26 ઑગસ્ટ, 2013

પ્રવાસની હકીકત (Udaan 11)

પ્રવાસની હકીકત
બસ બે ડગલાં દૂર સડક પર મારી દુનિયા હતી અને હું પેલી ચળકતા કાચવાળી કચેરીઓના બંધ દરવાજામાં મારું નસીબ શોધતો હતો. સ્નાતક થયા પછી કામની તલાશમાં એ દિવસે પણ ઇન્ટર્વ્યૂ આપ્યો અને એ જ જાણીતો જવાબ, 'વી વિલ લેટ યૂ નો મિ. પ્રવાસ!'. એક જરા અમસ્તી 'ના' માટે આ કોર્પોરેટ કલ્ચર કેટલા શબ્દો વેડફે છે, નહીં? હશે, કહી પાકીટ ફંફોળ્યું. ચલો એક કડક બાદશાહી ને બે નાન-ખટાઇની મહેફિલ તો થઇ જ જશે.
'આ શહેરમાં કે આસપાસ હીરા અને કાપડ સિવાય અન્ય કંઇ જ જોવા લાયક નથી'? ચાનો ઘૂંટ ગળે ઉતરે તે પહેલાં બાજુના ટેબલ પરથી એક મહિલાનો અવાજ સંભળાયો. કોઇ એનઆરઆઇ લાગે છે, એમ વિચારીને મેં ચાની બીજી ચૂસ્કી ભરી. 'મારે તો કૈંક અજાયબ જોવું હતું પણ ચલો જવા દો....', એ મહિલાએ ફરી કહ્યું અને મારાથી બોલી જવાયું....
વડો વચ્ચે વચ્ચે, તરુ અવર આસોપાલવનાં
વડોથી ઊંચાં છે, ખીચખીચ ભર્યાં પત્રથી ઘણાં;
ઘણા આંબા ભેગા, વળી ઘણીક સીતાફળી ઊગે,
બીજાં ઝાડો છોડો, વડની વચમાં તે જઈ ઘૂસે.

