Date: Thu, 10 Oct 2013 03:32:38 +0530
એક અમોઘ સત્ય
'બંધ કરો ભૈ બંધ કરો.... તાનાશાહી બંધ કરો.... સ્ટોર મેનેજર ડાઉન ડાઉન.... બંધ કરો ભૈ બંધ કરો....' એ જ વર્ષો પુરાણી સમસ્યા. એ જ જૂના ઘસાયેલા, કટાયેલા સૂત્રો. થોડો ટ્રાફિક જામ. થોડા કાચ તૂટવા. થોડી ડંડાવાળી. મીણબત્તી કૂચનું અંધારું. મધ્યમ વર્ગના યુથનું એ જ બેકારીના ભેંકારમાં ગરકાવ થવું. ભૂખથી ભયાનક સામાજિક દરજ્જાનો મરણતોલ સવાલ. ભણેલા કહેવાઇને ગરીબ લાગવાની શરમ. ગરીબો માટે સરકારો પાસે રાહતો છે અને તવંગરો માટે પોલિસી. પણ સામાન્ય વ્યક્તિ માટે? ડગલે ને પગલે કરવેરા? મોંઘવારી? બેકારી? આદર્શોને વળગી રહેવાની ફરજ? મત આપીને દાનવીર થયાનો ખોખલો ખિતાબ?
ક્યાં તો ઘરમાં ત્રણ વ્યક્તિ કમાતી જોઇએ, ક્યાં તો એક વ્યક્તિ પાસે ત્રણ નોકરી. ક્યાંથી મળે? એ પણ આવા કથળતા કપરા કાળમાં? એ જ કાળના ખપ્પરમાં આજે સપડાયો છે આપણો યુવા તાપસ. આજે સવાર સુધી તો મજાની લાઇફ હતી. પરંતુ, અચાનક મેગા સ્ટોરના મેનેજરે પચાસેક જણને પાણીચું પકડાવી દીધું. હવે એ બધા દરવાજાની બહાર આંદોલન કરી રહ્યા છે.
થપ્પડ મારીને નોકરી છીનવી લીધાની દાઝ સામે આવતીકાલના સવાલની આગ અમસ્તોય એમનો જુસ્સો તોડી રહી હતી ત્યાં.... 'ફરી રાખશે તમને લોકોને? રાખે તો કામ કરશો'? બધા એક પછી એક બોલનાર સામે જોઇ રહ્યા હતા. 'સ્ટોર મેનેજરે તો ઓલરેડી નવી ભર્તી કરી લીધી હશે, નહીં? એ પણ તમારા કરતા ઓછા પગારે.... કોસ્ટ કટિંગ, યુ સી'? એ બળતામાં ઘી હોમી રહ્યો હતો. તાપસ ઊભો થઇ ગયો. 'અમોઘ, મારું નામ', કહી પેલાએ હાથ લંબાવ્યો, 'એની વેઝ.... આંદોલન તો આપણે કરવું જ જોઇએ. એ પણ એવું આંદોલન જે અલગ હોય. અને અસરદાર હોય. આજકાલ ઉદ્દેશ વિનાના આંદોલનો જ થાય છે. આપણે કૈંક જુદું કરીએ'. અમોઘ બોલી રહ્યો હતો.
'જો ભાઇ, અમારે કોઇ લીડર કે ફીડરની જરૂર નથી. ભાષણો તો અમનેય કરતા આવડે છે', તાપસે પેલાને રોકતા કહ્યું. 'તો કરોને મહાશય, ભાષણ કરો. પણ તોય મારો સવાલ એ જ છે, જોબ પાછી મળશે'? અમોઘે ફરી પૂછ્યું. 'તો તારા આંદોલનથી મળશે'? હવે યમન પણ અકળાયો હતો. 'એકઝ્ક્ટલી, તમે કરી રહ્યા છો એ આંદોલનથી તો નહીં જ મળે', અમોઘે ચપટી વગાડી કહ્યું. 'જો ભાઇ અમે તને જાણતા નથી', યમને કડક થઇ કહયું, 'અમારી મજબૂરીની મજાક ઉડાવ્યા વિના અહીંથી જા, નહીંતર....', 'તમારી મજાક તો તમારી હતાશા ઉડાવે છે. બાકી આ જોબ કરતા વધુ કમાવા ચાહો તો. એક આઇડિયા છે. જોબ સાથે ચા ફ્રી મળશે. ઇચ્છા હોય તો....'.
