10 એપ્રિલ, 2015

ફિલ્મ - માયા બજાર - જબાંગ ટેટુકો ઊર્ફે ઓટઓટ કાવાટ તુલાંગ બેસી ઊર્ફે..(Gujarat Talkies 38)



જબાંગ ટેટુકો ઊર્ફે ઓટઓટ કાવાટ તુલાંગ બેસી ઊર્ફે....
બસમાં ફરવાની મજા હતી. ગજવાંના ગજાંની પણ રજા હતી. પૉકેટ મની. આઇ મીન. પૉકેટમાં થોડા ઘણા મની. બંદા રાખતા થયેલા. એકલા ભટકવાનો ચહકો કમ નહીં. જો કનૈયા. આને કેવાય દુનિયા. પેલ્લી પેલ્લી વાર જાતે જગત પામતા થયેલા. કનૈયો કોક જમાનામાં ઘરનું નામ હતું. હવે કોઇ બોલાવે તોય આડા-અવળાં ડાફાં મારું. આજુબાજુમાં તો કોકને નથી બોલાવતાને? ખૈર.... એ પણ અલગ મજાની વાત. ફરી કો­ક વાર. તો ભૈ, આ હારું. પેલું આન્થીય હારું. એવું હારું હારું જોતા બસમાં લટકતા. પૈદલ ભટકતા. ફરતા હતા. તે ઘડીએ બધ્ધી ખબર પડી ગયેલી. કૉન્ફિડન્સ બાક્કી. જમણી હથેળીમાં ડાબો પંજો અવળો પછાડીને કહેવાય એટલો બધો. એક ઠેકાણે ઉતરી પડ્યા બસમાંથી. સિનેમાનું જબરદસ્ત મોટું બૉર્ડ. અઢળક કલાકારોના ચિત્રો. શું હશે આ? જોરદાર પિચ્ચર લાગે છે.
gujarati film Maya Bajarપણ કન્ની. કનૈયાનું શૉર્ટ ફૉર્મ. લ્યા જવાય? આમ એકલા? ઘેર ખબર પડીને તો.... ના, ના જવા દે. નથી જોવું. હેંડ પેલી બાજુ આંટો મારીએ. મનમાં મન સાથે ખપાવવાની મને ટેવ. બહુ જૂની. અમુક વાર હું મારો મોટોભા થઉં. કઇ વાર મોટોભા મારી વાત હાંભળે. હવે ના યાર. તમે મને તીકડમ સમજો છો? બબડાટ વિના વાતો ચાલે. અંદર અંદર. હંક્કઅંઅ. હજી પણ. જઇએ ચલને, એમાં શું? ચારેક વાગતા ઘેર પહોંચવાનું છે. શોની દસેક મિનિટ બાકી છે. ખરેખર? આ, હા, લ્યા જવાય. ઘેર જઇને હરખપદુડા નહીં થવાનું. કહીએ તો ખબર પડેને? એવું કરાય? હા તે એમાં શું? ચોરી થોડી છે? ના, બિલકુલ નહીં. તો હેંડ. ઉપડ્યા બાક્કી કન્ની ને કનૈયો બેઉ. લીધી ટિકિટ ને બેઠા. લાઇફનું પેલ્લું પિચ્ચર. એકલા જોવાનું સાહસ. ખેડી લીધું એ દાડે.... તાલિયાં....
રાજકુમારી રથ પર નીકળેલી. જંગલમાં. સખીઓથી છૂટી પડી ગઇ. વાઘ પાછળ પડ્યો. અશ્વો ભડક્યા. બેકાબુ થયા. બચાવો.... બચાવો.... રાજકુમાર આસપાસમાં જ હતો. દોડાવ્યો ઘોડો. રથની પડખે લીધો. કૂદી ગયો રથમાં. પકડી લો મને. રાજકુમારી વળગી પડી. કુંવરે અશ્વો રથથી છૂટા કરી દીધા. ગાડી ભોંય સાથે પૂરપાટ વેગે ઢસડાતી ચાલી. રોકવાનો કોઇ ઉપાય નહીં. ગમે ત્યાં હવે ભટકાઇ સમજો. અને રાજકુમારની ચતુરાઇ જુઓ. ઉપર વૃક્ષની મોટી ડાળ. બંને હાથે પકડી લીધી. રથ આગળ ચાલ્યો ગયો. કુંવર ને કુંવરી બંને બચી ગયા. તાલિયાં....
