1 મે, 2015

વિધાતાની માફક મને પણ આદત છે લખવાની.... (Hollywood Cafe 68)



વિધાતાની માફક મને પણ આદત છે લખવાની....
બહાર ઓસરીમાં બેઠો છું. નથી લખવું. આજે બસ બેસી રહેવું છે. આપણા લેખકલાલ. રોજ નવાં બહાના. નહીં લખવાના. એના લૉજિક પણ આપે. કંઇક જોરદાર ક્લિક થવું જોઇએ યાર! નહીંતર લખવાની મજા નહીં. તો લેખકલાલ, એક કામ કરોને. આ તમારો ડૉગ છેને, મસ્તીખોર. એ ડૉગ જેને ગમે. એના વિષે લખો. વાહ! હવે આઇડિયા ક્લિક થયો. થીમ જોરદાર છે બાકી. એક છોકરી પણ છે. મારો ડૉગ એને બહુ વ્હાલો. કહેતીતી, એનું પેઇન્ટિંગ બનાવીશ. એમ? કોણ છે, એ છોકરી? મારી નૉવેલનું એક પાત્ર. અરે તારી તો ભલી થાય લેખકલાલ. પણ તોય ચલોને! નો પ્રૉબ્સ. એ છોકરી વિષે લખો. હાશ, એ બહાને લખવાનું તો શરૂ કર્યું.
સુંદર. ખુશમિજાજ. ઇન્ટેલિજન્ટ છોકરી. મારા જેવા મૂંજીના પ્રેમમાં શું કામ પડે? એ તો મને ગમી ગઇ. હું એને ગમીશ? બોલો, લાલ લૂગડું જોયું નથી, ને લાલ ભડક્યા નથી. વાર્તાના પાત્રને નવરું ના મેલે. લાઇન લખવામાં ગલ્લા તલ્લા. લાઇન મારવામાં....! લેખક લખતા લખતા ઊભા થયા. કીચનમાં ગયા. ઓહ્.... તું અહીં ક્યાંથી? તમે નહીં માનો, પેલી નાયિકા. નૉવેલનું પાત્ર. અસલ સ્ત્રી બનીને. કીચનમાં ઊભેલી. એવું તો સરસ હસી! બીજો તો બેભાન થઇ જાય. લેખક તો ઉંશિયાર માણસ. તરત સમજી ગયો. ચલ ચલ. હેંડ હેંડ. હું નૈ માનું. હું પાગલ નથી. તું તો ઇલ્યૂઝન. ભ્રમણા. ના લેખક હું ખરેખર છું. એમ હોય તો બોલાવ તારા ભાઇને. માત્ર તારો ભ્રમ હોઇશ તો એને નહીં દેખાઉં. હા, ગુડ આઇડિયા. ભાઇ આવ્યો. જોતો જ રહી ગયો. આટલી સુંદર છોકરી? તારી નવલકથામાંથી બહાર આવી? કોઇને કેતો બેતો નૈ બકા. ભાઇએ કીધું.
આશકને તો માશક મળી ગઇ. ત્યાં નવો ઍંગલ. બીજી એક છોકરી. લેખકની ચાહક. આઇ મીન, એના લેખનની. માશક નારાજ. હૈયે ઉલ્કાપાત. ઘરમાં ઉધમાત. પછી ઓરડો બંધ. નહીં બોલું જા. લેખક તો આમેય છટક. અરે યાર આ તો પાત્ર છે. એની આટલી ટણી? હું કોણ? હું તો સર્જક. હમણાં સીધી કરી કાઢું. લખી કાઢયું છેલ્લું પ્રકરણ. જા. ચાલી જા. આજ પછી તું ને હું કોઇ નહીં. છોકરી ચાલી ગઇ. બધું ભૂલી ગઇ. પણ લેખક ના ભૂલી શક્યો. છેવટે પોતાની લવસ્ટોરી લખી. બેસ્ટ સેલિંગ નૉવેલ. પેલી છોકરી. હા, ચાલી ગયેલી તે. કથાની નાયિકા. એણે નૉવેલ વાંચી. ફરી મળી લેખકને? હા, સ્ટોરીમાં હતું એમ જ. પાર્કમાં. દુનિયાને પોતાના પાત્રો અને સૃષ્ટિમાં ઉતારતો લેખક. પોતે જ પોતાનું પાત્ર બને. ત્યારે ધમાલ અને કમાલ જોવા જેવી હોય. રૂબી સ્પાર્ક્સ. ૨૦૧૨ની ફિલ્મ. એક અજબ પ્રેમકથા. લેખક અને પાત્રની. ડિરેક્ટર્સ જોનાથન ડેટોન અને વેલેરી ફૅરીસ.
