આ ઇફેક્ટ્સ સ્પેશ્યલ નહોતી! લાગી શરત?
‘બોલો, લાગી શરત’? ‘અરે તુ જાને
દોસ્ત’! ‘ના માનવું હોય તો
તમારી મરજી, બાકી હું હકીકત કહું છું’. ‘અલ્યા બહુ થયું હવે, આજના એનિમેશન અને કમ્પ્યુટર્સના
જમાનામાં કોણ આવા સ્ટંટ કરે’? ‘સાચી વાત છે યાર, સ્ટૂડન્ટ્સ પણ પોતાના
પ્રોજેક્ટમાં લેપટોપ પર જાતે ફિલ્મો બનાવતા થઇ ગયા’. ‘જાતજાતના એનિમેશન કરતા થઇ ગયા’. ‘આ તો હોલિવૂડની
વાત છે’. ‘ત્યાં તો જોરદાર
કમ્પ્યુટર્સ હોય, ધારે તે સીન કમ્પ્યુટર ઉપર તૈયાર કરે’. ‘જુઓ તમારે મારી
ફિરકી જ લેવી હોય તો....’, ‘બસ બકા, શાંતિ રાખ, કોફી
પી, ઠંડી થાય છે’. ‘તું બંધ થઇ જા, શરત મારવી હોય તો બોલ....!’
હોલિવૂડ કેફેના
એક ખૂણામાં ચારેક મૂવિ બફ દોસ્તો વચ્ચે મજાની જંગ છેડાઇ હતી. એક જણ કહેતો હતો કે, સ્પાઇડર
મેનના સ્ટંટ કમ્પ્યુટર જનરેટેડ ઇમેજરી (સીજીઆઇ) નહોતા પણ રિયલ સ્ટંટ હતા. એટલે બાકીના
બધા એની નાદાની પર બગડ્યા હતા. સામે ક્રોસમાં લેપટોપ લઇને બેઠેલી મનસા એમની વાતો
સાંભળી રહી હતી. મનમાં હસી રહી હતી. પછી વાતનું વતેસર થતું લાગ્યું. એટલે ‘એક્સક્યુઝ મી’, કહીને મનસાએ આ
ચાર યારનું ધ્યાન ખેંચ્યુ. ‘હું કંઇક કહું’? એણે પૂછ્યું. આંગિક તો તરત પાછળના ટેબલની ચેર
ખેંચી લાવ્યો ‘વીથ પ્લેઝર, મોસ્ટ વેલકમ’, કહી મનસા માટે જગ્યા તૈયાર કરી દીધી. ‘હા, સ્પાઇડર મેનના સ્ટંટ સ્પેશ્યલ ઇફેક્ટ્સથી
તૈયાર થયા હતા’, જેવું મનસા એ કીધું કે, બધાએ પેલાનો હુરિયો બોલાવી દીધો. ‘એક મિનિટ.... અરે, એક મિનિટ....’, મનસાએ એમને શાંત પાડ્યા, ‘પણ.... ધ અમેઝિંગ સ્પાઇડર મેનના સ્ટંટ સ્પેશ્યલ
નહીં, પ્રેક્ટિકલ ઇફેક્ટ્સ હતા’.
સોપો પડી ગયો! મનસાએ સમજાવવાનું શરૂ કર્યું.... પ્રેક્ટિકલ
ઇફેક્ટ્સ!
એટલે એવી ઇફેક્ટ્સ જેમાં પાત્ર
અથવા સ્ટંટ મેન જાતે પરફોર્મ કરે. ૨૦૦૨માં ડિરેક્ટર સેમ રાઇમીએ ટોબી મગ્વાયરને લઇ,
ઢગલાબંધ સ્પેશ્યલ ઇફેક્ટ્સની મદદથી સ્પાઇડર મેન બનાવી હતી. ત્યારબાદ ૨૦૧૨માં આવેલી
એન્ડ્રુ ગારફિલ્ડવાળી ધ અમેઝિંગ સ્પાઇડર મેનના ડિરેક્ટરને થયું કે, આપણી ફિલ્મ
ખરેખર સ્પેશ્યલ હોવી જોઇએ. એટલે એણે એમાં રિયલ સ્ટંટ કરવાનું વિચાર્યું. એક સીનમાં
સ્ટંટ મેને તો ડિટેઇલ્સ સાંભળતાં જ ઘસીને ના પાડી દીધેલી. પછી એન્ડ્રુ ગારફિલ્ડે
જાતે સ્ટંટ કરેલો. તમે નહીં માનો, ડિરેક્ટરે ૬૦ ફીટની ઊંચાઇથી એન્ડ્રુને ઝોલા
ખવડાવેલા. તમારા શૂઝની લેસ જેટલી પાતળી સ્પ્રિંગથી બાંધીને. સેમ રાઇમીવાળી સ્પાઇડર
મેનનો પેલો સીન યાદ છે, જેમાં મેરી જેનનું લંચ સ્પાઇડર મેન રમતા રમતા હાથમાં પકડી
લે છે? એ પણ પ્રેક્ટિકલ ઇફેક્ટ હતી. એ સીન માટે
મગ્વાયરે ૧૬૮ રીટેક કરવા પડેલા. બોલો, હવે મારવી છે શરત?
