બીજળ તણે ઝબૂકડે, મૂંધ મરેસી ખીજ! શ્રાવણની પહેલી
ત્રીજ પહેલા જો ન આવે સાજણ. વીજનો પહેલો ચમકારો બનશે મારાં ગમનનું કારણ! એક વિયોગિની વિપ્રલબ્ધાનો ચિત્કાર. વિયોગિની અને વિપ્રલબ્ધા.
નાટ્યશાસ્ત્રના સર્જક ભરતમુનિ. એમણે વર્ણવેલી અષ્ટનાયિકાઓ. ખંડિતા, હૃદય ભગ્ન. વાસકસજ્જા,
પ્રેમીના સ્વાગત માટે આતૂર. કલહાંતરિતા, પ્રિયતમ સાથે કલહ પછી પસ્તાવો અનુભવતી. અભિસારિકા,
પિયુને સંકેત મુજબ મળવા જતી. આજકાલ સ્ટેજ સ્ટાઇલુઓમાં રૉન્ડેવૂ, રૉન્ડેવૂ બોલવાની
ફૅશન નથી ચાલી? તે આ જ. અભિસાર. સંકેત
મુજબનું મિલન. સ્વાધિનપતિકા, સાજન (પતિ) પર સંપૂર્ણ અધિકાર ધરાવતી. ઉત્કંઠિતા,
લાંબા સમયથી અનુપસ્થિત પ્રેમીને ઝંખતી. વિયોગિની, પતિથી અલગ થયેલી. અને વિપ્રલબ્ધા.
આશક વચન મુજબ મળી ન શક્યો. તેથી હતાશ.
આકાશમાં વાદળ ગરજે. વીજળી ચમકે. મેઘલી રાત. વરસાદની ઝીણી ફરફર શરૂ થઇ. પેલા ઢોલીએ
તાલ ને કંઠ વહેતાં મેલી દીધાં. ચોધાર. અનરાધાર. રાણાના સિપાહી જાગશે. તલવારના
ઝાટકે દેશે. તયખાને કેદ કરશે. કશાની ફિકર નહોતી એને. કો’કનું ધ્યાન
ખેંચવું’તું બસ. એક પછી એક દોહા છેડતો રહ્યો. ધીમા
મલ્હારમાં. રાગ મારૂના સ્વર મેળવીને. એના ગીતમાં સંકેત હતો. કોઇનો સંદેશ હતો.
પહોંચી ગયો. મહેલ સુધી. જીવના જોખમે. વેશ બદલીને. યાચક થઇને. નગરમાં સિપાહીઓને
હાથતાળી આપી. અંધારું જામ્યું ને તાન માંડી. ‘નમણી, ખમણી,
બહુગુણી, સુકોમલ, સુકચ્છ. ગોરી ગંગા નીર જ્યૂં, મન ગરવી તન અચ્છ’. નમ્ર, ક્ષમાશીલ, અતિ ગુણવંતી અને સ્વરૂપવાન. ગર્વિત તન, મન
પાવન ગંગા નીર સમાન. પવિત્ર નારીનું વર્ણન હતું. ‘ગતિ ગયંદ, જંઘ
કેળ ગ્રભ, કેહર જિમી કટિ લંક. હીર ડસણ વિપ્રભ અધર, મરવણ ભ્રકુટી મયંક’. ભામિની ગજગામિની, સિંહલંક કટિ સુરેખ. હીરલ દંતાવલી, અધર
અમૂલખ, ભ્રમર બીજ શશિની રેખ. કોઇ નસીબદારને મળે. એવી અનન્ય મરવણ. નામ સાંભળતા જ
રાણાની આંખ ચમકી. મારવણ! હા.... આ તો એનો જ
સંદેશ. મારી પ્રિયતમા. મને રોજ સપને સાંભરે. એ જ. ઢોલીએ તાન વધુ ઊંચી કરી. ‘દુજ્જણ બયણ ન સાંભરી, મના ન વિસારેહ. કૂંઝા લાલબચાહ જ્યૂં, ખિણ ખિણ ચીતારેહ’. પારકી વાતોમાં તેં મારી
વિસારી યાદ. તલસતા પંખીબાળ શો સાંભળ મારો સાદ.
