16 સપ્ટેમ્બર, 2013

રાજીનામું (Udaan 14)


રાજીનામું
બાર વર્ષથી આ કંપની માટે રાત-દિવસ એક કર્યા તોય કોઇ કદર નહીં? અને ઇન્ક્રીમેન્ટ તો જાણે મજાક... ? બસ હવે બહુ થયું. હદની પણ કોઇ હદ હોય. મારી કંફર્ટનું કોઇ મહત્ત્વ નહીં. પેલી નવી ઓફર શ્રેષ્ઠ છે. પેકેજ પણ સારું છે. મનમાં મક્કમ નિશ્ચય સાથે આલેખ હાથમાં રાજીનામું લઇ, મિ. મહેતાની કેબિન તરફ ચાલી રહ્યો હતો. આખા સ્ટાફની નજર આ સિનિયર મેનેજર પર હતી. સૌ ઇચ્છતા હતા કે આલેખ રોકાઇ જાય. પણ....
'ઓહ ગુડ મોર્નિંગ આલેખ! કમ કમ....,' મહેતાએ આવકારતા કહ્યું. 'તું કંઇ કહે તે પહેલા આ બર્થ ડે પ્રેઝન્ટ, વિમર્શ માટે'! આલેખના પુત્રનો આજે જન્મદિવસ હતો. મહેતા એને માટે પેન સેટ લાવ્યા હતા. આલેખને થયું, બાજી સરકી એટલે બેટો ગિફ્ટની લાલચ આપે છે. એના ચહેરે તીખું સ્મીત આવી ગયું. 'થેન્ક્સ મિ. મહેતા', એટલું જ કહીને રેઝિગ્નેશન લેટર ધરી દીધો. 'આર યુ શ્યોર આલેખ'? મહેતાને અણસાર તો હતો જ એટલે લેટર જોયા વિના પૂછ્યું. આલેખે સંમતિમાં માથું હલાવ્યું. 'લૂક, આ ઇન્ક્રીમેન્ટ હાલ પૂરતું છે, માર્કેટ સ્થિર થશે એટલે ફરી.... અને આઇ હેવ બિગર પ્લાન ફોર યુ....', મહેતા સમજાવી રહ્યા હતા અને આલેખ તે છેલ્લી ઘડીના મસકા સમજી અવગણી રહ્યો હતો.
અત્યાર સુધી કોઇ પ્લાન નહોતા ને હવે બિગર પ્લાન? માય.... મનમાં સમસમીને એણે કહ્યું, 'આજે વહેલા જઇશ સર, વિમર્શ....', 'ઓફ કોર્સ, બાય ઓલ મીન્સ,' કહી મહેતા એની સાથે જ ઉઠ્યા અને ઓફિસના મેઇન ગેટ સુધી સાથે આવ્યા. દરવાજાની બહાર ઊભા રહીને મહેતાએ કહ્યું, 'આલેખ, ઘણીવાર અણીના સમયે કંપની આપણી સાથે રહી છે. આજે કંપનીને આપણી જરૂર છે. તારી જરૂર છે. જો તું સમજે તો....'. ઇમોશનલ બ્લેક.... બસ આ જ તો ચાલાકી હોય છે ડિરેક્ટર્સની. આલેખે તિરસ્કારથી વિચાર્યું પણ તોય હસીને કહ્યું, 'મેં વિચારી લીધું સર'. 'જો વિચાર બદલાય....', , 'આઇ ડોન્ટ થિંક....સર', મહેતાની વાતને કાપતા આલેખે કહયું. 'એનીવેઝ, આપણે કાલે મળીએ.... અને હા વિમર્શને મારા તરફથી બેસ્ટ વિશીઝ....' મહેતાએ હસીને કહ્યું. આલેખ પણ હસીને નીકળી ગયો.
ઘરે ૧૨ કેન્ડલ્સ કેક પર સજાવી સૌ રાહ જોતા હતા. જોતજોતાંમાં કેટલો મોટો થઇ ગયો વિમર્શ. એના જન્મ પછી તરત જ તો આલેખને નવી જોબ મળી હતી. 'હેપ્પી બર્થ ડે સની બોય', કહેતા એક મોટું બોક્સ આલેખે વિમર્શને આપ્યું ને પૂછ્યું, 'ચલો કેક કાપીશું હવે'? 'અમન આવે એટલે તરત ડેડી', વિમર્શે કીધું. 'અમન કોણ'? આલેખે પૂછ્યું. 'મારો બેસ્ટ ફ્રેન્ડ ડેડી.... આ આવ્યો....' વિમર્શે કહ્યું. દરવાજે સાવ સામાન્ય દેખાતો એક છોકરો સંકોચથી ઊભો હતો. વિમર્શ એનો હાથ ઝાલીને કેક પાસે લઇ આવ્યો અને બંનેએ સાથે કેક કાપી. આલેખને આશ્ચર્ય થયું પણ ચૂપ રહ્યો. સેલિબ્રેશન પછી વિમર્શ સાથે એના દોસ્તોને મૂકવા આલેખ પણ બહાર સુધી ગયો. અમનને લેવા એના પિતા આવ્યા હતા. માથે ટોપી અને દાઢીવાળા રિક્ષા ચાલક અસદ અલીને કચવાતા મને મળી આલેખ ઘરમાં આવી ગયો.
