બાય ચાન્સ નહીં, બાય ચોઇસ!
બોલો તમારી સાથે આવું થાય તો? ધારો કે, તમે પાઇલટ છો.... એક પ્રાઇવેટ પ્લેન સેસના 202 લઇને તમે ક્યાંક ઉડી રહ્યા છો. સ્પેશ્યલ ચાર્ટર્ડ ફ્લાઇટ છે. પતિ-પત્ની, તેમનો આઠ વર્ષનો દીકરો અને છ વર્ષની દીકરી પાછળ બેઠા છે. વાદળો વચ્ચેથી એરક્રાફ્ટ જઇ રહ્યું છે. અચાનક માઇનર ટર્બ્યૂલન્સ આવે છે અને વિમાન ડગમગે છે. નાની સાઇઝના પ્લેન માટે આ સામાન્ય ઘટના છે. છતાંય, અંદર બેઠેલા પરિવારને તમે સુરક્ષા સંદેશ આપો છો. તમે બોલવાનું પૂરું કરો તે પહેલાં જ પાછળથી આવીને કોઇ ઘોઘરા ગળામાંથી અવાજ કાઢી પૂછે છે, 'હેલો કેપ્ટન! મે આઇ હેલ્પ'? તમે પાછળ જુઓ છો.... અને.... માથામાં બે ચોટલી, આંખનાં પોપચાં, કાન, ગાલ પર કાગળની ચબરખીઓ અને હોઠ પર ખરડાયેલી લિપસ્ટિકમાંથી લપલપ કરતી જીભ. તમે કંઇ વિચારો તે પહેલાં, એના મોટાં નાકમાંથી પોપકોર્ન તમારા મોં પર મારે છે. 'ઓહ્ નો! આ અહીં ક્યાંથી'? મિ. બીનને જોઇને તમે બેહોશ થઇ જાવ છો. ૧૬, 000 ફીટની ઉંચાઇ પર વિમાન એક તરફ નમી રહ્યું છે. કપ્તાન બેહોશ છે અને સુકાન કમાન્ડર બીનના હાથમાં છે.
આ મિ. બીનની કોમેડીનો કોઇ સીન નથી. આવું હકીકતમાં થયું હતું. ૨૦૦૧ના માર્ચ મહિનામાં. રોવન એટકિન્સન – મિ. બીન તરીકે સુવિખ્યાત આ કલાકાર એના પરિવાર સાથે કેન્યા ફરવા ગયો હતો ત્યારે પાઇલટને કોઇ અજ્ઞાત કારણોસર ચક્કર આવેલા અને બેહોશ થઇ ગયેલો. એક તરફ રોવનના પત્ની કેપ્ટનને હોશમાં લાવવા પાણીની છાલકો મારે અને રોવન વિમાન ચલાવે. ખાસ્સી વારે પાઇલટને ભાન આવ્યું ત્યારે વિમાન હવામાં ઝોલા ખાતું હતું. ૪૫ મિનિટની સફર ૭૨ મિનિટમાં પૂરી કરી અંતે બધા હેમખેમ નાઇરોબી એરપોર્ટ પર લેન્ડ થયાં હતાં. આ અગાઉ ૧૯૯૯માં પણ એક કાર રેસમાં રોવનનો આબાદ બચાવ થયો હતો. પરંતુ, ૬૫૦, ૦૦૦ પાઉન્ડની એફ 1 સુપરકારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. રોવને તે કાર મિ. બીનની સફળતા પછી ખરીદેલી.
રોવનની રીયલ લાઇફ ઇવ્નેટ્સ અવળચંડા મિ. બીન જેવી જ ભલે હોય. પરંતુ, ૧૯૫૫માં જન્મેલો રોવન હકીકતમાં બહુ શાંત માણસ છે. મિડિયા સામે બહુ આવતો નથી. બ્રિટિશ રોયલ ફેમિલી દ્વારા કમાન્ડરનું સન્માન મેળવી ચૂક્યો છે. પ્રિન્સ ચાર્લ્સના બીજાં લગ્ન કમિલિયા પાર્કર સાથે થયાં ત્યારે રાજ પરિવારના મુખ્ય આમંત્રિતોમાં રોવન પણ હતો. તે પછી હમણાં જ પ્રિન્સ વિલિયમ અને કેટના વેડિંગમાં પણ હાજર હતો. રોવનના પુત્રનું નામ બેન્જામિન અને પુત્રીનું નામ લીલી છે. પત્ની મેક-અપ આર્ટિસ્ટ છે. ૧૯૯૦માં ન્યૂ યોર્કના રશિયન ટી રૂમમાં સુનેત્રા શાસ્રી સાથે એના લગ્ન થયાં હતાં. હા, ખૂબસૂરત સુનેત્રા બ્રિટિશ હિન્દુ છે. પિતા ભારતીય ને માતા બ્રિટિશ.
