અક્ષર બોલે છે
બહુરંગી બોક્સમાં દોસ્તીના ઉમળકા અને દિલમાં દસ વર્ષનાં સંભારણાંનું પૂર. અક્ષર લગભગ દોડી જ રહ્યો હતો. બાળપણની એક ખાસ દોસ્ત, ભવ્યતાને મળવા. કેવી લાગતી હશે? ઓળખશે કે કેમ? શું વિચારશે? અનેક સવાલો અને દિલમાં કંપન સાથે અક્ષરે ડોરબેલ વગાડ્યો. 'નમસ્તે માસી, ઓળખાણ પડી? હું અક્ષર.... ભવ્યતા સાથે સ્કૂલમાં.... ક્યાં છે'? ચહેરા પર ફિક્કાં હાસ્ય સાથે ભવ્યતાના મમ્મીએ આવકાર આપ્યો. 'ક્યાં ગઇ ભવ્યતા? મને યાદ કરે છે કે નહીં'? જવાબમાં પાણીનો પ્યાલો અને એક ચિઠ્ઠી આપી માસી અક્ષર પાસે બેસી ગયા.
ચહેરા પર અકળ દુઃખ હતું અને આંખો ભીની હતી. અક્ષરને કંઇ સમજ ન પડી. ગ્લાસ બાજુ પર મૂકી એણે ચિઠ્ઠી ખોલી. ભવ્યતાએ લખી હતી. 'મને ફરીથી જોવા માગતા હો, તો દસ લાખ રોકડા એક બેગમાં ભરી, હાઇવે પર ગરનાળા નીચે મૂકી દેજો. મને રેસ કોર્સ પરથી લઇ જજો. પોલિસને જાણ કરશો તો મારી જિંદગી જોખમમાં મુકાશે. ત્રણ દિવસ પછી રાત્રે એક વાગે બેગ પહોંચાડી દેજો.... તમારી ભવ્યતા'.
હબક ખાઇ ગયો અક્ષર! એ તો આવ્યો હતો ભવ્યતાને સરપ્રાઇઝ કરવા અને.... 'ક્યારે બન્યું આ માસી'? એણે પૂછ્યું. 'આજે રાતે બેગ મૂકવાની છે. તારા અંકલ પૈસાની ગોઠવણ કરવા ગયા છે', માસીએ ભારે હૈયે કીધું. 'પોલિસને જાણ કરી'? અક્ષરે પૂછ્યું '....ના....' માસીના રુદનમાં ચીસ હતી, 'એકની એક છે ભાઇ, એને પેલા બદમાશો કંઇક....'. એમનું કલ્પાંત ચાલુ હતું અને અંકલ આવ્યા.
અક્ષરને ઓળખ્યો પણ ખરો. હરખ, ઉમળકાનો આ મોકો નહોતો. છતાં હસ્યા. 'વ્યવસ્થા થઇ ગઇ', બેગ મૂકતા કહ્યું, 'હમણાં સલિલ આવશે. એ આ બેગ ગરનાળા પાસે મૂકશે અને હું રેસકોર્સથી ભવ્યતાને લઇ આવીશ'. એમના ચહેરે ભય અને શંકાના વાદળ હતા. અક્ષર બેસુધ મને ટેબલ પર પડેલાં ભવ્યતાના પુસ્તકો ઉથલાવી રહ્યો હતો. થોડી વારે સલિલ આવ્યો. એ ભવ્યતાનો ક્લાસ મેટ હતો. ઉચાટ એના ચહેરે પણ વરતાઇ રહ્યો હતો. 'હું અને બીજા ત્રણ મિત્રો અલગ અલગ રસ્તે ગરનાળા પાસે પહોંચીશું. બેગ મૂકીને સંતાઇ જઇશું. બેગ લઇને જનારનો પીછો કરી એનું ઠેકાણું જાણી લઇશું. ભવ્યતા જેવી તમને મળે કે તરત પોલિસને જાણ કરી દઇશું. ત્યાં સુધી કોઇ ઉતાવળ કરવી નથી', એ ઝડપથી બોલી ગયો.
સલિલની યોજના તો વાજબી હતી. એક તરફ ભવ્યતા પાછી આવી જાય અને બીજી તરફ પેલા બદમાશો પકડાઇ જાય. 'હું પણ તારી સાથે આવીશ સલિલ', અક્ષરે કહ્યું. 'એમાં જોખમ છે. તું નવો છે. તારી સાથે કોઇને રહેવું પડે. અમે ચાર અલગ જઇશું જેથી કોઇને શક ન જાય. એક કામ કર, તું અંકલ સાથે રહેજે'. સલિલની વાત બરાબર હતી.
