19 ઑગસ્ટ, 2013

એક જગા ખાલી છે (Udaan 10)


એક જગા ખાલી છે.
બંધ ઓરડામાં ગન પાવડર ડીટોનેટર સાથે ઊભો છે, પ્રાંતના પ્રસિદ્ધ મેજિસ્ટ્રેટનો દીકરો. ચહેરા પર જરાય તણાવ નથી. નથી ગભરાટ. બસ હવે પાછું વાળીને જોવું નથી. થવાનું છે તે થઇને જ રહેશે. બહાર કેમ્પસમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસર્સ, હોદ્દેદારો બધાના શ્વાસ જાણે થંભી ગયા છે. ગવર્નર ખુદ આવી પહોંચ્યા છે. કોલેજમાં પહેલી જ વાર આ ગજબ ઘટના બની હતી, કહો કે હવે બનવાની હતી. કોઇને અંદાજ નથી. કોઇ વાતચીત નથી. સૌના ચહેરે બસ પ્રશ્નાર્થ છે. શું હશે? શું થશે? ઘડીઓ ગણાય છે.... અને થોડી વારે એક ધડાકો.... પછી સ્તબ્ધતા-સૂનકાર-ચૂપકીદી વચ્ચે એક રીંગ સંભળાય છે. અને જયઘોષ ગૂંજે છે.
વિશ્વમાં વર્ષોથી જે અશક્ય લાગતું હતું એ ભારતમાં સંભવ થયું હતું. કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં. આજથી લગભગ 100 વર્ષ પહેલાં. 1895ના વર્ષમાં. પહેલી જ વાર 60 GHz ઇલેક્ટ્રો મેગ્નેટિક તરંગો, રેડિયો વેવ્ઝનું વાયરલેસ ટ્રાન્સમિશન થયું હતું. એ કરનાર હતા સર જગદીશચંદ્ર બોઝ. આજે એમની એ શોધના ફળ આપણે મોબાઇલ ફોન, રેડિયો પ્રોગ્રામ્સ, અને વાયરલેસ ટેક્નોલોજી સ્વરૂપે મેળવી રહ્યા છીએ. ગામડાંની શાળામાં માછીમારો અને નોકર-ચાકરોના સંતાનો સાથે વૃક્ષ, પંખીઓની વાર્તાઓ સાંભળી મોટા થયેલા જગદીશને કુદરતના રહસ્યો જાણવાની ચાહના બાળપણથી જ હતી. એમણે છોડની ઇન્ટેલિજન્સ પર અનોખાં સંશોધનો કર્યાં હતાં. સૂર્ય સાથે છોડનો દિવસભરનો સંબંધ. છોડને પોતાની ઇજા પ્રત્યેની સંવેદના. કીટકો સામે તેમનો પ્રતિભાવ. આ બધું જ તેમણે તરંગોના માધ્યમથી રેકોર્ડ કર્યું હતું. એટલું જ નહીં બંગાળ અને ઘણું કરીને ભારતના પહેલવહેલા સાયન્સ ફિક્શન લખનાર લેખકોમાંના એક હતા....
વડના ઝાડ નીચે વર્ણનની આ વાત આખું ગ્રૂપ એકચિત્તે સાંભળી રહ્યું હતું. સાત દિવસની ફાર્મા કંપનીની સ્ટડી ટૂરનો રંગ એણે બદલી નાખ્યો હતો. વર્ણનની વાતોથી વિદ્યાર્થીઓના પ્રોજેક્ટમાં પણ એક નવો જ વળાંક આવ્યો હતો. સ્પૃહા, લાલિત્ય, ચારુતા સહિત બધાંનું પ્રોજ્ક્ટમાં ઇન્વોલ્વમેન્ટ વધ્યું હતું. ક્લાસનો સાવ સામાન્ય છોકરો બધાનું ઇન્સપિરેશન બની રહ્યો હતો. રોજ લંચ અને ડિનર બાદ વર્ણન એક નવી વાત કહેતો. અને કોલેજના સાથીઓ સિવાય પણ કોઇ હતું જે આ રસપ્રદ વાતો સાંભળતું. કંપનીના આર એન્ડ ડી ચિફ્ યમનકુમાર. સ્ટડી ટૂરના છેલ્લા દિવસે યમનકુમાર બધાંનો પ્રોજ્કટ પ્રમાણિત કરી રહ્યા હતા. વર્ણનનો વારો આવ્યો. ફાઇલ આપીને તે ઊભો રહ્યો. યમનકુમારે અછડતી નજરે પાનાં ઉથલાવ્યાં અને કંઇ કહ્યા વિના પાછી આપી. 'સોરી.... સર.... કંઇ અધૂરું છે? કે ખોટું છે....? મારી કોઇ ભૂલ....' દબાતા અવાજે વર્ણને પૂછ્યું. 'સાવ અધૂરું છે. ખોટું પણ છે અને મોટી ભૂલ પણ છે', યમને કહ્યું. પોતે અભ્યાસમાં એવરેજ હતો એ વર્ણન જાણતો હતો. એણે માની લીધું કે યમનકુમાર સાચું જ કહેતા હશે. 'તો સર.... હવે'? 'ટૂર એક્સટેન્ડ કરો, પૂરું થાય પછી જ સર્ટિફિકેટ મળશે'. યમને એની વાત અટકાવી કહ્યું. 'ક્યાં શું ઉમેરું સર? તમે ગાઇડ કરો તો....', 'આવો મારી સાથે'. યમને ફરી એને રોક્યો અને રૂમની બહાર લોબીમાં આવ્યા.