રાજકુમાર, રાજકુમારી. નજર બેઉની કુંવારી. અડી ગઇ. લડી ગઇ. હું જઉં હવે? અરે પણ તમારી ઓળખાણ તો આપતા જાવ? મારું નામ.... સુરેખા. હેં? સુરેખા? કેમ ચમકી ગયા? ચમકી નથી ગયો. હૃદયમાં સહસ્ત્ર વીણાના તાર ઝણઝણી ઉઠ્યા. એમ? તમારી ઓળખાણ? તમારું પણ કોઇ વાંકુંચુંકું નામ તો હશે જ. મારું નામ અભિમન્યુ. હેં? અભિમન્યુ તમારું જ નામ છે? હવે તમે કેમ ચોંકી ગયા? હું કંઇ ચોંકી નથી. મારો રથ પણ નથી. ઘેર કેવી રીતે જઇશ? ચાલો મારા ઘોડા પર મૂકી જઉં. આવો બેસો. રાજકુમારી સવાર થઇ. ઘોડો મારી મૂક્યો. રાજકુમાર બેસે તે પહેલા. દ્વારકા આવીને લઇ જજો તમારો અશ્વ. હેં દ્વારકા?
ત્યાં મહારાજ ધૂંઆફુંઆ. મારી લાડકીને એકલી મૂકી શું કામ? ત્યાં તો આવી પહોંચી લાડકી. આજથી તારું બહાર જવાનું બંધ. તો શું હું મહેલમાં દાસ-દાસીઓ સાથે આખેટ કરું? હું તો જંગલમાં જઇશ. મહારાજે ત્રાડ પાડી. સુરેખા.... હાથ ઉગામ્યો. પણ કોઇએ રોકી લીધો. મહારાજે જોયું. કનૈયા? હુંય ચોંકી ગયો. મોટાભાઇ, સુરેખા હવે નાની નથી રહી. હાથ ના ઉપાડાય. કનૈયાએ કીધું. તમે દીયર ભોજાઇએ જ એને ચઢાવી મારી છે. સુરેખા હસીને શરમાતી ત્યાંથી ચાલી ગઇ. બલરામજી. શ્રીકૃષ્ણના મોટાભાઇ. એમની સુપુત્રી સુરેખા. રાજકુમાર અભિમન્યુને દિલ દઇ બેઠેલી. કૃષ્ણ, બલરામના બહેન સુભદ્રાજી. અર્જુન સાથે પરણેલા. અભિમન્યુ એમનો પુત્ર. પેલી તરફ કૌરવો નવી ચાલ રમી રહેલા.
પાંડવોને જુગટામાં હરાવી બાર વર્ષ વનવાસ મોકલ્યા. સુયોધન (દુર્યોધન)ના ગુરુ બલદેવજીને હસ્તિનાપુર તેડાવ્યા. હા, સુયોધનને ગદાયુદ્ધ શીખવેલું બલદેવજીએ. એ આવ્યા. મામા શકુનીએ નવો પાસો ફેંક્યો. વિનંતી કરી. સુરેખાનું વૈવિશાળ લક્ષ્મણ સાથે કરવા. લક્ષ્મણ. સુયોધનનો પુત્ર. ભોળા બલરામે વાત વધાવી લીધી. સુરેખાનું લક્ષ્મણ સાથે નક્કી કરી બેઠા. હવે જુઓ મજા. ત્યાં કૌરવોનો મામો શકુની. આ તરફ અભિમન્યુના ગોપાલ મામા. બલરામે બહેન સુભદ્રાને પણ વચન આપેલું. બંનેના લગ્નનું. આ તો ધરમસંકટ. યાદવ કુળ વચન ફોક કરે? અસંભવ. પણ બલરામજી એકના બે ન થયા. સુભદ્રાએ સમજાવ્યા. તો સીધું પરખાવી દીધું. ત્યારે સમય જુદો હતો. હવે તું રાજરાણી નથી રહી. મારી દીકરી ગરીબ વનવાસીઓને ઘેર નહીં પરણાવું. ખલાસ! બહેન. એ પણ સુભદ્રા જેવી બહેન. હવે ત્યાં ઊભી રહે?