બધા ચૂપચાપ
મનસાની વાત સાંભળી રહ્યા હતા. મનસાએ લેપટોપમાં ઓરિજિનલ શૂટિંગની ક્લિપ બતાવી
ત્યારે તો બધાના જીવ તાળવે ચોંટી ગયા. પણ થોડી મિનિટો પહેલાં જેની ફિલમ ઉતરી રહી
હતી તે વાચિકના જીવમાં જીવ આવી ગયો. એણે મનસાનો આભાર માન્યો. ‘હજી પણ કંઇ જાણવું છે’? મનસાએ પૂછ્યું. કોની દેન છે કે ના પાડે. સૌ
ઉત્સુક હતા. મનસાએ મેટ્રિક્સ રીલોડેડ ફિલ્મની વાત કરી.
ઓફ કોર્સ, એમાં
મોસ્ટલી સીજીઆઇનો ઉપયોગ થયો હતો. પણ એક સીન યાદ કરો. જેમાં એક જણ ચાલુ કારમાંથી
બહાર નીકળીને બાજુની કારના બોનેટ પર કૂદે છે અને એ કારના ભૂક્કા બોલી જાય છે. યાદ
આવ્યુંને? હવે બોલો, આ સીનનો કયો પાર્ટ રિયલ હશે? ‘પેલો બોનેટ પર
કુદે છે તે જ તો વળી’, કોઇક બોલ્યું. ના,
કારની ઉપર જાણે હાથી પડ્યો હોય તેમ આખી કારનો કચ્ચરઘાણ થઇ જાય છે તે હકીકતમાં
શૂટિંગ થયેલું. ડિરેક્ટર એન્ડી વાચોવસ્કીની વાત માનો તો, આખા સીનમાં એક્ટર્સને બાદ
કરતા બધું જ રિયલ છે.
એક જૂની કારના
બોનેટ પર ઉપરથી ભારે વજન ફેંકવામાં આવેલું. પછી પેલી હાઇ-વે પર ચાલતી કાર સાથે એ
સીન સફાઇથી ઇમ્પોઝ કરેલો. જોનારને એમ જ લાગે કે પેલો કાર પર પડ્યો અને નવી નક્કોર
કાર માચીસની ડબ્બીની જેમ તૂટી ગઇ. એ જ સીનમાં પાછળ આવતી મોટરકારો એની મેળે ઉછળવા
લાગે છે, એ પણ ફિલ્મના સેકન્ડ યુનિટ ડિરેક્ટર, ડેવિડ આર. એલિસની કમાલ છે. એમાં
કારને ઉડાડવા રસ્તા પર છુપા રેમ્પ મૂકવામાં આવેલા. એક પછી એક લંગારબંધ કાર એ રેમ્પ
પર ઉછળીને ભોંય પર પટકાતી હતી. એ દ્રશ્યમાં એક્ટર્સ જે ખરેખર રિયલ લાગે છે, તેમનું
કોઇ કાર કે ધમાલ-ધડાકા વિના, સ્ટુડિયોમાં, બ્લૂ સ્ક્રીન પર શૂટિંગ થયું હતું. જે પછીથી
ખરેખર શૂટિંગ કરેલા કાર ક્રેશ સાથે મિક્સ થયું.
હોલિવૂડ,
કેલિફોર્નિયામાં એક્શન ફિલ્મો માટે તૈયાર
સ્ટંટનું મેનુ પિરસતી ખાસ કંપનીઓ છે. એમનું કામ ગભરામણ જનરેટ કરવાનું. આઇ મીન,
જોનારના પેટમાં ફાળ પડે એવા ક્રિએટિવ સ્ટંટ તૈયાર કરવાનું. એવા સ્ટંટ જે પહેલા
ક્યારેય કોઇએ જોયાં ન હોય. એ લોકો ડિરેક્ટરની જરૂરિયાત મુજબ દિલધડક સ્ટંટ કમ્પોઝ
કરી આપે છે. કઇ સિક્વન્સમાં કેવો સ્ટંટ બેસ્ટ રહેશે એના વિકલ્પો પણ આપે છે. એટલું
જ નહીં, ઘણી સ્ટંટ કંપનીઓ પાસે તો આવા સ્ટંટ સીનની તૈયાર લાયબ્રેરી જ હોય છે.
ડિરેક્ટરની ચોઇસના રેડી-મેઇડ સ્ટંટ. બોલો, છે ને કમાલની વાત!
