29 નવેમ્બર, 2013

માસ્ટર કોપી અને કોપી માસ્ટર (Hollywood Cafe 3)

માસ્ટર કોપી અને કોપી માસ્ટર
બહેકી જવાના બધા જ કારણો એક સાથે મોજૂદ હતા. બડી ખૂબસૂરત બલા હતી. ઉપરથી એક જાણીતા પબ્લિકેશનની એડિટર. કોઇ બિઝનેસ ઇવેન્ટના સિલસિલે એ તેને મળ્યો હતો. બંને એકમેક તરફ ચૂંબકની માફક ખેંચાયા હતા. વિકએન્ડ હતો. પત્ની અને દીકરી બહારગામ હતા. બે દિવસ બેચલર રહેવાની મોકળાશ અને એમાં આ સંગેમરમરી સુંદરી સાથે દોસ્તી. ફૂરસદે મર્યાદાની બધી જ પાળો તોડી નાંખી. ક્ષણિક ઉન્માદનો કેફ હતો કે ઉતરવાનું નામ નહોતો લેતો. ગમતી ગરજના સ્વાર્થમાં એ ફરજ અને વફાદારી ચૂક્યો હતો.
ઇન્ફેચ્યૂએશન નામની ટેમ્પરરી ફાઇલ જ્યારે મનના કમ્પ્યુટરના અજાણ્યા સ્લોટમાં ઘર કરી જાય ત્યારે ડિલિટ કરવી અઘરી પડે છે. નફકરાઇનો નશો ઉતર્યો ત્યારે બહુ મોડું થઇ ગયું હતું. એને પોતાનું સોશિયલ સ્ટેટસ, મોભો-મરતબો યાદ આવ્યા. પણ હવે શું?
એને હતું કે, આ તો જરા અમસ્તી લિબર્ટી છે, મસ્તી! પણ હવે મસ્તી એની હસ્તીનો સવાલ બની હતી. દુનિયાને ગોળ ફેરવતો પહોંચેલો અઠંગ હોય કે બુદ્ધિજીવી કે સામાન્ય માણસ, પોતાનો અંતરાત્મા જ્યારે સવાલ કરે ત્યારે થથરી જાય છે. દુનિયાની તપાસ સમિતિઓને ભલે કોઇ છેતરે, પોતાના જ મનનું ઇન્કવાયરી કમિશન માનવીને કોઇ છટકબારી નથી આપતું. કેમ કે, ત્યાંથી ભાગીને પણ ત્યાં જ પાછા આવવાનું છે. પોતાના મન સામે ગુન્હાની કબૂલાત સિવાય કોઇ વિકલ્પ નથી. કોરોડો પ્રાયશ્ચિતો કરો, જીવનભર કોરી ખાતાં ગિલ્ટની જેલમાં સબડવા સિવાય પછી કોઇ આરો રહેતો નથી.
એ પણ કંપી રહ્યો હતો. એને ગભરાટ હતો. બેવફાઇનું ગિલ્ટ કોરી ખાતું હતું. એનું મન સતત સવાલો પૂછતું હતું. દુનિયાને શું મોં બતાવશે? પત્નીને ખબર પડશે તો? દીકરીના ભવિષ્યનું શું? એને તો હતું કે આ સુંવાળું સગપણ સમય સાથે આપોઆપ સરી જશે. છોકરી પણ ભૂલી જશે. નાની અમથી વાત હતી. વિકએન્ડ સાથે પતી જશે. પણ એવું ન થયું....
અઠવાડિયાંથી અખબારો અને ન્યૂઝ ચેનલો પર તહેલકો મચાવતી પેલી વાતનો આ કોઇ હિસ્સો નથી. આ પ્લોટ છે. બ્રિટિશ ટેલિવિઝન માટે ૧૯૮૦માં બનેલી એક શોર્ટ ફિલ્મનો. 'ડાયવર્ઝન' નામ હતું એ ફિલ્મનું. જેમ્સ ડેરડેન દ્વારા બનેલી ફિલ્મ હતી. સભ્ય સમાજમાં રહેતા, ડિસન્ટ, સાલસ, સાફસુથરા દેખાતા પુરૂષો તક મળે તો કેવા છોગાળા છેલ બની જતા હોય છે, એ વાતનો બહુ બારીકાઇથી કરેલો ખુલાસો હતો આ ફિલ્મમાં. જાહેર જીવનમાં નારીને સન્માન આપતા, પણ મનના મેલા ખૂણે કોઇ પણ સ્ત્રીને માત્ર સાધન સમજતા પુરૂષ પ્રધાન સમાજની બર્બર માનસિકતાને થથરાવી મૂકે તેવી રજૂઆત આ ફિલ્મમાં હતી. લગ્નેતર સંબંધોના કલંક પર બનેલી આ પહેલી સારી ફિલ્મ હતી. હોલિવુડના જાણીતા દિગ્દર્શક એડ્રિયન લાઇનને પણ સબ્જેક્ટ ગમી ગયો. અને ડાયવર્ઝનની કથાવસ્તુને આધારે ૧૯૮૬માં સુપર હિટ ફિલ્મ બની 'ફેટલ એટ્રેક્શન'.
