યુગો પહેલાં ધરતી ઉપર
માણસો વસતા
બારણાં બહુ કલાત્મક કરાવતા. છુટ્ટા હાથે લાકડું
વાપરે. આ જુઓ. એ જમાનાની કાર. ઑટોમેટિક હતી. પેટ્રોલથી ચાલે. પ્રાચીન ઇમારતોના
અવશેષો વચ્ચે. ગાઇડ સમજાવી રહેલો. આ વિનાશ કેમ થયો? કોઇએ પૂછ્યું. કુદરતની
સામે પડેલા. કુદરતનો ભંડાર હણતા રહ્યા. પોતાના કોઠાર ભરવા. સંકેત આપેલા કુદરતે.
અવાર-નવાર. માર્ચ-એપ્રિલમાં બરફના મોટા ચોસલા પડેલા. દિલ્હીમાં. અરે હા. દિલ્હી. નામ
સાંભળ્યું છે. દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર. રાઇટ. એની શરમ તો દૂર. ફિકર સુદ્ધાં
નહોતી. થોડા સત્તાના મદમાં ચૂર. બાકીના રાજરમતમાં મશગૂલ. પર્યાવરણ જાય તેલ લેવા.
આબરૂ ઉપર છોને પ્રદૂષણની પરતો ચઢે. એમની વાતો નથી કરવી. એ જમાનાના લોકોની નહોતી
સાંભળી. તો હવે શો ફાયદો?
ભારત નામે એક દેશ. સંસ્કૃતિ સભ્યતાનો પ્રણેતા. છેવટે
રાજકારણ અને અર્થકારણમાં ખદબદતો રહી ગયેલો. કોઇને એ સિવાય કંઇ સૂઝે જ નહીં. એક વાર
દિલ્હીમાં. બબ્બે સરકારો. પ્રચંડ બહુમતે બનેલી. ધારે તો.... પણ ધારે તો ને? જવા દો એ વાત. આમ જુઓ. ગુજરાત
નામનો મુલક. એમાં અમદાવાદ શહેર. ભર બપોરે. સૂર્ય પ્રકાશમાં. વાદળ ગરજેલા. કડાકાબંધ
વીજળીઓ થાય. ૨૦૧૫ના એપ્રિલમાં. બરફ પડેલો. તડામાર. સતત એક કલાક. ઠંડીનું નામ નિશાન
ન હોય. એવાં સ્થળોએ હીમ વર્ષા થતી. એંધાણી તો ખૂબ આપેલી કુદરતે.
કોઇક ડાહ્યા એને ગ્લોબલ વૉર્મિંગ કહેતા. એના કારણો
અને બચવાના ઉપાયો વિશે પુસ્તકો લખતા. ફિર સે બોલો, જોર સે બોલો, અહંકાર કી જય! પુસ્તકો માટે
કાગળ જોઇએ. કાગળ માટે વૃક્ષોનું નિકંદન. કારણ સમજણ વિનાનું અભિમાન. કારમો સમો હતો.
બધી જાતના ડહાપણ. દોઢ ડહાપણ. પરિસંવાદો. મોટી મોટી વાતો. સાથે કુદરતનો વિનાશ તો
ચાલુ જ રહ્યો. પ્રદૂષણ ફેફસાં ફાડ રીતે વધી રહેલું. ક્યાં કોઇને ફિકર હતી? આજે જિંદગી માણી લો. કાલ
કોણે જોઇ છે? એવો તકલાદી
ઍટિટ્યૂડ વ્યાપી ગયો. આવતી પેઢી એનું ફોડશે. ખુદના જણ્યાની પરવાહ નહોતી. હાલૂલૂલૂ
માલુ નૉટ્ટીડુ. હાકીકીકી માલી હાકલી તુકલી. નકલી પ્રેમ. બધો માત્ર દેખાડો. વારસની લગારે
ચિંતા હોય. એ પીવાનું પાણી તો જાળવે? એને શ્વાસ લેવા હવા તો
ચોખ્ખી રાખે? પાંચેય તત્ત્વો મલીન કરી
મૂકેલા. તદ્દન નિષ્ઠુર લોકો હતા. અછતની બૂમરાણ મચાવતા. છતાં ભરપૂર વેડફતા. સમજાય
નહીં એવા સ્વાર્થી લોકો.
