15 મે, 2015

અમે તો અસલ રૉયલ રજવાડી, હાંકે! (Hollywood Cafe 70)


અમે તો અસલ રૉયલ રજવાડી, હાંકે!
બાપાના બાપાના દાદાના કીધેલા ભાઇની દીકરીના સાસુની બહેનનો જેઠ. એક રાજકુમારીના ફાધરની સિસ્ટરની ફ્રેન્ડની ફ્રેન્ડ જોડે પરણેલો. રૉયલ કનેક્શન આપણું. પેલ્લેથી. જૂના ઘરમાં તો એં.... સોનાના દેગડાના દેગડા. ના હોય! આ હા! ચરુના ચરુ ભરીને. મોતી. માણેક. હીરા. ના હોય! આ હા! એકેએક દાગીનો જોયો હોય તો? એમ કે? તેં જોયેલો? હું તો જન્મયોય નહોતો. આ તો ઘરમાં વાતો થાય. કોઠારના કોઠાર ભરીને સોના મહોરો નીકળેલી. દીવાલોમાંથી. ભોંયરું તો અંધારું ઘોર. મેન-મેન વસ્તુઓ જ એમાં હતી. પણ કારીગરો બીગયા. અંદર જવાની જ ના પાડે. પૂરાઇ દીધું, એમનેમ. તો પેલું ચરુ. ને દેગડા. ને એ બધું ક્યાં ગયું? એં! તું હમજ્યો નંઇ. એ લેવાય નને આપ્પડાથી. પરદાદાઓ તો એકદમ રૉયલ રજવાડી. ના હોય, એમ? એકદમ ઉદાર લ્યા! ગરીબોને દાનમાં આપી દીધું બધું.
બાય-ધ-વે એ ગરીબો ક્યાં ગયા? આટલું દાન લઇને ઇન્ડિયામાં રેવાય? થોડા અરબસ્તાન ગયા. થોડા ઇંગ્લિસ્તાન. ને ઐંયાય તે અમુક તમુક ખરું. આ ફલાણું નહીં? હોવે. ને પેલું ઢીંકણું? હોવે. બધી આપ્પડી પ્રોપટ્ટી. આલી દીધી હવે બધી. એમ કે? વાહ રાજા વાહ! લ્યા એ મિલકત હોતને? તો એં.... તને મર્સીડીઝ ગિફ્ટમાં આલી દીધી હોત. અરે ભાઇ ભાઇ. ભારે કરી. આ હા લ્યા. આપ્પડું બધું કમકાજ રૉયલ રજવાડી. પેલોય મોળું મૂકે? બકા આપ્પડેય તને ડેલ્લી પાનસો તોપોની સલામી આલીયે. માળું અડધી રજવાડી ચાની એક ચૂસ્કી. લોકો ક્યાંથી ક્યાં પહોંચી જાય, નહીં? વાત જ એવી છેને! રાજા મહારાજા જેવી લાઇફ. દરેકનું સપનું. કલ્પનામાંય રાજાપાટનો ચસ્કો બડો મજેદાર. પણ ધ્યાન રાખવું પડે.
રજવાડી ચસ્કામાં ખરેખર ચસ્કી જાય. ઇંગ્લિસ્તાનમાં એક રાજા હતો. કિંગ જ્યૉર્જ ત્રીજો. ૧૭૬૦માં રાજ્યાભિષેક થયો. ૨૨ વર્ષની ઉંમરે. ખાસ્સા પસીસ અઠ્ઠાવીસ વર્ષ સફળ રાજ્ય કર્યું. ૧૭૮૮ની આસપાસ વર્તન બદલાવા લાગ્યું. પૅલેસમાં ગમે ત્યારે દોડે. સંતાઇ જાય. ખૂણામાં લપાઇ જાય. શોધાશોધ ચાલે. એને પાગલપનના દોરા પડતા. રાજાના આવા હાલ. આખી સલ્તનત માથે સંકટ. મોટામાં મોટા તબીબો ખડે પગે. રોજ નવી દવાઓ બને. બદલાય. રાજાની હાલતમાં કોઇ સુધાર નહીં. ત્યારે મહારાણીની એક એટેન્ડન્ટે હિંમત કરી. ડૉ. વિલ્સ. પહેલા રાજ મંત્રી હતો. કેસ એને સોંપીએ તો? રાણી પાસે વિકલ્પ હતો? વિલ્સે બિહેવિયર મૉડિફિકેશનની તરકીબ અજમાવી. વર્તન પરિવર્તન.
