2 ડિસેમ્બર, 2013

રેશમની આગનો તાગ (Udaan 24)


રેશમની આગનો તાગ
બિચારો સાવ સીધો વેપારી.... અરેરે.... બીજી ફેર આવું થયું.... બાપડાંનું નસીબ જ વાંકું.... કાપડ બજારના વેપારીઓમાં રેશમલાલના ગોદામમાં લાગેલી આગની ભારે ચકચાર હતી. દિવાળી પછીના મહિને ગોદામમાં આગ લાગી હતી. તહેવારો અને પ્રસંગોની સિઝન માટે ભરેલો બધો જ માલ બળીને ખાખ થઇ ગયો હતો. આવું બીજીવાર થયું હતું. રેશમને માથે તો જાણે આભ તૂટી પડ્યું હતું. એક તરફ બજારોમાં ઘરાકીની તાણ, ઉપરથી આ આગનું રમખાણ. એ તો સારું હતું રેશમલાલે વીમો કરાવ્યો હતો.
રોજના ક્રમ અનુસાર અખબાર માટે શહેરમાં બનેલી ઘટનાઓનું રિપોર્ટિંગ કરતો સારિલ ગોડાઉન પર પહોંચ્યો. રેશમલાલ વીમા કંપનીના માણસોને માલની વિગત, ઘટનાનો સમય, કઇ રીતે આગ લાગી હશે વગેરેની માહિતી આપી રહ્યા હતા. સારિલે પણ માહિતી નોંધવાનું શરૂ કર્યું. વીમાવાળા ખરીદ-વેચાણ રજિસ્ટર, શો-રૂમથી ગોડાઉન વચ્ચે માલની હેરફેર વગેરે નોંધી રહ્યા હતા. એમાં સારિલને બહુ રસ નહોતો. છતાંય નોંધી લીધું. 'કેટલું નુકસાન થયું હશે આશરે?' સારિલે સીધું જ પૂછી લીધું. 'નૈં નૈં તોય પીંચોતેર હેંશી લાખનું તો ખરું જ બાપલા', રેશમલાલે ગળગળા અવાજે કહ્યું. સારિલે એ પણ નોંધ્યું.
સારિલ ઓફિસ પહોંચ્યો. એડિટરને રિપોર્ટ આપ્યો. 'હા.....શ, કામ પત્યું', કહેતો બહાર આવ્યો. એક અનુભવી પ્રૂફ રીડરે સાંભળ્યું અને મસ્તી કરતા કહ્યું, 'પત્રકાર માટે તારીખ પતે છે, તવારિખ નહીં માય ફ્રેન્ડ'. 'કાકા, જે પહેલું પતે એ સારું', કહીને સારિલ પણ હસ્યો.
પછીના અઠવાડિયે સારિલની બહેનનાં લગ્ન હતાં. મોટાભાગનું શોપિંગ થઇ ગયું હતું. બસ પાનેતર બાકી હતું. બહેનને ગમતું હતું તેવું પાનેતર શોધવું પડે તેમ હતું. સારિલ બહેન સાથે બજારમાં ગયો. ઘણી જગ્યાએ પૂછ્યું પણ એવું પાનેતર હવે કોઇ રાખતું નહોતું. 'રેશમલાલને ત્યાં પૂછી જુઓ, એ પહેલાં રાખતા હતા....' એક વેપારીએ કહ્યું. રેશમલાલનું નામ પડતાં જ સારિલને પેલાં ગોડાઉનની વાત યાદ આવી. 'પણ એમને ત્યાં તો....', 'હા, બહુ નુકસાન થયેલું', પેલા વેપારીએ સારિલની વાતમાં સૂર પુરાવતા કહ્યું, 'તોય જુઓ મળી જાય તો'.
રેશમલાલનો શો-રૂમ તો શાનદાર હતો. એક જુએને એક ભૂલે એવાં કલેક્શન હતાં. બહેનને પાનેતર પણ મળી ગયું. બે સલવાર-કમીઝ પણ લીધાં. સારિલે કહ્યું, 'લૂંટી લે આખી દુકાન....', પછી ધીમેથી ઉમેર્યું, 'અને બાપાનું બજેટ....'. 'તારી આવશે એ તો શું નું શું લૂંટશે જોઇશુંને', બહેને ધબ્બો મારતા કહ્યું. બંને ખુશ હતા. 'હા....શ.... મારું તો કામ પત્યું'. દુકાનની બહાર નીકળતા સારિલ બોલ્યો. ને એ સાથે જ દિમાગમાં રિંગ વાગી. 'તારીખ પતે છે, તવારિખ નહીં....'. એનું મન સવાલોના પહાડ ખડકીને ઊભું હતું. જો ગોદામમાં બધો જ માલ નાશ પામ્યો હોય તો આ લેટેસ્ટ કલેક્શન શો-રૂમમાં આવ્યું ક્યાંથી? આટલા ઓછાં સમયમાં ક્લેમ તો પાસ થાય નહીં? તો લાખો રૂપિયાનો માલ રેશમલાલના શો-રૂમમાં ક્યાંથી? બહેનને ઘરે મૂકી સારિલ ઝડપથી ઓફિસ પહોંચ્યો.
