આ લાલ પીળો દોરો....
બે-પાંચ કવિતા લખી કાઢી. બાર-પંદર લેખ લખી કાઢ્યા. ઠીક બધું મારા ભૈ. લખનારાને
પૂછે કોણ? શું કો’છ, મારા કવિ
બાદશા’વ? મારા લાડકા લેખકડાવ? મારા વાલમીયા કૉલમીયાવ? ભાવ પૂછે છે કોઇ? જિન્સ ટી-શર્ટનો જમાનો આવ્યો. તોય લેખકની જિંદગી જુઓ. ઝભ્ભા,
થેલામાં હતી એવી જ. શેઠ આ છાપોને? મારી પહેલી નવલકથા. શેઠ
આ પહેલો કવિતા સંગ્રહ. શેઠ આ મારી ટૂંકી વાર્તા. તે ભૈલા વાર્તા ટૂંકી જ સારી.
લાંબી કરવામાં બહુ મજા નહીં. તારું કામ તો જાણે ઠીકઠાક છે, પણ.... અરે શેઠ ફરી
પાછું પણ? એકસો ને પંદર જણનું ‘પણ’ સાંભળીને આવ્યો છું. એ શેઠ. ઓ મારા શેઠ. એક પુસ્તક. બસ એક
જ. રીક્વેસ્ટ. પબ્લિશ કરી આપોને? તમે જો જો તો ખરા, લોકો
વાંચીને ગાંડા-ઘેલા થઇ જશે. ચપોચપ ઉપડશે. તમે જ કહેશો રી-પ્રિન્ટ કરીએ. એં.... એક
જ વાર. શેઠ, મારું માનો. કાકલૂદી. હાથ જોડે. પગ પકડે. શાને માટે?
કરોડપતિ થવા? પુસ્તક છપાવીને? કોઇને થયા જોયા? ભૈલા, પેટીયું (પેટ
અને પેટી બંને મતલબે) ના મળે આમાં. સદીઓથી સતત અસ્તિત્વની લડાઇ લડતો લેખક. સ્વમાન,
અભિમાન ભૂલીને. આટલી આજીજી કોના માટે કરતો હશે? પોતાના અસ્તિત્વ
માટે? ફુરસદે વિચારજો. આ શોખ નથી. પ્રવાહ છે. ધસમસતો.
ધગધગતો. ઝગઝગતો. એને એકથી બીજામાં પહોંચાડવાનો. ભેખ લીધો છે. અમુક લોકોએ. કલમ
ઉપાડીને. ઉપરનું વાંચીને હસું હસું થયા હો. તો કહી દઉં. એ માત્ર હસવાની વાત હતી. એ
તો નજર ઉતારી લીધી, એ બહાને. ખરા લેખક. સાચા કવિ. ખુમારીદાર સર્જક. હાબાપા,
ભાઇજીબાપા નથી કરતા. ત્યાં સુરતમાં નર્મદ મળે તો પૂછજો. કલમને ખોળે માથું મૂકવું
એટલે શું? એ મસ્તક બીજે ક્યાંય ન ઝૂકે. શંકરે ઘર છોડેલું.
ધનવાન પિતાનું આંગણું. કવિતા માટે. સ્વાભિમાન ગીરવે નહોતું મૂક્યું. સરસ્વતી.
જ્ઞાન. નૉલેજ. એની જ્યોત જલાવવાનું પ્રણ લીધેલું. ‘પણ....’ સાંભળતાં જ નીકળી જતો. ઑફિસની બહાર.
