28 ઑક્ટોબર, 2013

પાવર એટલે ઊર્જા (Udaan 20)


પાવર એટલે ઊર્જા
બોસ્ટનની મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સાયરન મારતી એમ્બ્યુલન્સ આવીને ઊભી રહી. રવિકાન્તનું બ્લડ પ્રેશર ક્રમશઃ નીચું જઇ રહ્યું હતું. ત્યાંની હાડ થીજાવતી ટાઢમાં હાર્ટબીટ્સ પર અસર થઇ હતી. એરિધેમિયાની ટ્રીટમેન્ટ માટે ઇલેક્ટ્રિકલ કાર્ડિયોવર્ઝનથી સીધા ચેસ્ટ પર શોક આપવા પડે તેમ હતા. રવિકાન્ત પ્રસિદ્ધ, વગદાર અને પાવરફૂલ વ્યક્તિ હતા એટલે તબીબોને માથે ભારે જવાબદારી હતી. રવિકાન્તની હાર્ટબીટ સાયકલ એટલી અસંગત હતી કે ઓટોમેટિક મશીન પર ભરોસો થાય તેમ નહોતો. ડો. પીટરે મેન્યુઅલી શોક આપવાનું નક્કી કર્યું.
હાર્ટસાયકલના સ્ટડી પછી નિશ્ચિત સમયગાળામાં એક પછી એક બે શોક આપવાના હતા. અને આ સમયગાળો હતો ૪૦ સેકન્ડ્સ. 'એના રેડી? સ્ટીફ ઓલ ઓકે? પાઉલ? સેમ?' તમામ સહાયકો પીટરને આંખથી સંમતિ આપી રહ્યા હતા. 'યુડી શેલ વી ગો ફોર ઇટ'? યુડીએ કાઉન્ટડાઉન શરુ કર્યું. 'થ્રી.... ટુ.... વન.... ગો....' રવિકાન્તની ચેસ્ટ પર પહેલો શોક અપાઇ ગયો હતો. પણ આ શું? કાર્ડિયોવર્ઝન મશીનના કેપેસિટરમાં ખામી સર્જાઇ હતી. ૪૦ સેકન્ડ્ઝમાં બીજો શોક આપવાનો હતો. નવું મશીન ગોઠવવાનો સમય નહોતો. બધા તબીબોની હાલત કફોડી હતી. આટલા પ્રસિદ્ધ વ્યક્તિની જિંદગી અને હોસ્પિટલની આબરૂ બંને દાવ પર હતા. ક્ષણો તો જાણે સામાન્ય કરતા બમણી ઝડપે ચાલી રહી હતી. અને યુડીનો અવાજ આવ્યો....
'ગેટ રેડી એવરી વન.... પીટર ગો ફોર ઇટ....'. બધાં સાબદા થઇ ગયા. યુડી એ કાઉન્ટ શરૂ કર્યા. 'થ્રી.... ટુ.... વન.... એન્ડ ગો....'. એક ઝાટકા સાથે રવિકાન્તની ચેસ્ટ પર બીજો શોક બરાબર ૪૦ સેકન્ડ્ઝમાં અપાઇ ગયો હતો. મોનિટરના ગ્રાફમાં હાર્ટબીટ સામાન્ય થઇ રહ્યા હતા. બધા જ તબીબોએ નિરાંતનો શ્વાસ લીધો. યુડીની સમયસૂચકતા બદલ અભિનંદન અને ધન્યવાદનો વરસાદ થઇ રહ્યો.
પછીની સવાર ખુશનુમા હતી. રવિકાન્ત સ્વસ્થ હતા. ડો. પીટરનો આભાર માની રહ્યા હતા. ત્યારે એ નિખાલસ ખુશ મિજાજ તબીબે એનું શ્રેય યુડીને આપતા ગઇકાલની ઘટના વિષે વાત કરી. રવિકાન્તે યુડીને મળવાની ઇચ્છા દર્શાવી. 'બાય ઓલ મીન્સ સર', કહી પીટરે યુડી માટે મેસેજ આપ્યો અને ફરી રવિકાન્ત સાથે મજાક-મસ્તીમાં પરોવાયા. જોક પર જોક મારીને પીટર રવિકાન્તને હસાવી રહ્યા હતા.
'કેમ છો અંકલ'? રેશમી અવાજનો આ ઝાટકો રવિકાન્ત માટે આશ્ચર્યના તમામ કેપેસિટર તોડીને આવ્યો હતો. એક ખરેખર ખૂબસૂરત યુવતી એમના કમરામાં આવી હસી રહી હતી. પીટરે યુડીનો પરિચય કરાવ્યો. રવિકાન્તના ચહેરે હજી પણ હજારો સવાલો હતા. એમણે તો ધારેલું કોઇ વિદેશી પુરુષ ડોક્ટર હશે. પણ આ? ઇન્ડિયન? ગુજરાતી? અંકલ કહે છે? કોણ હશે? કોઇ અન્ય પેશન્ટની મુલાકાતનો સમય હતો એટલે પીટરે રવિકાન્તની રજા લીધી. હવે રવિકાન્ત પ્રશ્નાર્થ ભાવે યુવતી સામે જોઇ રહ્યા હતા. 'હું યુડી. મારી ઓળખાણ આપું તો આજે હું જે કંઇ છું એ તમારા લીધે છું'. રવિકાન્ત માટે આ વધુ એક ઝાટકો હતો.
