નવા ઘરમાં જૂની સાવરણી લઇ
જવી નહીં!
બેકિંગ અવન કે માઇક્રોવેવ સિસ્ટમ ખાલી ના રાખશો. ઘરમાં છત્રી ખોલવાથી લક લોચામાં
પડે. નીસરણી. દાદર. પગથિયાં. સીડી. જુઓ તો દૂરથી નીકળી જવું. ભૂલેચૂકેય એની નીચેથી
પસાર થવું નહીં. વિમાનની સીડી ઉપર દોડવું નહીં. ખુશીના દરેક પ્રસંગે એકવાર. ઍટ
લીસ્ટ એકવાર. લાકડાંને અડી લેવું. ‘ટચ વૂડ’ મંતર બોલવો. લાકડાંની સગવડ ના થાય. તો વાળને અડીને પણ પેલો
મંતર ભણવો. ટોપી. હૅટ. હૅલ્મેટ. પલંગ પર મૂકવાં નહીં. બારણાં. ઝાંપા. કબાટ. એનાં મજાગરાં
કીચૂડાટ ના કરે તે જોવું. ચપ્પુ. કાતર. ધારદાર ચીજોની હાથોહાથ આપ-લે.
એટલે બબાલને નોતરું. હા, સામે મિનિમમ એક રૂપિયાનો કૉઇન. તાત્કાલિક આપી દો. બબાલ તરત
ન્યૂટ્રલ.
કાગળમાં કોઇને નંબર નામ લખીને આપવા નહીં. કાગળ ખોવાયો, તો આવી બન્યું. એક
છોકરીની વાત કહું. રીયલ બ્યૂટી. ક્રિસમસમાં શૉપિંગ માટે ગઇ. સ્ટોરમાં એક છોકરો.
રીયલ હૅન્ડસમ. નજર મળી. સ્પંદન પસાર થયું. તોય મળ્યા નહીં. નીકળ્યા પછી યાદ
આવ્યું. અંદર કંઇક ભૂલી ગયા. બંને. સ્ટોરમાં ગયા. મળ્યા. સ્માઇલ. કોઇ સંકેત હતો? બંનેનું નક્કી. તોય એકબીજાને ગમી ગયા. ચલ આઇસક્રીમ લઇએ.
દોસ્તીના દાવે. ત્યારે આકાશમાં કોઇ ઇશારો થયો. છોકરાએ નંબર માગ્યો. છોકરીએ કાગળ પર
લખ્યો. ઊડી ગયો કાગળ. છોડ યાર. આ સંબંધ હવે નસીબ ભરોસે. પણ કોઇ નિશાની? એક પાંચની નોટ પર લખી રાખ. છોકરાએ નામ નંબર લખ્યા. પાંચની
નોટ ગજવાંમાં મૂકી. છોકરીએ સ્ટોરમાંથી એક બૂક લીધી. લવ સ્ટોરી હતી. એમાં કોઇ નિશાની
કરી. પાછી રૅકમાં મૂકી દીધી. બૂક છોકરાને મળે. નોટ છોકરીને મળે. તો હંમેશ માટે મળી
જઇશું.
છોકરા એ વિચાર્યું. ના યાર આવું નહીં. હમણાં જ નક્કી કર. સામે ૨૮ માળની હોટેલ.
બંને અલગ લિફ્ટમાં. એક જ ફ્લોર પર મળે. તો હંમેશ માટે એક. મંજૂર? મંજૂર! છોકરાએ ૨૩માં માળનું બટન
દબાવ્યું. લિફ્ટ બંધ. થવાની જ હતી. એક નાનો બારકસ ઘૂસ્યો. દરેક ફ્લોરનાં બટન દબાવી
દીધાં. ઓહ્ નો! લિફ્ટ દરેક માળે રોકાતી
ગઇ. ૨૩મા માળે. દરવાજો ખૂલ્યો. ને સામેની લિફ્ટનો દરવાજો બંધ. બંને નિરાશ. પાછા
ફર્યા. પોતપોતાની લાઇફમાં. બંનેની એક શરત. એકબીજાને શોધવા નહીં. આ નિશાની મળે તો જ
ફરી મળવું. તો બંને ફરી મળ્યા? ‘સેરેન્ડિપિટી’. મતલબ. અનાયાસ બનતી
ઘટનાઓ. જેમાં શુભ સંકેત હોય. કોઇ અણસાર હોય. ૨૦૦૧માં બનેલી પીટર ચેલ્સમની ફિલ્મ. કૅટ
બ્યૂટીફૂલ બેકિંસ્લે. જ્હૉન હૅન્ડસમ ક્યુસેક. સતિશ કૌશિકે એની કૉપી ટુ કૉપી હિન્દી
ફિલ્મ બનાવી. ‘મિલેંગે મિલેંગે’.
