ત્રીજો રસ્તો
બપોર પછી વાતાવરણની બધી ગરમી સ્વરાજના મગજમાં ઉતરી રહી હતી. ઓફિસમાં ચાર દિવસથી જે ચાલી રહ્યું હતું એ હવે એની સહનશક્તિની બહાર હતું. ક્લાયન્ટ માટે એણે અપ-ટુ-ડેટ બિઝનેસ પ્લાન તૈયાર કર્યો હતો. એને તોડી મરોડી એનો જ સિનિયર ગમન પોતાના પ્લાનમાં ખપાવી રહ્યો હતો. ગમનને બોસની મંજૂરી પણ મળી ગઇ હતી. પ્રેઝન્ટેશનની તૈયારીઓ ચાલી રહી હતી. અને એમાં સ્વરાજનો કોઇ ભાવ સુદ્ધાં પૂછતું નહોતું. સ્વરાજને ખબર હતી કે ગમનના પ્લાનથી ક્લાયન્ટનો બિઝનેસ ચોપટ થાય તેમ હતો. સ્વરાજે બોસને કહેવાના અનેક પ્રયત્નો કર્યા. પણ બોસે ગમન પ્રત્યે અદેખાઇ રાખવા કરતા કંઇક શીખવાની સલાહ આપી.
આજે મિટિંગની તૈયારી પૂર જોશમાં હતી. સ્વરાજ સિવાય દરેકને ગમને પોતાની સાથે રાખ્યા હતા. નિર્જીવ ફર્નિચરની હદે એની ઉપેક્ષા થઇ રહી હતી. એનું જ કામ અને કોઇ બીજાનું નામ. આ પહેલાં પણ ચાર જોબમાં સ્વરાજ પોલિટિક્સનો ભોગ બની ચૂક્યો હતો. ઇનએફિશિયન્ટ, ઝગડાળુ, ઇગોઇસ્ટ જેવાં ઉપનામ હતા. કંપનીનું હીત વિચારવા છતાં બદનામ હતો. આજે સ્વરાજ કોઇ તકરાર કરે તો આ પાંચમી અને કદાચ છેલ્લી જોબ હતી. સ્વમાન સાથે હવે કોઇ તડજોડ નહીં એમ વિચારીને ધમધમી ઉઠેલો સ્વરાજ ઊભો થયો. કાળઝાળ ક્રોધ સાથે. બોસ હોય કે ગમે તે આજે આ પાર કે પેલે પાર. એણે તમતમી ઉઠેલો ચહેરો રૂમાલથી સાફ કર્યો. પગથી ખુરશી ધકેલી આગળ વધ્યો ત્યાં....
'વધે જો ગુફ્તગુ તો ક્યાંનું ક્યાં નીકળે, શુંનું શું નીકળે,
જરા અમથી વાતમાં હુંનું તું નીકળે, તુંનું હું નીકળે....' વાહ!
સ્વરાજની જ પંક્તિઓ કોઇ છોકરી બોલી રહી હતી. ડેસ્કના સોફ્ટબોર્ડ પરથી. એણે વળીને જોયું. 'પ્રિયતા'! નવી જોડાયેલી ટ્રેઇની એક્ઝિક્યુટિવે પોતાની ઓળખ આપતા કહ્યું. 'તમે લખ્યું છે? બહુ સરસ છે'. 'ઓકે થેંક્સ, અ.... અત્યારે.... હું....', 'એના મૂડમાં નથી એમ જ ને'? પ્રિયતાએ સ્વરાજને રોકતા કહ્યું. 'રિઝાઇન કરતા હું તમને નહીં રોકું, પણ શું તકરારથી વાત પતી જશે? અન્યાય ન્યાયમાં ફરી જશે? અને જોબ જશે તો ફરી નવી જોબ મળી જશે'? વીજળીની ચમક આંખમાં ભરીને પ્રિયતા બોલી રહી હતી, 'તમારું અપમાન હું સમજી શકું છું. ખ્યાલ છે, તમારી સાથેની છેતરપિંડીનો'.
