ’ની આ એક સિક્વન્સ છે. એમાં અલગ અલગ આઠ સ્વપ્નોની વાત છે. એમાં વાત છે,
કિત્સુનેના લગ્નની. વરસાદના મોસમમાં જ્યારે સૂર્ય પ્રકાશમાં વરસાદ આવે ત્યારે
કિત્સુને લગ્ન કરે છે. કિત્સુને એટલે શિયાળ. જાપાનમાં શિયાળને વફાદાર, વગદાર,
પાવરફૂલ, ચતુર અને મિત્ર અથવા જીવનસાથી ગણવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી ફરજ
મુક્ત થયેલા એક કમાન્ડરને આવતાં કોઇ ટનલના સ્વપ્નો. ચિત્રકાર વિન્સેન્ટ વેન ગોગ
તરીકે વિખ્યાત ડિરેક્ટર માર્ટિન સ્કોર્સેઝીને ચમકાવતી ડ્રીમ સિક્વન્સ. માઉન્ટ ફીજી
વિષેના સ્વપ્નની વાત. આખી ફિલ્મને રસપ્રદ બનાવે છે. કુરોસાવાએ પોતાનાં અને લોકોએ
જોયેલાં સ્વપ્નો પરથી ૧૯૯૦માં જાપાનીઝ, ફ્રેન્ચ અને ઇંગ્લિશ એમ ત્રણ ભષામાં ‘ડ્રીમ્સ’ બનાવી હતી.
દ્વિરેફ સામે કોફીનો મગ હતો. ઇજન એને જગાડીને
ક્યાંક ગયો હતો. કેફેમાં મૂવિ બદલાઇ ગયું હતું. લોકોની અવર-જવર બંધ હતી. એકાદ
સર્વિસ બોય આંટા મારતો હતો. કોફી પીધી નહોતી છતાંય મોળી લાગી. સર્વિસ બોય જાણે વગર
કીધે સમજી ગયો. એ સુગરની બે-ચાર સેશે મૂકી ગયો. દ્વિરેફે જોયું તો એના હાથ હતા જ
નહીં. પગના પંજા હતા. એનો ચહેરો.... ઓહ્..... માય.... ટીવી પર જોયેલો એ જ કુખ્યાત
ચહેરો. ચહેરાથી મોટા દાંત. એથીય મોટી, સતત મોટી થતી આંખો. દ્વિરેફ કંઇ સમજે એ
પહેલા એના પગનો પંજો ગળા પર આવી ગયો. મહામહેનતે એ પકડ છોડાવી ત્યાંથી ભાગ્યો. પાછળ
જોયું કેફેના બોર્ડ પર અક્ષરો અસ્પષ્ટ લાગ્યા. અંધારાંમાં દોડતાં સામે જ ઇજન મળી
ગયો. એણે કેફેની વાત કહી. ઇજનને ખબર જ હતી. એણે પોતાનો હાથ બતાવ્યો. પગના પંજા
જેવો હાથ. હેબત ખાઇ ગયો દ્વિરેફ. અંગોનું હલન-ચલન બંધ હતું. એ જકડાઇ ગયો હતો. એણે
નીચે જોયું. પગને બદલે હાથ હતા. એ જમીન વિના હવામાં હાથ ફંગોળી દોડવા મથી
રહેલો....
એક સપનામાંથી જાગીને બીજાં સપનામાં. ફોલ્સ
અવેકનિંગ. જાગવાનો ભ્રમ. ઇન્સેપ્શનમાં પણ આવા જ લેયર્ડ ડ્રીમ્સની જ વાત છે. અન્યના
સ્વપ્નમાં પ્રવેશી એના નિર્ણયો ફેરવતા નવા જ પ્રકારના સ્વપ્ન ચોરની ગજબનાક કથા છે.
ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલેનની અકલ્પ્ય કલ્પના. આજ દિન સુધી સ્વપ્ન સૃષ્ટિ પર બનેલું
સૌથી શ્રેષ્ઠ મૂવિ એટલે ઇન્સેપ્શન. સપના વિષે એવું કહેવાય છે કે, એમાં વ્યક્તિ અક્ષરો
ઉકેલી શકતો નથી. કોઇ ભયાનક સપનું આવે. ગભરાઇ જાવ. ત્યારે કંઇક લખેલું વાંચવાનો
પ્રયત્ન કરજો. આંખ તરત ખૂલી જશે. સપનામાં ઘડિયાળનો સમય પણ જોઇ શકાતો નથી. અને
ક્યારેક જોયા હોય તેવા ચહેરા જ સપનામાં આવે છે.
સ્વપ્નો પર બનેલી હોલિવૂડ મૂવિઝમાં મોટાભાગની હોરર કે થ્રીલર જ છે. ‘અ નાઇટમેર ઓન એલ્મ સ્ટ્રીટ’. બિહામણાં સ્વપ્નો
જોતી નેન્સી વાત પરથી આ ફિલ્મ પહેલીવાર ૧૯૮૪માં વેસ કારવેને બનાવી. ફ્રેડી ક્રુગર
નામનો નકાબધારી નેન્સીના સ્વપ્નોમાં ટીનએજર્સની હત્યા કરે છે. એમને બચાવવા નેન્સી
માટે જાગતા રહેવું એ જ ઇલાજ છે. આ જ ફિલ્મના વિષય પરથી એક મૂવિ ૧૯૮૫માં જેક
શોલ્ડરે પણ બનાવી. હમણાં ૨૦૧૦માં સેમ્યુલ બેયરે ત્રીજી વાર આ ફિલ્મ બનાવી. મૂવિમાં
એક થથરાવી મૂકતો ટ્વિસ્ટ છે. ફ્રેડીને તમારા સપનામાં આવતો રોકવા તો તમે જાગતા રહો.
પણ એ ઊંઘી જાય અને એના સપનામાં તમને ખેંચી જાય ત્યારે? બચીને ક્યાં જાવ?
કોઇ વાર તમને એવું થાય કે, એક જ ઘટના તમારી સામે ફરી બની રહી છે? એને ડેજા-વુ કહે છે. મગજની આ સ્થિતિ પણ કોઇ સ્વપ્નથી પર
નથી. ટોની સ્કોટની એક બહેતરીન ફિલ્મ ‘ડેજા-વુ’માં હીરો ડેન્ઝલ વોશિંગ્ટન, એકવાર બની ગયેલી કોઇ દુર્ઘટનાના
ભૂતકાળમાં જઇ, તારાજીમાંથી લોકોને કઇ રીતે બચાવે છે તેની વાત છે. ટેક્નિક, સબ્જેક્ટ,
ડિરેક્શન અને પરફોર્મન્સની પરાકાષ્ઠા માટે, ડેજા-વુ કરવા જેવી એટલે કે, વારંવાર
જોવા જેવી આ ફિલ્મ છે.
દ્વિરેફ ફરી સડસડાટ નીચે પડી રહ્યો હતો. એને ફ્લોર દેખાયો. હવે કંઇ જ થઇ શકે
તેમ નહોતું. એ જોરદાર વેગથી નીચે પટકાયો. ચોંકીને સફાળો પથારીમાં બેઠો થઇ ગયો.
ઘડિયાળ જોઇ તો સવારના સાત વાગ્યા હતા. એના ડરમાં અજબની થ્રીલ હતી. મજા આવી હતી
સપનું જોવાની.
સપનું – એક હકીકત. એમાં તમે કોઇ પણ બની શકો. કંઇ પણ કરી શકો. તમે સુપરસ્ટાર
બની શકો. સુપર-પાવર બની શકો. શક્ય છે, તમે વડાપ્રધાન પણ થઇ શકો. સપનું છે! જોવામાં કોઇ ગુનો નથી. સાચું પડે તો નવાઇ પણ નથી. સપનાં
જોતા રહો. કારણ કે, એ જ આપણી પોતાની, અન્ય કોઇને ખ્યાલ નથી એવી.... એકમાત્ર આગવી હકીકત
છે!
Viral Mehta