આ તો થઇ સ્ટંટ
વગેરેની વાત, મનસાએ કહ્યું, હવે કોઇ સામાન્ય ફિલ્મની વાત કરો. એમાં એક દ્રશ્ય
પછીનું પૂરક દ્રશ્ય તો સીધી સાદી કટ એન્ડ પેસ્ટની વાત જ હોયને? એક સેટ પરથી કેમેરા ઉપાડીને બીજા સેટ પર
મૂકવાનો અને પછી બંને દ્રશ્યો જોડી દેવાના. સો સિમ્પલ! પણ ૨૦૦૨માં એક ફિલ્મ આવેલી ‘કન્ફેશન્સ ઓફ અ ડેન્જરસ માઇન્ડ’. પેલા ઓશન્સ સીરીઝના જ્યોર્જ ક્લૂનીની ડિરેક્ટર
તરીકે પહેલી મુવિ. આ ફિલ્મમાં દરેક સિક્વન્સની કટ-લેસ સીન ઇફેક્ટ લાઇવ કેમેરા પર બની
હતી. એક દ્રશ્યમાં પાત્ર ચક બેરિસ બાથરૂમમાં તૈયાર થાય છે. પાછળ ટબમાં નહાતી ગર્લ
ફ્રેન્ડ સાથે વાત કરતા એને ડેટિંગ ગેમ શોનો આઇડિયા સૂઝે છે. કેમેરા ધીમે ધીમે એની
આંખમાં ઝૂમ-ઇન થાય છે. કેમેરા ઝૂમ-આઉટ થાય છે ત્યારે બેરિસ આ પ્રોજ્ક્ટ કોઇ
કંપનીના બોસને સૂચવતો દેખાય છે.
આ સીનમાં કોઇ કમ્પ્યુટર
ટ્રીક નહોતી. કેમેરા બેરિસની આંખના ક્લોઝ-અપમાં જતા સાથે જ પાછળથી આખો સેટ ફેરવી
દેવામાં આવેલો. આ જ ફિલ્મના બીજા એક દ્રશ્યમાં બેરિસ અને તેના બોસની ફોન પરની વાત
પણ કમાલનું દ્રશ્ય છે. એક જ સીનમાં બે જુદા લોકેશન પર પાત્રો બતાવવા સ્પ્લીટ
સ્ક્રીન ટેકનિકનો સહારો લેવાય છે. પણ ક્લૂનીએ ચાલુ કેમેરા પર આ કરેલું. બેરિસ એના
અપાર્ટમેન્ટ પરથી બોસ સાથે ફોન પર વાત કરે છે. જોતજોતાંમાં બોરિસ અને બોસ એક સાથે
સ્ક્રીન પર દેખાય છે. આ આખો સીન ક્યાંય કટ થયા વિના રજૂ થયો છે. હકીકતમાં અપાર્ટમેન્ટના
સેટ પાછળ બોસની કેબિનનો સેટ તૈયાર કરાયો હતો. ચાલુ વાતે જોનારને ખબર ન રહે તે રીતે
અપાર્ટમેન્ટની દીવાલ હટાવી લેવાઇ હતી. કેમેરા, ક્રૂ મેમ્બર્સ, કાસ્ટ અને
ડિરેક્ટરના તાલમેળનો કમાલ જોવા આ મૂવિ તમારે જોવું જ રહ્યું. એમાં આવી ઘણી લાઇવ
કેમેરા ઇફેક્ટ્સ છે.
મનસા તો એક પછી
એક પ્રેક્ટિકલ ઇફેક્ટના ઉદાહરણો આપતી રહી. જૂરાસિક પાર્કના મોન્સ્ટર જેવાં કદના
ડાયનાસોર પણ કમ્પ્યુટર નહીં રિયલ મોડેલ્સ હતા. ડાર્ક નાઇટ રાઇઝમાં વિમાન પડવાના
દ્રશ્ય માટે સાચુકલું વિમાન ક્રેઇનની મદદથી ખુલ્લી જગામાં તોડવામાં આવેલું. સ્કાયફોલ
ફિલ્મમાં બોન્ડ અને વિલન પર ટનલ તોડીને ધસી આવતી ટ્રેઇનનું દ્રશ્ય. શરૂઆતમાં
ટ્રેઇનની ઉપર અને નીચેની ફાઇટ. એ બધા પણ રિયલ સ્ટંટ હતા.
મનસાની વાતો
સાંભળીને કેફેના વાતાવરણમાં અચરજનું તત્ત્વ ઉમેરાઇ ગયું. પ્રેક્ટિકલ ઇફેક્ટની
વાતથી કોફીના ટેસ્ટમાં જાણે તરોતાજા ‘સ્પેશ્યલ ઇફેક્ટ’ ઉમેરાઇ ગઇ.
Viral Mehta