ચાલી નીકળી ભાઇનું ઘર છોડીને. અભિમન્યુ સાથે. મારગમાં તરસ લાગી. મા માટે જળ લેવા અભિમન્યુ ઉતર્યો. ઝરણું મળ્યું. ખોબો ધર્યો. અરે? પાણી હાથમાં કેમ ન આવ્યું? નીચે સરોવર હતું. એમાંથી ખોબો ભર્યો. તો હાથમાં ધૂળ આવી. માયાવી જગા હતી. કંઇ સમજે તે પહેલા વૃક્ષો પડ્યા. એની મેળે ફરી પાછા ઊભા થયા. કોણ છે તું? સંતાઇને શું ખેલ કરે છે? હિંમત હોય તો સામે આવ. અભિમન્યુએ પડકાર કર્યો. કડાકા ધડાકા સાથે એક મહાકાય માનવાકૃતિ પ્રગટ થઇ. કોણ છે તું? હું જબાંગ ટેટુકો. ઊર્ફે ઓટઓટ કાવાટ તુલાંગ બેસી. હેં? એ વળી કોણ? ઘટોત્કચ! માત્ર ભારતમાં જ નહીં. ઇન્ડોનેશિયામાં પણ મહાભારત સદીઓથી વંચાય. ત્યાં ઘટોત્કચને જબાંગ ટેટુકો કહે. ઘટોત્કચ એટલે મહાબળવાન ભીમનો પુત્ર. હિડિમ્બાનો દીકરો. અર્ધ માનવ. અર્ધ રાક્ષસ. બિલકુલ ભોળો ભટાક. મહાશક્તિશાળી. ઓરિજિનલ સુપર હીરો. પિતાનું બળ અને માતાની માયાવી તાકાત બંને એને મળેલા. અભિમન્યુનો કઝિન બ્રદર થાય. એની બંનેને ખબર નહોતી. ભીષણ યુદ્ધ થયું. ત્યાં તો બંનેની માતાઓ પ્રગટ થઇ. પરિચય થયો.
બંને ભાઇ એક થયા. ઘટોત્કચે સુરેખાને ઉપાડી લાવવાનું વચન આપ્યું. અભિમન્યુએ ચેતવણી આપેલી જ. સુરેખાના એક કાકા છે. બંસીધર કાકા. એમનાથી સાચવજે. અરે કાકા મારું કંઇ નહીં બગાડી શકે. ઘટોત્કચ ઉપડ્યો. સુરેખાને પલંગ સાથે ઉપાડી. તો કોઇ વૃદ્ધ દાસી હતી. ફરી ગયો. તો હજારો સુરેખા દેખાઇ. કોને લઇ જાય? કેટલીય રાતો મથ્યો. સુરેખાને લાવી ન શક્યો. શ્રીકૃષ્ણની માયા હતી. એ પણ ઇચ્છતા હતા. અભિમન્યુ સુરેખાના લગ્ન થાય. સાથે ભાઇનું માન પણ જળવાય. કૌરવો જાન જોડીને આવવાના હતા. લગ્નની તડામાર તૈયારીઓ ચાલે. બજારોના બજારો ખરીદાય. હવે? માયા બજાર. ૧૯૮૪માં બનેલી સુપરહિટ ગુજરાતી ફિલ્મ.