બેશક, હોલિવુડ પણ કોપી મારે છે. (કોપી મારે છે એ પ્રયોગ પોપ્યુલર છે એટલે કહ્યું). કાબેલ ફિલ્મ સર્જકો માસ્ટર કોપીની કોપી પણ માસ્ટરીથી કરે છે. પોતાની સર્જનક્ષમતામાં ઇનોવેટિવ દ્રષ્ટિકોણ ઉમેરે છે. એ જ વિષયને દરેક ખૂણેથી નવી રીતે તપાસી, દુનિયા સામે એક નવો એંગલ રજૂ કરે છે. રી-મેક એને કહેવાય જે ઓરિજિનલ કરતાં પણ વધુ ઉત્તમ હોય. માઇકલ ડગ્લસ, ગ્લેન ક્લોઝ અને એન આર્ચરની મુખ્ય ભૂમિકા વાળી સાયકોલોજિકલ થ્રીલર ફેટલ એટ્રેક્શનને ૨૦ અલગ અલગ કેટેગરીમાં નોમિનેશન અને ૭ પ્રતિષ્ઠિત એવોર્ડ્ઝ પ્રાપ્ત થયા હતા.
એક મિશન વિધાઉટ પરમિશનની વાત કહું? કોઇ છોકરીએ આખા શહેરની પોલિસ, સિક્યોરિટી અને તમામ ઓથોરિટીઝને માથે લીધી હોય એવું ક્યાંય સાંભળ્યું છે? અરે, ના ભૈ ના.... આ તમે જાણો છો, એટલે કે નથી જાણતા એટલે કે.... આઇ મીન, હમણાંથી ચર્ચામાં છે એની વાત નથી કરતો. આ વાત છે ૧૨ વર્ષની એક છોકરીએ કરેલી બેન્ક લૂંટની. ૨૦૦૨માં એક ડેનિશ ફિલ્મ બની હતી, 'ક્યોત્રે ત્રોસાં'. જેનું સીધું અંગ્રેજી થાય, ક્લાઇમ્બ લેસ અને ભાવાર્થ – 'કેચ ધેટ ગર્લ'. ડેનમાર્કમાં બનેલી આ સુપર-ડુપર હિટ ફિલ્મનો ડિરેક્ટર છે, હેન્સ ફેબિન વુલેનવેબર. ૧૯૬૭માં જન્મેલો હેન્સ ૧૯૯૭માં ડેનિશ ફિલ્મ સ્કૂલમાંથી સ્નાતક થયો અને આ સુપર હિટ ફિલ્મ આપી.
હોલિવુડમાં ડિરેક્ટર બાર્ટ ફ્રોઇન્ડલિચ તો એની જાણે રાહ જોતો હતો. બ્લન્ટ, બટક-બોલી, ચુલબુલી, તોફાની અને સુપર સેન્સ ઓફ હ્યુમર માટે જાણીતી ક્રિસ્ટિન સ્ટીવર્ટે એમાં આ ૧૨ વર્ષની છોકરીનો રોલ કર્યો હતો. ફિલ્મનું નામ હતું, કેચ ધેટ કીડ (મિશન વિધાઉટ પરમિશન). મેડીના પર્વતારોહક પિતા ૧૦૦ ફીટની ઊંચાઇથી પડી જાય છે. ગળાથી નીચેનું અંગ પેરેલાઇઝ્ડ થઇ જાય છે. વીમા કંપની ઓપરેશનના ૨૫,૦૦૦ ડોલરનો ક્લેમ રિજેક્ટ કરે છે. અને પછી શરૂ થાય છે આ એડવેન્ચર કોમેડી.