એક ખાનગી વાત કહું. લેખકને લખવાની આળસ. એમાંય વાંક વાચકોનો. લખેલું તો બધા વાંચે. ના લખેલું વાંચે એ વાચક ખરો. બૉસ, આમનું ચાલે. તો કોરા કાગળ વંચાવે. બ્લૅન્ક પેજ’! એક સ્થિતિનું નામ છે. સર્જકની પ્રેરણા એકસામટી ખૂટી પડે. રાઇટર્સ બ્લૉક. વિજ્ઞાનની ભાષામાં. શૂન્યાવકાશ. બ્લૅક હોલ ખબર છેને? અવકાશનું એક ક્ષેત્ર. પ્રચંડ તાકાતથી બધું ખેંચી લે. એવું રાઇટર્સ બ્લૉકમાં થાય. આખું બ્રહ્માંડ જાણે સર્જકમાં પાછું ખેંચાય. ચિત્ર વિચિત્ર અનુભવો થાય.
એક સફળ લેખક. બ્લૉકમાં હતો. કારણ એની પત્ની. કોઇના પ્રેમમાં. રાઇટરે આઘાતમાં ઘર છોડ્યું. રાતના સૂનકારમાં બેઠેલો. જૂના ઘેર. અચાનક હુમલો થયો. તારી સુપરહિટ નૉવેલ મારી નકલ છે. હવે તું ખતમ. સામે એક હૅટવાળો માણસ. જો દોસ્ત, આ ઓરિજિનલ.... શટ્ અપ! ત્રણ દિવસની મહેતલ આપું છું. સબૂત લાવ. લેખક ડિટેક્ટિવને મળ્યો. વાત કરતા કરતા કાંડા પર સોળ ઊઠ્યા. નાડીઓ પર ભીંસ વધી. શ્વાસ રુંધાઇ ગયો. ભયાનક અનુભવ હતો. ત્યાં પત્નીનો ફોન આવ્યો. ઘર ભડકે બળે છે. નક્કી એના બદમાશ પ્રેમીનું કારસ્તાન. ઉપરથી હૅટવાળાની ધમકીઓ. ઘર તો ગયું. નૉવેલની અસલ કૉપી ક્યાંથી મળશે? હા, મૅગેઝિનના ઍડિટર પાસે. ઍડિટરે કૉપી મોકલી. પણ કવર ખુલ્લું. અમુક પાનાં જ નહીં. એ જ પાનાં જેની બબાલ હતી. હૅટવાળા સાથે. એ જ કદાચ પત્નીનો પ્રેમી હશે? વિચારતો હતો. ત્યાં સમાચાર મળ્યા. પત્નીના પ્રેમીનું મર્ડર. સાથે પત્નીનું પણ.... ફરી જૂના ઘેર બેઠેલો. સામે પેલો હૅટવાળો. ધીમેથી ફર્યો. પહેલી જ વાર ચહેરો જોયો. લેખક જેવો જ નહોતો લાગતો? ખતરનાક ટર્ન. ભલભલાને અંદર ખેંચી લે! ‘સિક્રેટ વિન્ડો. સ્ટીફન કિંગની પ્રસિદ્ધ નૉવેલ. ડિરેક્ટર ડેવિડ કોએપની ૨૦૦૪ની ફિલ્મ. જ્હૉની ડૅફ અને જ્હૉન ટર્ટરૉ. ભેદી ભૂમિકાઓમાં. રાઇટર્સ બ્લૉકનું રહસ્યમય બ્લૅન્ક પેજ ખોલે છે.