રાણાને બાણપણ સાંભર્યું. પૂંગળ દેશના રાજવી. પિંગળ પંવાર. અકાળનો સમો ગાળવા. નરવર
રાજ્યમાં આવેલા. રાણો ત્યારે ત્રણ વર્ષનો. પૂંગળ રાજાની કુંવરી દોઢ વર્ષની. બંનેના
લગ્ન થયાં. દુકાળનો કાળ ઉતર્યો. પછી વસમો વિયોગ શરૂ થયો. રાજકુંવર યુવાન થયો. લગન,
વચન વિસરી ગયો. પત્નીને ઘેર તેડવાનું ભૂલ્યો. બીજાં લગ્ન થઇ ગયાં. માલવણ સાથે. ત્યાં
મારવણ પર સોણલ રૂપ ચઢ્યાં. ‘આદિતા હૂં ઉજલો, મારૂણી
મુખ બ્રણ. ઝીણાં કપડાં પૈરણાં, જ્યોં ઝાંકીઇ સોબ્રણ’. સૂરજ કરતાં
ઉજળો મારૂણી મુખનો વર્ણ. ઝિલમિલ રેશમ ઓઢણથી ઝળકે રૂપ સુવર્ણ. ઢોલી રાતભર ગાતો
રહ્યો. ઢોલા રાણાનો જીવ રહ્યો નહીં. અંતર પોકારી ઊઠ્યું. મારવણ. મારી મારવણ. મારૂ.
‘ઢોલા મારૂ’. ૮૦૦ વર્ષ જૂની પ્રેમકથા. રાજસ્થાનના હૈયે વસેલી. ત્યાં તો
દરેક સખી એના પિયુનું પહેલું નામ ઢોલા રાખે. ત્યાંના લોકજીવનમાં ઢોલાનું નામ સદીઓથી
અંતરંગ. એ કથા ઉપરથી ગુજરાતી ફિલ્મ બનેલી. ૧૯૮૩માં. વન, ટુ.... તાક્ તાક્ તાક્....
આગલા પગે ઠેકો. પાછલા પગે ઠેકડો. થ્રી, ફોર.... ધીન તાક્ તાક્.... બંને હાથ ડાબે
જમણે. ગરદનની મૂવમેન્ટ એથી વિપરિત. માળું’ અઘરું હોં? ફાઇવ, સિક્સ, સેવન, એટ.... તિરકિટ તિરકિટ, ધા ધૂમ ધા, તાક્
તાક્ તાક્.... સ્નેહલતાને ફરતે સનન... સનન.... ને છોગું વટથી ફૂંક મારીને લહેરાવે,
બૉસ! બૉસને ઓળખાણની જરૂર? રૂપેરી પરદાના ઓરિજિનલ
રાજા. એટલે નરેશ. નરેશ કનોડિયા. આટલો લાઇવ અભિનેતા. ગુજરાતી શું? દુનિયાના સ્ક્રીન પર. પહેલીવાર જોયો. અઘરું
છે, ભાઇ નરેશ કનોડિયા એક જ હોય. બીજા કોઇ પણ માટે અસંભવ! બધે આવો કરંટ
ક્યાં હોય? ઢોલા-મારૂની ભૂમિકામાં નરેશ-સ્નેહલતા. જામે ભાઇ
જામે. કથા. પટકથા. સંવાદ. દિગ્દર્શન. મેહુલ કુમાર. એમણે ફિલ્મની કથા જરીક એમની
રીતે કહેલી. તે મુજબ ઢોલા અને મારૂનું બાળપણમાં માત્ર વેવિશાળ થયેલું.
મૂળ રાજસ્થાની કથામાં મારૂ એ જ મારવણ. અને ઢોલાની પત્ની માલવણ. ફિલ્મમાં મારૂ એટલે
મારવી. અને મારવણ અલગ પાત્ર. જયશ્રી ટી. એ પણ ઢોલાના પ્રેમમાં ઘેલી. ઢોલાને હૈયે
મારૂ વસે. મારૂ ગુમાનસંગને હૈયે પણ વસે. ગુમાન મારવણનો ભાઇ. બોલો, બહેનને જે ગમે
એની પ્રિયતમાને ભાઇ ઝંખે. પ્રણય ‘મલ્ટિકોણ’. વળી પાછું, અઘરું હોં! મેહુલ કુમાર
અટપટા વિષય સરળતાથી હૅન્ડલ કરી જાણે. એમણે મૂળ રાજસ્થાનના રેગિસ્તાનની કથા કચ્છના
રણમાં ઉતારી. ગુજરાતી ઢબે. એટલે જ એનો ટેહડો મજાનો હતો. ત્યારની હિન્દી ફિલ્મોને
ટક્કર મારે એવાં ગીત કાન્તિ અશોકનાં. અને સંગીતકાર બેલડી. મહેશ-નરેશ. ઢોલ. તાલ.
