બુદ્ધિ રિદ્ધિ સિદ્ધિ
બેશક આ કરાર નિનાદ ઇન્ડસ્ટ્રીઝ માટે મોટો બ્રેક-થ્રૂ સાબિત થાય તેમ હતો. એક તરફ ભારતમાંથી વિદેશી કંપનીઓ પોતાનું હોલ્ડિંગ ઘટાડી રહી હતી ત્યારે અહીં કંઇક અલગ થઇ રહ્યું હતું. એક માતબર વિદેશી કંપનીનું ડેલિગેશન તપાસ માટે આવી રહ્યું હતું. દરેક કર્મચારીએ આ કરાર માટે બે વર્ષ ભારે મહેનત કરી હતી. કોસ્ટસેવિંગ એજન્ડામાં ઇન્ર્કીમેન્ટ પણ જતાં કર્યાં હતાં. બધાનાં ભાવિનો મદાર આ કરાર પર હતો. ડેલિગેશનને પ્રભાવિત કરવા સૌ તૈયાર હતા. જો કે આ માટે ઓછું બજેટ ફાળવાયું હતું તેથી ઘણાએ મોં બગાડ્યું હતું. સિનિયરોએ પોતાનો હિસ્સો મેળવી કામ શરુ કરી દીધું. હવે કેટરિંગ કોન્ટ્રેક્ટ માટે સાવ નજીવી રકમ બચી હતી. અને જવાબદારી હતી, જુનિયર એક્ઝિક્યૂટિવ ગોલુના માથે. ગોલુ.... ખરું નામ અધિષ્ઠિત, પણ એના ગોળમટોળ આકારને લીધે બધા એને ગોલુ કહેતા.
એમડી સહિત આખી ઓફિસ મિટિંગ્સ અને કામકાજમાં વ્યસ્ત હતી. ગોલુ કોની મદદ લે? એની સમજ પ્રમાણે એણે તૈયારી કરી હતી. આગલી સાંજે બધાને બોલાવી એમડી પ્રોગ્રામને છેવટનો ઓપ આપી રહ્યા હતા. ગોલુને પણ પૂછ્યું. 'કોઇ પ્રોબલેમ નથી સર, બધું ગોઠવાઇ ગયું', ગોલુએ કીધું. 'શ્યોર? આઇ વોન્ટ નો મિસ્ટેક', એમડીએ સંશય અને ચેતવણીના મિશ્ર ભાવે કહ્યું. 'નો મિસ્ટેક સર, નો મિસ્ટેક, ઓલ પરફેક્ટ સર', ગોલુએ રોલીપોલી અંદાજમાં જવાબ આપ્યો અને બધા હસી પડ્યા. એકબીજાને શુભેચ્છાઓ પાઠવી સૌ છૂટા પડ્યા.
બીજા દિવસે સવારથી ડેલિગેશનના સ્વાગત, ફેક્ટરી વિઝિટ વગેરેનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. તેમાં લગભગ દર અડધા કલાકે રિફ્રેશમેન્ટ સર્વ થતું હતું. એમડીને આ ગમ્યું તો હતું પરંતુ, ગોલુએ કોને કોન્ટ્રાક્ટ આપ્યો હશે તેનો વિચાર પણ આવતો હતો. છેવટે કોન્ફરન્સ રૂમમાં એમણે પોતે પ્રેઝન્ટેશન આપ્યું. ડેલિગેશનને સમગ્ર વાતમાં રસ તો હતો પણ કંઇ સ્પષ્ટ નહોતું. લંચ બ્રેક એનાઉન્સ થયો. એક વિશાળ હોલમાં સૌ પ્રવેશ્યા ત્યારે મલ્ટિકોર્સ ગુજરાતી મેનુ એમની રાહ જોતું હતું. જાતજાતની વાનગીઓ હતી. એમડી સહિત બધાને હવે વિશ્વાસ બેસી ગયો હતો કે ગોલુ મહારાજે ખરેખર બજેટની ફિકર વિના કોઇ મોટો કેટરિંગ કોન્ટ્રાક્ટ આપ્યો છે. તગડું બિલ આવશે. પણ હવે એ વાતનો કોઇ મતલબ નહોતો. વિદેશી મહેમાનો તો ગુજરાતી વાનગીઓનાં નામ પૂછીપૂછીને ભોજનની મોજ લઇ રહ્યા હતા.