'પેલો સ્વીપર યાદ છે અંકલ? ઘણા વર્ષો પહેલા તમારું આંગણું વાળતો'? છોકરીએ વાત આગળ વધારી. અને રવિકાન્તને તે પછીની તમામ ઘટનાઓ લાગલગાટ યાદ આવી ગઇ. સ્વીપર ઉપરની ચીડ. એકવાર સાફ કરેલી કાર પર ભૂલથી ડસ્ટ લાગી હતી અને.... યસ.... એમણે એને કાઢી મૂક્યો હતો. 'હા.... ડાહ્યો....' રવિકાન્તને યાદ આવી ગયું એનું નામ. 'એ મારા પિતા થાય. મારું આખું નામ ઊર્જા ડાહ્યાલાલ. અહીં બધા યુડી કહે છે'. તમારે ત્યાંથી નીક્ળ્યા પછી બાપુ એક કોલેજના પ્રિન્સિપાલને ત્યાં કામ કરતા હતા. મારા ભણવાની જવાબદારી સાહેબે જ ઉઠાવી. મને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનાવી. અહીં ઇન્સ્ટ્રુમેન્ટ ડેવલપમેન્ટ અને મેન્ટેનન્સ વિભાગમાં કામ કરું છું.
'એટલે તું....', 'હા, હું ડોક્ટર નથી અન્જિનિયર છું, ઊર્જાએ સવાલ સમજી જતા કહ્યું, 'પણ કામ તબીબી સારવારનું જ કરું છું'. 'તો ગઇકાલે તને એકવાર પણ મારી પર ગુસ્સો ન આવ્યો'? રવિકાન્તે પૂછ્યું. 'આવ્યો ને'! ઊર્જા ખિલખિલાટ હસી પડી, 'એટલે જ તો કરંટ સમયસર શરૂ કરી દીધો. ઝાટકો આપવા'. એની નિર્દોશ રમૂજથી રવિકાન્ત પણ હસી પડ્યા. 'ડાહ્યો ક્યાં છે આજકાલ'? ઊર્જાએ દરવાજો ખોલી એના બાપુને અંદર બોલાવ્યા. 'તે દિવસનું મને માફ કરજે દોસ્ત, આજે આ છોકરી ન હોત તો....', રવિકાન્ત વધુ કંઇ બોલી ન શક્યા પણ ડાહ્યાનો ખભો ભીનો થઇ ગયો.
ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તરફ નિઃરસ થતા મારા દોસ્તોને એટલું જ કહેવાનું કે, આ અભ્યાસને લગતા ક્ષેત્રો તો ઠીક, મેડિસિન ક્ષેત્રે જ આઠસોથી વધુ કરિયર વિકલ્પો છે. ઊર્જાએ જે મશીનનું કેપેસિટર ચાલુ કર્યું તે કાર્ડિયોવર્ઝનનું પ્રારંભિક મોડેલ ૧૯૬૧માં બોસ્ટનના જ એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બરુક બર્કોવિત્સે બનાવેલું....
....અને ઊર્જાએ જે સાર્થક કરી બતાવ્યું તે એનું નામ. પાવર એટલે ઊર્જા. પાવર એટલે શક્તિનું નિયંત્રણ કરવાની ક્ષમતા. પાવર એટલે કોઇને મદદરૂપ થવાની તાકાત. પાવરનો સગવડિયો અર્થ સત્તા કરતા લોકોએ તે નોંધવા જેવું છે.
આવી રહેલા નવા વર્ષમાં સહુ સાચા અર્થમાં પાવરફૂલ એટલે કે, ઊર્જસ્વી અને તેજસ્વી બનીએ. જ્ઞાતિ-જાતિ-ઘર્મ વિષેની ગેરસમજ અને દ્વેશ-ક્લેશથી દૂર રહીએ. કારણ કે, તે વિશ્વમાં સૌથી લાંબો ચાલેલો માસ હિસ્ટિરિયા માત્ર છે. સર્વસત્તાધિશ કુદરતના પાવરને સમજીએ. એનું દરેક સર્જન સકારણ છે. એ તમામમાં આગવી ઊર્જા છે. કોને ખબર, કોની ઊર્જા, જિંદગીમાં ક્યારે અને ક્યાં આપણી મદદ કરે!

Viral Mehta