19 મે, 2014

જૉબ કરવાના જમાના ગયા હવે (Udaan 47)

જૉબ કરવાના જમાના ગયા હવે
બૅગ સોફા પર ફંગોળી. ફાઇલ ફોલ્ડર્સ ટિપોય પર પટક્યાં. ફોન પલંગમાં ઝીંક્યો. અસંતોષ, દ્વિધા, કંટાળો, તિરસ્કાર બધી જ નકારાત્મકતા ચીડ અને દાઝ રૂપે એના તેજ શ્વાસમાં ઉભરાતી હતી. ઘડિયાળમાં અને એના ચહેરે બપોરના બાર વાગ્યા હતા. વહેલો ઘરે આવી ગયેલો બ્રિતાંત. 'છોડી દીધી'? ઠંડા બરફ જેવા અવાજે ડૅડીએ પૂછ્યું. 'ડોન્ટ સે દેટ, ડૅડ'. સામે જોયા વિના એણે છાંછિયું કર્યું. 'ઓ.કે. તો કાઢી મૂક્યો'? ડૅડીએ માંડ હસવું રોકતા એની ફિરકી લીધી. ડૅડી માટે આ સીન નવો નહોતો. આ પહેલાં ત્રણેક જૉબ એ છોડી ચૂક્યો હતો.
'કાલે રિઝાઇન કરી દઇશ. હેપી નાઉ'? એ ગરજી રહ્યો હતો, 'પ્રોડક્ટની ડિમાન્ડ નહીં. કોલેટરલ સપૉર્ટ નહીં. ઇમ્પૉસિબલ ટાર્ગેટ્સ'. 'એ પણ મોંઘવારીમાં. જ્યારે લોકો જરૂરિયાતો ઉપર કાપ મૂકતા હોય', ડૅડીએ એ જ ટોનમાં બ્રિતાંતનો ડાયલૉગ પૂરો કર્યો. 'મજાક લાગે છે? કરી જુઓ આ ગધ્ધાવૈતરું. રિટેલર્સ, ડિલર્સ ઊભા ન રાખે. ઑર્ડર ક્યાંથી આપવાના'? બ્રિતાંતે બળાપો કાઢ્યો, 'એમાં ચમચાગીરી કરીને સિનિયર બનેલા છૂંછા ટણી કરે'. 'બ્રિતાંત પર ટણી કરે, એમ'? ડૅડી તો હજી મસ્તીના મૂડમાં જ હતા. 'આજે તો હદ થઇ ગઇ ડૅડ. મારા સિનિયરે મને સંભળાવ્યું કે, જૉબ મારા ગજાંની વાત નથી. મારે કોઇ કામ શોધી કાઢવું જોઇએ. સેલ્ફ-એમ્પ્લૉઇડ બની જવું જોઇએ. હાઉ ઇન્સલ્ટિંગ? મારા એજ્યુકેશન, બુદ્ધિ કશાની વૅલ્યુ નહીં? મારી જિંદગીની કોઇ વૅલ્યુ નહીં'? હવે વાત સિરિયસ થઇ ગઇ. ડૅડીએ મજાક બંધ કરી. મમ્મીએ થાળી પિરસી. ચૂપચાપ લંચ કરીને બધા પોતાના રૂમમાં ગયા.   
આ છે, દરેક શિક્ષિત યુવાનની સ્થિતિ. ભણતરનો મતલબ નહીં. મહેનતની કદર નહીં. હતાશાની જમીન પર જોશ અને સાહસ ક્યાંથી જાગે? સવાસો કરોડનો દેશ. સૌથી વધુ યુવાનો આ દેશમાં. એક જણ જૉબ છોડે તો બીજા સો મળશે. આ એટિટ્યૂડ? 'નો બડી ઇઝ ઇર્રિપ્લેસેબલ', એવી અડિયલ કૉર્પોરેટ થિયરીઝ. જૉબ સિવાય સ્થિર આવકનો કોઇ વિકલ્પ ક્યાં છે? જૉબ હોય તો કન્યા મળે. છેલ્લી ત્રણ પે-સ્લીપ હોય તો લોન મળે. સમાજમાં બે માણસ સીધા મોંએ વાત કરે. નોકરી બચાવવાની વેતરણમાં યુવાન પીલાતો રહે. કોઇ મસ્કાબાજી કરીને તો કોઇ અંદરોઅંદર ધૂંધવાઇને. આ શું કહેવાય? સ્વમાનનું ગળું દબાવતી ગુલામી? શિક્ષિત યુવાનોની હિંમત ભાંગતું ષડયંત્ર? કે બીજું કંઇ? રૂમમાં ખિન્ન ચિત્તે બ્રિતાંત પણ આવું જ વિચારતો હતો. માતા-પિતા સમજદાર હતા. દરેક સ્થિતિમાં હસતા મોં એ સાથ આપતા. નહીંતર....