હવે સાચેસાચ બધાને ગુસ્સો ચડ્યો હતો. જો સ્ટાઇલમાં કડક સલામ મારી એક બાઇક સવાર ઊભો ન રહ્યો હોત તો અમોઘને ટીંગાટોળી કરવાનું જ બધા વિચારી રહ્યા હતા. 'મીટ ફિલિપ, માય પાર્ટનર. એચ.એમ.એમ. – હોમ મેગા માર્ટ પ્રોજેક્ટમાં. ફિલિપની સેલરી દર મહિને વધે છે. મારા કરતાં વધુ કમાય છે. રીચ મેન.... યુ સી....'? અમોઘની વાતમાં કંઇ વાત હોય એવું હવે તાપસ અને તેના સાથીઓને લાગી રહ્યું હતું. 'ચલો ચા પીએ. બેસીને વાત કરીએ'. બધા અમોઘની સાથે થયા.
'મારા પિતાનો જનરલ સ્ટોર હતો. આ રિટેઇલ માર્ટની ફેશન પછી ધંધા પર અસર થઇ. જવાનીના જોશમાં હું એમનો ધંધો છોડી, આવા જ કોઇ મેગા સ્ટોરમાં જોબ કરતો હતો. પછી તમારી જેમ જ એક દિવસ.... મારી સાથે વીસ જણની જોબ ગઇ. ત્યારે મને ગ્રાહકોથી ધમધમતી પિતાની દુકાન યાદ આવી પણ ત્યાં હવે માલ ભરવાના ફાંફા હતા. અમે વીસેય ભેગા થયા. જોબનો અનુભવ યાદ કર્યો. ત્યાં મુલાકાતીઓ ખરીદવા કરતા ફરવા વધારે આવતા. કારણ? માહોલ અને ઝાકઝમાળ. પણ એમને ખરીદવું હતું તે બધું મેગા સ્ટોરમાં નહોતું મળતું. ત્યાં એ જ મળતું જે માલિકોને વેચવું હતું'.
તાપસને પણ આનો અનુભવ હતો. સૌ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. 'અમે લોકોની જરૂરિયાતો અને એના સપ્લાયર્સ વચ્ચે એક બ્રિજ તૈયાર કર્યો. દરેક જણે દસ ઘરના માસિક સપ્લાયનું ટાર્ગેટ રાખ્યું. પહેલા જ મહિને ૨૦૦ નિશ્ચિત ગ્રાહકોના બેઝથી અમે શરુ કર્યું. ઉમદા ક્વોલિટી સાવ નજીવા માર્જિન સાથે અમે આપીએ છીએ. સપ્લાયર્સ પણ ખુશ છે. ગ્રાહકોને જે જોઇએ તે મળે છે. બજારમાં ગયા એટલે કંઇક લેવું જ એવા સ્ટ્રેસ બાઇંગથી ગ્રાહકો મુક્ત રહે છે. એમનો ખર્ચ ઘટે છે. ગ્રાહક જ અમારો પ્રચાર પણ કરે છે. વર્ડ ઓફ માઉથ, રાઇટ? હોમ મેગા માર્ટ આજે વગર દુકાને માત્ર ફોન, SMSથી હજારેક ગ્રાહકોનું નેટવર્ક બન્યું છે. તમે ૫૦ એમાં જોડાવ તો દોઢ હજાર થઇ જશે. આજે દશેરા છે. ઘોડો દોડાવવો છે? કે પછી ત્યાં ઝાંપા પાસે....'? અમોઘની વાતથી તાપસ અને તેના સાથીઓના ચહેરે વિશ્વાસનું સ્મીત આવી ગયું હતું.
દોસ્તો, હતાશાનું એવું છે કે, આપણી મંજૂરી વિના આપણને કોઇ હતાશ ન કરી શકે. અને કરિયરનો માર્ગ પણ અજબ છે. ધારીને જોશો તો જ્યાં રુકાવટ હોય ત્યાં જ કોઇ નવી શરૂઆત મળશે.
જમાનો આપણા અમોઘ વિચારોના શસ્ત્રથી બદલાય છે. ટોળાં, સૂત્રો, સરઘસોથી નહીં. આજે વિજયાદશમીએ પ્રગતિનું સત્ય ધારદાર કરીએ. કોઇ શું આપણું ભાવિ ઘડવાનું? આપણે દેશ-દુનિયાનું ભાવિ ઘડીએ.
Viral Mehta