Date: 2013-10-03 0:39 GMT+05:30
આંખ ખોલીને સાંભળો
આંખ ખોલીને સાંભળો
બહારનું સીસીટીવી ફૂટેજ હતું નહીં અને શો-રૂમની અંદરના ફૂટેજમાં બે મિનિટની ક્લિપ મળી હતી. પ્રતિષ્ઠિત જ્વેલરી શો-રૂમમાં તસ્કરો ત્રાટક્યા હતા. મંત્રજની ટીમને મળેલી વિડિયો ક્લિપમાં લૂંટનો માલ લઇ એકસામટા બધા દરવાજાની બહાર જતા દેખાતા હતા. અન્ય કોઇ કડી મળતી નહોતી. તસ્કરોએ ક્રાઇમ સીન પર કોઇ સબૂત છોડ્યો નહોતો. શો-કેસ, કાઉન્ટર, તિજોરી વગેરે પરથી મળેલી ફિંગર પ્રિન્ટ્સ સ્ટાફ અને માલિકોની જ હતી.
મંત્રજની ટીમનો ૨૪ કલાકમાં ગુનેગારોનું પગેરું મેળવી આપવાનો રેકોર્ડ હતો. આ કેસમાં એ શાખ તૂટી રહી હોય તેમ લાગતું હતું. એ થોડીથોડી વારે કેબિનની બહાર આવીને સૌને ઊંચા અવાજે તતડાવી નાંખતો. છેવટે બધો જ ભાર શ્લોકા પર આવતો. મંત્રજની સેક્રેટરી. જો કે, છ મહિના મંત્રજની ટીમમાં રહીને શ્લોકા ઇન્વેસ્ટિગેશનમાં સારી એવી સૂઝ ધરાવતી હતી. વગર બોલ્યે શાંત મને એ પોતાનું કામ કરી લેતી. ભાગ્યે જ એવું બન્યું હશે કે કોઇએ એનો અવાજ પણ સાંભળ્યો હોય.
'મારી છેલ્લા ત્રણ વર્ષની ડાયરી લાવ શ્લોકા', મંત્રજે ફરી બારણું ખોલીને બૂમ પાડી. હકારમાં જવાબ આપી શ્લોકાએ ઝડપથી ડાયરી ભેગી કરી, મંત્રજના ટેબલ પર મૂકી. એના લેપટોપ પર ફૂટેજ ચાલી રહ્યું હતું. શ્લોકા તે જોવા રોકાઇ પણ પછી મંત્રજનો ગરમ મૂડ જોઇ બહાર જતી હતી ત્યાં મંત્રજે કહ્યું, 'પોતપોતાના ફાઇન્ડિંગ્સ સાથે બધાને અંદર મોકલ'. શ્લોકા બહાર આવી ત્યારે બધા જાણે રાહ જોઇને જ ઊભા હતા, એણે અંદર જવાનો ઇશારો કર્યો. કેબિનમાં મંત્રજ ગરજી રહ્યો હતો એ છેક બહાર સુધી સંભળાતું હતું. બહાર સૌ છાનું હસીને પોતાનું કામ કરી રહ્યા હતા.
થોડી વારે કેબિનમાં જઇ પ્યૂને એક ચિઠ્ઠી આપી. 'વ્હોટ્સ ધીસ? કોણે આ મજાક કરી? આ સમય છે આવી મજાકનો'? મંત્રજ ભભૂકી ઉઠ્યો. 'સર, શ્લોકા મેડમે....', 'બોલાવ એને', પ્યૂન વધુ કંઇ બોલે તે પહેલાં મંત્રજે ફરી બૂમ પાડી. શ્લોકા અંદર પહોંચી અને મંત્રજે તેનો ઉધડો લઇ લીધો. 'મૈં યહાં તૂ વહાં.... આ શું છે યંગ લેડી? બહુ શેરો શાયરીનો મૂડ આવી ગયો હોય તો એ જ કરો. પણ અહીંયા નહીં. ઘેર જઇને....'. શ્લોકા તો આમ પણ ડઘાયેલી હતી છતાં એણે હિંમતથી લેપટોપ પર ચાલી રહેલી વિડિયો અને ચિઠ્ઠી તરફ ઇશારો કર્યો.
હવે આખી ટીમનું ધ્યાન ક્લિપ પર હતું. એમાં એક શખ્સ બાકીનાને કંઇક કહી રહ્યો હતો. શ્લોકાએ એની લીપ મુવમેન્ટ ઉકેલી હતી.... મૈં યહાં, તૂ વહાં.... યસ એ એવું જ કંઇક બોલી રહ્યો હતો. મંત્રજ પણ હવે સીટ પર ગોઠવાયો. એના જેવા કાબેલ ઇન્વેસ્ટિગેટર માટે આટલી ક્લૂ પૂરતી હતી. એના ચહેરા પર સ્મીત આવી ગયું. ઘડીક પહેલાનો આક્રોશ ફરી પાછો આત્મવિશ્વાસમાં પલટાઇ ગયો. એણે ટીમ સામે જોયું. બઘાના ચહેરા પર નિરાંત અને આનંદ હતો.