શ્રદ્ધા. અશ્રદ્ધા. અંધશ્રદ્ધા. એક ક્ષણ એવી આવે. જ્યારે આ બધું એક સમાન લાગે.
ગમે એટલા રૅશનલ થાવ. વહેમ પર વિશ્વાસ બેસી જાય. પ્લૅન્ચેટ જાણોને? ઓઇજે બોર્ડ. ઇંગ્લિશ આલ્ફાબેટ્સ. ઝીરોથી નાઇન ફીગર. યસ.
નો. ગુડ બાય. લખેલું એક પાટિયું. જે પૂછો એનો જવાબ આપે. કૉઇન પર આંગળી મૂકો. કૉઇન
આપમેળે ફરે. નામ બને. ‘ડેમોન બ્રૅડલી’. જવાબ હતો. ૧૧ વર્ષની છોકરીએ પૂછેલું. કોણ મારો ભાવિ પતિ? પછી મેળામાં એક જોષીને પણ પૂછ્યું. એ જ જવાબ. ડેમોન
બ્રેડલી. ફરી કન્ફર્મ થયું. ત્યારે તો માની જ બેઠેલી નાદાન. વખત ગયો. વાત વિસારે
પડી. મોટી થઇ. શિક્ષિકા બની. ડૉક્ટર સાથે લગ્ન નક્કી થયાં. મૅરેજને દસ દા’ડા બાકી. ત્યાં ખરેખર ડેમોનની ભાળ મળી. વેનિસ જતો’તો. ખલાસ. આ તો ઉપડી. જિદ્દ! હવે તો એ જ જોઇએ.
રોમેરોમમાં હતો એ. છેક રોમમાં મળ્યો. રૅસ્તરાંમાં. ખરેખર સ્માર્ટ. હૅન્ડસમ. બંને
ખૂબ હળ્યા. ખૂબ મળ્યા. ઓતપ્રોત થયા. પછી પેલાએ કીધું. આમ તો મારું નામ, પીટર....
વૉટ દ.... ગૅટ લૉસ્ટ. છોકરી પોતે જ એને છોડીને નીકળી ગઇ.
વળી એક ડેમોનની ભાળ મળી. નાઇટ ક્લબમાં ડાન્સર. ડીનર પર મળ્યા. એના ઇરાદા વંઠેલ
ટાઇપ્સ. હકીકતમાં આખો પ્લાન જ પેલા પીટરનો. કોઇને નફરત કરે તો કદાચ મને પ્રેમ.... જા
ભૈ જા! ત્યાં છોકરીને ઘેર ખબર પડી. એકબાજુ લગ્ન માથે. છોકરી
ગાયબ. ભાઇ હાંફળો ફાંફળો. ભાઇની પત્ની પણ ગુમ. ભાઇએ બંનેને શોધ્યા. મળી ગયા. બહેનને
ને હાથ જોડ્યા. ઓત્તારી! પગે પડ્યો. કેમ? માફી માગી. ના હોય? કબૂલ કર્યું ભાઇએ.
પ્લૅન્ચેટની રમત તો બાળપણનો પ્રૅન્ક હતો. મેળામાં જ્યોતિષીને પણ ફોડેલો. બાપ
રે.... આવી રમત? ત્યાં પીટર આવ્યો. ટ્રૂ
લવની કબૂલાત કરી. પણ છોકરીનું મન ઊઠી ગયેલું. નો પ્રેમ બેમ નાઉ. ચલો નીકળીએ
અહીંથી. બધા ઍરપૉર્ટ પહોંચ્યા. કોઇ બોલે નહીં. ને પેજિંગ થયું. ડેમોન બ્રેડલી કાઉન્ટર
પર હાજર થાય. બધ્ધા દોડ્યા. આ વળી કોણ હશે? ખબર છે, કોણ હતું? ‘ઓન્લી યૂ’. રૉબર્ટ ડાઉની જૂનિયર. મરિસા ટોમેઇ સાથે. ૧૯૯૪ની ફિલ્મ. ડિરેક્ટર
નૉર્મન જેવિસન. વહેમ પર વિશ્વાસ મૂકો. તો આવુંય થાય બેનો. સગા ભાઇઓ ટીખળ કરી જાય.