લોબી પાર કરતા જ સામે એક બીજો ઓરડો હતો. 'અંદર આવો શ્રીમાન....' કહીને યમને વર્ણનને બોલાવ્યો. એ એક વિશાળ લાયબ્રેરી હતી. વર્ણન આસપાસ પુસ્તકો જોતો હતો ત્યાં એના હાથમાં યમને ત્રણેક મોટાં પુસ્તકો થમાવી દીધાં. વી આર નોટ અલોન, એજ ઓફ દ સ્પેસ, એન્ડ ઓફ ટાઇમ્સ.... વોલ્ટર એસ સુલિવાન નામના લેખકનાં પુસ્તકો હતાં.
'ઓળખે છે આ કોણ છે? એમા રેહનું નામ સાંભળ્યું છે?' યમનકુમાર પૂછી રહ્યા હતા. 'તારા પ્રોજ્ક્ટમાં આ બધું ખૂટે છે', વર્ણન કંઇ કહે તે પહેલાં યમને જણાવ્યું. નીચી નજરે ઊભેલા વર્ણને સામે જોયું તો એ હસી રહ્યા હતા. 'તારા કોલેજના પ્રોજેક્ટની હું વાત નથી કરતો દોસ્ત. એ પરફેક્ટ છે. હું વાત કરું છું લાઇફના પ્રોજેક્ટની. તારા હાથમાં છે એ પુસ્તકોના લેખક વોલ્ટર એક સાયન્સ જર્નાલિસ્ટ હતા. એમના વિજ્ઞાન વિષેના લગભગ દરેક અહેવાલને એવોર્ડ્સ મળ્યા છે. તને પણ મળી શકે તેમ છે'. યમનની વાતથી વર્ણનને આશ્ચર્ય થયું. 'હું તો સર એક ઓર્ડિનરી સ્ટુડન્ટ છું, મને....કોણ....'? એણે પૂછ્યું. 'સાયન્સ જર્નાલિઝમ નામનું એક બહુ જ મોટું ક્ષેત્ર વર્ષોથી ખાલી છે. તેમાં તારા જેવા યુવા પત્રકારો, લેખકોની જરૂર છે. એવા લેખકો જે વિજ્ઞાનના ભારેખમ શબ્દો સામાન્ય માણસને સમજાય તે રીતે અને રસપ્રદ રીતે રજૂ કરી શકે. તારી વાતોમાં એ જબરદસ્ત ક્ષમતા મેં જોઇ છે. મને વિશ્વાસ છે, કે આ ખાલી જગા તું પૂરી શકીશ'. યમને કહ્યું. 'એ માટે કોઇ કોર્સ કે કંઇ', વર્ણને પૂછ્યું. 'હા, આ છે ને....' લાયબ્રેરીના કમ્પ્યુટર પર ઇન્ડિયન સાયન્સ કમ્યુનિકેશન સોસાયટી (ISCS)ની વેબસાઇટ બતાવી. ડિસ્ટન્સ લર્નિંગ માટે ટ્રેઇનિંગ કોર્સ ઇન સાયન્સ જર્નાલિઝમ (TCSJ)ના સમૃદ્ધ અભ્યાસક્રમની વિગત તેમાં મળી.
વર્ણને હવે એ કોર્સમાં જોડાયો છે. વિજ્ઞાન વિષે મળે એટલાં તમામ સંદર્ભો વાંચે છે. પોતાની આગવી શૈલિમાં બ્લોગ પર લખે છે. યમનકુમારની કંપનીની સાયન્સ જર્નલમાં કવરસ્ટોરી પણ વર્ણનની જ હોય છે.
લેખન, પત્રકારિતા, અભ્યાસ એ સભ્ય સમાજની ભવ્યતા છે. આપણી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો. વિશ્વનાથ પ્રસાદ તિવારી તો ત્યાં સુધી કહે છે, 'દેશમાં શક્તિશાળી લેખકો એક સમાન્તર સરકારની ભૂમિકા અદા કરે છે'. વાત ખરેખર યાદ રાખવા જેવી છે.
Viral Mehta