6 ડિસેમ્બર, 2013

ચૂપ! એટલે એકદમ ચૂપ (Hollywood Cafe 4)



ચૂપ! એટલે એકદમ ચૂપ
બ્રિટિશ કોલંબિયાના ગાઢ પર્વતીય જંગલોમાં એક સાવ નાનું બાળક. રમતિયાળ, ખુશમિજાજ, મસ્તીખોર. એની દુનિયા એટલે એની મા. રમતાં રમતાં નજર પહોંચે ત્યાં લગી એનું જગત. ઘરની બહાર દેખાતા પર્વતો, જંગલના વૃક્ષો અને માનું વ્હાલ. બીજું ક્યાં અને કંઇ જોઇતું જ હતું. માંડ ચાર ડગલાં બહાર જાય ત્યાં માં એને પાછું લઇ આવતી.
એક દિવસની વાત છે. મા ક્યાંક આસપાસ જ ગઇ હતી. હમણાં આવશે, હમણાં આવશે, વિચારીને બાળક રમતું હતું. પણ એના ધાર્યા કરતા વધુ વખત થઇ ગયો. નાના પગલે મા હંમેશાં જતી તે તરફ ચાલવા લાગ્યું. થોડે આગળ જઇ ઊભું રહ્યું. નજર ફેરવી. ઓ.... એ રહી મા. એ હરખાતું એ તરફ જવા લાગ્યું. પણ આ શું? મા પણ એની તરફ આવી જ રહી હતી અને એક મોટી ચટ્ટાન તૂટી. મા દોડીને ત્યાંથી દૂર જાય તે પહેલાં જ એ વિકરાળ ચટ્ટાન ધસમસતી એની ઉપર આવી. આટલું અમથું બાળક જોતું જ રહી ગયું અને મા વિશાળ ખડક સોતી ઊંડી ખાઇમાં ધકેલાઇ ગઇ. એક પળમાં બાળકનું સર્વસ્વ લૂંટીને એ પાષાણ ઘરતીના પડમાં સમાઇ ગયો. હવે, આ અબોલ રીંછ બાળ ભયાનક જંગલોમાં સાવ એકલું હતું.
મા સાથેની મસ્તી, તોફાન, કૂદાકૂદ, ગેલ, જતન, લાડ, વ્હાલ, આશરો બધું ખતમ. એ અજાણી દિશાઓમાં ફરતું રહેતું. ભૂખ લાગે તો કોને કહે? રાતે ઘર વિના ડર પણ લાગે તો કોની સોડમાં સંતાય? ખરો ભય તો હજી એણે જોયો જ ક્યાં હતો? એ તો આ જ જંગલના કોઇ બીજા ખૂણે બંદૂકના નાળચાંમાંથી ધમધમી રહ્યો હતો. એનો સામનો કરી રહ્યો હતો, ગ્રિઝિલી. એક યુવાન રીંછ. ત્રણ શિકારીઓનાં નિશાન ચૂકવીને ગ્રિઝિલી ભાગતો રહેતો. કાંટાળા ઝાંખરાના ઉઝરડાથી ઘવાતો એ ભાગીને એક ઝાડ પાછળ સંતાયો હતો. ત્યાં સનનનન કરતી એક ગોળી આવી. એ બચવા બીજી તરફ કૂદ્યો. તોય હાથ પરથી લસરકો કરીને ગોળી નીકળી ગઇ.
ઘણઘણાટીના અવાજો સાંભળી પેલું નાનું રીંછ પણ ત્યાં આવી પહોંચ્યું. મોટાં રીંછ પાસે ગયું. શરૂઆતમાં તો પેલાએ કોઇ ભાવ જ ન આપ્યો. છતાંય પેલું તો બાળક. એણે દોસ્તીના પ્રયત્નો ચાલુ રાખ્યા. મોટા રીંછથી ન રહેવાયું. એણે ગરમ થઇને કહી દીધું કે મારાથી દૂર રહેજે, નહીંતર તારી વાત તું જાણે....
ધ બેર’. જંગલ કથાઓ પર બનેલી ફિલ્મોમાં સાવ નવો ચીલો ચાતરતી આ એક અજબ ફિલ્મ છે. પોતાના જીવન માટે શિકાર કરતા જાનવરો કરતાં મર્દાઇના શોખ માટે તમંચો ધગાવતો માણસ ઘરતી પરની સૌથી ક્રૂર જાત છે એવી ખાતરી આ ફિલ્મ જોઇને થઇ જાય.