સાંઢણી. ઘોડા. તલવાર. વટ-વચન-વેર. અને છેલ્લે લીલાલ્હેર. સુપર હિટ ફિલ્મ હતી.
આપણે ઢોલા-મારૂની અસલ વાત કરીએ. પરણ્યા તે ઘડીએ ઢોલો અને મારૂ બંને બાળક. બાળવિવાહ
રોકવા કાયદા તો હવે બન્યા. આઠસો વર્ષ પહેલાં સામાન્ય વાત કહેવાય. જો કે, એવડી નાની
કન્યાને વિદાય તો ત્યારેય નહોતા કરતા. વયસ્ક થાય ત્યારે વિધિવત્ સાસરે તેડાવવામાં
આવતી. ઢોલા અને મારૂની તો ઉંમર જ સાવ કાચી કોરી. બેમાંથી કોઇને કંઇ યાદ નહોતું. કહેવાય
છે, એક રાતે બંનેને એકસાથે સ્વપ્ન આવેલું. ઢોલો ત્યારથી મનમાં મારૂનો જાપ જપે. મારૂ
પણ ઢોલાની રાહ જુએ. ઢોલાની પત્ની માલવણને બધી ખબર. પૂંગળ દેશ. ત્યાં એના પતિના
પહેલાં લગ્ન થયેલાં. એટલે ઢોલા સુધી પૂંગળની હવા સુદ્ધાં ન પહોંચે એનો બંદોબસ્ત માલવણે કરેલો.
જાણકારો કહે છે, મારૂ રોજ ઢોલાને એક પત્ર મોકલતી. ન તો પત્રનો જવાબ આવતો. ન
ખબરી પાછો ફરતો. એક પણ ચિઠ્ઠી, ખબર ઢોલા સુધી પહોંચતી નહીં. સંદેશો લાવનારને
સિપાહીઓ નરવર નગરના દરવાજે જ.... ઢોલાનો તલસાટ માઝા મૂકી રહેલો. મારૂ મારી સ્વપ્નપ્રિયા.
ક્યાં હશે? કેવી હશે? હશે કે પછી મારો
ભ્રમ? હોય તો કોઇ ખબર આપ. મારૂ.... મારૂ.... મારૂ....
અજંપો જાગેલો. ઢોલાને પછી રેશમી ઢોલિયો ડંખતો. રાત રાતભર જાગતો રહેતો. ત્યાં એક
સાંજે આ ઢોલી ગમેતેમ કરીને નરવરમાં પ્રવેશી ગયો. મારૂને એણે વચન આપેલું. તારો
સંદેણો હું પહોંચાડીશ. જીવ જતો હશે તોય. ઢોલાને વાત પહોંચાડીને જ જીવ છોડીશ. મારો
ભરોસો રાખજે. રાજ મહેલ સુધી જવાનું કોઇનું ગજું નહીં. તેમ છતાં, આ પહોંચી ગયો. અંધારું
થતા વેંત એણે પહેલી જ કડીમાં કહી દીધું. ‘ઢોલા નરવર
સેરિયાઁ, ધણ પૂંગલ ગળિયાંહ’.
હવે પ્રેમની. મૂળ તત્ત્વની. કરામત જુઓ. અજબ રસાયણ છે, ખરો પ્રેમ. યાદ આવીને
રહે. યાદ કરાવીને જંપે. ગીતની પહેલી જ કડી. મારવણી અને પૂંગળનું નામ. આખેઆખો
માંડવો ઢોલાની નજર સામે. બાળપણમાં થયેલાં લગ્નની વાત યાદ આવી ગઇ. પરોઢ થવા આવેલી.
