પૈસા બચાવતું લકી વૉલેટ
'બ્રેકફાસ્ટ રૅડી મન'! આવાજમાં ઝાકળની તાજગી સાથે મન્વિતાએ બૂમ પાડી. મનોનિત વિચાર તંદ્રામાંથી જાગ્યો. ક્યાં પેલા સડક પર પાકીટ, પટ્ટા વેચવાના દિવસો. ને ક્યાં મન્વિતાના સાંન્નિધ્યમાં ચહેકતી આ જિંદગી. મૅન એકેસેસરીઝની બનાવતી મોટી ફર્મનો માલિક હતો મનોનિત હવે. ત્યારે તો આ બ્રેકફાસ્ટ ક્યાંથી હોય? બપોરે પેલાં જૂતાં સાંધતા દેવજી કાકાના ટિફિનમાંથી બે બટકાં મળતાં. એમાં બંને ટંકનું જમી લેતો. આજે શહેરની મોટી મૅનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં એની બ્રાન્ડ પર કેસ સ્ટડી રજૂ કરવાનું આમંત્રણ હતું. મનોનિતને જૂના દિવસો યાદ આવી રહ્યા હતા.
જૂતાં સાંધીને જે કંઇ મળતું તે એક જૂનાં ફાટેલાં વૉલેટમાં રાખતા. લો આ નવું પાકીટ રાખો. ઘણીવાર દેવજી કાકાને કીધું. એ માને જ નહીં. મનોનિત કૉલેજના સ્કૉલર્સને બ્રાન્ડ સ્ટોરી કહેતો હતો. દેવજી કાકા એને, નસીબવંતુ પાકીટ કહેતા. એ કહેતા આમાં પૈસા બચે છે. એમનો જવાબ મારા માટે કુતૂહલ બની ગયો. કોઇ વૉલેટ લકી હોય ખરું? એક રાતે મને વિચાર આવ્યો. નસીબવંતુ પાકીટ. લકી વૉલેટ. એમ કહીને હું બજારમાં વેચું તો? એક તો ફૂટપાથની બજાર. કંપનીનું નામ નહીં. દરેક વૉલેટ જુદું દેખાય. કોણ માને?
એટલે મેં વિચારીને પાકીટ બનાવનાર પાસેથી એક સરખા રંગ, પેટર્નના પાકીટ લીધા. પછી 'ફૉર્ચ્યુન'નો રબર સ્ટેમ્પ બનાવ્યો. વૉટર પ્રૂફ ઇંકથી બધા પાકીટ પર એક કૉર્નરમાં સિક્કો માર્યો. સજાવી દીધા વૉલ પર. ધીમેધીમે એવું થતું કે સાંજે ૪ સુધીમાં બધો માલ ખપી જતો. આ એક સરખા દેખાવની અસર હતી અને સિક્કાની. પહેલા મારા સ્ટેન્ડ પર લોકોનું ધ્યાન પણ નહોતું જતું. હવે ઊભા રહીને બધા જોતા. પૂછતાં, કંપની સારી છે? લોકોને વિશ્વાસ બેસતો. પાકીટ બનાવનાર પણ મારા વધતા ઉપાડથી ખુશ હતો. એની પેટર્નમાં મેં મારી મરજીના ફેરફાર પણ કરાવ્યા. ધંધો વધતો ચાલ્યો હતો. અને હિંમત પણ. મેં થોડું જોર કરી એક દુકાન રાખી લીધી. 'ફૉર્ચ્યુન જેન્ટ્સ એક્સેસરીઝ' નું બૉર્ડ હવે રાતે પણ ચમકતું હતું.
ત્યારે તો મને પણ માર્કેટિંગ અને બ્રાન્ડિંગનો કક્કો પણ ક્યાં ખબર હતો? પણ હવે શહેરના યુથ અને સ્ટાઇલના ચાહકોમાં ફોર્ચ્યુનનું નામ બોલાવા લાગ્યું હતું. બ્રાન્ડ ઉપર ટ્રસ્ટ ઊભું થયું હતું. હજી કોઇ નવા બૂસ્ટની જરૂર હતી. હજી પેલો લકી વૉલેટનો આઇડિયા મારા મનમાં રમતો હતો. એ કઇ રીતે અમલમાં મૂકવો એ વિચારતો રહેતો. પછી એક દિવસ એક વિચાર આવ્યો. ખૂબ સફળ રહ્યો. મને પણ આશા નહોતી કે આ લકી વૉલેટનો આઇડિયા આટલો લોકપ્રિય બનશે.
