17 જૂન, 2013

પ્રેરણાની પનિશમેન્ટ (Udaan 1)

પ્રેરણાની પનિશમેન્ટ
બીજું કોઇ હોત તો એક રિસેપ્શનિસ્ટની આ હરકત પર તાબડતોબ તાડુકીને કોઇ તીખું ફરમાન સંભળાવી દેતે. પણ આ તો શહેરની પ્રતિષ્ઠિત એડ એજનસીના જાણીતા આર્ટ ડિરેક્ટર નિરંજન હતા. એક તરફ કંપનીના મોભાદાર ક્લાયન્ટને એન્યુઅલ પ્રેઝન્ટેશન પહેલાની કટોકટીની ક્ષણો અને ત્યાં રિસ્પ્શનિસ્ટ પ્રેરણાનું આ કદમ.... નિરંજને પ્રેરણાએ આપેલી પેન ડ્રાઇવમાંથી ગ્રાફિક ડિઝાઇન્સ પોતાના લેપ ટોપમાં લીધી અને કંઇ જ કહ્યા વિના કોન્ફરન્સ રૂમમાં પ્રેઝન્ટેશન માટે ચાલ્યા ગયા.... સહુની ધારણા કરતા આ પ્રેઝન્ટેશન ખાસ્સો વધુ સમય લઇ રહ્યું હતું. સ્ટાફમાં ક્લાયન્ટના રહેવા અંગે અટકળો પણ શરુ થઇ ગઇ હતી અને પ્રેરણાનો જીવ તાળવે ચોંટી ગયો હતો....
છેવટે કોન્ફરન્સ રૂમનો દરવાજો ખૂલ્યો. વિખ્યાત જ્વેલર મિ. ઝવેરી અને તેમના બ્રાન્ડ મેનેજર આખી ટીમ સાથે બહાર આવ્યા. નિરંજને હાથ મિલાવી સહુને વિદાય આપી. પ્રેરણા રિસેપ્શન કાઉન્ટર પર અદબથી ઊભી હતી. 'કમ ટુ કોન્ફરન્સ હોલ પ્રેરણા', નિરંજનના સ્વરમાં આદેશ હતો. ગભરાતા પગલે પ્રેરણા કોન્ફરન્સ હોલમાં પહોંચી. સિનેમામાં જોયેલા કોર્ટ રૂમ જેવું વાતાવરણ હતું. ઓફિસના તમામ સિનિયર ક્રિએટિવ મેમ્બર સાથે સીઇઓ પ્રેરણાની ઉલટ તપાસ લેવા તૈયાર હતા. અને સવાલોનો વરસાદ શરૂ થઇ ગયો....
આ ઓફિસમાં તમારી ડ્યુટી શું પ્રેરણા?
ટેલિફોન ઓપરેટર કમ રિસેપ્શનિસ્ટની સર....
આટલા મોટા ક્લાયન્ટ માટે એડની ડિઝાઇન્સ તૈયાર કરવાનું કોણે કહ્યું?
કોઇએ નહીં સર, મને મારા મનથી કંઇક વિચાર આવ્યો અને ફુરસદમાં આ બનાવ્યું હતું.... મારી ભૂલ....
ઓફિસના સમય દરમ્યાન તમે આ બધું કરો છો? સીઇઓ એ એની વાત કાપતા પૂછ્યું....
ના... ના.... સર ઘરે પહોંચીને નવરાશના....
તમને લાગે છે કે આ બધું નવરાશનું કામ છે? ગમે તે આ કરી શકે? ક્રિએટિવ ડિરેક્ટર રીમાએ પણ શરૂ કર્યું....
ના.... મેમ સોરી, પણ મને કંઇક વિચાર આવ્યો અને જસ્ટ....
કોઇ કોર્સ કર્યો છે? કોઇની પાસે શિખ્યા છો? નિરંજને જવાબ કાપતા પૂછ્યું....
મિ. માઇક આલ્બર્ટ પાસે....
વોટ? યુ મિન.... દેટ ફેમસ આર્ટ પર્સન માઇક આલ્બર્ટ?
જી સર....
એટલે નવરાશના સમયમાં આલ્બર્ટ પાસે શીખવા તમે રોજ વિદેશ જાવ છો એમ?
નિરંજનના આ સવાલથી કોન્ફરન્સ રૂમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું....
ના સર.... મારા ઘરે જ.... પ્રેરણાએ કીધું ને ફરી એકવાર સહુ ખડખડાટ હસી પડ્યા. ઝંખવાઇ ગઇ પ્રેરણા....
કંઇ સમજાય એવી વાત કરો મેડમ.... આલ્બર્ટ તમને ઘેર આવીને શીખવાડે છે?
હા સર.... મેં આર્ટનો ફ્રી ઓનલાઇન કોર્સ કર્યો છે અને એમાં મિ. આલ્બર્ટ અને બીજા ઘણા જાણીતા ડિઝાઇનર્સના ઓડિયો વિડિયો અને લેખિત લેક્ચર્સ હોય છે. એ સમજીને હું મારી જાતે પ્રેક્ટિસ કરું છું અને શીખું છું.