ટીખળ કોઇ વાર અવળુંય પડે. ગામથી બહાર નીકળવું ભારે થઇ જાય. એક ગામ હતું. દૂર.
બહુ દૂર. કોની મગદૂર? ગામ બહાર પગ પણ મૂકે? જંગલ હતું ફરતે.
માઇલો સુધી. કોઇ ગામવાસીએ જંગલ પાર કર્યું નહોતું. એક માન્યતા હતી. કે પછી વહેમ. જંગલમાં
ભયાનક જીવો. ગયા તો ભરખી જશે. ગામમાં સાત વર્ષનો છોકરો. સખત બિમાર. દવા જ ના મળી. બચી ન શક્યો. એક
યુવાનને લાગી આવ્યું. ગામના મુખી પર ક્રોધ ચઢ્યો. મારે ગામ બહાર જવું છે. તમે કોણ
અમને રોકનાર? જે થાય તે જોયું
જશે. મુખીએ ફરી ચેતવ્યો. મુખીની દીકરી એના પ્રેમમાં. યુવકનો પક્ષ લીધો. ને બીજું કોઇ
બળી મર્યું. યુવક નીકળ્યો જંગલ પાર જવા. ગામના ઘરોને દરવાજે છાંટા થયા. અશુભ સંકેત! લાલ રંગ. યુવક થોડે આગળ ગયો. લોહીલુહાણ. ગોઝારો. હીચકારો
હુમલો. માંડ પાછો ફર્યો. ઔષધ ઇલાજ તો હતા નહીં. હવે? મુખીની દીકરી
તૈયાર થઇ. જંગલપાર જવા. ત્યારે છેક મુખી બોલ્યો. ભેદ ખોલ્યો. જંગલમાં ભૂત. પિશાચ.
વળગાડ. વિચિત્ર જીવો. કંઇ નથી. બધો વહેમ છે. મેં ફેલાવેલો. ગામમાંથી કોઇ બહાર જાય
નહીં. ગામ વિષે દુનિયા જાણે નહીં. એટલે મુખીએ ગભરાટ ફેલાવેલો. શું કારણ હશે એની
પાછળ? ગમે તે કારણ હોય. પણ મૅસેજ જબરદસ્ત હતો. રવિન્દ્રનાથે પણ કીધું છે. બૂરાઇને રોકવા
બારણાં વાખો. તો અચ્છાઇની એન્ટ્રી પણ બંધ. 'ધ વિલેજ'. ભારતીય મૂળના
હૉલિવૂડ ડિરેક્ટર. એમ. નાઇટ શ્યામલનની ફિલ્મ. અંધશ્રદ્ધા પોતે જ ભયાનક જંગલ. મૂવિ વહેમી
જગતનું વઘુ એક મિથ્યા રહસ્ય ખોલે છે.
વહેમનો. કોઇ ઉપાય નથી. માણસ જેટલો સફળ. હોંશિયાર. ઇન્ટલૅક્ચુઅલ. એટલો જ વહેમનો
ભંડાર. રાઇટર્સને શું માનો છો? એમના જેવા સુપરસ્ટિશન તો
કોઇના નહીં. આ ખૂણામાં બેસીને વિચાર કરવા. સુતી વખતે માથે બે ઓશિકાં રાખવા.
ક્રિએટિવિટી વધે. માળિયાં નીચે બેસીને લખવું નહીં. એક બહુ મોટા લેખકે માત્ર માથું
જાય એટલો ગોખલો કરાવેલો. વિચારો છટકી ના જાય એ માટે. બીજો એક લેખક હતો. જાતજાતના વહેમથી
ભરચક. કબાટ ભરીને સાબુના લાટા સંઘરી રાખે. કાલે ઊઠીને આ સાબુ ના મળે તો? મોટો પ્રૉબલેમ? ફૂટપાથની તિરાડો પર પગ
ના મૂકે. ઠેકડા મારે કાં અવળો-હવળો હેંડે. આમ પાછો બેસ્ટ સેલર રાઇટર. એકલો માણસ. રોજ
સવારે એક રૅસ્તરાંમાં જાય. એક ખાસ ટેબલ. એમાંય એક ખાસ ખુરશી. ત્યાં જ બેસે. તમે
નહીં માનો. આ નંગ. ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકના વાસણો સાથે રાખે. હોટેલની પ્લેટમાં
બ્રેકફાસ્ટ ના કરે! આવો નમૂનો. બધી જ જાતના
વહેમનો ભંડાર. જો પ્રેમમાં પડે.... રૅસ્તરાંની બ્યૂટિફૂલ વેઇટ્રેસ સાથે! તો? બોલવા જેવું જ નથી. થવા
દો જે થાય તે. ‘ઍઝ ગૂડ ઍઝ ઇટ ગેટ્સ’. ૧૯૯૭ની રોમૅન્ટિક કૉમેડી. જૅક નિકલ્સન સાથે હૅલન હન્ટ. ડિરેક્ટર
જેમ્સ બ્રૂક્સ.
