19 એપ્રિલ, 2015

ટેક અ ચિલ પિલ વિની! (Dr Gizmo 7)



ટેક અ ચિલ પિલ વિની!
બૅગ પૅક થઇ ગઇ? કિચનમાંથી મમ્મીએ બૂમ મારી. વિન્મયી પહેલી જ વાર એકલી બહારગામ જતી હતી. અરે ના મૉમ. એક મૂકું ને બે વસ્તુ બહાર. લો બધું ગોઠવ્યું. હવે લૅપટૉપ મૂકવાની જગા નથી. ચાર્જર ક્યાં મૂકું? આ ટૂથબ્રશ કીટ....? ઊફ્ફ.... કંટાળી ગઇ હું તો! છોકરીઓને તો કાયમ થનથનારો રહેવાનો. નાસ્તાનું બૉક્સ તૈયાર કરતા મમ્મી બોલ્યાં. ડૅડી બધો ખેલ જોતા હતા. દીવાન પર બેઠાબેઠા. ધીમું હસતા હસતા. ઓહ્ નો! નો સ્નૅક્સ બૉક્સ. જગ્યા જ નથી જરાય. એક તો આ બૅગ. બીજી લૅપટૉપ બૅગ. ક્યાં સાચવું તારા ડબ્બા ડૂબલી? મમ્મીનું મોં પડી ગયું. બસ વિની. ટેક અ ચિલ પિલ! જિગરે ઘરમાં આવતા જ કીધું. તો હવે વિનીનો ચહેરો પણ....
અરે શું તમે લોકો? સાવ નાની વાતમાં ઉકળી પડ્યા. ગિઝ્મોજીએ અંદર આવતા મામલો સંભાળ્યો. બધાનું ધ્યાન એમની એન્ટ્રી પર હતું. રોબૉટની જેમ સરકી રહેલા. સુંદર બૅગ સાથે. સ્કૂટર બૅગ. એકદમ કૉમ્પેક્ટ અને સ્પેશિયસ. પગથી એક જ ઠેકો. દૂર સુધી દોડે. સ્મૂધ અને ક્વિક. પળવારમાં આખો દીવાનખંડ ક્રૉસ. સીધા વિની સામે. લે આમાં ગોઠવી દે. વિની અને મમ્મી બંને ખુશ. નાસ્તો. લૅપટૉપ. બધો સામાન. એમાં ટ્રાન્સફર થઇ ગયો. હાશ!  હવે ચિંતા નથી. ડૉક્ટરે એક ટૂથબ્રશ કેસ આપ્યું. એ તો લીધું. આખી કિટ છે ગિઝ્મોજી. પણ તું આ તો જો? હા, હા ટૂથબ્રશ. લીધું મેં.... ટેક અ ચિલ-પિલ વિની. જિગરે ફરી ટકોર કરી. યુ જસ્ટ.... હવે બોલીશને તો.... વિની ફરી રણકી. શાંત કન્યા શાંત. આ સાદું ટૂથબ્રશ નથી. એના કેસમાં યુવી સેનિટાઇઝર છે. રાતે એમાં બ્રશ મૂકી પાવર ઑન. સવારે જર્મ-ફ્રી બ્રશ હાજર. ઓહ્ દેટ્સ રીયલી કૂલ! વિની હસી. જિગર સામે મજાકમાં આંખ કાઢી. બ્રશ બૅગમાં મૂક્યું.
પૅકિંગ પતાવી ચા નાસ્તા માટે બેઠા. ઓ.... મૉમ? વળી પાછું શું થયું? ચાર્જર્સ. ચાર ગેજેટ્સના.... અરે યાર! હવે એને માટે પાઉચ નવું લઉં? પર્સમાં ચાર્જર કેબલ્સ, સો ઇરિટેટિંગ. શું કરું? આ નવી બૅગ ફૂલ થઇ ગઇ. હા! સ્નૅક્સનો ડબ્બો.... ફ્રેન્ડ્સ પણ લાવશે. એ નથી લઉ જવો. ઘેર રહેવા દે. મમ્મી ફરી નિરાશ. ટેક અ ચિલ.... યુ શટ્ અપ જિગ્ગુ! વિની ચીઢાઇ હવે. ડૉન્ટ ગિવ મી, તારો ચિલ પિલ ફંડા, ઓકે? શાંત વત્સ. શાંત કન્યા. પહેલા ચા નાસ્તો કરી ચાર્જ થાવ. પછી ચાર્જરનો પણ ઇલાજ ફરીએ. ડૉક્ટરે બંનેને શાંત પાડ્યા.