કિંગની દરેક પ્રવૃત્તિ રોકી. રીતસર બાંધી રાખ્યો. ખુરશી. પલંગ. પિલર સાથે. બીજી તરફ ઇંગ્લિસ્તાન પર રાજકીય સંકટ ઘેરાવા લાગ્યું. પ્રિન્સ ઑફ વેલ્સ. યુવરાજ પોતે. સત્તા પર બેસવા તત્પર. ઉમરાવો. મંત્રીઓ. વિરોધીઓ. દરબારીઓ. બધાને પોતાની તરફ ખેંચવા પેંતરા રચ્યા. મહારાણી ચિંતામાં. કિંગ સાજો ના થાય તો સત્તા ડૂલ. ડૉ. વિલ્સે તો એને મળવા ઉપર પણ પ્રતિબંધ રાખેલો. પાર્લિયામૅન્ટમાં હાજર થવાની તારીખ પાસે આવતી હતી. ત્યારે સ્વસ્થ નહીં હોય તો? રાણીએ હઠ પકડી. મારે રાજાને મળવું છે. ડૉ. વિલ્સે કિંગના કમરાનો દરવાજો ખોલ્યો. આખી દુનિયાના આશ્ચર્ય વચ્ચે. કિંગ રાજાના પોષાકમાં સજ્જ હતો. શૅક્સપિયર વાંચતો હતો. પેલા પ્રિન્સની મુરાદ મનમાં રહી ગઇ. પાર્લિયામૅન્ટ મીટિંગમાં રાજા સ્વસ્થ હાજર થયેલો. ધ મૅડનેસ ઑફ કિંગ જ્યૉર્જ. મૂળ એલન બેનેટનું નાટક. એ ઉપરથી નિકોલસ હિન્ટરે ૧૯૯૪માં ફિલ્મ બનાવી.
રજવાડાનો આલમ જ ભેજાછટક. ભેજાછટક પણ ભેજાબાજ એક રાજા થઇ ગયો. બવેરિયાનો મહારાજા. કિંગ લુડવિગ બીજો. એના પિતા મૅક્સિમિલિયન દ્વિતીય. એને બે દીકરા. લુડવિગ મોટો. એટલે યુવરાજ થયો. બાળપણથી પિતા સાથે લગાવ ઓછો. દાદા લુડવિગ પ્રથમનો એ લાડકો. રાજકાજના પાઠ ત્યાં શીખેલો. મોટાભાગનો સમય શિક્ષકો સાથે પસાર થતો. ત્યારથી એનું વર્તન બદલાયેલું. કળા. સર્જન. સૌંદર્યનો શોખીન. ૧૮ વર્ષની ઉંમરે ગાદી સંભાળવાની આવી. ત્યારે એણે અજબ વાત કરી. મારે દેશ જોવો છે. મારી પ્રજાને મળવું છે. રૉયલ ફૅમિલીમાં તો હાહાકાર! આ પહેલા કોઇ રાજાએ આવું કર્યું નહોતું.
લુડવિગને ક્યાં કોઇની મંજૂરી લેવીતી? તો રાજા હતો. રાજા તો ઉપડ્યા. થોડા ઘણા લોકો સાથે રાખ્યા. ગામેગામ ફર્યો. લોકોના ખબર અંતર પૂછ્યા. જરૂર હતી ત્યાં ઉદાર હાથે મદદ કરી. ખુશ થયો ત્યાં મોંઘીદાટ સોગાતો આપી. પ્રજાને પણ પહેલી જ વાર આવો રાજા મળેલો. લુડવિગ દેખાવે પણ હૅન્ડસમ. જોતા જ બધાને ગમી જતો. વૅગનરના સંગીતનો ચાહક હતો. આખો મુલક ફરી લીધો. પછી લુડવિગને રાજની ખટપટમાં રસ રહ્યો નહીં. એકાંતમાં રહેતો. કોઇને મળતો નહીં. દરબારમાં જતો નહીં. સ્વપ્નોમાં રાચતો. એના સ્વપ્નોના પ્રતીક સમા બે આલિશાન મહેલ આજે પણ બવેરિયાનું આકર્ષણ છે. બવેરિયા આજે પણ એને સ્વપ્ન કુમાર તરીકે યાદ કરે. એની હકીકત ઉપરથી બની. લુડવીગ II’. મૅરી નોએલ અને પીટર સેહરની ફિલ્મ. ૨૦૧૨માં.
