23 ડિસેમ્બર, 2013

એલિમેન્ટ્રી, માય ડિયર વોટ્સન! (Udaan 27)

એલિમેન્ટ્રી, માય ડિયર વોટ્સન!
'બહુ જૂની એક અમેરિકન ગેમ. ૧૯૬૪થી આજ દિન સુધી અમેરિકન ટેલિવિઝન પર ધૂમ મચાવે છે. એનો ગુજરાતીમાં અર્થ થાય સંકટ અથવા ખતરો'. પ્રોફેસરે વાત આગળ ચલાવી, 'એવી રમત, જેમાં જવાબ તમારી સામે હોય એનો સવાલ તમારે શોધવાનો'. ક્લાસરૂમમાં બધા એકબીજાનું મોં જોઇ રહ્યા હતા, 'મેં ઘણી ક્લૂ આપી પણ આ રમતમાં એક જ ક્લૂ અપાય છે'. વિદ્યાર્થીઓનું કનફ્યુઝન વધતું હતું. 'મેં આપેલા ત્રણ જવાબોનો સવાલ કોઇ કહેશે'? ઉત્તરા પાસે જવાબ નહોતો પણ મજા આવી રહી હતી. કૌતુક હંમેશાં બેન્ચની નીચે મોબાઇલ રાખી ચેટમાં મશગૂલ રહેતો તે આજે પ્રોફેસરની વાત સાંભળી રહ્યો હતો. સૌની નજર ક્લાસના ટોપર, પ્રબંધ પર હતી. એની પાસે પણ જવાબ નહોતો. એટલે કે સવાલ નહોતો.
લાઇફ જ્યારે જવાબો સામે ધરીને સવાલ શોધવાનું કહે, ત્યારે અચ્છા અચ્છા અટવાઇ જાય છે! પહેલા સવાલ અને પછી જવાબ એ ક્રમમાં જ જિંદગી જીવતા આપણે ક્યારેય જવાબનો સવાલ શોધવાની તસ્દી લેતા નથી. માણસની એ જ આદતને સૌથી સફળ ગેમ-શોમાં તબદીલ કરનાર જિનિયસનું નામ છે, મર્વ ગ્રિફીન. અમેરિકન ટીવી હોસ્ટ, મ્યૂઝિશિયન, એક્ટર અને મિડિયા મોગલ. એણે તૈયાર કરેલા ક્વિઝ શોનું નામ – જીયોપાર્ડી. હવે પ્રોફેસરના જવાબનો સવાલ બનાવો તો? એક્ઝ્ક્ટલી, 'જીયોપાર્ડી એટલે શું'?
રમત આગળ ચલાવીએ. 'આ શોધી આર્કિમીડીઝે કહ્યું, અવકાશમાં મને ઊભા રહેવાની જગા આપો તો હું પૃથ્વિને ફૂટબોલની જેમ ફંગોળી શકીશ'. કહો, આ જવાબનો સવાલ કયો? કનફ્યુઝ્ડ? તમને ખ્યાલ હોય તો, આર્કિમીડીઝ લીવર એટલે કે ઉચ્ચાલનની શોધ કરી હતી. ત્યારે એની ક્ષમતા સમજાવવા આ કહ્યું હતું. એટલે સવાલ છે, 'લીવરની ક્ષમતા કેટલી'?
મર્વ ગ્રિફીન પછી પણ જીયોપાર્ડી શો અમેરિકામાં એટલો જ પોપ્યુલર છે. એની તાજેતરની સીરિઝનું સંચાલન વોટ્સને કર્યું. વોટ્સન કોઇ વ્યક્તિ નથી. એ છે એક અત્યાધુનિક કમ્પ્યુટર સિસ્ટમ! જે આઇબીએમનું સર્જન છે.
આઇબીએમના સંચાલકો કહે છે, આવતા પાંચ વર્ષમાં કમ્પ્યુટર્સ માનવસહજ બની જશે. એ શીખશે, શીખવાના કારણો આપશે અને આપણી સાથે કોઇ પરિચિત વ્યક્તિની માફક સરળતાથી સંકળાઇ જશે. આ કોગ્નિટિવ સિસ્ટમ યુગની શરૂઆત છે. કોગ્નિટિવ એટલે જ્ઞાનની સંપૂર્ણ પ્રક્રિયા. કલ્પના, વિચાર, માહિતી, સજાગતા, યાદશક્તિ અને નિર્ણયશક્તિનો સમન્વય. ભવિષ્યના દરેક ક્લાસરૂમમાં પ્રોફેસર વોટ્સન ભણાવશે. અથવા એમના જેવા કમ્પ્યુટર્સ ભણાવશે. પરંતુ, ભણાવતા પહેલાં, પ્રત્યેક વિદ્યાર્થીના દરેક પાસાંનો પોતે અભ્યાસ કરશે. એની વિષયસૂઝને આધારે વ્યક્તિગત અભ્યાસક્રમ તૈયાર કરશે. વિદ્યાર્થી નહીં સમજે તો એને સમજાવવાની નવી પદ્ધતિઓ તૈયાર કરશે. અત્યારની માફક કશું ઠોકી નહીં બેસાડે. પરીક્ષામાં નાપાસ થવાની કે ઓછી ટકાવારી એ એડમિશન નહીં મળવાની બીક નહીં બતાવે. પરંતુ, દરેક વિદ્યાર્થી પોતાના વિષયમાં કામયાબ થાય એની શક્યતાઓ વધારશે. આઇબીએમના વાઇસ પ્રેસિડેન્ટ બેર્ની મેયરસન વિશ્વાસપૂર્વક માને છે કે, ટૂંક સમયમાં એક એવો ક્લાસરૂમ તૈયાર થશે જે અભ્યાસની પદ્ધતિ વિદ્યાર્થી પાસે શીખશે. છેને, ટેક્નોલોજીનો સાચો ઉપયોગ!