કસ્ટમર વૉલેટ વાપરે જ નહીં તો પૈસા ખર્ચાય નહીં. કસ્ટમરને એમ તો કહેવાય નહીં કે વૉલેટ ન વાપરો. એ તો આપણો જ ધંધો બંધ કરવાની વાત થઇ. મેં દેવજીકાકાની આદત યાદ કરી. એ પાકીટમાંથી પૈસા વાપરતા જ નહીં. એટલે વૉલેટ ભરેલું રહેતું. લોકો વૉલેટ ખરીદે અને એમાંથી પૈસા ન વપરાય એવા રસ્તા કયા? હું બ્રાન્ડ ઇમેજ અને વૅલ્યુ એડિશન તરફ આગળ વધી રહ્યો હતો. પૈસા બચાવવાની અસરકારક રીતોનું એક લિસ્ટ મેં એમાં મૂક્યું. પણ લિસ્ટની માફક નહીં.
પાકીટની દરેક સ્લીવ ખર્ચ પહેલા સવાલ કરતી. 'ખરીદવું જરૂરી છે'? 'રાહ જોઇ શકાય'? 'આ ઓછામાં ઓછી કિંમત હશે'? 'ન ખરીદો તો'? 'બધાં જરૂરી પેમેન્ટ થઇ ગયા'? 'ગયા મહિને બચત કેટલી'? 'એમાં મહેનત કેટલી'? 'દર મહિને બચે તો વર્ષે કેટલા થાય'?
વૉલેટમાં એક બીજું પણ લિસ્ટ હતું.... હિસાબ લખો અને કિસ્મત લખો. વીજળીક ઉપકરણો બંધ હોય ત્યારે અન-પ્લગ રાખો, વર્ષે ૩૦૦૦ રૂપિયાની બચત કરો. ગૅસનો બિનજરૂરી ઉપયોગ ન કરો. કેટલી કૅશ છે એની નોંધ રાખો. બિનજરૂરી કૅશ સાથે ન રાખો. ખરીદતા પહેલાં કૉસ્ટ, ક્વૉલિટીની સરખામણીનું રિસર્ચ કરો. રેસ્તરાંમાં ઓછાંમાં ઓછાં ચાર એડલ્ટ સાથે જાવ, બેના ખર્ચમાં ચાર જમો. દોસ્તોને ઘરે જ બોલાવો, ઘરની રસોઇ એટલે બચતનો સ્વાદ. પૈસા બચાવીને કરોડપતિ કે વાપરીને રોડપતિ? જાતે નક્કી કરો.
મોંઘવારી અને આર્થિક સંકડામણના સમયમાં આઇડિયા હિટ થયો. દરેકને ટકોરની જરૂર હતી. ઇમોશનલ કે સ્ટ્રેસ પરચેઝ પહેલાં. જાહેરમાં ક્ષોભ ન થાય એ રીતે. વૉલેટ ખર્ચના દરેક નિર્ણય પહેલાં ટકોર કરતું. લોકોને એમનું વૉલેટ જ પૈસા બચાવવાની પ્રેરણા આપતું. પછી તો ધીમે ધીમે એ આદત બની જતી. વૉલેટ જોવાની પણ જરૂર નહોતી રહેતી. લોકો ખર્ચ વિષે વિચારતા થયા. એટલે બચત વિષે વિચારતા થયા. ખિસ્સા ખર્ચ માટે રાખેલું વૉલેટ બચતનો સૌથી મોટો સાથી બની ગયું.
દોસ્તો, આવું વૉલેટ જાતે પણ બનાવી શકાય. વૉલેટમાં પૈસા સાથે બચતના તમારા પોતાના આઇડિયા પણ મૂકી શકાય. દર મહિને પૉકેટ મની બચાવીને આગલા વર્ષની ફી તમે કાઢી શકો. ઉપયોગી વસ્તુ ખરીદી શકો. આજકાલ લોકોમાં પૈસાદાર લાગવાની ફેશન ચાલી છે. ઘરમાં સભ્યો કરતા વધારે મોબાઇલ ફોન મળે. શહેરમાં ચાલવાની જગા નથી તોય કાર. પાર્કિંગમાં મૂકી રાખવા કાર લોન. દુનિયાને બતાડવા. ઘરના બજેટમાં કાપ મૂકીને. કપડાં તો એટલાં કે તિજોરી બંધ ન થાય. ફિલ્મ સ્ટાર્સના વૉર્ડરૉબ તો સ્પૉન્સર્ડ હોય. એટલે એક ડ્રેસ એક વાર પહેરે. ગાભાં-ડૂચાં નીકળે એટલા પૈસા કપડાં માટે ન ખર્ચાય.
જરા વિચારો. આવા સોરા પાડે ને ભપકા છાંટે એને તમે શું કહો? બસ, એ જ વાત લોકો તમારા માટે કહેશે. બધાને પોતાની હકીકત ખબર છે. એટલે જ બધાને બધાની હકીકત ખબર છે. ધનવાન લાગવું અને ધનવાન હોવું એ બંનેમાં તફાવત છે. ખરો ઘનવાન ઘન ખોટું વેડફે નહીં!
Viral Mehta