મર્ડર. રહસ્ય. અત્યાચાર. મરદનું રક્ત. નારીના આંસુ. એવું કંઇક લખો. આજકાલ એવું
જ ચાલે. કવિતા કોણ વાંચે છે? અફસોસ! જવાબો આજે પણ.... પિતાનું મહેણું ભાંગવા શહેર ગયેલો શંકર. રહેવાનું
તો ક’દી વિચારેલું જ નહીં. બસ, એક સપનું ગુલાબી હતું
એનું. બાળપણની સખી. ગૌરી. એની સાથે સંસાર માંડવાનું. બા તો માંગું નાંખી આવેલાં. બધું
નક્કી જ હતું. શંકરના પિતાને વાંધો પડ્યો. શંકર સાથે. કવિતાઓ સાથે. એમ જિંદગી ના
જાય. શંકર ઘેર કીધા વિના નીકળી ગયો. ગૌરીને વચન આપેલું. રોજ મારી રાહ જોજે. વહેલો
પાછો આવીશ. સમય સરતો ગયો. શંકરની કોઇ ખબર નહીં. પબ્લિશર્સની ઑફિસો ટટોળતો થઇ
ગયેલો. ગામમાં ગૌરી. એના પિતા. શંકરની બા. રાહ જોઇને થાક્યા. લાગતા વળગતા તો ગૌરીનું
બીજે ગોઠવવા પણ કહેતા.
ગૌરીનો મોટો ભાઇ રવિ. એ સાવ જુદા ખ્યાલનો. એ તો શંકર કરતા ઘણો વહેલો શહેર પહોંચેલો.
શહેરમાં ઑપર્ચ્યુનિટીઝ છે. ગામમાં શું? ધૂળ ને ઢેફાં? રવિને તો શહેરમાં જ વસવું’તું. ભણતો
ત્યારથી. એક ગુલાબી રંગ એની આંખેય લહેરાતો. રાધા. બે સપનાં રવિને પણ ખરાં. એક તો ખૂબ
ધનવાન થવું. અને બીજું. ખૂબ વધુ ધનવાન થવું. રવિ શંકરને કાયમ કહેતો. ‘આજકાલ માનવી બુદ્ધિથી નહીં. પણ એની પાસે કેટલી મૂડી છે. એ
પરથી ઓળખાય છે’. આજેય એવું જ છેને? ત્યારની હોય કે આજની. ‘આજકાલ’ થોડી બદલાય? ‘ગમે તેમ કરીને
મારે પૈસા કમાવા છે. ને એ ખાતર હું બધું જ કરવા તૈયાર છું’. બસ, એના આ ‘ગમે તેમ’ અને ‘બધું જ’માં ગોઠવી દીધી એણે રાધા.
ધનપતિ શ્રીકાંત શેઠની એકની એક દીકરી. ઘરજમાઇ બની ગયો રવિ. ગામમાં વૃદ્ધ પિતા. અને બેન
ગૌરીનું સગપણ સંતાડીને. અનાથ બનીને. રાધાના પિતાની સંપત્તિનો નાથ બની ગયો.
શ્રીકાંત એકલો માણસ. એકની એક મા વિનાની દીકરી. સાસરે વળાવવી નહોતી. અમસ્તાય,
મોંઢે ચઢાવેલી. રાધા સાસરે તો રહેશે નહીં. મોટો કારોબાર સંભાળવાય કોઇ જોઇએ. રવિ-રાધાને
પરણાવી દીધાં. લંડન ફરવા મોકલી આપ્યા. રાધાનો ત્યાંથી પત્ર આવ્યો. અહીં ગમી ગયું.
અહીં જ રહીશું. એકલા શ્રીકાંતને કારમો આઘાત. એના સુખ સારું ફરી પરણ્યો નહીં. એને
ઘરમાં રાખવા ઘર જમાઇ શોધ્યો. એ જ ચાલી ગઇ. શ્રીકાંતે ફરી લગ્ન કર્યાં. ક્યાં સુધી
એકલા.... ને ત્યાં જ રાધાનો પત્ર આવ્યો. પાછા આવીશું. અહીં ફાવતું નથી. નવી મા અને
રાધા એકબીજાંને સ્વીકારશે?