આ શું છે? તાર છે. વીજળીનો. એનાથી
યંત્રો ચાલે. અને ષડયંત્રો પણ. અજબ વીજળી બનાવેલી. એનો મોંઘાદાટ પ્રકાશ. કૌભાંડના
કૌભાંડ સંતાડી દેતો. સત્ય અંધકારમાં રહેતું. જુઠ્ઠાણાંનો દંભ ઝળહળતો. ન્યૂક્લિયર
પ્લાન્ટ. કોલસાના પ્લાન્ટ. બધું ધરતી ખોદીને ખેંચેલું. ભૂસ્ખલન થતા. ધરતીકંપ આવતા.
૨૦૫૫ની સાલ હતી. લંડન શહેર પૂરમાં તણાઇ ગયું. લાસ વેગસને રણ ગળી ગયું. એમેઝોનના
જંગલોમાં દાવાનળ ફાટી નીકળ્યો. આલ્પ્સના હીમ શિખરો પીગળી ગયા. ભયાનક પરમાણુ યુદ્ધો
ફાટી નીકળેલા. અવકાશમાં. એનો બધો વેસ્ટ ભારતમાં ઠલવાતો ગયો. સર્વનાશ તરફ યુગ ધસી
રહેલો. બાય-ધ-વે, કયો યુગ હતો એ? મૂર્ખ યુગ. ‘એજ ઑફ સ્ટૂપિડ’. ૨૦૦૯ની ડૉક્યુ-ડ્રામા-ફિક્શન-ઍનિમેશન
ફિલ્મ. ડિરેક્ટર ફ્રેની આર્મસ્ટ્રૉંગ. સીધો સટ્ટ સવાલ પૂછે છે. ‘બધું શક્ય હતું ત્યારે
પર્યાવરણનો વિનાશ કેમ રોક્યો નહીં’? ફિલ્મનો નાયક. એક
ઍક્ટિવિસ્ટ. લાયબ્રેરી ફંફોળી શોધે છે. ૨૦૦૮માં પાકી ખબર હતી. માનવજાતને. વિનાશની.
રોકી શકે તેમ હતા. છતાં માત્ર વાતો જ કરી. પૃથ્વિ બચાવવા કંઇ કર્યું નહીં. કેવી
હાય નીકળશે? આપણા વંશજોની. નીકળશે કોઇ વાર. સ્ટડી ટૂર પર. આપણા. મૂર્ખ યુગના. અવશેષ જોવા.
કાતિલ સ્તરે પહોંચેલું પ્રદૂષણ. બેરોક વસતિ
વધારો. ખૂટતા સ્રોત. વધતો ભૂખમરો. ગરીબી. બાષ્પમાં સંકોચાતા સમુદ્રો. દરેક સ્થળે
એક સરખું વાતાવરણ. શરૂઆત એની થઇ ચૂકી. સતત ભેજનો અનુભવ. કોઇ પણ સીઝનમાં. ગ્રીનહાઉસ
ઇફૅક્ટ. ૨૦૨૨ની સાલ. એકલા ન્યૂ યૉર્કમાં. ૪૦ મિલિયન લોકો. ઘર વિહોણા. સડક ફૂટપાથ
પર. બર્ગર. પ્લૅટર. હૉટ ડૉગ. પિઝ્ઝા. ફૂલ થાળી. સૉફ્ટ ડ્રિંક. મજાક કરો છો? રાશન ઉપર જીવતા હશે. વેફર્સ
મળશે. સૉયલેન્ટ કંપનીની. નક્કી માત્રામાં. એમાં જ બધું પોષણ. પીવા પાણી નહીં મળે. તરસ
પણ વેફર્સ છીપાવશે. એવી શોધ થશે. એક દિવસ એ જ આઉટ-ઑફ-સ્ટૉક. જિંદગીનો એકમાત્ર
આધાર. તપાસનો વિષય બને જ. NYPDના ઑફિસરે ભાળ કાઢી. શું બહાર આવ્યું કહું? કાળજું કઠણ
રાખજો. કંપની પાસે પ્રોટીનનો સ્ટૉક નહોતો. પ્રોટીન કુદરતી રીતે તો મળે તેમ હતું
નહીં. ખેતરો જ બચ્યાં નહોતા. છતાં ભેગું કરવાનો પ્રયત્ન થયેલો. એક વિશાળ ડૉરમેટરીમાં.
દરવાજો ધીરેથી ખોલ્યો. તો ઢગલે ઢગલા ખડકેલા. માણસોના. જીવતા નહીં.... હવે નવી
વેફર્સ એમાંથી બનશે. ‘સૉયલેન્ટ ગ્રીન’. છેક ૧૯૭૩માં આ સ્થિતિની
કલ્પના કરેલી. ડિરેક્ટર રિચર્ડ ફ્લીશરે. થશે પણ આવું જ. પૂછો તમારા અંતરને.