પોતાની નોટબુક ચકાસી. વીમા કંપનીનો નંબર શોધી તપાસ અધિકારીઓ સાથે વાત કરી. ગોડાઉનનો સ્ટોક, ડિલિવરી બુક, ચલણ બુક, હેરફેર રજિસ્ટર, પરચેઝ બુકની કોપી મેળવી લીધી. અને પછી બીજા દિવસે અખબારમાં જે આવ્યું એનાથી સનસનાટી મચી ગઇ. અહેવાલનું ટાઇટલ હતું, 'રેશમની આગનો તાગ'. સારિલના અહેવાલમાં સ્પષ્ટ થતું હતું કે, આગ લાગી ત્યારે રેશમલાલના ગોડાઉનમાં કોઇ માલ હતો જ નહીં. સતત બીજીવાર રેશમલાલે વીમા કંપની સાથે ઠગાઇ કરી હતી. બડો શાતિર હતો રેશમલાલ. પોતાનું નુકસાન સાબિત કરવા એણે ઓન-પેપર માહિતી એટલી સચોટ રાખી હતી કે, કોઇને સમજવામાં જરાય અડચણ ન પડે. અહેવાલ પ્રસિદ્ધ થયો એના ગણતરીના કલાકોમાં જ રેશમલાલને ત્યાં વર્દીવાળા પહોંચી ગયા હતા. વીમા કંપનીએ એની ઉપર પોલિસ કેસ કર્યો હતો.
દોસ્તો, આ છે, ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ. સંશોધનાત્મક પત્રકારિતાની શરૂઆતની વાત કરું તો, જુલિયસ ચેમ્બર્સ યાદ આવે છે. ન્યૂ યોર્ક ટ્રિબ્યુનના આ પત્રકારે મેન્ટલ હોસ્પિટલમાં પાગલ તરીકે રહીને તપાસ કરી હતી. એણે શોધ્યું હતું કે, તેમાં રાખવામાં આવેલા ૧૨ જણ તદ્દન સામાન્ય હતા. પાછળથી એ વિષેનું પુસ્તક 'અ મેડ વર્લ્ડ એન્ડ ઇટ્સ પીપલ' પણ બહાર પડ્યું. અમેરિકાની સરકારે, ત્યાર પછી, લોકોને પાગલ ઠેરવતા કાયદા બદલવા પડેલા. આ ખરું ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ છે.
પેનમાં કે બેગમાં કેમેરા લઇને કરેલાં સ્ટિંગ ઓપરેશન આજકાલ ભલે ફેશનેબલ હોય પણ યોગ્ય નથી. એમાં કોઇ સ્માર્ટનેસ પણ નથી. એ છેતરપિંડી શોધવાની વધુ એક છેતરપિંડી માત્ર છે. વાસ્તવમાં, પત્રકારનું સંશોધન અને રજૂઆત એવાં હોવા જોઇએ જેને કારણે સ્થિતિ આપોઆપ સાફ થાય. સિસ્ટમને પગલાં લેવાની ફરજ પડે. સમાજ સજાગ બને. સંશોધનાત્મક પત્રકારિતા માટે પહેલું પુલિત્ઝર પ્રાઇઝ મેળવનાર પત્રકાર એડવર્ડ મોવેરી હતો. એણે એક મર્ડર કેસમાં લુઇ હોફનરને ખોટી જન્મટીપમાંથી છોડાવ્યો હતો. કેસમાં શોધના અહેવાલો દ્વારા ખૂટતી કડીઓ રજૂ કરેલી.
જે દોસ્તો જર્નાલિઝમ ભણી રહ્યા છે અથવા ભણવા માગે છે એમને આ વિષયમાં જાતે જ મહેનત કરવી પડશે. ઊંડી વિચારસૂઝ. સ્થિતિને હજારો દિશાથી જોવાનો અભ્યાસ. એમાંથી સાચી દિશાની પરખ અને સૌથી અલગ, અસરકારક રજૂઆતની આવડત આ ક્ષેત્રમાં અનિવાર્ય છે. એટલે કે જાનના જોખમે, તનતોડ, ઊંઘ હરામ કરતી મહેનત. જેનો કોઇ વિકલ્પ નથી. ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ માટે પુલિત્ઝર મેળવનાર પ્રથમ ભારતીય કોણ છે તે જાણો છો? ....એ તમે પણ હોઇ શકો!

Viral Mehta