ધ બેરનો ડિરેક્ટર છે, બહુ ચર્ચિત ફિલ્મ સેવન યર્સ ઇન તિબેટનો સર્જક જીન-જેક એનોડ. જીનને ધ બેર માટે બેસ્ટ ડિરેકેટરનો એવોર્ડ મળ્યો છે. ફિલ્મની વધુ એક વિશેષતા છે. એમાં સંવાદોની ભરમાળ નથી. કેમેરા બોલે છે. આંખ સાંભળે છે. પરદા પર ચૂપચાપ ચાલતી લાગણીઓના છાયા-પ્રકાશ વગર બોલ્યે દિલ સોંસરા ઉતરે છે. જીનને તેની પહેલી જ ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઇટ ઇન કલર માટે પણ બેસ્ટ ફોરેન ફિલ્મનો એકેડેમી એવોર્ડ મળ્યો હતો.
બકબકાટનો તો આપણે ત્યાં રિવાજ છે. કારણ કે, વિષયોની સ્પષ્ટતા નથી. ઓરિજિનલ વિષયો જ નથી. સ્ટોરી-ટેલિંગ નથી. વાર્તાકારની પરખ એની વાત કહેવાની રીત પરથી નીકળે. ઓછાં ગજાંનો વાર્તાકાર કલમની કારીગરી કે ઘટના અને દ્રશ્ય નિરૂપણની જહેમત છોડીને પાત્રોના મોંથી વાર્તા કહે અથવા આગળ વધારવા જાય. અતિશય સંવાદોનો ટેકો શોધે. કોઇ પણ સારી ફિલ્મ યાદ કરો. સંવાદો માત્ર સ્થિતિને સાથ આપવા જરૂર હોય ત્યાં જ કહેવાયા હશે. અસરકારક હોય તો જ સંવાદ કરાયો હશે. બાકી કેમેરા જ વાત આગળ લઇ જતો હશે. હા, કોઇ ચોટદાર મેસેજ યા કેરેક્ટરનો ગ્રાફ ઊંચો લઇ જવા એકાદ બે સોલિલોક્વી હોય તે સ્વાભાવિક છે, પણ પાત્રો વચ્ચે નિરંતર બકબકાટ એ નબળી સ્ક્રિપ્ટની નિશાની છે. ઇવન, કોમેડીમાં પણ ચાર્લી ચેપલીન એક પણ સંવાદ વિના માત્ર એક્ટ દ્વારા ખડખડાટ હસાવે છે. તમને ગમતી પેલી ટીવી સિરિયલની વાત કરીને આપણે સંવાદમાં નથી ઉતરવું. એટલે આવો ફરી હોલીવૂડ....
હોલીવૂડના ડિરેક્ટર્સ રાઇટરની પૂરેપૂરી ક્ષમતા નીચોવી જાણે છે. લેખક પાસે ધાર્યું લખાવી જાણે છે. ત્યાં સંવાદ લેખકો કરતા સ્ક્રીનરાઇટર્સનો ભારે દબદબો છે. મોટાભાગે ડિરેક્ટર પોતે જ સ્ક્રીનરાઇટર હોય છે. એની કલમ બતાવે તે કેમેરા જુએ છે. ઓછાંમાં ઓછાં સંવાદો ધરાવતી ફિલ્મ સુપર હિટ થાય છે. જેમ કે, તમને ગમે છે તે, કાસ્ટ અવે’. ટોમ હેન્ક્સની આ જબરદસ્ત ફિલ્મ જોઇ છે કે નહીં? ટીવી પર ઘણીવાર આવે છે. જરા વિચારો એવું થાય તો શું થાય? કોઇ વિમાન અકસ્માતમાં આબાદ બચી તો જાવ પણ પહોંચો એક નિર્જન ટાપુ ઉપર. જ્યાં તમે છો અને છે થોડાં સ્મરણો. બસ બીજું કંઇ જ નહીં, કોઇ જ નહીં.