ક્લાયમેટ ઍન્જિનિયરિંગ. હૂઉઉઉહ! સોલર રેડિયેશન
રીમૂવલ. કાર્બન ડાયોક્સાઇડ રીમૂવલ. વૉટ અ જોક? પર્યાવરણ સુધારવા
મશીનરીનો ઉપયોગ. ૨૦૧૪નો પ્રયોગ. સદંતર નિષ્ફળ ગયા પછીની વાત. તમામેતમામ પ્રયોગો
ટુચકા સાબિત થયા. બધું ખેદાન મેદાન. કોઇ જીવતું બચ્યું નહીં. બસ એક પેલી ટ્રેન. એમાં
હતા એટલા રહ્યા. પણ ક્યાં સુધી? બહાર તો બરફ જ બરફ. એક ટપકુંય ટ્રેનમાં આવ્યું તો.... ભરખી જશે બધાને. આ
ટ્રેન જેવી તેવી નહોતી. આઇસ એજ. હિમ યુગ. સન ૨૦૩૧. એને લક્ષમાં રાખીને બનાવેલી. બચેલો
માનવ સમાજ. એના બે-પાંચ કમ્પાર્ટમૅન્ટમાં વસતો. પ્રોટીન સપ્લાય ત્યાં પણ ખતમ. ટ્રેનનો
ઍન્જિનિયર પણ એમાં જ હતો. એને હજી આશા. બહાર માનવજીવનની. જેમ હમણાં મંગળ વિષે છે.
એ જ રીતે. સામે પેલી ચટ્ટાન. એ તૂટે તો આઇસ એજની પેલે પાર. ટ્રેનના જ ઍન્જિનમાં
વિસ્ફોટકો હતા. ફરી ક્યારે કામ લાગશે? પણ પછી ટ્રેન ક’દી દોડશે નહીં. સ્થિર થઇ
જશે. ને આઇસ એજની બહાર ના નીકળાયું તો? છેલ્લો માનવ સમુદાય
પણ.... જે થાય તે. આ પાર કે પેલે પાર. કરો ધડાકો. ‘સ્નોપીયર્સર’. ૨૦૧૩ની કોરિયન સાયન્સ
ફિક્શન. ડિરેક્ટર બૉન જૂન-હો. આંખ-કાન ખોલી કાઢે એવો ધમાકો કરતી ફિલ્મ છે.
મૂર્ખ યુગના અવશેષોમાં ફરતા ફરતા. પાંચમી
કૉલોનીમાં પહોંચ્યા આપણે. અહીં જરા સાવધ રહેજો. જરા વધારે. અહીં કોઇ ગૅરંટી નથી.
કેમ? આ તો ખંડેરો છે. એમાં શું હોય? નહીં દેખાય હમણાં. પણ
ભરોસો નહીં. ધસી આવે ક્યાંકથી. પેલા ત્રણ પણ જોવા જ આવેલા. તાપણું બળતું જોઇને. ૨૦૪૫ની
વાત. પેલાં મશીનો બનાવી લીધેલાં માનવે. ક્લાયમેટ ચેન્જને દૂર રાખી શકે તેવાં. પછી
એક દિવસ બરફ પડ્યો. અટકે જ નહીં. મશીનો ખોટકાઇ પડ્યાં. બંકર્સમાં ચાલ્યા ગયા બધા.
અતિશય ટાઢથી બચવા. જીવવાનો એક જ ઉપાય હતો. ક્યાંકથી થોડા ઘણા બી મળે. ટુકડો ફળદ્રુપ
જમીન મળે. વાવીએ તો ધાન ઉગે. બોલો વાવણીલાયક જમીનો નહોતી છોડી. બધે ઉદ્યોગો
સ્થાપેલા.
સાતમી કૉલોનીના ત્રણ સૈનિકો બહાર આવ્યા. ફરતા
ફરતા પાંચમી કૉલોની સુધી પહોંચ્યા. કંપારી છૂટી ગઇ ત્રણેને. માનવ રક્તના રેલા. અરર....
આ હદે વાત પહોંચેલી? ભૂખ ઠારવા. માણસ માણસને
ખાવા ધાય. કૅનિબલ્સ. આદમી પોતે જ આદમખોર બનેલો. પાંચમી કૉલોનીમાં ડોકિયું કર્યું. તાપણું
જોયું. ત્યાં જ ત્રણમાંથી એક ગાયબ. કૅનિબલ્સને ગંધ આવેલી. બાકીના બંને ત્યાંથી
સરકી ગયા. સાતમી કૉલોની પાછા પહોંચ્યા. બધાને ચેતવ્યા. ગમે ત્યારે ત્રાટકે.... કૅનિબલ્સ.