ઢોલાએ ઢોલીને મહેલમાં તેડાવ્યો. ઢોલીએ મારૂનો સંદેશો દીધો. ‘આંખડિયાં ડંબર ભયી, નયણ ગંવાયા રોય. ક્યૂં સાજણ પરદેશ મેં
રહ્યા બિંડાણા હોય’. રોઇ રોઇ થઇ રાતી આંખ,
નેણે થયો અંધાર. સાજણ વસે પરદેશ, આ અંતર અનરાધાર. ઢોલા રાણા તારા વિના મારૂ જીવી
નહીં શકે. વહેલો પહોંચ. લઇ આવ તારી ખરી પ્રેયસીને. તારી પત્નીને. ઢોલો તૈયાર થયો. અને
વિધ્ન શરૂ....
માલવણને સોતન સંખાય? એણે ઢોલાના દરેક ઇરાદા
પર પાણી ફેરવવાનું ચાલુ રાખ્યું. આજે નક્કી કરે. ને રાજકાજમાં ફસાય. કાલે નક્કી
કરે ને સમાજ-રિવાજ રોકે. માલવણ એટલું ચાલાકીથી ગોઠવે કે, બધું આપમેળે થતું લાગે.
છેવટે ઢોલાને ચાલ ખબર પડી. એક દિવસ કોઇ જ અગમચેતી વિના. એક તેજ તર્રાર ઊંટ પર
બેસીને પૂંગળ પહોંચી જ ગયો. રાજ્યભરમાં ઉત્સવ થઇ ગયો. ઢોલા-મારૂ એકમેકના સહવાસમાં
સપનાં સજીવન કરતા રહ્યા. મહૂરત જોઇને સાસરેથી બંનેએ વિદાય લીધી. બસ, પહોંચવાનું
હતું હવે. નરવર નગર. પહોંચી ગયા? પ્રેમ કથા છે,
ભાઇ! કંઇક તો અટપટું.... સાપ કરડ્યો મારૂને. શિવની
સ્તુતિ કરી ઢોલાએ. ત્યારે કહે છે, શિવ-પાર્વતીએ સ્વયં મારૂનો જીવ બચાવેલો.
બસ, હવે તો નરવર આવે ઢૂકડું, નહીં? નહીં જ તો વળી! ઉમર-સુમરાનું નામ સાંભળ્યું છે? એઝ ઇન, વિલનસિંહ.
ફિલ્મના ગુમાનસિંહ જેવું પાત્ર. મારૂનો મતવાલો. છળથી ઢોલાનું કાસળ કાઢવા તૈયાર. તો
શું, બંને નરવર પહોંચ્યા? ઑફ કોર્સ યસ! કહે છે, સોતન માલવણે મારૂને સહિયર બનાવેલી. હરખથી વધાવેલી. લોકકથાનું
આ જ તો અજબ, ગજબ છે, સર ને મૅડમ! એમાં કોઇ દલીલ,
ટીકા ન હોય. કરે તો ભૂંડા લાગે. આવું જ હોય. અને આમ જ થાય. સ્વીકારી લેવાનું. હવે,
આજકાલની જ વાત લોને? નથી સમજાતું ઘણું. તોય
કહીએ છીએને? ‘ના, ના બૉસ જુઓ. થોડી રાહ જુઓ. થઇ જશે. ચમત્કાર....’!
ઢોલા-મારૂના વંશજોની વાત કહું? ઢોલાના વંશજોમાં એમનો
પુત્ર લક્ષ્મણ. એનો પુત્ર ભાનુ. એનો પરમપ્રતાપી પુત્ર વજ્રદામા. જેણે ગ્વાલિયર ફતહ
કરી રાજ્યલક્ષ્મીનો ઉધ્ધાર કરેલો. ત્યાંથી એક વંશજ વર્ષો પછી ફરી રાજસ્થાન આવ્યો.
આમેર, યસ! જયપુર પાસે. તમે ફોટો પડાવેલો તે. ત્યાં કાકિલદેવે
રાજ્ય સ્થાપ્યું. દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી ભૈરોંસિંહ શેખાવત. આ જ ઢોલાના
વંશજ. એ જ વંશના શ્રી દેવીસિંહ શેખાવત. એમના પત્ની શ્રીમતી પ્રતિભા પાટિલ દેશના
પૂર્વ મહામહિમ. ભારતના પહેલા મહિલા પ્રેસિડેન્ટ. લો ઢોલા-મારુની કથાને છેક સુધી અડી
આવ્યા. હવે ફિલ્મ જોઇ લો....
Viral Mehta