રાજાઓના પ્રણય સંબંધો સાંભળ્યા હશે. અનેક રાણીઓ હોય. એ પણ ખબર હશે. પણ રાણીના પ્રણય સંબંધની વાત સાંભળી છે? બ્રિટનનું એક રજવાડું. ડેવનશૅર. ત્યાંના ઉમરાવની પત્ની. ડચેસ જ્યોર્જિયાના કૅવેન્ડિશ. કહે છે, એ જમાનામાં જ્યોર્જિયાના જેટલી સુંદર સ્ત્રી દુનિયામાં બીજી નહોતી. એનો પતિ ડ્યૂક વિલિયમ. ઉંમરમાં ઘણો મોટો. અને ઐય્યાશ. ઘરમાં આટલી ખૂબસૂરત પત્ની. છતાં મહેલની દાસીઓ. રાજ્યની યુવતીઓ. સગા સંબંધીની પત્નીએ. બધાં ઉપર નજર બગાડે. એમની જિંદગી પણ બગાડે. જ્યોર્જિયાના કાબેલ ફૅશન ડિઝાઇનર હતી. એને સૌથી મોટી ફૅશન આઇકન બનવું હતું. હઠીલો ક્રૂર ડ્યૂક એની બધી ઇચ્છાઓ ઉપર પાણી ફેરવતો. જ્યોર્જિયાનાની એક સહેલી. લેડી બેસ ફૉસ્ટર. પરણેલી હતી. ત્રણ દીકરાની મા. ડ્યૂકે એને પણ ભોળવી. તારા પુત્રોને રાજકુમાર બનાવીશ. જ્યોર્જિયાના ડ્યૂકને વારસ આપી શકી નહોતી. ખાસ સહેલી પણ હવે ડ્યૂકની થઇ ગઇ.
સ્થિતિથી. પતિથી. ત્રાસેલી જ્યોર્જિયાના. યુવાન ચાર્લ્સના પ્રેમમાં એને સુખ જડ્યું. એણે ડ્યૂકને પોતાના સંબંધો વિષે જાણ કરી. તે રાતે. રોષ. ઇર્ષા. આવેશમાં ભભૂકી ઉઠ્યો ડ્યૂક. હવસખોર થઇ તૂટી પડ્યો. જ્યોર્જિયાના પછી પ્રેગ્નેન્ટ હતી. દીકરા વિલિયમનો જન્મ થયો. પતિ પાસેથી, તેમ છતાં, પ્રેમ ન જ મળ્યો. ચાર્લ્સ સાથે સંબંધો ફરી શરૂ થયા. એ સંબંધથી એક દીકરી જન્મી. એલિઝા. ચાર્લ્સના માતા પિતાને ત્યાં મોટી થઇ. ચાર્લ્સ ગ્રે. સમય જતાં યુકેમાં પ્રાઇમ મિનિસ્ટર થયા. ખૂબસૂરત જ્યોર્જિયાનાની કથા ઉપરથી ૨૦૦૮માં ફિલ્મ બની. ધ ડચેસ. ડિરેક્ટર સોલ ડેબ. ચાર્લ્સ સાથે સંબંધો યથાવત્ હતા. છતાં, જ્યોર્જિયાના છેવટ સુધી પતિ સાથે જ રહી. સાથે એની સખી બેસ પણ ખરી. ગજબ સ્ટોરી છેને?
આવું હોય. રૉયલ રજવાડી લોકોનું કામકાજ! જ્યોર્જિયાના પછી. વર્ષો બાદ. એક સુંદર રાજકુમારી. આજની દુનિયાએ જોઇ. પરીકથાઓમાંથી અવતરેલી. પ્રિન્સેસ ઑફ વેલ્સ. પ્રિન્સેસ ડાયના. પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ જ્યૉર્જની માતા. પતિ પ્રિન્સ ચાર્લ્સ સાથે મેળ નહોતો. ડીવૉર્સ થયા. એના એકાદ વર્ષે ડાયનાને પૅરિસમાં કાર અકસ્માત થયો. પીપલ્સ પ્રિન્સેસ. સ્વપ્નપરી. અલોપ થઇ. લંડન રાજ-પરિવારે ડાયના સાથે તમામ સંબંધો ફોક કરેલા. અંતિમ ક્ષણે પણ રાજકીય સન્માન નહીં. હદ કહેવાયને? દુર્ઘઘટનાને પબ્લિક ઇવેન્ટ ગણાવી. રાજ-પરિવાર કેન્સિંગટન પેલેસમાં શિફ્ટ થયેલું. હમણાં ૧૯૯૭ની જ વાત. લેબર પાર્ટી ઇલૅક્શન જીતેલી. ત્રણેક મહિના જ થયા હશે. ટોની બ્લૅર પ્રાઇમ મિનિસ્ટર બનેલા. પેલેસ પર પહોંચ્યા. ક્વિન ઍલિઝાબેથને સમજાવ્યા. ડાયનાને રૉયલ રીસ્પૅક્ટ માટે. ઇનકાર કર્યો રાણીએ. પ્રિન્સ ચાર્લ્સ સંમત હતા. રાજમહેલમાં ઘણા હોદ્દેદારોની પણ ઇચ્છા. પક્ષ પડી ગયા. રાજ-પરિવારમાં.