સ્વરાજ ડૂસકું ગળી ગયો. ખુરશીમાં ફસકાઇ પડ્યો. પ્રિયતા એની નજીકની ખુરશીમાં ગોઠવાઇ. 'બિઝનેસ પ્રમોશનનું આટલું મોટું લોજિક બે લાઇનમાં લખી શકો છો પણ જીવનમાં નથી ઉતારી શકતા'? પ્રિયતાનો સવાલ સ્વરાજને સમજાયો નહીં. એણે પહેલી વાર નજર ઉઠાવી એની સામે જોયું. કંઇ કેટલીય કવિતાઓ સાંગોપાંગ ઉતરી આવી હોય તેવી હતી પ્રિયતા. 'વાતને ગુફ્તગુમાં બદલો ને પછી જુઓ જનાબ, શુંનું શું ને ક્યાંનું ક્યાં નીકળે છે', એણે કહ્યું. 'હું કંઇ સમજ્યો....', 'ગમનનો બિઝનેસ પ્લાન ક્લાયન્ટ આજ ને આજ તો મંજૂર નહીં કરે. વિચારશે, ચાર-પાંચ દિવસ. પછી વાત આગળ વધશે', પ્રિયતાએ સ્વરાજને બોલતા રોકી કહ્યું. 'ત્યાં સુધી તમે તમારો પ્લાન મજબૂત બનાવી ક્લાયન્ટને જાતે પ્રેઝન્ટ કરો'. પ્રિયતા મક્કમ સ્વરે બોલી રહી હતી.
'શીરો-પુરી નથી ખાવાના મેડમ, આ કંપનીમાંથી હું પેરેલલ બિઝનેસ પ્લાન કેવી રીતે પ્રેઝન્ટ કરી શકું'? સ્વરાજે ખિન્ન સ્વરે સવાલ કર્યો. '....લે કોણે કહ્યું આ કંપનીમાંથી કરો? તમારી પોતાની કંપની ન હોય? હમણાં તમે જે ધડાકા ને ભડાકા કરવાના હતા તે પછી તો તમારી જોબનું..... આઇ મીન.... યુ નો દેટ, રાઇટ'? પ્રિયતા હસી રહી હતી, 'તો રિઝાઇન કરો. અને પૂરા વટથી કરો. કાલ તમારી છે. આ ક્લાયન્ટને હું મળી છું. સારા વ્યક્તિ છે. વાત કરશો તો ના નહીં કહે. કરો ગુફ્તગુ. કોને ખબર શુંનું શું નીકળે? તો કરો તૈયારી એક નવી કંપનીની. સ્વરાજને વળી ગભરાટ શાનો'?
પ્રિયતાએ ચપટી વગાડી સ્વરાજનું ધ્યાન પોતાના ચહેરેથી હટાવ્યું. સ્વરાજ હસીને કમ્પ્યુટર તરફ ફર્યો. રેઝિગ્નેશન ટાઇપ કર્યું. આપીય દીધું. કોઇ આનાકાની વિના સ્વીકારાઇ પણ ગયું. હવે તે મુક્ત હતો. પછીના બે દિવસ એણે અથાગ મહેનત કરી એક તદ્દન નવો જ બિઝનેસ પ્લાન તૈયાર કર્યો. સશક્ત પ્લાન હતો.
ત્રીજા દિવસે એ ક્લાયન્ટની ઓફિસમાં હતો. કેબિનમાં કોઇની રાહ જોવાતી હતી. 'કમ માય લેડી લક....', ક્લાયન્ટે કોઇને આવકારતા કહ્યું. સ્વરાજે જોયું તો પ્રિયતા હતી. 'મીટ માય ડોટર, પ્રિયતા. અને પ્રિયતા આ મિ. સ્વરાજ. એમના કહેવા પ્રમાણે, હી હેઝ દ બેસ્ટ બિઝનેસ પ્લાન', એમણે પરિચય કરાવતા કહ્યું. 'આઇ એમ શ્યોર હી હેઝ', કહીને પ્રિયતા હસીને બેઠી. સ્વરાજનું પ્રેઝન્ટેશન ધમાકેદાર હતું. ક્લાયન્ટ અને સ્ટાફે એક અવાજે તે વધાવી લીધું. કોન્ટ્રાક્ટ સાઇન કરતા પ્રિયતા બોલી રહી હતી, 'જરા અમથી વાતમાં હુંનું તું નીકળે, તુંનું હું નીકળે.... સરસ પંક્તિ છે નહીં મિ. સ્વરાજ?'. સ્વરાજ હરખ ગળી શકે એટલો તો ખમતીધર નહોતો જ વળી....
દોસ્તો કરિયરના વળાંક પર બે રસ્તા મળશે. પહેલો આવડત છતાં અપમાન અને બદનામી સહન કરીને વૈતરું કરવાનો. અને બીજો ક્રોધમાં, આવેશમાં જોબ છોડતા રહેવાનો. એક ત્રીજો રસ્તો પણ છે. જે જાતે તૈયાર કરવાનો રહેશે. સ્વરાજનો રસ્તો!
ક્લાયન્ટ ગુમાવ્યા પછી જૂની ઓફિસના બોસ સ્વરાજ બેસતો ત્યાં ફરી રહ્યા હતા. સોફ્ટબોર્ડ વાંચી રહ્યા હતા....
'ભલે મને સાવ ધૂળના દરજે ઉતારી નાંખજો,
પણ આંધી બનીને આવું ત્યારનું?....વિચારી રાખજો'
Viral Mehta