ને આવી ગયા. સર્વનાશ.... માંડ થોડા બચેલા. પોટલીમાં દાણા લઇ નીકળી ગયા. એવા ઝોનની
શોધમાં જ્યાં ધાન ઉગાડી શકાય. ‘ધ કૉલોની’. ૨૦૧૩ની સાયન્સ
ફિક્શન હૉરર ફિલ્મ. ડિરેક્ટર જેફ રેનફ્રોય. હમણાં જે હુડદંગ જામ્યો છે. એના આખરી
અંજામ તરફ ઇશારો છે એમાં.
ખેતી એકમાત્ર ઉપાય. અનાજ ઊગે તો જ માનવજાત જીવે.
એનો વિકલ્પ નથી. મળશે પણ નહીં. ઉપજાઉ જમીનો જ નહીં રહે તો? સામાન્ય માનવી તો
ઠીક. ઉદ્યોગો. લશ્કરો. આગેવાનો. ખાશે શું? આજ નહીં તો કાલ.
નહીં તો પરમદા’ડે. સર્વનાશના
ભરડામાં દુનિયા સપડાશે. નક્કી વાત. કોઇ માનવા તૈયાર નહોતું. ઠૂંઠામાં ઠેલી દીધી એક
વિજ્ઞાનીની વાત. એણે પણ દિલ્હીનો દાખલો આપ્યો. આટલો ગરમ પ્રદેશ. એમાંય ગરમીનો
મોસમ. ને એમાં હીમ વર્ષા? બહુ જલદી વાતાવરણ માઝા મૂકશે. કલ્પના બહારના ક્લાયમેટ ચેન્જનો સામનો કરવો
પડશે. માઇનસ ૧૭૦ ડિગ્રી. બરફ પણ કંપી જાય. બચવાનું એકમાત્ર સ્થળ. ઇન્ટરનૅશનલ સ્પેસ
સ્ટેશન. પાવરફૂલ માણસો પહેલા પહોંચી જશે. વાતમાં નવાઇ ક્યાં છે? પણ સાધારણ જણ? લાયબ્રેરીમાં સંતાયા.
છેક અંદરનો એક ઓરડો જડબેસલાખ બંધ કરીને. બરફ છેક બારણે આવીને થીજેલો. પુસ્તકો. મહામૂલાં
થોથારિયાં. બાળવા પડ્યા છેવટે. તાપણું કરવા. ‘ધ ડે આફ્ટર ટુમૉરો’. ૨૦૦૪ની ફિલ્મ. જોતાં જ હાડ
થીજી ના જાય તો કહેજો. અરે ભર ઉનાળામાં જુઓને. ટાઢ ચઢી જશે. એવી ફિલ્મ બનાવેલી.
ડિરેક્ટર રૉલેન્ડ ઍમેરિચે.
સાહેબ અને મૅડમ! બચેલા લોકોના વંશજો. યુગો
પછી. ધરતીની મુલાકાતે નીકળશે. મોહંજો દરો. હડપ્પાના અવશેષોની જેમ કૌતુકથી જોશે. આ
સુરતનો રેસ કોર્સ રોડ હતો. ત્યાં બહુમાળી બિલ્ડિંગ. પેલું મુંબઇનું સ્ટૉક
ઍક્સચેન્જ. અમદાવાદનું બીઆરટી કોરિડોર. જુઓ જુઓ પેલું ટાવર. હા, મોબાઇલ. અને આ મોટરકારનો
કાટમાળ. ઑટોમોબાઇલ. બે પર્યાપ્ત કારણો. સૃષ્ટિને વિનાશ તરફ ધકેલવા. નથી માનતા? કોઇ જબરદસ્તી નથી
રાજ્જા. તમે તો કદાચ ભાંગલી તૂટલી અને સાધારણ લાઇફ જીવી જશો. પણ વારસદારો? બે ટકાય ફિકર ખરી? તમારા હાકીકીકી હાલૂલૂલૂ
માટે? જેવી તમારી મરજી રાજ્જા. કાલે ઊઠીને વંશજો જોવા આવે. આ ધરતી. તો છેલ્લે મૂર્ખ
યુગના લોકો હતા. એમ હાંસી કરીને જાય નહીં. એટલો વિચાર રાખજો મનમાં. પણ આપણે તો, ‘આપ મુઆ પીછે ડૂબ ગઇ
દુનિયા’. એ જમાનાના
લોકો, હેંને? કેવો બેહૂદો ‘સેલ્ફી’શ અભિગમ!
Viral Mehta