ટ્રિક ફોટોગ્રાફી. કૅમેરાની કરામત. રૂપેરી પરદા પર માયા જગત ખડું કરેલું. ભારતના એક મહાન કસબીએ. બાબુભાઇ મિસ્ત્રી. કમ્પ્યુટર્સ નહોતા. હશે તોય વિદેશોમાં. સાવ સાધારણ પ્રારંભિક અવસ્થામાં. ડૉટ મૅટ્રિક્સ લેવલના. એની મદદથી સ્પેશ્યલ ઇફૅક્ટ્સ થઇ શકે. એવી કલ્પના પણ નહોતી. ત્યારે બાબુભાઇએ કમાલ કરેલી. ગુજરાતી ચિત્રપટ જગત. એના સંપૂર્ણ ઍલિમેન્ટ્સમાં હતું. ત્યારે આ ફિલ્મ આવેલી. સફળ નીવડેલી. રીટા ભાદુરી રાજકુમારી જ લાગે. ભીમના પુત્રની ભૂમિકા ખુદ ભીમસેને કરેલી. કોણ? ભારતના બૉર્ન સુપરહીરો. દારાસિંગ. દેશના ખ્યાતનામ કલાકારોનો કાફલો આ ફિલ્મમાં હતો. દહેલીઝના રમેશ શ્રીવાસ્તવ. છોટી બહુના દાદાજી. રાકેશ પાંડે. કૃષ્ણની ભૂમિકામાં. જાજરમાન ઠસ્સો હતો. ઘટોત્કચને શ્રીકૃષ્ણે ગજબ પાવર્સ આપ્યા. જેનો તોડ કનૈયા સિવાય કોઇ પાસે નહોતો. હવે એકસાથે કરોડો રૂપ ધારણ કરી શકતો હતો ઘટોત્કચ.
ઘટોત્કચે માયાવી શક્તિથી માયાનગર ઊભું કર્યું. નગરની બહાર વરસાદ હોય. અંદર આજકાલના શૉપિંગ મૉલ ઝાંખા લાગે. એવી ઝમકદાર રચના. દરેક દુકાનનો એક જ માલિક. ઘટોત્કચ. કપડાં. મીઠાઇ. મોજડી. આભૂષણો બધું જ માયાવી. કૌરવો તો ખરીદતા જ રહ્યા. ને પછી હસ્તિનાપુર જઇને જે હાલ થયા! પણ એક વાત ગજબ થઇ. સુરેખાના લગ્ન સુયોધનના પુત્ર લક્ષ્મણ સાથે જ થયા. તો અભિમન્યુ? એના પણ લગ્ન સુરેખા સાથે થયા. કેવી રીતે? એ તો કનૈયો જાણે. કનૈયાનો જવાબ એ જ મારો જવાબ. માયા બજાર જોઇ લો. ગુજરાતી સિનેમા જગતમાં કમ્પ્યુટર વિના. ફૉરેન મૂવિઝ કરતાંય વિશેષ સ્પેશ્યલ ઇફૅક્ટ્સ. આ ક્ષમતાએ હતું. એક જમાનામાં. આપણું ફિલ્મ જગત.
એકલા ફિલ્મ જોઇ. એ પણ આટલી જબરદસ્ત. કન્ની કોને કહું? કનૈયા બેસી રે છાનોમાનો. અરે કહેવું છે મારે. આવી બન્યું હોં કનૈયા. અસમંજસમાં ઘેર પહોંચ્યા. ઝાંપો ખોલ્યો. કેવું લાગ્યું પિચ્ચર’? ખલાસ. પરાક્રમ મારા પહેલા ઘેર પહોંચી ગયેલું. પિતાશ્રી. સ્કૂટર પર. સિનેમા હૉલ બાજુથી નીકળેલા. ટિકિટબારી પર નજર પડેલી. કન્ની, કનૈયા બંનેનો આજે બીજો શો ઉજવાઇ જવાનો. મને કહેવુંતુંને? ટિકિટ લાવી આપત. કટાક્ષ હતો? ‘મેં પણ જોયું. ખરેખર સારું બાનાવ્યું છે. હવે એક ફટાકો. પણ.... ફરી આવું કંઇ હોય તો મને કહેજે. લાઇનમાં નહીં ઊભા રહેવું પડે. છે એક જણ. અમારી ઑફિસમાં. એના ફાધર ત્યાં જૉબ કરે છે. લે.... લે....?!? બચી ગયા કન્ની. ફિલ્મ પહેલીવાર એકલા જોવાની થ્રિલ. બાપુએ પૂરેપૂરી ગ્રેસથી નવાજી હતી. મેતા સાહેબ.... સૅલ્યુટ્સ!
Viral Mehta