એક પછી એક બધાએ શ્લોકાનો આભાર માન્યો. મંત્રજ કંઇ બોલ્યો નહીં. શ્લોકાને એની જગ્યાએ જવા કહ્યું. જતાં પહેલાં શ્લોકાએ એક વધુ કાગળ ટેબલ પર મૂક્યો. એમાં બાગબાન નામથી ચાલતા શહેરના પાંચ ગેસ્ટ હાઉસના સરનામાં હતા. મંત્રજ હવે ખરેખર ચોંકી ગયો! શ્લોકા આટલી બધી કાબેલ હતી? મૈં યહાં, તૂ વહાં.... એ હતી બાગબાન ફિલ્મના ગીતની કડી અને હતી આ ક્રાઇમની કડી પણ.
'આ પાંચમાંથી એક સાવ ખંડિયેર હાલતમાં છે. ત્યાં કોઇ જતું નથી. એટલે મારા ધારવા પ્રમાણે તસ્કરો ત્યાં જ હશે', ટીમના સિનિયર સભ્ય વાચિકે કહ્યું. ટીમ તરત રવાના થઇ. સાંજના સ્થાનિક સમાચારોમાં ન્યૂઝ પણ ફ્લેશ થવા લાગ્યા. 'શહેરમાં કહેર મચાવતી તસ્કર ટોળકી ગિરફ્તાર'. ૨૪ કલાકમાં ગુનેગારોને પકડવાનો મંત્રજની ટીમનો રેકોર્ડ પણ અકબંધ રહ્યો હતો.
પછીના દિવસે પત્રકારોનો ધસારો વધી ગયો એટલે મંત્રજે બધાને મિટિંગ રૂમમાં બોલાવ્યા. 'તમારે જે કંઇ પૂછવું હોય તે આ છોકરીને પૂછો. આ ક્રાઇમ ઉકેલવાની બધી જ ક્રેડિટ એને જાય છે', મંત્રજે શ્લોકા સામે ઇશારો કરી પત્રકારોને કહ્યું. ત્યાં તો સવાલોની ઝડી વરસી. કેમ, કઇ રીતે, ક્યાં, તમારું નામ શું....? વગેરે વગેરે.... મંત્રજ શ્લોકાના હાવભાવ જોઇ ધીમું હસી રહ્યો હતો.
'એક મિનિટ.... એક મિનિટ....', સૌને રોકતા એણે કહ્યું, 'શ્લોકા નામ છે એનું. એ તમારા સવાલોનો જવાબ નહીં આપે. એ આપણા બધાથી વિશેષ છે. આપણેને તો જનમથી બોલવાની, બોલતા રહેવાની બિમારી છે. શ્લોકા ડિફરન્ટલી એબલ છે. એ આંખથી સાંભળે છે અને ઇશારાથી બોલે છે'. પત્રકારો તો ઠીક, ટીમના સભ્યો માટે પણ આ વાત ચોંકાવનારી હતી. છ મહિનામાં આ છોકરીએ ક્યારેય કોઇને કળાવા સુદ્ધાં થવા નહોતું દીધું. માત્ર મંત્રજ શ્લોકા વિશે જાણતો હતો. વ્યક્તિના ચહેરા અને હોઠના હલન-ચલનથી એ વાત સમજી શકતી હતી.
શ્લોકાને તો અવાજની દુનિયાની કોઇ અડચણ જ નહોતી એટલે લીપ રિડિંગ એને માટે સહજ હતું. પણ સામાન્ય ક્ષમતાના આપણા સહુ માટે લીપ અથવા સ્પીચ રિંડિંગનો કોર્સ પણ છે. ઇન્ટરનેટ પર ફ્રીમાં પણ શીખી શકાય. પદ્મભૂષણ ડો. પી. ચંદ્ર શેખરનની વેબ સાઇટ http://forensicinternational.org પરથી વધુ માહિતી મેળવી તમે પણ વિશેષ બની શકો.
મહાશક્તિની ઉપાસનાના દિવસોમાં આપણે સૌ આપણી શક્તિઓને જગાડીએ. અને આપણા સિવાયના સૌની શક્તિઓને પણ પ્રણામ કરીએ. આજની ઉડાન શ્લોકા અને એના જેવાં સૌ સક્ષમ દોસ્તોને સમર્પિત છે!
Viral Mehta