બહુ ઓછાને ખબર હશે, સ્કૂલમાં રોવન પૂર્વ બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર ટોની બ્લેરનો ક્લાસમેટ હતો. તમને નવાઇ લાગશે રોવન અંગ્રેજી લેટર 'બી' બોલતા સ્ટેમર થતો પણ જુઓ તો ખરા, સૌથી મોટી સફળતા મળી તે સિરિયલનું નામ હતું મિ. બીન. જો કે, આ અગાઉ તેણે બીબીસી રેડિયો માટે વ્યંગસભર ઇન્ટર્વ્યૂ ટોક શો 'દ એટકિન્સન પીપલ' કરેલો. ત્યારબાદ 'નોટ દ નાઇન ઓ'ક્લોક ન્યૂઝ'ને જબરદસ્ત સફળતા મળી. એ પછી સુપરહીટ થઇ 'બ્લેક એડર' સીરીઝ. આગળ જતાં રોવને જેમ્સ બોન્ડની ફિલ્મ 'નેવર સે નેવર અગેન'માં પણ ઘમાલ મચાવી.
રોવનની સરનેમ એટકિન્સનનો પણ રસપ્રદ ઇતિહાસ છે. એટકિન શબ્દ મૂળ એડકિન પરથી આવ્યો છે. જેનો અર્થ છે, એડમ (આદમ) – સૃષ્ટિ પરનો પ્રથમ પુરૂષ. એટકિન્સન પૂર્વજો ઉત્તર ઇંગ્લેન્ડમાં રહેતા. મોટાભાગે ખેડૂતો હતા. તેમની સૌથી મોટી વસાહત વેસ્ટમોરલેન્ડ હતી. કમ્બરલેન્ડ, ડર્હમ, યોર્કશાયર, લેન્કેશાયર અને લિંકનશાયરમાં પણ એટકિન્સન વંશજો છે. બાબા આદમના જમાનાના આ એટકિન્સનો આજે દેરક ક્ષેત્રે ખ્યાતિ ધરાવે છે. પ્રસિદ્ધ ફૂટબોલર વિલ એટકિન્સન હોય કે સિંગલ સ્ટ્રોક કમ્બશન એન્જિન શોધનાર જેમ્સ એટકિન્સન. એક્ટ્રેસ જેમા એટકિન્સન હોય કે મશહૂર લેખિકા કેટ એટકિન્સન, કોઇ પણ ક્ષેત્રે 'એટકિન્સન પીપલ'ની બોલબાલા છે.
રોવનને કારનો ગાંડો ક્રેઝ છે અને કાર વિષે સારું જ્ઞાન પણ ખરું. ઘણાં ઓટોમોબાઇલ મેગેઝિનમાં એની કોલમ સુપ્રસિદ્ધ છે. CAR નામનું મેગેઝિન ક્યાંક મળી જાય તો કોલમ જોવા મળશે. ટીવીના સૌથી ધનવાન કલાકારોમાં રોવન એટકિન્સન પહેલા ક્રમે છે. એક જમાનામાં સાવ સામાન્ય ગણાતા રોવનની વેલ્થ આજે અંદાજે ૮૫ મિલિયન પાઉન્ડ ગણાય છે. એક્ટિંગ ક્ષેત્રે જ નહીં, રોવન સ્ક્રીન રાઇટર અને ડાયલોગ રાઇટર તરીકે પણ પ્રસિદ્ધ છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સની ડિગ્રી ધરાવતા રોવને આ કરિયર બાય ચાન્સ નહીં, બાય ચોઇસ અપનાવી છે.
બાય ચોઇસ હોલીવૂડ સ્ટાર બનેલા થોડા વધુ નામ જાણવા છે? પંક રોક જોનરનો બેતાજ બાદશાહ ગણાતો મ્યૂઝિશિયન ગ્રેગ ગ્રેફિન કોર્નેલ યુનિવર્સિટીની પી. એચડી. ધરાવે છે અને પ્રોફેસર છે. પેલું સોંગ સાંભળ્યું છેને? 'વી વિલ રોક યૂ', એવાં અનેક સુપ્રસિદ્ધ ટોપ નંબર્સનો કમ્પોઝર બ્રાયન મે, એસ્ટ્રોફિઝિક્સમાં પી. એચડી. છે. 'રાઇઝ એન્ડ ફોલ ઓફ દ પ્લેનેટ ઓફ દ એપ્સ, એનાપોલિસ, ધીસ ઇઝ દ એન્ડ', ફિલ્મોનો પ્રસિદ્ધ અભિનેતા, જેમ્સ ફ્રેન્કો ઇંગ્લિશ લિટરેચરમાં પી. એચડી. છે. ફ્રેન્કોને સ્પાડઇર મેન મૂવી સીરીઝમાં હેરી ઓસબોર્નના રોલ માટે ગોલ્ડન ગ્લોબ મળ્યો છે.
બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસના પ્રાઇમટાઇમ એમી એવોર્ડમાં બે વાર નોમિનેટ થયેલી 'બિગ બેંગ થિયરી'ની બ્યૂટિફૂલ અમેરિકન એક્ટ્રેસ માયીમ બિયાલિક ન્યૂરો સાયન્સમાં પી. એચડી. છે. માર્ગારેટ થેચરની લાઇફ સ્ટોરી પરથી બનેલી ફિલ્મ 'દ આયર્ન લેડી' દ્વારા એવોર્ડ્ઝનું જગત લૂંટી લેનાર મેરિલ સ્ટ્રીપ, ફાઇન આર્ટ્સમાં માસ્ટર્સ ધરાવે છે. ઓસ્કર વિનર ગ્લેમર ક્વિન જૂડી ફોસ્ટર ઇંગ્લિશ લિટરેચરમાં બેચલર ડિગ્રી મેળવી ચૂકી હતી. એની સંખ્યાબંધ સફળતાઓને ધ્યાનમાં રાખીને, જ્યાં એડમિશન લેવું પણ સપનું છે તે યેલ યુનિવર્સિટીએ સામેથી પી. એચડી.ની પદવી એનાયત કરી.
બોલો પાર્ટનર! શું કહો છો? એક્ટિંગ, મ્યૂઝિક, રાઇટિંગ, ડિરેક્શન ક્ષેત્રે એક ચાન્સ ઝંખતા લાખો લોકોને ઇન્સપાયર કરે તેવાં આ નામ છે. પણ આમાં બાય ચાન્સ કંઇ નથી. આ તમામ લોકો બાય ચોઇસ આ ક્ષેત્રે પ્રવેશ્યા છે. એટલે ડંકો વગાડ્યો છે. હા, કંઇ કરી દેખાડવું હોય તો ખરેખર કંઇ કરીને બતાડી દેવું પડે. ચાન્સની રાહ જોઇને તો કોઇનો મેળ ન પડે. ધૂનકી જોઇએ. કોઇ પણ ફિલ્મ જગતના સુપર સ્ટાર્સ રાતોની રાતો જાગ્યા હશે. સ્ટેશન, બસ સ્ટેન્ડ, ફૂટપાથ પર મોતી અને લાલિયા જોડે સૂતા હશે. પાણી પીને ભૂખ ભાંગી હશે. નાનું-મોટું જે કામ મળ્યું હોય તેમાં જાન રેડી હશે. એને આપણે 'બોગસ' કહી દેતા વિચાર પણ નથી કરતા, હેંને?
આપણા હરીભાઇ જરીવાલા- સંજીવકુમાર. આપણો સુરતી લાલો. ગુજરાતે ફિલ્મ જગતને આપેલો સૌથી બહેતરીન અદાકાર. એની લાઇફનો એક કિસ્સો યાદ આવે છે. વર્ષો પહેલાં એક નાટક થતું, મિર્ઝા ગાલિબ. એમાં ગાલિબનો રોલ કરે એ. કે. હંગલ અને ઉસ્તાદ ઝોક બને સંજીવ. પછી થાય એવું કે ગાલિબ કરતા ઝોકના પાત્રને વધુ દાદ મળે. હંગલને થયું ઝોકના સંવાદ વધુ ધારદાર છે એટલે આમ થાય છે. એમણે રોલ બદલી લીધો. હંગલ ઝોક બન્યા અને ગાલિબનો રોલ મળ્યો સંજીવને. હવે જુઓ મજા. લોકોએ ગાલિબને દાદ ઉપર દાદ આપવા માંડી.... હંગલના હાથમાંથી ગાલિબનો મેઇન રોલ ગયો ને સંજીવ મેદાન મારી ગયો. હિટ આમ થવાય. પરફોર્મન્સની તાકાતનો પરચો દેખાડવો પડે.
હોલીવૂડ અને ફિલ્મ જગતની વધુ હસ્તીઓ અને ડબલ મસ્તીઓ સાથે આવતા અંકે ફરી મળીશું. ત્યાં સુધી ચોઇસ અને ચાન્સ વચ્ચેના લાખો મિલિયન પાઉન્ડનો હિસાબ કરી રાખજો.
Viral Mehta