અજાણ્યા ટાપુ પર કુરિયર કંપનીમાં કામ કરતો ચક પહોંચે છે. દરિયામાં તણાઇને આવેલા કુરિયર પેકેટ્સમાંથી કામની ચીજો શોધે છે. પણ એક પેક અકબંધ રાખે છે. એક વોલીબોલ પણ મળે છે. એને ચક પોતાનો દોસ્ત બનાવે છે. આમને આમ ચાર વર્ષ પસાર થાય છે. છેવટે ચક તરાપો બનાવે છે. દરિયામાં ઉતારે છે. કોઇ મોટું શીપ એને બચાવે છે. પેલું સાચવેલું પેકેટ જાતે ડિલિવર કરવા જાય છે. કોઇ લેડી દરવાજો ખોલી પેકેટ લે છે. ચક કુતૂહલવશ એમાં શું છે તે જાણવા માગે છે. લેડી હસીને પેકેટ ખોલે છે. અને અંદરથી સામાન નીકળે છે. ગજબ થઇ જાય છે. (હું નહીં કહું કે શું મળે છે એમાંથી. તમારે ફિલ્મ જોવી જ પડશે). પેકમાં શું છે તે જાણીને તમારી મનોદશા આ ફિલ્મના પાત્ર જેવી જ થઇ ન થાય તો કહેજો મને.
શોખીનોએ કલેક્શનમાં રાખવા જેવી આ ફિલ્મનો ડિરેક્ટર છે, રોબર્ટ ઝિમેકિસ. ટોમને તો બેસ્ટ એક્ટર મળ્યો જ હતો પણ આ ફિલ્મનો સાઉન્ડ ટ્રેક પણ ખૂબ પ્રસિદ્ધ હતો. આની કથામાં સંવાદોને અવકાશ જ નહોતો. કેમેરા અને પરફોર્મન્સ એકબીજા સાથે વાત કરતા હતા. તમે અને હું તો ચૂપચાપ ડિરેક્ટરની માયાજાળમાં રમતા હતા.
ચૂપ. એટલે એકદમ ચૂપ રહીને ધમાલ મચાવતી હોલીવૂડની થોડી વધુ ફિલ્મોની વાત કરું. એક તો, હમણાં જ ૨૦૧૧માં જેને પાંચ એકેડેમી એવોર્ડ મળ્યા, એ સિવાય ૧૧૫ એવોર્ડ્ઝ મળ્યા અને ૮૫ નોમિનેશન મળ્યા તે. ધી આર્ટિસ્ટ. વગર ડાયલોગની ફિલ્મને બેસ્ટ સ્ક્રિપ્ટનો એવોર્ડ મળેલો બોલો!
તસમાનિયન પર્વતમાળાઓમાં પોતાની દાદીને શોધતી રૂબી રોઝની સાથે તમે પણ અંધારાંથી થથરી જાવ તો? એક એસ્ટ્રેલિટન મૂવિ છે, ધ ટેલ ઓફ રૂબી રોઝ. એમાં પણ ચૂપચાપ તમારો ગભરાટ માત્ર તમારી સાથે વાત કરવા જાય છે. પરંતુ, એ કંઇ કહી શકતો નથી ને તમને કંઇ સંભળાતું નથી. ડિરેક્ટર રોજર સ્કોલ્સ છવાયોલો રહે છે. છેવટે રોઝ પોતાના ગભરાટથી બહાર આવે છે ત્યારે તમે પણ બહાર આવો છો.
મેલ બ્રૂક્સની ફેમસ કોમેડી સાયલેન્ટ મુવિ તો ખરી જ. એ ઉપરાંત પ્રિ-હિસ્ટોરિક કાળના ત્રણ જણ અગ્નિના નવો સ્રોત શોધવા મથે છે એ દર્શાવતી ક્વેસ્ટ ફોર લાઇફ પણ સાવ નવા વિષય પરની ફિલ્મ છે. એડવેન્ચર ફિલ્મ વન્સ અપોન અ ટાઇમ ઇન ધ વેસ્ટ પણ જૂજ સંવાદો અને વધુ એક્શન માટે પ્રસિદ્ધ છે.
મને ખબર છે, તમે હવે કોઇ બોલીવૂડની ફિલ્મ વિશે વાત કરવા માગો છો. યસ, પુષ્પક. કમલા હાસનની મૂવિ. ખરેખર સારી હતી. સંવાદની જરૂર હોય એવું ક્યાંય લાગ્યું જ નહીં એમાં. બોલીવૂડની નીકળી જ છે, તો રાજ કપૂરની જાગતે રહો પણ યાદ આવે છે. એમાં સંવાદો હતા. પણ આખી ફિલ્મ દરમ્યાન રાજ કપૂર કંઇ જ બોલ્યો નથી. ના, એ મૂંગો નથી. છેલ્લે એ એક વાક્ય જ બોલે છે.....
હટ જાઓ, વર્ના સર ફોડ દૂંગા
Viral Mehta