25 નવેમ્બર, 2013

જોગર્સ પાર્કનો ભેદ (Udaan 23)


જોગર્સ પાર્કનો ભેદ
બ્રોન્સવિલે, ટેક્સસથી અહીં આવવાનું એક હેન્ડસમ રીઝન હતું રણક પાસે. કઝિન સ્વાહિલીનો મેઇલ મળ્યો એના પછીના મહિને જ રણક ચપલને મળવા આવી પહોંચી. ચપલ – સ્વાહિલીના ફિયોન્સેનો ક્લાસમેટ. એના નામનો અર્થ જ જોઇ લો. ઊંચો, પહોળો, સ્ફૂર્તિલો અને ગજબની સેન્સ ઓફ હ્યુમર. 'રણક, ડુ યુ બિલિવ ઇન લવ એટ ફર્સ્ટ સાઇટ? કે હું ફરી ટ્રાય કરું'? પહેલી જ વાર મળ્યા ત્યારે ચપલે પૂછેલો સવાલ રણકને વારેવારે હસાવી જતો હતો. અમેરિકામાં જ જન્મેલી, ભણેલી રણકના અસ્તિત્વ પર ચપલ બસ છવાઇ ગયો હતો. પ્રેમનો સ્વીકાર તો બંને ક્યારના કરી ચૂક્યા હતા. પરંતુ, ચપલનો સ્વભાવ જ એવો હતો કે છોકરીઓ આસાનીથી એની ફેન થઇ જતી. અને એ જ એક કારણ હતું રણકની ઇનસિક્યોરિટીનું!  
દિવસે જૂનિયર ડોક્ટર તરીકે ચપલની ડ્યૂટી હોય એટલે બંને સાંજ પછી જ મળી શકતા. સવારે જોગિંગ પર સાથે આવવા રણકે પૂછ્યું, પણ ચપલે સ્પષ્ટ ના કહી દીધી. વિદેશમાં રહેલી, પ્રાઇવસીનું મહત્ત્વ જાણતી રણકને ચપલની ના સામે વાંધો નહોતો, પણ જે રીતે કહ્યું એ સ્ટ્રેન્જ હતું. રાતે લોંગ ડ્રાઇવ પર નીકળી ગયા હોય કે લેટ નાઇટ ડિનર પર ગયા હોય, સવારે ચપલ કોઇ પણ હિસાબે જોગર્સ પાર્ક જવાનું ચૂકતો નહીં. એટલે આશ્ચર્ય વધતું હતું. સવારે એનો ફોન પણ બંધ રહેતો. શું રહસ્ય હશે?
અલબત્ત, ચપલ રણક સાથે મસ્તી-મજાક ભરપૂર કરતો. છતાંય, વહેમનું ઓસડ ક્યાં છે? રણકે સ્વાહિલીને વાત કરી, 'રાતનો ઉજાગરો હોય તોય સવારે ત્યાં જવાનું કોઇ તો કારણ હશેને? ખબર હોય તો મને કહી દે, હું તારી વાત માની લઇશ'. સ્વાહિલીને પણ સવાલમાં કંઇક વજૂદ લાગી. બંનેએ એક દિવસ ચપલની પાછળ જવાનું નક્કી કર્યું.
મજાની સવાર હતી. પંખીઓના અવાજમાં ગાતાં વૃક્ષો હતાં. ચપલ ક્યાંય દેખાતો નહોતો. બંને જણ ચોતરફ નજર ફેરવીને શોધી રહ્યા હતા. થોડે આગળ ગયા ત્યાં હસવાનો અવાજ આવ્યો. ચપલ એક વૃક્ષ નીચે કોઇ યુવતી સાથે હસી-મજાક કરી રહ્યો હતો. જોક સંભળાવી રહ્યો હતો. વારેવારે એ જોરથી હસી રહી હતી. રણક, સ્વાહિલીએ એકમેક તરફ પ્રશ્નાર્થ ભાવે જોયું. 'દેટ્સ ઇટ, હવે અહીં રહેવાનું કોઇ કારણ નથી સ્વાહિલી'. રણક નાસીપાસ હતી. 'પણ એક વાર ચપલ સાથે વાત....', 'કોઇ મતલબ નથી. મારે પાછા જવું છે', સ્વાહિલીની વાત રોકી, રણકે નિર્ણય કહી દીધો.
'બસ એટલે જ મેં તને ના કહી હતી', પાછળથી ચપલનો અવાજ સંભળાયો. બંનેએ જોયું તો પેલી યુવતી ચાલી ગઇ હતી અને ચપલ સ્વેટશર્ટના પોકેટમાં હાથ નાખીને ઊભો હતો. 'મને ખ્યાલ હતો કે તને ગેરસમજ થશે', ચપલે કહ્યું. પણ રણકે બધું નજરે જોયું હતું. એ કંઇ કહ્યા વગર આગળ ચાલી ગઇ. રોષમાં એના ગુલાબી ગાલ તપીને લાલચોળ થઇ ગયા હતા.