બાય-ધ-વે. ૨૦૧૧માં એક દવા શોધાઇ. મગજની દવા. ખાસ લેખકો માટે. બ્લૉક ખોલવા. તમને નહીં મળે. કારણ? દવાની ચમત્કારી તાકાત. સાધારણ માણસ સુપરમૅન બને. એક જ ગોળીમાં. પ્રચંડ તાકાત. ધારે તે થાય. ધન દોલત પ્રસિદ્ધિનો ઢગલો થાય. એવી જબ્બર દવા. એનું નામ? કહું તોય નહીં મળે. હા ચલો, શોધી આપો. NZT-48. એક લેખકને મળેલી. એક જણે આપેલી. માત્ર એક ટેબ્લેટ. રાઇટરના બધા બ્લૉક ખૂલી ગયા. બ્લૅન્ક પેજ ભરાઇ ગયા. જૂની નૉવેલ પૂરી કરી. નવી સુપરહિટ થઇ. શૅર બજારમાં ધરખમ નોટો ઉતારી. અને દવાનો પાવર ખતમ. આ ના ચાલે યાર. દવા ફરી લેવી પડે. રાઇટરે પેલાને શોધ્યો. એ પણ ખતમ.... ટેબ્લેટ મળી? કઇ રીતે? બ્રૅડલી કૂપરને પૂછો. લિમિટલેસ પાવર્સ આવી જશે. ડિરેક્ટર નેઇલ બર્ગરની ફિલ્મ. NZT-48 ટેબ્લેટ ખરેખર છે ખરી? હા, છે. માત્ર જાણકારો પાસે. એની એક વિચિત્ર સાઇડ ઇફૅક્ટ છે. પહેલા એનું જાણી લેજો. નહીંતર તમને તમારી બીક લાગશે.
રાઇટર્સ બ્લૉકમાંથી લેખકો બહાર આવે? બિલકુલ આવે. પછી જ ખરો જાદૂ થાય. માર્ક ટ્વેઇન. અર્નેસ્ટ હૅમિંગ્વે. વિલિયમ ફૉલ્કનર જેવી પ્રતિભાઓ દુનિયાને મળે.
૧૫૯૦ની આસપાસનો કિસ્સો છે. વિલી યુવાન લેખક. ચહેરા અને પહેરવેશ ઉપર મુફલીસી છલકે. બ્લૅન્ક પેજની ઉદાસી. ખિસ્સું ને મગજ બંને ખાલી. ભારે તણાવમાં નાટકની તૈયારી કરી. કૉમેડી. રોમિયો ઍન્ડ ઇથેલ, ધ પાઇરેટ્સ ડૉટર. લખાયા પહેલાં જ ઑડિશન રાખ્યા. એમાં આવેલી એક સુંદરી. વિયોલા. ધનવાન વેપારીની દીકરી. વિલીના નાટકોની ચાહક. બંને મળ્યા. ગુપ્ત સંબંધો બંધાયા. કૉમેડી નાટક કરતા કરતા લવ સ્ટોરી મળી. નવું નાટક લખ્યું. વિલી અને એના મિત્ર માર્લોસે. રોમિયો ઍન્ડ જુલિએટ. ત્યાં વિયોલાને હકીકત ખબર પડી. વિલી તો પરણેલો હતો! વિયોલાના પિતાએ પણ મૂરતિયો શોધી રાખેલો. બંને અલગ થઇ ગયા. પણ વિલી રાઇટર્સ બ્લૉકમાંથી બહાર આવ્યો. વિલિયમ શૅક્સપિયર બની ગયો. શૅક્સપિયર ઇન લવ. ૧૯૯૮ની ફિલ્મ. જ્હૉન મૅડેન ડિરેક્ટર. વિયોલાના પાત્ર માટે ગ્વૅનેથ પૅલ્ટ્રોને ઑસ્કર અને ગોલ્ડન ગ્લોબ બંને મળેલા.