સવાલ એ નહોતો. જિગર સંભાળીને સાંભળજો. સવાલ શ્રીકાંતની પત્નીનો હતો. એને જોતાં
જ રવિ સાનભાન ભૂલી ગયેલો. દંગ રહી ગયેલો. લંડનથી પાછા આવતા જ. બંનેની આંખો મળેલી. છાના
ઇશારા થતા. એક દિવસ રાધાની નવી માનો હાથ પકડી લીધો રવિએ. રાધા જોઇ ગઇ. પછી તો એવી
અનેક ઘટનાઓ બની. બનતી રહી. રાધાએ ન છૂટકે પિતાને વાત કરી. ગજબ થઇ ગયો.
અક્કલ કામ ના કરે એવી વાત. કુદરતની રમતના આટાપાટા. ૧૯૬૩ની કન્નડ ફિલ્મ. યુ.
એસ. વાધિરાજની કથા. તમને થશે આવી તો ઘણી આવી ગઇ. આમાં શું? સર ને મૅડમ! આ સ્ટોરી ગતાગમ. સાનભાન. બુદ્ધિચાતુર્ય. બધું ભૂલવાડી દે
તેવી છે. સુપર હિટ કન્નડ ફિલ્મ હતી. ‘નંદ દીપ’. દિગ્દર્શક તરીકે એમ. આર. વિટ્ટલની પહેલી ફિલ્મ. બેસ્ટ
કન્નડ ફિલ્મનો અવૉર્ડ. અને બીજા આઠેક પ્રતિષ્ઠિત અવૉર્ડ્સ. જોઇ લીધું? ઉપર ટાઇટલ. લેખમાળાનું નામ. ‘ગુજરાત ટૉકીઝ’. કન્ફર્મ? ગ્રેટ! અધીરાઇ તો બાકી તમારી જ. વાધિરાજની સ્ટોરી ઉપરથી ૧૯૬૪માં
ગુજરાતી ફિલ્મ બની. ‘રમત રમાડે રામ’. નિરાંત થઇ હવે? પટકથા, સંવાદ.
પ્રબોધ જોષી લાજવાબ. દિગ્દર્શક દિનેશ રાવળ લાજવાબ. સૌથી વખાણવા લાયક બાબત. સિનેમેટોગ્રાફી.
બ્લેક ઍન્ડ વ્હાઇટના જમાનામાં. લાજવાબ. રંગીન જગતના લોકોએ એકડે એકથી શીખવું પડે
એવી.
ગીત-સંગીત લાજવાબ. ‘તેરે બિના બેસ્વાદી બેસ્વાદી
રતીયાં, ઓ સજના’. સોપો પડી ગયો,
અસ્તિત્વમાં? મારે પણ એમ જ થયેલું. ‘આ લાલ પીળો દોરો, એને તાણેવાણે બાંધ્યો, બાંધવો મેં ભોળો’. સાંભળ્યું તે ઘડીએ. એ જ ગીતમાં બીજું પરિમાણ. ‘આજ કાચાં રે સુતર કેરાં તારનો તહેવાર’. ‘હૂ તૂ તૂ તૂ.... જામી
રમતની ઋતુ’. મેં ક્યાં કંઇ કીધું? તમેય શું યાર! તાળો મેળવી દીધો? બધું આપણે ધારીએ
એવું ના હોય. કો’ક વાર લાગે સાંભળવામાં
સરખું. આપણે આંખ ને કાન ખુલ્લાં રાખવાના. ને મોં બિલકુલ બંધ. બોલવાનું મન થાય. તો
એક જ વાત કહેવાની. હૅટ્સ ઑફ અવિનાશ ભાઇ!
આટલી મૉડર્ન ગુજરાતી ફિલ્મ આ પહેલી. ને મેં જોઇ હોય તેવી કદાચ એકમાત્ર. અમસ્તા
કહું છું? ક્યાં આજકાલના રંગરોગાન? ક્યાં અલ્ટ્રા ફૅશનેબલ બ્લૅક ઍન્ડ વ્હાઇટ યુગ. એ કલાકાર
કસબીઓ ઘણા આધુનિક હતા. હવે પછી ક્યારેક આવનારા યુગના. ગજબ કહેવાય. કહું એક ઓર ગજબ? બે સુપરસ્ટાર્સની આ ડેબ્યુ ફિલ્મ હતી. એક તો તમે જાણો છો. રાધા.