ઓરિજિનલ ફિલ્મની આ હોલીવૂડ રી-મેક પણ બ્લોક બસ્ટર બનેલી. ફિલ્મે પહેલાં જ ઓપનિંગ વિકએન્ડમાં ૫૮૨૪૮૬૦ ડોલર્સનો બિઝનેસ કર્યો હતો. આ એવી અનોખી રી-મેક હતી જેની ઉપરથી કોઇ નોવેલ લખાઇ હોય. લેખિકા હતી, મેકઓવર, સ્કૂબી-ડૂ અને નો-વે-બેલેટ માટે પ્રસિદ્ધ સુઝેન વેન.
હોલીવૂડના કોપી માસ્ટર્સ ખરેખર મેકિંગના સુપર માસ્ટર્સ છે. તમને સ્વપ્નેય ખ્યાલ ન હોય તેવી સેંકડો સુપર હિટ હોલીવૂડ ફિલ્મો જર્મન, પોલિશ, ડેનિશ, જાપાનીઝ, ફ્રેન્ચ, રશિયન, બ્રિટિશ ફિલ્મોની રી-મેક છે. તમેય શું પાર્ટી, આ લિસ્ટમાં હિન્દી શોધો છો? રહેવા દોને.... તમને ખબર તો છે!
રી-મેક તરીકે પણ સુપર હિટ નિવડેલી હોલિવૂડ ફિલ્મોમાં સાયકો થ્રિલર 'ઇન્સોમ્નિયા' નોર્વેજિયન ફિલ્મ પરથી બની હતી. વોર્નર બ્રદર્સની ક્રાઇમ થ્રીલર 'વન મિસ્ડ કોલ' અસલ જાપાનીઝ ફિલ્મ પરથી બની. હોરર ફિલ્મ 'પલ્સ' પણ જાપાનીઝ ફિલ્મ 'કાઇરો'ની રી-મેક છે. સ્પેનિશ હોરર ફિલ્મ 'આરઇસી'ની શોટ-ટુ-શોટ કોપી હોય તો એ છે, 'ક્વારન્ટાઇન'. 'નો રિઝર્વેશન' કોમેડી જર્મન ફિલ્મ 'બેલા માર્થા' પરથી બની.
અરે હા, યાદ આવ્યું. 'લિટલ ઇન્ડિયન, બિગ સિટી' પરથી પણ એક કોમેડી ફિલ્મ બની છે, જંગલ 2 જંગલ. ઓરિજિનલ નામમાં ભલે ઇન્ડિયન શબ્દ આવતો હોય પણ ફિલ્મ ફ્રેન્ચ હતી. પછી પેલું મૂવી યાદ છેને? ત્રણ દોસ્તોને એક બાબાગાડીમાં કોઇ બાળક મળે છે....? 'થ્રી મેન એન્ડ અ કાર્ડેલ' એ અસલ ફ્રેન્ચ ફિલ્મ હતી. એની ઉપથી બની હોલીવૂડ કોમેડી, 'થ્રી મેન એન્ડ અ બેબી'. આપણા બોલિવૂડની 'હે બેબી' તો રી-મેકની પણ રી-મેક છે.
જો કે, બોલિવૂડ પરની બધી જ ક્રિટિસિઝમનો જડબાતોડ જવાબ આપણી એક ગજબની રી-મેક આપે છે, 'મૈં આઝાદ હૂં'. અમિતાભ બચ્ચન, શબાના આઝમીની મુખ્યભૂમિકાઓ ધરાવતી ૧૯૮૯ની આ ફિલ્મ જેવી કોઇ બીજી બની નથી. લેખક તરીકે જાવેદ અખ્તરની કલમનું જોશ એમાં દેખાય છે. ટીનુ આનંદ દિગ્દર્શક તરીકે કૌવત કાઢે છે. ફિલ્મનું શૂટિંગ આપણે ત્યાં રાજકોટમાં થયું હતું. વિષયની ગંભીરતા જોઇને બચ્ચન બાબુએ માત્ર સવા રૂપિયામાં આ ફિલ્મ કરી હતી એવું કહેવાય છે. ૧૯૪૧માં બનેલી ફ્રેન્ક કાપ્રાની હોલીવૂડ કોમેડી 'મીટ જ્હોન ડો'નું સિરિયસ ફીચરમાં કરાયેલું આ રૂપાંતર અસલ કરતાં પણ બહેતર છે. હેટ્સ ઓફ ટુ બોલિવૂડ!
 Viral Mehta