જન્મ દિવસ હતો એટલે કંઇ બોલ્યો નહીં પરંતુ, સાંજે બધાની ગિફ્ટ જોતા આલેખથી રહેવાયું નહીં. 'તારા બેસ્ટ ફ્રેન્ડે શું ગિફ્ટ આપી બેટા'? 'એણે તો એડવાન્સમાં ગિફ્ટ આપી હતી ડેડી', વિમર્શે એના સ્ટડી ટેબલનું ડ્રોઅર ખોલ્યું અને એક જૂની પેન બતાવી. 'આ મેજિકલ પેન છે ડેડી. યાદ છે, એક્ઝામમાં હું કંપાસ બોક્સ ઘરે ભૂલી ગયો હતો અને તોય મારા હાઇએસ્ટ માર્ક્સ આવેલા? એ આ પેન. અમને આપી હતી. અણીના સમયે એણે મને પોતાની પેન આપી દીધી હતી. આની સરખામણીની કોઇ ગિફ્ટ નથી ડેડી. હી ઇઝ દ બેસ્ટ'!
આલેખની લાગણીઓનો ગ્રાફ હૃદયથી ચશ્મા સુધી પહોંચી રહ્યો હતો. પુત્ર આજે ખરેખર ઘણો મોટો થઇ ગયો હતો. 'શાબાશ બેટા', રૂમાલથી ચશ્મા સાફ કરતા આલેખે કહ્યું, 'તેં પણ અણીના સમયે મારી મદદ કરી આજે'. બેગમાંથી મહેતા સાહેબે આપેલી પેન કાઢીને વિમર્શને આપી, 'આ મારા એક બેસ્ટ ફ્રેન્ડ તરફથી, ખાસ તારા માટે'. વિમર્શે ઉમળકાથી પેન લેતા કહ્યું, 'આ હું અમનને આપીશ ડેડી'. 'યસ, સની બોય.... યુ આર દ બેસ્ટ'! આલેખ આજે પુત્ર પાસે કંઇક શીખ્યો હતો.
જિંદગીના મહત્ત્વનાં વર્ષોમાં જે કંપનીએ કરિયરનો આલેખ ઊંચો લઇ જવામાં સાથ આપ્યો હોય એને થોડા વધુ પેકેજની લાલચે કેમ છોડાય? એ પણ આજકાલ ઇકોનોમિક સ્લોડાઉનની સ્થિતિમાં? હંમેશા જે આધાર બને તેને કોઇ વાર આપણા આધારની જરૂર પડે ત્યારે કેમ છોડી દેવાય? કોઇ વાર ઓર્ગેનાઇઝેશનને આપણી મેચ્યોરિટીની જરૂર ન હોય? દોસ્તો, કરિયરનો આલેખ ટપકાં જોડીને ઊંચો વધે છે. કૂદકા મારવામાં તો ભોંય પટકાવાનું જોખમ છે. જોબ જંપિંગ કશાયનો હલ નથી.  
આપણે આપણા ઘરનો જ દાખલો લઇએ. તમારા અને મારા પિતાના જમાનામાં એમણે કેટલું જોબ જંપિંગ કર્યું? આપણા પિતાએ બનાવેલું પાકું મકાન એક સંસ્થા સાથે વફાદારીપૂર્વક જોડાઇ રહેવાના આદર્શનું પ્રતીક છે. એટલે જ તમારી કાબેલિયતને પેકેજના ત્રાજવે તોળી ઓછી ન આંકશો. કંફર્ટ એટલે કે સગવડ તો જાતે કેળવવાની અને મેળવાની વાત છે. એને માટે અન્યને આધારે રહેવું પડે તે સ્થિતિથી વધુ દયનીય કંઇ નથી. આપણા વડીલો પરિસ્થિતિને અનુરૂપ સગવડો ઊભી કરવાનું ખમીર ધરાવતા હતા. આપણામાં છે એ ખમીર? રાજીનામું આપવાનો વિચાર આવે તો થોડા રોકાઇને આ એક વાત પર વિચાર જરૂર કરજો.

Viral Mehta