'એક્સક્યુઝ મી'? 'હેલો....', ફૂટપાથ પર ચાલી રહેલી રણકને કોઇ છોકરી બોલાવી રહી હતી. હા, એ જ, પેલી ચપલ સાથે હતી તે. રણકે ધ્યાન ન આપ્યું અને આગળ ચાલતી રહી. છોકરી દોડીને એની સામે આવી ઊભી રહી. એનો શ્વાસ ભરાઇ ગયો હતો છતાંય હસી રહી હતી. 'ઓ....ય રણક, તું તો કોઇ કિંગની બેટી છે'? છોકરીએ હાંફતા હાંફતા પૂછ્યું. રણકને કંઇ સમજ ન પડી. 'આટલી સુંદર તો કોઇ પ્રિન્સેસ જ હોયને'? છોકરીએ રણકના ગાલ પર ટપલી મારીને કહયું. ગુસ્સામાં પણ રણકના ચહેરે સમાઇલ આવી ગયું.
'બસ આ જ રીઝન છે, માય ફ્રેન્ડ. તને ટેન્શનમાં પણ હસવું આવી ગયુંને? ચપલ લાફ્ટર કિંગ છે. મારા જેવાં અનેક લોકોને એ રોજ સવારે પેટ પકડીને હસાવે છે'. છોકરીએ કહ્યું. 'સમીપા', એણે શેક-હેન્ડ્સ માટે હાથ લંબાવતા કહ્યું. 'મારાં લંગ્સ ખરાબ છે. તો કોઇની કિડની. કોઇને અન્ય કોઇ અસાધ્ય રોગ છે. પણ અમે હસીએ છીએ. ચપલની વાતોમાં દર્દ ભૂલી જઇએ છીએ'. સમીપાને શ્વાસ ચઢી રહ્યો હતો. રણકે એને ટેકો આપી બેન્ચ પર બેસાડી. 'તું ખરેખર નસીબદાર છે, રણક. મારા બધા શ્વાસ તારા અને ચપલ માટે દુઆ કરે છે. સાયન્સે તો બે વર્ષ પહેલાં મારી ચિઠ્ઠી ફાડી નાખેલી. આ તો ચપલની ચેલેન્જ હતી. એની લાફ્ટર થેરપી મારું મેટાબોલિઝમ સુધારે છે ને હું જીવું છું', સમીપાએ કહ્યું. રણકના અસ્તિત્વમાં ચપલ પ્રત્યેના સન્માનની સેંકડો નાઇલ છલકાઇ ગઇ.
દોસ્તો, લાફ્ટર થેરપી આધુનિક મેડિકલ જગતે અપનાવેલી સાયન્ટિફિક ટ્રીટમેન્ટ છે. ઝિલમિલ લાઇટોમાં ઝગમગતા કોર્પોરેટ કલ્ચરમાં પણ હવે લાફ્ટર થેરપી અપાય છે. ગળાકાપ સ્પર્ધાના જમાનામાં એમ્પલોઇઝનું મોરાલ અને જોશ બમણું કરવા કાબેલ લાફ્ટર થેરપિસ્ટની સહાય લેવાય છે. લાફ્ટર થેરપી વિશેષ, પદ્ધતિસરનો અભ્યાસ છે. લોકોને હસતા રાખવાની કરિયરમાં કોમ્પિટિશન પણ નથી. કેમ કે, કોમેડી ઇઝ અ સિરિયસ બિઝનેસ. બધાને એ ન ફાવે. જો તમે દોસ્તોને હસાવી શકતા હો, તો ચોક્કસ સારા લાફ્ટર થેરપિસ્ટ બની શકો. http://www.howstuffworks.com સાઇટ પર લાફ્ટર યોગાનું પેજ જોશો તો વધુ માહિતી મળશે.
રણકે ડેડીને ત્યાંથી જ ફોન લગાવ્યો. ચપલની વાત કરી. બ્રોન્સવિલેની રાતમાં અહીંની સવારનો કલશોર છવાઇ ગયો. 'વિલ યુ મેરી મી? ચપલ દ ચકલ માસ્ટર'? ટેક્સાસની ગુલાબી ગુજરાતણે, જોગર્સ પાર્કમાં ચપલને પ્રપોઝ કર્યું ત્યારે મોસમ ખિલખિલાટ થઇ ગયો. અને સવારનું આકાશ રણકના ગાલનો રંગ ચોરી ગયું.  

Viral Mehta