કોન્ફરન્સ રૂમમાં પળ બે પળ માટે સોપો પડી ગયો.... ફ્રી ઓન લાઇન કોર્સ? સહુ એકબીજાનું મોં તાકી રહ્યા હતા....
હા.... સર.... આર્ટ્સ, બિઝનેસ, એજ્યુકેશન, એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર્સ, હેલ્થ અને મેડિકલ, લીબરલ આર્ટ્સ, ગણિત અને વિજ્ઞાનના વિષયોના 10 હજારથી વધુ હાઇ ક્વોલિટી અભ્યાસક્રમોના ક્લાસરૂમ ઓનલાઇન ઉપલબ્ધ છે. એમાં એમઇટી, ઓક્સફર્ડ જેવી યુનિવર્સિટીના પ્રોફેસર્સ ભણાવે છે. એટલે મેં તેનો....
આટલા બધા મોટા કોર્સની ફી તમે?
ના.... સર આ સાવ ફ્રી કોર્સ હોય છે.... એમાં ન તો એડમિશન કે ન તો મોંધી ફી....
અને ડિગ્રી?
શીખવાની ધગશ ધરાવનારને ડિગ્રીની ફિકર કરવાની રહેતી નથી, સર....
ધીમા અવાજે પણ મક્કમ પણે પ્રેરણા બોલી રહી હતી. કોન્ફરન્સ હોલમાં સ્તબ્ધ થઇ સહુ એનું બયાન સાંભળી રહ્યા હતા....
ત્યાં એડમિન હેડ મિ. મહેતા આવ્યા અને પ્રેરણાને એક કવર આપ્યું. આ શું હશે તે સમજવા પ્રેરણા મથી રહી હતી ત્યાં સીઇઓ સાહેબે કડક અવાજમાં આદેશ કર્યો....
આ ઓફિસમાં તમે રિસેપ્શનિસ્ટ તરીકે ઠીક ઠીક કામ કર્યું છે એટલે સારી રીતે વિદાય આપી રહ્યા છીએ. પરંતુ, એક રિસ્પ્શનિસ્ટની ડિઝાઇનિંગની હરકત અમને કોઇને મંજૂર નથી. એટલે પનિશમેન્ટ તો આપવી જ રહી. ભાંગ્યા મને પ્રેરણાએ માત્ર સોરી સર કહ્યું અને આંખમાંથી ચોધાર વરસતા આંસુ છુપાવવા ઉતાવળે રૂમની બહાર જવા લાગી....
કવર ખોલીને જોવું નથી પ્રેરણા? નિરંજને ટકોર કરી. કમને પ્રેરણાએ કવર ખોલ્યું. લેટરની પહેલી લાઇન વાંચીને પ્રેરણાના રહ્યા સહ્યા હોશ પણ ઉડવા લાગ્યા. એમાં લખેલું....
ડિયર મિસ પ્રેરણા,
વી આર હેપી ટુ એપોઇન્ટ યુ એઝ અ વિઝ્યુઅલાઇઝર....
રીમા હસતા હસતા આવી અને પ્રેરણાને અભિનંદન આપતા કહ્યું કે, તારી આ જ ડિઝાઇન્સને કારણે મિ. ઝવેરીએ 3 વર્ષ માટે આપણી સાથે કોન્ટ્રાક્ટ રિન્યુ કર્યો છે. અમે બધાએ જે તૈયાર કર્યું હતું એના કરતા તારી ડિઝાઇન્સ બિલકુલ અલગ અને આકર્ષક હતી.
થ્રી ચિયર્સ ફોર દ લેડી.... ટાઇમ ટુ સેલિબ્રેટ પીપલ.... સીઇઓ સાહેબે આઇસક્રીમનો ઓર્ડર કરતા કહ્યું.
પ્રેરણાની જેમ તમારામાં પણ ધગશ અને આત્મવિશ્વાસ હશે જ. આજના ડિજિટલ ગ્લોબલ યુગમાં કંઇક નવું જાણવા અને શીખવા માટે ક્યાંય જવાની કે ભારે ફીની કે સમયની ચિંતા કરવાની જરૂર નથી. જ્ઞાનની હોંશ ધરાવનાર માટે હાઇ લેવલ, ઓપન એજ્યુકેશન ડેટા બેઝ (OEDb) ઓનલાઇન ઉપલબ્ધ છે. એ પણ વિશ્વપ્રસિદ્ધ યુનિવર્સિટીઝ દ્વારા. સાવ વિનામૂલ્યે. તમે પણ પ્રેરણાની પ્રેરણા લો અને લાઇફમાં એ જ કરો જે તમે હંમેશા કરવા વિચારી રહ્યા હતા.
ચમત્કાર તમે પોતે જ છો. અજમાવી જુઓ. મનમાં છવાયેલા વિચારોના વાદળમાં કોઇક વીજળી જરૂર ચમકી જશે.
Viral Mehta