સમય થવા આવ્યો હતો. સલિલ બેગ લઇને ગરનાળા તરફ નીકળ્યો. પત્નીને અશ્વાસન આપી અંકલ પણ અક્ષર સાથે કાર તરફ ગયા. 'અંકલ, કાર હું ચલાવું'? અક્ષરે પૂછ્યું. 'દસ વર્ષમાં શહેર ઘણું બદલાઇ ગયું છે દોસ્ત, તને....', 'રસ્તો સલિલ બતાવશે', અક્ષરે હસીને કહ્યું. આ હાલતમાં આવી મજાકથી એક તમાચ મારવાનું અંકલને મન થયું. 'એટલે, તું કહેવા....', 'એ જ માગું છું કે, પેલી ચિઠ્ઠી ભવ્યતાએ લખી જ નથી'. અક્ષરે ખુલાસો કરતા કહ્યું, 'એના અક્ષરની નકલ કરી કોઇ બીજાએ લખી છે'.
અંકલ અવાક્ થઇ એની સામે જોઇ રહ્યા. 'તમે એવા કોઇને ઓળખો છો જે ઝડપથી બોલતો હોય, વારેવારે આંખો પટપટાવે, સામે જોઇને વાત ન કરે, વિશ્વાસમાં લેવા પ્રયત્ન કરે અને જેનું ઘર રેસકોર્સ પાસે હોય'? અક્ષર બોલી રહ્યો હતો અને અંકલ સામે સલિલનો ચહેરો સ્પષ્ટ થઇ રહ્યો હતો. 'બસ ત્યારે ચાલો અંકલ. આપણી સાથે પોલિસ પણ છે'. કાર ચલાવતા અક્ષરે પોતાના અભ્યાસની વિગત કહી, 'સલિલની ચોરી એના અક્ષરમાં પકડાઇ અંકલ. પહેલી નજરે ભવ્યતા જેવા લાગતા ચિઠ્ઠીના અક્ષર અને એની નોટબુકના અક્ષરમાં ઘણો ફરક છે. હું ફોરેન્સિક સાયન્સમાં ગ્રાફોલોજી ભણ્યો છું. સરકાર માન્ય ગ્રાફોલોજિસ્ટ એટલે કે, હેન્ડ રાઇટિંગ એક્સપર્ટ છું'.
અંકલે જોયું કે, સલિલ ખરેખર ગરનાળાને બદલે ઘર તરફ જઇ રહ્યો હતો. કમ્પાઉન્ડમાં સલિલના બાઇક પાછળ જ અક્ષરની કાર ઘમઘમાટ કરતી આવી ગઇ. સામે આઉટ હાઉસમાંથી સલિલના પિતા ભવ્યતાને લઇને આવ્યા. અક્ષરે અગાઉથી એમનો સંપર્ક કરીને ભવ્યતાના અપહરણ વિષે જણાવેલું. એમણે ભવ્યતાને સુપરત કરી. ક્રેડિટ કાર્ડમાં દેવાદાર બનેલા પુત્રના કરતૂત બદલ માફી માંગી પોલિસને હવાલે કર્યો.
આપણા અક્ષર જ આપણા દેખાવની ઝલક છે, દોસ્તો. એક્સપર્ટ ગ્રાફોલોજિસ્ટ લખેલા અક્ષરમાંથી લખનારનો ચહેરો, એની પ્રકૃતિ અને વર્તન બધું જ તારવી શકે છે. ફોરેન્સિક સાયન્સ જબરદસ્ત અને રસપ્રદ વિષય છે. મેડિકલ, ઇજનેરી, એમબીએ કરવાની ઘેલછામાં આપણે આ અગત્યની કરિયર વિષે ભૂલી તો નથી ગયાને? ગુજરાતમાં તો ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પણ છે. તમે પણ એનો લાભ ઉઠાવો. સમાજને મદદરૂપ થવાના દરેક ક્ષેત્રમાં કરિયરની ભવ્યતા કંઇક અલગ હોય છે.
કાર ચલાવતા અક્ષરની નજર આપોઆપ બાજુમાં બેઠેલી ભવ્યતા પર સરી જતી હતી. આંખમાં ત્રણ રાતની ઊંઘ છતાં પણ એના નામનો અર્થ લાગી રહી હતી, ભવ્યતા! અક્ષરને આજે ખરેખર શબ્દો જોડતા તકલીફ થઇ રહી હતી. અને ફ્રન્ટ સીટના યુગલને જોઇ પાછળ બેઠેલા પિતાને કારનું હોર્ન પણ શરણાઇ જેવું સંભળાતું હતું.
Viral Mehta