બહાર આખું ઇંગ્લૅન્ડ. બકિંગહામ પેલેસની બહાર પુષ્પો લઇ ઊભું હતું. જેણે જોયું હશે. તે જોઇ નહીં શક્યા હોય. દુનિયાની દરેક આંખ ભીની હતી. બ્લૅરે ફરી ક્વિનને સ્થિતિ સમજાવી. કંઇ બોલ્યા વિના મહારાણી ચાલ્યાં ગયાં. અંતિમ વિદાયનો પ્રસંગ. કેન્ડલ ઇન ધ વિન્ડ. ખાસ આ પ્રસંગ માટે રચેલું ગીત. ગાયક સંગીતકાર એલ્ટન જ્હૉને શરૂ કર્યું. એક પછી એક મોટા માણસો આવતા ગયા. દુનિયાની સૌથી સુંદર રાજપરીને અંતિમ વિદાય આપવા. હા, ક્વિન પણ આવેલાં. પુષ્પ માળા સાથે. આખું વિશ્વ ભાવોર્મિના મહાસાગરમાં ડૂબી ગયેલું ત્યારે. રાજવીઓ જાહેરમાં આંસું સારતા નથી. ક્વિન ઝડપથી નીકળી ગયાં. પણ અશ્રુ ખાળી શક્યા નહીં. મહેલમાં પહોંચ્યાં. અંગત એટેન્ડન્ટ્સ. સહાયકો સામે ચોધાર આંસુએ રોઇ પડ્યાં! ધ ક્વિન. ૨૦૦૬ની ફિલ્મ. દિલ વલોવતી દાસ્તાન. પ્રિન્સેસ ડાયનાના અંતિમ પ્રસંગની. મહારાણી ઍલિઝાબેથની. ટોની બ્લૅરની. રાજમહેલની અંદરની. વાતો ખોલે છે. પીટર મૉર્ગનની લાજવાબ સ્ક્રિપ્ટ. અને સ્ટીફન ફીયર્સનું કામયાબ ડિરેક્શન.
સર ને મૅડમ! રાજા કોણ? રાજ પરિવારમાં જન્મે. મહેલ મહેલાતોમાં રહે. નોકર. ચાકર. અંગરક્ષકો. મોટા રથ. રૉયલ કાર. વટમાં ફરે. રોજ નવાં પરિધાન. ઝંડા. એ રાજા? બિલકુલ નહીં. મૉનાર્ચી. રજવાડાં. રીજન્સી. તોપની સલામી. એ તો આ અહીં. ધબ ધબ ધબ ધબ થાયને. એમાં વસે. દિલમાં. રોજેરોજ. ક્ષણેક્ષણ. સતત સમરાંગણ ખેલે. દુનિયાના અનિયંત્રિત વાર. સામે જે હૈયાંની હામ વીંઝે. એ દરેક જણ મહારાજા. ખેપાની લોકો. એનું રજવાડું. એને જ પાછું આપે. કૉમન મૅનનું લેબલ મારીને. વચનો આપી ફરી જાય. ડગલે ને પગલે દગા. સવાર પડતા જ જિંદગી જાણે જંગનું મેદાન. કાયમ પીઠ પાછળ વારની ભીતી. એ જેની સાથે થાય. તે ખરો મહારાજા. એની રૉયલ ખુમારી જોઇ? દુનિયાભરના ઉધમાત વેઠીને. રાતે હેય લંબી તાણે. ચલ છોડ યાર! આ તો બધું ચાલ્યા કરે. માફ કરી દે, સાહેબ! એ ખરા સમ્રાટ ને સામ્રાજ્ઞી. આ બેઠા મારી સામે. હૉલિવૂડ કૅફે વાંચતા. અસલ રૉયલ રજવાડી.... ઘણી ખમ્મા!
Viral Mehta