રાઇટર્સ બ્લૉક વિષય ઉપર રસપ્રદ ફિલ્મો બની છે. લેખકની લાઇફનો આ ટ્રાન્ઝિશન ફેઝ. બધાને આવું ના થાય. ઓરિજિનલ થિંકર્સને જ આ ફેઝ આવે. ચોર. ઉચક્કા. કૉપીબાજ. બંડલબાજોને નહીં. બ્લૉકમાંથી બહાર આવેલા લેખક માટે કશું અસંભવ ના રહે. એક સ્માર્ટ ઍક્ઝિક્યુટિવની વાત કહું.
ડાયનેમિક માણસ. એની સાથે રહસ્યમય વાત થઇ. એક અવાજ સંભળાયો. કોઇ છોકરી હતી. સતત બોલે. પેલો વાત કરવા જાય. તો કોઇ રિસ્પૉન્સ નહીં. એ જીવનકથા કહેતી હતી. ઍક્ઝિક્યુટિવની. એકવાર વૉચ બંધ પડી. રસ્તામાં કોઇને પૂછીને સમય મેળવ્યો. વૉચ ચાલુ કરી. એને માટે આ સાધારણ બાબત હશે. ફરી અવાજ. પણ એ જ એના મોતનું કારણ બનશે. આગાહી હતી. ઍક્ઝિક્યુટિવના અંત વિશે. આનો તોડ કાઢવો પડે. એક લિટરેચરનો પ્રૉફેસર શોધ્યો. કદાચ આવી કથા એણે સાંભળી હોય. લેખકનું નામ જાણતો હોય. પ્રૉફેસરે આને ધંધે લગાડ્યો. પહેલા શોધ. સ્ટોરી કૉમેડી છે કે ટ્રેજેડી. તારી તો.... એક વાર ઘરમાં ટીવી ચાલુતું. ને એ જ અવાજ! એક લેખિકા હતી. એનું નામ જાણ્યું. પ્રૉફેસરને પૂછ્યું. બહુ ઉમદા લખે છે. પણ એની દરેક સ્ટોરીમાં. મુખ્ય પાત્ર છેલ્લે ડૂશ્શ.... બ્લૉકની પેલે પાર આવું થાય! જીવતા જાગતા લોકો લેખકનું પાત્ર બને. અનાયાસ. પછી એમની જિંદગી લેખક લખે. વિધાતાની માફક. ઍક્ઝિક્યુટિવ ગભરાયો. તાત્કાલિક મળ્યો લેખિકાને. પણ લેખિકા બ્લૉકમાં. વિચારો બંધ. પ્રેરણા ખતમ. હવે? સ્ટ્રેન્જર ધેન ફિક્શન. ૨૦૦૬ની રોમેન્ટિક કૉમેડી. ડિરેક્ટર માર્ક ફૉર્સ્ટર.
માનો યા ના માનો. સર ને મૅડમ! લેખકો. સર્જકો. એમને પરા સંભળાય. પરા. કોઇને ન સંભળાય. એવી સુક્ષ્મ વાણી. દરેકને નહીં, ખરા લેખકોને. કિતાબી. (થોકડા છાપે). હિસાબી. (રોકડા છાપે). ખિતાબી. (ઇનામો છાપે). નવાબી. (બીજાનું પોતાના નામે છાપે). રકાબી (કીટલી પસંદ). એમની વાત નથી. રૂઆબી. એમની વાત છે. ખુમારીવાળા. બાહોશ. ધારદાર. એમને માટે બ્લૉક એટલે વરદાન. છેહ. છળ. કપટ. દગા. અપમાન. આઘાત પર આઘાત. પછી બ્લૅન્ક પેજ! કસોટી કપરી થાય. છો થાય. પણ એમાંથી બહાર આવેને! ત્યારે થાય વિસ્ફોટ. એઝ ઇન. બ્લાસ્ટ. પછી એ જ થાય જે લેખક ધારે. થઇને જ રહે. રમાડી નાંખે આખી દુનિયા. એની કલ્પનામાં. પ્રેરણામાં. ગમે તેની વાર્તા થઇ જાય. અચ્છા અચ્છા પ્લૉટ પલટાઇ જાય. લેખિની તો માત્ર ચાર હાથમાં શોભે. ગણેશ. સરસ્વતી. વિધાતા. અને ખરો એકાદ અદનો લેખક! એની કલમ એટલે વિધીનું વિધાન!
Viral Mehta