કબીરવડ. નર્મદની કવિતા છે. શિખરિણી છંદમાં. એમની સામે હસીને મેં કહ્યું. નર્મદ તો કહે છે કે, કબીરવડની જટા જોઇને શિવ પણ શરમાઇ ગયા અને પોતાની જટા સંકેલી વડ છોડી પર્વત પર ચાલ્યા ગયા. સોરી, આ તો તમારે કંઇક અજાયબ જોવું હતું એટલે મારાથી કહેવાઇ ગયું. દૂરથી નદીની વચમાં પર્વત સમો લાગતો કબીરવડ જોઇ આવો બહેન, તમારું મંતવ્ય ફરી જશે. હું પ્રવાસ. મેં પરિચય આપ્યો. 'નામ તો સરસ છે તમારું, પ્રવાસ!ક્યાં પ્રવાસ કરો છો આજકાલ'? મહિલાએ પૂછ્યું. ઘરથી રોજગારની શોધનો રોજ પ્રવાસ ચાલે છે. મેં કહ્યું અને અમે બધા હસી પડ્યા. 'અમને કબીરવડ લઇ જશો'? પેલા ભાઇએ ખુશ થતા પૂછ્યું.
ભારતના એક ટૂરિસ્ટ ગાઇડ, પ્રવાસે લખેલી રસપ્રદ આત્મકથાનો આ પ્રસંગ અમેરિકામાં બેસીને વાંચતા શુભદાને સ્ટેશન પાસેની પેલી હોટેલની સવાર યાદ આવી ગઇ. પછી એમણે કબીરવડની મુલાકાત પણ લીધી હતી. મજાનો હતો પ્રવાસ સાથેનો પ્રવાસ. ગજબની સમજ. અજબની વર્ણન શક્તિ. કબીરવડ જોતા પહેલાં જ જાણે કબીરવડ આખો નજર સામે એણે મૂકી દીધો હતો. શુભદાએ આગળ વાંચ્યું....
પ્રવાસની દુનિયામાં પ્રવાસનું આ પહેલું પગલું હતું. એનઆરઆઇ મંદાર અને તેમના પત્ની સાથે હું ફર્યો ન હોત તો આજે કોઇ ઓફિસની ફાઇલમાં અટવાઇ ગયો હોત. આ ટ્રાવેલ એજન્સીની તો મને કલ્પના જ નહોતી. કરિયરની અડાબીડનો ઉકેલ ઘેઘૂર વડવાઇઓ વચ્ચે મને મળ્યો. મારી વાતોમાં કોણ જાણે મંદારને શું મજા આવી કે એમણે મને ટૂરિસ્ટ ગાઇડ બનવાની સલાહ આપી. પિતા સાથે એકવાર કોઇ કિલ્લો જોવા ગયા હતા ત્યારે એક ભાઇ બાદશાહોની વાતો કહી બધું બતાવતા હતા. આખો કિલ્લો જોયા પછી પિતાજીએ વીસેક રૂપિયા માટે રકઝક પણ કરી હતી. મંદારે ટૂરિસ્ટ ગાઇડની વાત કરી કે તરત મને આ યાદ આવ્યું. મેં મનોમન વિચાર્યું કે, શું આવું કામ કરવાનું? ગાઇડ થઇને તો થોડા ઘણા પૈસા મળે એમાંય રકઝક કરવી પડે? 'હું રાજારાણીની વાતો કરતા ગાઇડની વાત નથી કરતો પ્રવાસ', મંદાર તો જાણે મારું મન વાંચી ગયા.
'એ ગાઇડ અને હું કહું છું તેમાં ફરક છે. IITTM – ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ મેનેજમેન્ટ, નામ સાંભળ્યું છે? ભારતના પ્રવાસન મંત્રાલયની સ્વતંત્ર સંસ્થા છે', મંદાર કહી રહ્યા હતા, 'ભારતમાં પ્રવાસન વિકાસ માટે યુવાનોને ટૂરિઝમ મેનેજમેન્ટના AICTE માન્ય પોસ્ટગ્રેજ્યુએટ ડિપ્લોમા આપે છે'. જો કે હું તો વિચારતો હતો કે, ભણવાને અને મારે જે કંઇ નાતો હતો એ ગ્રેજ્યુએશન સાથે પૂરો થયો. 'પણ હું જે કહું છું તે 16 અઠવાડિયાંનો ટ્રેઇનિંગ કોર્સ છે', મંદારે ફરી મારું મન ઉકેલી નાખ્યું, 'દેશ-વિદેશના સહેલાણીઓ હવે પ્રવાસ પહેલાં જ પોતાના ટૂરિસ્ટ ગાઇડ નક્કી કરતા હોય છે. એક સારા ટૂરિસ્ટ ગાઇડ બનવાની બધી જ લાયકાત તારામાં છે. મિલનસાર, ભરોસાપાત્ર વ્યક્તિત્વ, ધીરજ, જ્ઞાન વૃત્તિ, સંશોધન શક્તિ, સ્થળની લાક્ષણિકતાની સમજ, મજાની રજૂઆત અને ખુશમિજાજ સ્વભાવ. તારે બસ સિસ્ટેમેટિક તાલીમની જરૂર છે. આ તાલીમ પછી તને ભારત સરકારનું લાયસન્સ પણ મળશે'.
ત્યાર પછી મેં પ્રવાસનને મારું કાર્યક્ષેત્ર બનાવ્યું. આજે એક ટૂર ઓપરેટર તરીકે સફળ છું. એક જમાનામાં રોજગાર માટે જે સડકો હું માપતો હતો એ જ સડકો દ્વારા મને રોજગાર સર્જનની તક પણ સાંપડી છે. કિલ્લાઓ, પર્વતો, સાગરની લહેરો, સ્થાપત્યોના પથ્થરો સાથે મૂક વાતચીતમાં હું એક વાત શીખ્યો છું. એ છે, વર્તમાન. આ સૃષ્ટિ પર અનાદિ કાળથી વર્તમાન જ જીવે છે. હા, ભૂતકાળ એ ગઇકાલનો વર્તમાન છે, ભવિષ્ય આવતીકાલનો અને આજ એ આજનો વર્તમાન છે. હું મારા પ્રવાસી દોસ્તોને બસ એમનો વર્તમાન શોધી આપું છું. એ જ મારું કામ છે. એ જ પ્રવાસની હકીકત છે. મને મારો વર્તમાન ગુજરાતી ભાષાની પહેલી આત્મકથા 'મારી હકીકત' લખનાર નર્મદની કવિતામાંથી મળ્યો. એટલે એની માફક જ નામ રાખ્યું છે....
શુભદા જાણતાં હતાં કે, એકમાં અનેક અનુસંધાનો જોડવાં એ તો પ્રવાસની પ્રકૃતિ છે....
ધારો તો તમે પણ કરિયરના પથને પ્રવાસનો માર્ગ આપી શકો. આગરાના મુકુલ પંડ્યાની જેમ બેસ્ટ ટુરિસ્ટ ગાઇડનો રાષ્ટ્રિય પુરસ્કાર પણ મેળવી શકો. બસ બે ડગલાં દૂર તમારી હકીકત તમારી રાહ જુએ છે.
Viral Mehta