આવતા પાંચ વર્ષમાં કમ્પ્યુટર્સ પેશન્ટના ડીએનએનો અભ્યાસ કરી ડોક્ટરને એની એક્યુરેટ ટ્રીટમેન્ટ જણાવશે. ઘણા રોગના સાચાં નિદાન અને સચોટ ઇલાજમાં આજે પણ સંભાવનાઓનો સહારો લેવાય છે. એક નહીં તો બીજી નહીં તો ત્રીજી એમ દવાઓ બદલાય છે. પણ ડીએનએ પરીક્ષણ પછી કમ્પ્યુટર્સ એક્ઝેક્ટ દવાનું નામ આપશે. જે મટતાં મહિનાઓ અને વર્ષો લાગતાં એ દર્દ ગણતરીના દિવસોની વાત થઇ જશે. ભવિષ્યમાં તો સર્જરી માટે પણ રોબોટિક મેડિકલ કીટ તૈયાર મળશે. એટલે દાક્તરબાબુની જરૂર માત્ર સ્પેશ્યલ કિસ્સાઓમાં જ પડશે. કોમર્સ અને ટ્રેડનો જ દાખલો લોને? કોણે વિચારેલું આખું શેરબજાર તમે ઘેરબેઠાં ચલાવી શકશો? કોઇ પણ પ્રકારના સ્કેમ, કૌભાંડના ભય વિના કમ્પ્યુટરની મદદથી ઓનલાઇન લે-વેચ કરી શકશો? આ છે, ટેક્નોલોજીની એક્યુરસી અને ઝડપ.
આજે આઇટી, કમ્પ્યુટર ભણતા તમામ વિદ્યાર્થીઓ જ્યારે ભણીને બહાર આવશે ત્યારે ફરી એકડો ઘૂંટવો પડે તો નવાઇ નહીં. કારણ કે, ટેક્નોલોજીની દુનિયા દરેક ક્ષણે બદલાય છે. પહેલાં કોઇની સાથે વાત કરવા રૂબરૂ જવું પડતું. પત્ર લખો તો ટપાલી આવતો. એટલે તે એક ભૌતિક કાર્ય હતું. હવે એ તમારા મોબાઇલની એક ચેટ એપ્લિકેશન કરે છે. તમે જ વિચારોને, નવાંસવાં શોધાયેલાં ઇ-મેઇલ પણ હવે કેટલાં જૂનાં થઇ ગયાં?
એક વાત પૂછું? આજના યુગમાં સૌથી સિક્યોર રાખવા જેવું તમારે માટે શું? તમારો કોઇ પણ પાસવર્ડ, રાઇટ? પણ બહુ ટૂંક સમયમાં આ પાસવર્ડની કોઇને જરૂર નહીં રહે. કારણ કે, ટૂંક સમયમાં દરેક વ્યક્તિ એક કમ્પ્યુટરાઇઝ્ડ ક્લાઉડ બેઝ્ડ સિસ્ટમનો હિસ્સો હશે. દોસ્તો, એ માટે આપણે દરેક હકીકત (ઇન્ફોર્મેશન) જાહેર રાખવી પડશે. એ તો આપણે જાણીએ જ છીએ કે, સુરક્ષિત રહેવા માટે નિડર બનવું પડે. એટલે જ નિડર રહેવા નિર્દોષ પણ રહેવું પડશે.
આપણી સુરક્ષા માટે, આપણા સિવાયના તમામની સુરક્ષાની જવાબદારી પણ લેવી જ પડશે. બિઝનેસની દરેક ડીલ, બધું જ કરસપોન્ડન્સ ઓપન રાખવું જરૂરી બનશે. આ છે, નજીકના ભવિષ્યની ક્લાઉડ બેઝ્ડ સિસ્ટમ. આપણે એક કે અનેક ક્લાઉડમાં રહેવા ઇન્ફોર્મેશનથી જોડાઇશું. અને એ ઇન્ફોર્મેશનનું બીજું નામ હશે, સત્ય! ઇમાનદારી! એટલે બહુચર્ચિત ભ્રષ્ટાચારનો ખાતમો તો ભાવિ વોટ્સન માટે ડાબા હાથનો ખેલ છે, દોસ્તો! 'એલિમેન્ટ્રી, માય ડિયર વોટ્સન, એલિમેન્ટ્રી'!
વાતો તો ઘણી છે, પણ કોલમની બોટમ આવી ગઇ. ફરી મળીએ એ પહેલાં રમતના નિયમ મુજબ આ ઉડાનના શીર્ષકને જવાબ ગણી એનો સવાલ શોધી રાખજો!
Viral Mehta