બધા મેઇન હૉલમાં આવ્યા. ડૉક્ટરે જિગ્ગુને ઇશારો કર્યો. એણે ખિસ્સામાંથી નાની સ્ટિક કાઢી. વિનીના મોં સામે ગોળગોળ ફેરવી. ફરી તેં નખરા શરૂ કર્યા? અત્યારે મજાકનો બિલકુલ મૂડ નથી. હું મજાક નથી કરતો. જાદૂ કરું છું જાદૂ. પ્લીઇઇઇઝ.... જિગર. આંખો બંધ કર વિની. બે ક્ષણનો સવાલ. પછી જો કમાલ. બંધ કર આંખો. વિનીએ પરાણે આંખો બંધ કરી. કટ્ અવાજ થયો. ખૂલ જા સીમ સીમ.... હા હા હા.... શાહજાદી, અબ આંખે ખોલો. વિનીની આંખો ખુલ્લી જ રહી ગઇ. પેલી સ્ટિક ખૂલી ગયેલી. એમાં ચાર કેબલ્સ હતા. રોલ-અપ ચાર્જર કિટ. વાઆઆઆઉ! વ્હાલ તો એવું આવેલું કે.... પણ બધાની હાજરીમાં.... વિનીએ ફટાફટ બૅગ ખોલી. રોલ-અપ ચાર્જર કિટ સેરવી દીધી.
બાજુમાં આ પણ મૂકી દે. ડૅડી હતા. આખો ખેલ હસતા હસતા જોતા હતા. એમણે વિનીને યુએસબી સર્જ પ્રોટેક્ટર આપ્યું. સાવ નાનું ગેજેટ. મોબાઇલ. લૅપટૉપ. દરેક ગેજેટની જાળવણી. કરંટ ફ્લક્ચુએશન. સ્પાઇક. જર્કથી. હવે વિનીનો મૂડ આવ્યો. આ તો થઇ ગેજેટની સેફ્ટી. તારી સેફ્ટીનું શું? બંધુ હતો. વિનીનો ભાઇ. અંદરના રૂમમાં મૂવિ જોતો હતો. છેક હવે બહાર આવ્યો. ઓહો મારા વીરા. ચાલ સાથે. મારી રક્ષા કરવા. એમ? તો લે આ મારું તાવીજ રાખ. એ તારી રક્ષા કરશે. બંધુએ નાનું લૉકેટ આપ્યું. એને બે કેબલ હતા. દરવાજાના નૉબ સાથે બાંધી દેજે. એક છેડો બારણે. બીજો બારસાખ પર. ચીપકી જશે. તારી મરજી વિના દરવાજો ખૂલ્યો. તો આમાં અલાર્મ વાગશે. બંધુ આકાશવાણીના ટોનમાં બોલતો હતો. વિની ખરેખર ખુશ હતી. એ પણ બૅગમાં ગોઠવાઇ ગયું. એની નજર હજી પણ બૅગમાં હતી.
હજી કંઇ મૂકવું છે? ના, ના કંઇ નહીં. આ તો જરા.... હા, હા બોલ. કંઇ મોટું હશે તો માણસ રોકીશું. લગેજ ઉચકીને ફરશે તારી સાથે. ફરી જિગર વિનીની નોંકઝોંક શરૂ. બોલ શું મૂકવું છે? નહીં આવે આમાં. જવા દે. પણ શું? અરે પેલા ઍક્સટર્નલ સ્પીકર્સ. આવડા મોટા ક્યાંથી બૅગમાં રહે? ટેક અ ચિલ-પિલ વિની! તું ફરી પાછું એ બોલ્યો? રોષમાં જિગર સામે જોયું. ગુલાબી ચહેરો રતુંમડો થયો. સ્થીર થઇ ગયો. જિગર સામે. જિગરના હાથમાં બે નાની ડબ્બીઓ હતી. એના મોબાઇલ સાથે જોડેલી. વો તો કોઇ ઔર થી જો આંખોં સે સમા ગઇ દિલમેં, નખરેવાલી..... કિશોર કુમારનું ગીત શરૂ થયું. વાહ શું સાઉન્ડ! આવડા અમથા સ્પીકર્સ?
જિગરે ટેબલ પર મૂક્યા. બધાએ ધ્યાનથી જોયું. કંઇક લખેલું એની ઉપર. આખા ઘરમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. નાનકડા સ્પીકર્સનું નામ જ હતું. ચિલ-પિલ! સાઉન્ડ ગીક જિગરની પસંદ. હવે કોઇ શક? ઝમકદાર હસીને વિની પોતે જ બોલી. ટેક અ ચિલ-પિલ વિની’! સાંજે બેસ્ટ ટ્રાવેલ ગેજેટ્સ સાથે. ઍરપૉર્ટ પહોંચી. મસ્તીમાં સ્કૂટર બૅગ પર સરકતી. ફ્લાઇટ સુધી પહોંચી ગઇ.... 
Viral Mehta