મન મક્કમ કરી એણે રીઝાઇન કરવાનો ફેંસલો કરી લીધો. પેલા સિનિયરને મળ્યા વિના સીધા એમ.ડી.ના હાથમાં કાગળ ધરવા ઑફિસ પહોંચ્યો. મારે ક્યાં અહીં ફરી આવવું છે? કહી દઇશ બધી હકીકત એમને. છો પછી પેલાની રેવડી નીકળે.... વિચારોમાં જકડાયેલો રાહ જોતો હતો. સેક્રેટરીએ અંદર જવા કહ્યું. ચહેરા પર તરવરાટ અને હસતા મોં એ સાહેબે બ્રિતાંતને આવકાર્યો. 'દોસ્ત, તમને બધાને રેગ્યુલર મળી શકતો નથી એ માટે સૉરી. ગુડ ટુ સી યુ, યંગ મૅન'! બ્રિતાંત તો સાંભળતો જ રહી ગયો. કેટલો ઉમળકો. કેટલો સરસ આવકાર! 'મસ્ટ બી સમથિંગ ઇન્ટરેસ્ટિંગ, શો મી'? ચબરાક એમ.ડી.એ સામેથી જ એના હાથમાંનો કાગળ માગ્યો. બ્રિતાંતને ક્ષોભ થયો. 'બસ? જવું છે? કારણ કહીશ તો મને આનંદ થશે'. સાહેબે પૂછ્યું. બ્રિતાંતે નીચું જોઇને કીધું. 'મારો સિનિયર મને કહે છે, મારે જૉબ છોડી દેવી જોઇએ સેલ્ફ-એમ્પ્લૉઇડ બનવું જોઇએ'. 'તો એમાં ખોટું શું છે? તું સેલ્ફ એમ્પ્લૉઇડ બની જા'. એણે આશ્ચર્યથી ઊંચું જોયું. સાહેબ હસતા હતા.
ખભે હાથ મૂકીને સાહેબ એને પોતાની ચૅર પાસે લઇ ગયા. બેસાડી દીધો. એ ઊભો થવા ગયો તો રોકી લીધો. 'સી? નાઉ યુ આર સેલ્ફ-એમ્પ્લૉઇડ. ઓનર ઑફ દ કંપની'. એમણે સામે બેસતાં કહ્યું, 'હવે ત્યાં બેસીને વિચાર કે, આ કંપનીને તારે એક વર્ષમાં ક્યાં લઇ જવી છે'? એક જ ઘડીમાં આ માણસનું ગજું બ્રિતાંતને સમજાઇ ગયું. 'પહેલું ડ્રોઅર ખોલ'. સાહેબે કીધું. એણે ખોલ્યું તો ઑર્ડર ફૉર્મ હતું. 'આપણી પ્રોડક્ટનો પહેલો ઑર્ડર. મેં કામ શરૂ કર્યું એના પાંચ વર્ષ પછી મળેલો. ત્યારે તો કલ્પના પણ નહોતી કે તમારા જેવા હોનહાર સ્માર્ટ યુવાનો મારી સાથે હશે'. સાહેબ કહેતા રહ્યા, 'બ્રિતાંત, આ દુનિયામાં દરેક વ્યક્તિ સેલ્ફ-એમ્પ્લૉઇડ છે. જૉબ સમજીને કરીશ તો નિષ્ફળતાને અવકાશ રહેશે. કંપનીનો માલિક બનીને વિચાર. નાકામી મોં ફેરવીને ભાગશે. કામ કંપની માટે નહીં તારા પ્રોફિટ માટે કર. સેલરી પ્રોફિટ માનીને સ્વીકાર. પ્રોફિટ વધારવાનું વિચાર. આ ઑફિસમાં દરેક ચૅર બૉસની ચૅર છે. એમ આઇ રાઇટ શુકન'? બ્રિતાંતનો સિનિયર ધીમેથી પાછળ આવીને ઊભો હતો. 'જૉબ કરવાના જમાના ગયા હવે, બ્રિતાંત. હવે દરેક વ્યક્તિ ઇન્ડિપેન્ડન્ટ પ્રૉફિટ સેન્ટર છે'. શુકને હસીને કહ્યું, 'જૉબ? નોકરી? હાઉ ડેરોગેટરી? સ્વમાની યુવાનનું ગજું જ નથી કે જૉબ કરે. શિક્ષિત યુવાનમાં કાબેલ બિઝનેસ મૅનનું ગજું જગાડવું પડે. વિશ્વભરમાં સારી કંપનીઓ દરેક વ્યક્તિને બિઝનેસ ઓનર માને છે. અને ઉત્તમ પરિણામો મેળવે છે.'
સાંજે ડૅડી પૂછે તે પહેલાં બ્રિતાંતે હસીને કીધું, 'છોડી દીધી જૉબ. પોતાનો બિઝનેસ શરૂ કર્યો'. ડૅડી તો સમજી ગયા. તમે પણ સમજો. હવે જૉબને જૉબ સમજીને નહીં, પોતાનો બિઝનેસ સમજીને કરો દોસ્તો. બધું તમારા ગજાંનું લાગશે. જિંદગીની મોસમ ફરી જશે!   

Viral Mehta