સર ને મૅડમ! કોઇનો આત્મવિશ્વાસ તોડવો.
શ્રદ્ધા ડગાવવી. ડાબા હાથનો ખેલ. પણ વહેમ દૂર કરવો. અંધશ્રદ્ધા હટાવવી. ઇમ્પૉસિબલ.
એ જ તો હવે મૉડર્ન સ્ટ્રેટેજી બની ગઇ. લોકોને અંધશ્રદ્ધામાં ચગાવો. છેને, અમુક સ્ટ્રીટ
સ્માર્ટ લોકો. કહેવાતા માસ્ટર માઇન્ડ્સ. પહેલા અપાર અંધશ્રદ્ધા જગાવે. લગની લગાવે.
વહેમને વાસ્તવ બનાવે. પછી દાનવ જ દેવતા. એકવાર એ થઇ ગયું. પછી થઇ રહ્યું. હવે નામ તો
લો એનું? હસ્તી શું તમારી? ખરી શ્રદ્ધાનાં તો
પારખાંય થાય. અંધશ્રદ્ધા સામે આંખ તો ઊંચી કરો? પેલાના અડગ. અવિચળ.
અંધશ્રદ્ધાળુ. અનુયાયી. ડાકલાં તમારાં બજાવી દે. જમાનાઓથી આ ચાલતું આવ્યું. હવે તો
અંધશ્રદ્ધાનો વિરોધ પણ કોઇ શ્રદ્ધાપૂર્વક નથી કરતું.
અંધશ્રદ્ધા એક ગંભીર બિમારી. એમાંય જ્યારે લોકો તમારા વતી. તમારા માટે. તમારો
વહેમ પોષવા માંડે. કોઇ લેવાદેવા વિના. તમે આમ જ છો. એવું દુનિયા માનવા લાગે. ત્યારે
એક સમય એવો આવે. તમે પોતે પણ માની લો. તમારા વિષે લોકોના વહેમમાં. વિશ્વાસ થઇ જાય.
અજાણ્યા ટેલિપથિક પાવર્સ છે તમારામાં. કોઇ અજ્ઞાત શક્તિઓ સાથે જન્મ્યા છો તમે. પારકા
વહેમને અવગણો. પણ હવે? હવે ક્યાં છટકીને જશો? વહેમ તો તમારો ભરોસો થઇ બેઠો. ‘સુપરસ્ટિશન’. ૨૦૦૧ની ફિલ્મ. ૧૯ વર્ષની એક બેબી સીટર. લોકોએ ડાકણ માની
લીધી. પોતે પણ એમ જ માની બેઠી. મર્ડરનો આરોપ થયો. કરો હવે પૂરવાર. છોકરી ડાકણ નથી.
કેનેથ હોપની ફિલ્મ. અંધશ્રદ્ધાનો સામનો કરવા શ્રદ્ધા ક્યાંથી લાવવી? એનું બયાન આ ફિલ્મ.
ગમે તે કહો બૉસ! વહેમનું ઓસડ નહીં.
અંધશ્રદ્ધાનો તોડ નહીં. સાંભળ્યું છેને? આત્મવિશ્વાસ વિનાના લોકો આમ બોલે. આ જ વાતો અશ્રદ્ધાનો
પડઘો. પણ હકીકત જરા જુદી રીતે વિચારો. જેની હસ્તી જ નથી. એ અંધશ્રદ્ધા. એ વહેમ. એના
તોડ. એના ઓસડની જરૂર ખરી? કોણ સમજાવે ગુમરાહ. ભટકેલ
સમાજને આ? હૉલિવૂડ કૅફેમાં મળતા રહેજો, બાય-ધ-વે, દર
શુક્રવારે. નહીંતર....
Viral Mehta