ડેલિગેશનના અગ્રણીએ આ જાજરમાન લંચ માટે એમડીનો આભાર માન્યો. સાથેસાથે એક અંગ્રેજી કહેવતથી કોન્ટ્રાક્ટ વિશે પોતાનો ઇરાદો પણ સ્પષ્ટ કરી દીધો, 'વે ટુ પીપલ્સ હાર્ટ ઇઝ થ્રૂ દેર સ્ટમક, યુ હેવ ડન ઇટ મિ. એમડી'. સૌની મહેનત ફળી હતી. રોકી રાખેલાં સ્વપ્નો જોવા આંખની હિંમત ખૂલી રહી હતી. બે વર્ષની કઠોર તપસ્યાનું ફળ મળવાનું હતું. બસ કરાર પર સહી સિક્કાની ઔપચારિકતા બાકી હતી. એવામાં ડેલિગેશનનાં એક મહિલા સભ્યે કુતૂહલવશ કેટેરરનું નામ પૂછ્યું. આખા સ્ટાફના મનમાં પણ એ જ પ્રશ્ન હતો. હવે ગોલુની ગોલમાલ ખબર પડશે. ગોલુના નામનું ફરમાન નીકળ્યું. ગોલુ આવ્યો અને અદબપૂર્વક મહિલાને પોતાની સાથે કિચન તરફ લઇ ગયો. પાછળ ડેલિગેશન અને આખી ઓફિસ પણ જોડાઇ. પરંતુ, કિચનનો દરવાજો ખૂલતા જ દરેક જણ સજડ થઇ ગયા.
કિચનમાં કોઇ કેટેરર નહોતો. ત્યાં નમસ્કારની મુદ્રામાં ઊભાં હતાં સ્ટાફનાં મહિલા કર્મચારીઓ અને પુરુષ કર્મચારીઓની પત્નીઓ. 'એવરીથિંગ હોમ મેડ મેડમ. નો કેટરિંગ', કહીને ગોલુએ વ્યક્તિગત બધાનો પરિચય કરાવ્યો. તે દરમ્યાન એણે એક ગજબ વાત કરી. સમૃદ્ધ ગુજરાતની ગતિશીલ ઇકોનોમીની એક વણનોંધાયોલી વાત. એણે અંગ્રેજીમાં જે કહ્યું તેનો અર્થ આ મુજબ હતો....
'મેડમ અમારા ગુજરાતની રિદ્ધિ, એની ઇકોનોમીની સૂત્રધાર છે, ગુજરાતની નારી. આજે પણ ગુજરાતના ૯૦ ટકા ઘરોમાં રસોઇયાની ફેશન નથી. ૫૦ ટકાથી વધુ ઘરોમાં નોકરચાકરનો મહિમા નથી. મોટાભાગના પરિવારોમાં લોટ અને મસાલા ઘરમાં જ તૈયાર થાય છે. ગુજરાતણ જોબ કરે કે ન કરે, ઘરનું દરેક કામ જાતે કરે છે. તે મહેનતમાં કદી પાછી પડતી નથી. દર મહિને જાતે બજેટ બનાવે છે, એટલું જ નહીં બચાવે છે. ગરવી ગ્લોબલ ઇકોનોમીના લોકલ ગુજરાતી ચહેરા આપની સામે છે, મેડમ. બે વર્ષથી કોઇ પણ ફરિયાદ વિના આમણે જ અમારાં ઘર દોડતા રાખ્યા છે. આ કરારની સફળતાના જીવંત પૂરાવા આપની સામે છે, મેડમ'! ગોલુએ એમડી સામે જોઇને કહ્યું, 'કેટરિંગ તો હું કોઇને પણ આપી શક્યો હોત, પણ મારી ઇચ્છા હતી કે સૌ ગુજરાતની રિદ્ધિનો ખરો સ્વાદ ચાખે'. વિદેશી મહિલા, એમડી અને સ્ટાફના ચહેરા ગોલુની બુદ્ધિનું પ્રમાણપત્ર બની રહ્યા હતા. તરત પછીના કલાકોમાં કંપનીની પ્રગતિ પર સિદ્ધિની મહોર લાગી હતી.
આજે બુદ્ધિ, રિદ્ધિ અને સિદ્ધિના અધિષ્ઠાતા ગણેશજીના જન્મ દિવસે પહેલી વંદના બુદ્ધિમાન ગુજરાતીઓની સાચી રિદ્ધિ અને સિદ્ધિ, ગુજરાતની નારીને. બીજી વંદના જ્ઞાનના ઉપાસક લીયો ટોલ્સટોયને. ૯ સપ્ટેમ્બર એમનો જન્મ દિવસ છે. અને ત્રીજી બાઅદબ સલામ ભારતના વીર પુરુષ, પરમવીર ચક્ર વિજેતા, કેપ્ટન વિક્રમ બત્રાને. આજે એમનો પણ જન્મ દિવસ છે.
દોસ્તો, આજકાલ જે નોલેજ ઇકોનોમીની વાત જોરશોરથી ચાલી છે તેનો પ્રારંભ તો ગણેશે ક્યારનો કરી દીધો હતો. બાલ ગણેશે માતા-પિતાને વિશ્વરૂપ માની તેમની પ્રદક્ષિણા કરી, બળ કરતાં બુદ્ધિનો મહિમા વધાર્યો હતો. આવી રહેલો યુગ નોલેજનો છે. એ વખતે ઇન્ફોર્મેશન સૌથી મોટી કરન્સી બનશે. અત્યારથી જ ભેગી કરો તો અમાપ સમૃદ્ધિના માલિક બની જશો.
Viral Mehta