સાયબર પોળની રવેશ પછવાડે
બ્રાઉઝર ચોકમાં થઇને વૅબની વાંકીચૂંકી શેરીઓ
નીકળે. બહુ ભીડ-ભડક્કાવાળી જગા. ચોવીસ કલાક ભાગમભાગ. રાત દા’ડો જોયા વિના. ડૉટ નેટ. ડૉટ કૉમ. ડૉટ ઇન. ડૉટ ઓઆરજી. માળું
બેટું! રૂટિનમાં ડૉટ પછી બધું પૂરું થાય. મોટા લોકો
હોય તો વળી.... ત્રણ-ચાર ડૉટ કરી વહેતું મેલે. અહીંયા તો ડૉટે ડૉટે નવી દોટ. બાઇટમબાઇટ.
એં.... કિલો કિલોના. મૅગા મૅગાના. તગડા તરખાટ. એવી આ સાયબર પોળ. હાયપર શોરબકોર. એમાં
પડે એના કકડા. એકવાર પેઠા પછી નીકળો ક્યાં કહેવાય નહીં. ભલભલા ભૂલા પડી જાય.
૨૦૦૦ની સાલ પછી. સાયબર પોળમાં. ૨, ૯૨૩ મિલિયન લોકો. ભણેલા ગણેલા હોં કે! વાળમાં જૅલ ચોપડેલા
પુરૂષો. ટાઇ સૂટવાળા. ઇવન સ્ટાઇલિશ ફંકી ડૂડ્સ. સ્માર્ટ. સ્વીટ. દેખાવડી. ચબરાક.
હોંશિયાર. દરેક ઉંમરની મહિલાઓ. બધા ગુમ થયા. ગયા એ ગયા. ત્યાંથી પાછા આવ્યા નથી.
એમની વાંહે ગયેલાનું પણ એ જ થયું. કોઇ શોધ્યા નહીં જડે. સિલસિલો ગુમ થવાનો. પૂર
જોશમાં. આજેય ચાલુ છે.
કમ્પ્યુટર ઑન. ઇન્ટરનેટ ચાલુ. કોઇ સાઇટનું એડ્રેસ લખ્યું. સર્ચ એન્જિનમાં કંઇક
ટાઇપ કર્યું. ઇ-મેલ પાસવર્ડ લખ્યા. ચૅટની ચટાકા સ્ટ્રીટમાં પેઠા. ને ઍન્ટર
માર્યું. સટ્ટાક! પાર્ટી ગાયબ. જાતભાતની
જગાઓ. તરેહતરેહના રંગ. ક્લિક કરતા જાવ. એન્ટર થતા જાવ. પછી નૅક્સ્ટ. નૅક્સ્ટ. નૅક્સ્ટ.
નૅક્સ્ટ.... (મને બધ્ધેબધ્ધી ખબર છે બૉસ! ડીટેલમાં). તમારી દરેક
ચાલ પર ઍરોનો પહેરો. બૅક. ટૉપ. બૉટમ. પ્લે. પૉઝ. ફૉર્વર્ડ. એક નાનું અમથું.
ઝીણકુંક બટન. બટન તમારી લાઇફની ચાંપ દબાવે. ચલાવે. દોડાવે. તાકાત છે કોઇની? તમને આ બટનથી છોડાવે? એકથી છટકો ત્યાં
બીજું દેખાય. ત્યાં ક્લિક કરો તો નવું. સાયબર પોળમાં ચાંપ બટનથી ચાલતાં રમકડાં થઇ
ગયાં. તમે. હું. પોતાને ઇન્ટલૅક્ચુઅલ માનતો દરેક શખસ. મિસ્ટર અને સિસ્ટર બટન. હોય
વળી, ઘણા બટનને ઘરનું નામ પણ આપે. પણ બટન એટલે બટન. હવે આખી દુનિયાનું વતન.
કોણ છે, આ બટનગીરી કરનાર? સાયબર પોળની
સાંકડ-મોકડ શેરીઓમાં હકૂમત ચલાવનાર? ચલો બતાડું. થોડી
હિંમત હોય તો. આવો મારી જોડે. ક્યાં, ખબર છે? સાયબર દુનિયાની
બહાર. કોઇને કીધા વિના. ચલો. પેલી ઝંડી જોઇ? ચાના કપ જેવી? એક બાવાની દેરી છે. ‘જાવા’ બાવા. બટનગીરીનો જૂનો
જોગી. આવો. એ દેરીમાંથી એક શેરી નીકળે છે. સાયબર પોળની બહાર. હં.... યસ! આ છે પોળની રવેશ. એઝ ઇન, ફસાડ. ફ્રન્ટ. એક લંબચોરસ જગા.
બહુબહુ તો ૨૦ ઇંચ. ને ભપકો આખી દુનિયાનો. આખી દુનિયા જ સાયબર પોળમાં. હો હલ્લા.
ડિસ્કશન. બ્લૉગ. નેટવર્કિંગ. હેએએએયને દુનિયાભરનું હુડદંગ. હવે બહાર જુઓ. બિલકુલ
શાંતિ. કેવો સુશોભિત રવેશનો પ્રવેશ! રંગીન તસવીરો. પેલું
દેખાયું? જ્યાંથી તમે અંદર પેઠેલા તે. ઍન્ટર બટન. એનાં
પણ જાતભાતના નામ. હોમ. અબાઉટ અસ. કંપની પ્રોફાઇલ. અવર ટીમ. ન્યૂઝ. એન્ટરટેનમેન્ટ.