સરિતા ખટાઉ જોષી. બીજાને તમે નહીં ઓળખો. સંજય. મૂળ આપણા સુરતના. મુંબઇ શિફ્ટ
થયેલા. નાટકોમાં ભારે નામના હતી. અંગ્રેજી નાટકો કરતા. ૧૯૬૦ની ‘હમ હિન્દુસ્તાની’ ફિલ્મમાં નાનો રોલ
મળેલો. ‘નિશાન’ ફ્લોર પર આવવાની
તૈયારીમાં. ‘ખિલૌના’ તો બહુ છેટે. હસું,
હસું થઇ ગયા? સંજીવકુમારની જ વાત કરું છું. એમની પહેલી ગુજરાતી
ફિલ્મ. ‘રમત રમાડે રામ’. સંજય નામથી એન્ટ્રી મારેલી એમણે. રવિના પાત્રમાં.
રવિની બહેન ગૌરીનું પછી શું થયું? શંકરને શહેર ફંફોળતાં
સમય ગયો. ગામ આવતા વાર થઇ. ઉચાટમાં. પારકા દબાણમાં. સમાજનો મલાજો રાખવા. પોતાની અવસ્થા
જોઇને. પિતાએ ગૌરીને પરણાવી દીધી. ધનવાન સાસરું ખોળેલું. મોટર. બંગલો. નોકર, ચાકર.
સાસરે રાજરાણીનું સુખ મળ્યું. સારા દિવસો જતા હતા. પણ.... વળી પાછું પણ. કારણ? ગૌરીના છાના સંબંધ. ના. શંકર
સાથે નહીં. ગૌરીના પતિની પરણેલી દીકરીના પતિ સાથે. કાનમાં તમરાં બોલી જશે, કીધું
તો ખરું? રાધાનો પતિ. શ્રીકાંત શેઠનો ‘અનાથ’ ઘર જમાઇ. ગૌરીનો સગો
ભાઇ. રવિ. આવું ગજબ કથાનક.
અદ્વિતીય. અવિસ્મરણીય. સગી બહેન સગા ભાઇની સાસુ? અને સાસુ
પ્રેગ્નેન્ટ?
હજી એક સરપ્રાઇઝ. બેસ્ટ ઍક્ટર અવૉર્ડ. ફિલ્મના હીરોને. અંહં. શંકર. મહેશ કુમાર
દેસાઇને મળેલો. ગૌરી. તરલા મહેતા. એમનો અભિનય બહેતરીન હોય. એને આશ્ચર્ય ન માનો. પિતા.
પ્રો. વિષ્ણુકુમાર વ્યાસ. શ્રીકાંત. અરવિંદ પંડ્યા. એમની કોઇ તુલના જ ન હોય. એમ
માનો. આ ઝળહળતી સ્ટારકાસ્ટ એકસાથે. એમના ઓરિજિનલ એલિમેન્ટ્સમાં. કારકિર્દીના
સુપરહિટ ફૉર્મમાં. એ જોવાનો લ્હાવો પોતે જ ગજબ સરપ્રાઇઝ. આને શું કહેવાય ખબર છે?
‘ઘડી મળી કાયાની પૂતળી ને માણસ રાખ્યું નામ. આ તો રમત રમાડે રામ’. રફી. મહંમદ રફી. ‘કોઇનું મીંઢળ કોઇને હાથે. કોઇનું ભાવિ કોઇની સાથે. કોઇનાં રથના કોઇ સારથી. કોઇને હાથ લગામ. આ તો રમત રમાડે રામ....’ આને કહેવાય, ‘રમત રમાડે રામ’.
Viral Mehta