ઇ-મેલ. કૉન્ટેક્ટ અસ. યસ! આમાંથી કોઇ પણ બટન. ક્લિક
કરો. ને કાચી સેકન્ડમાં ફરી પાછા અંદર.
આ દરેક બટન એક પ્રોગ્રામ છે, માય ડિયર! તમારી સર્ફિંગ
પેટર્ન. ક્લિક કે સ્ક્રૉલ હૅબિટ્સ. કનેક્શન સ્પીડ. સ્ક્રીન સાઇઝ. મોબાઇલ કે
કમ્પ્યુટર. તમને ગમતા રંગ. દિવસે બ્રાઇટ નહીં. રાતે લાઇટ નહીં. (હવે લાઇટ એટલે આછું
યાર). સ્ક્રીનના કયા ખૂણે પહેલી નજર પડે? ક્યાં ધ્યાન
ખેંચવું? ‘ફ્લૅશ’ મારવી. દરેકની બધી આદતો ઘોળીને પી ગયા છે. અમુક ખાં સા’બો. આ બટનગીરી એમની છે. રવેશ પછવાડે દુનિયાને તાણી જતા. બટન
અને ઍક્શનની વચમાં રહેતા જાદૂગરો. તમને રતીભાર ખ્યાલ નહીં આવે. એવો ગજબ ખેલ છે.
ક્લિક કરો ને મેલ સેન્ડ. ડાઉનલોડ હીટ કરો. પિક્ચર કૉમ્પમાં. ‘હલો’ ટાઇપ કરો. સામેથી એમના ‘હાલ’ આવે. સીધું સાદું
દેખાતું એક નાનું બટન. પોતે જ એક ખમતીધર ઍપ્લિકેશન. એની દરેક ઍક્શન પાછળ કોઇકની
કલાકોની મહેનત.
સાયબર રવેશ. ફસાડ. ફ્રન્ટ. જીવતી. જાગતી. રંગીન રાખતા. ફ્રન્ટ-એન્ડ (front-end) ડેવલપર્સ. અગ્રાંત
નિર્માતા. વૅબ સાઇટની ડિઝાઇન. આકર્ષક છતાં સરળ. વિઝિટર માટે યોગ્ય માહિતી. કોઇપણ
ક્રૉસ-પ્લૅટફૉર્મમાં સાઇટ સરખી દેખાય. મુલાકાતી ગૂંચવાય નહીં એવી રચના. આ લોકો
કરે. એમની માગ ધરખમ. કેટલી? એક વૅબસાઇટ કહું.
દર સેકન્ડે કેટલી નવી વૅબ સાઇટ લૉન્ચ થઇ. કેટલાં ઇ-મેલ ગયા. કેટલા ઇન્ટરનેટ યુઝર્સ
વધ્યા. એની દેશ, પ્રદેશ સાથે માહિતી મળશે. www.internetlivestats.com. જેટલી ઝડપે આંકડા ફરે. એટલી ઝડપે ફ્રન્ટ-એન્ડ
ડેવલપરની ડીમાન્ડ વધે.
દોસ્તો! બનવું છે? નવી દુનિયાના
કિમિયાગર? દુનિયાભરના ખબરી. ખબરપત્રી. નેતા. અભિનેતા.
સરકારો. યુવાનો. ઇન્ટલેક્ચુઅલ્સ. બિઝનેસમૅન. શૉપર્સ. શૉપકીપર્સ. ઑનલાઇન આખેઆખું
જગત. તમારા એક બટનના ઇશારે. આ જ આજ અને આ જ આવતીકાલ છે. જાવા સ્ક્રીપ્ટ. હાયપર
ટેક્સ્ટ માર્કઅપ લૅંગ્વેજ (HTML). કાસ્કેડિંગ
સ્ટાઇલ શીટ (CCS). કન્ટેન્ટ મૅનેજમેન્ટ સિસ્ટમ (CMS). ફ્રી. હા, સાવ
ફ્રી. ઘેરબેઠા. ઑનલાઇન. જાતે કરતા જાવ અને શીખતા જાવ. ભૂલ કરો. સુધારો. કરિયરની
નવી દુનિયામાં. પોતાનો બિઝનેસ વધારો. કોઇની સાડીબાર નહીં. એક કમ્પ્યુટર. એક નૅટ
કનેક્શન. અને પછી એક ઍક્શન. એની ઉપર આખી દુનિયા. જાહેરમાં કહેવાય નહીં. ખાનગી રખાય
નહીં. ડાન્સ કરશે ડાન્સ, લોકો. એક ક્લિકમાં. બની જાવ ફ્રન્ટ-એન્ડ ડેવલપર. જમાવો
સાયબર પોળની રવેશ પછવાડે તમારી બટનગીરી.
બીજી એક વૅબ લિંક આપું. ૩૦થી વધુ કોર્સ મળશે. વિડિયો ટ્યૂટોરિયલ્સ અને ઑનલાઇન
ચેલેન્જિસ સાથે. http://despreneur.com/30-best-websites-to-learn-design-and-development . હવે ક્યાં રાહ
જોવાની? હીટ કરો આધુનિક કરિયરનું નવું સ્ટાર્ટ બટન....
Viral Mehta