24 એપ્રિલ, 2015

ફિલ્મ: વીર રામવાળો - બોલે અષાઢીનો મોર, પાણી ગ્યાતાં, પાણી.... (Gujarat Talkies 40)


બોલે અષાઢીનો મોર, પાણી ગ્યાતાં, પાણી....
બેશકીમતી બ્રાઝિલિયન ડાયમન્ડ. સ્ટાર ઑફ સાઉથ. એક નેકલેસમાં મઢેલો હતો. એની કિંમત એ જમાનામાં ૧૦, ૦૦૦, ૦૦૦ ડૉલર્સ ગણાતી. નઝરબાગ પૅલેસમાં રહેતો. અહીં આપણા વડોદરે. બ્રિટિશ રેસિડેન્ટના વહીવટ તળે. ગવર્નર જનરલ ઑફ ઇન્ડિયાની સીધી હકૂમતમાં. હિંદના સૌથી મોટાં ચાર રજવાડાં. હૈદરાબાદ. જમ્મુ અને કાશ્મીર. માયસોર અને આપણું વડોદરા. ત્યારનું બરોડા. રાજ્યનું ક્ષેત્રફળ ૮, ૧૮૨ સ્ક્વૅર કિલો મીટર. વસતિ ૨,૦૩૨, ૭૯૮. તે વખતે ઓખામંડળ. કોડીનાર. દ્વારકા. દીવ. અને અમરેલી. બરોડાની ગાયકવાડી હકૂમતમાં. રજવાડાંઓ મહેલાતોમાં સોના રૂપાને હિંડોળે ઝૂલતા. ગરીબ ખેડૂતો પોતીકી જમીન માટે ઝૂરતા. ભલું ભાગ્ય લખાવીને આવ્યા, ભારતના ખેડૂતો! હાલત આજેય કફોડી એવી જ. ભોંય આંચકી લેવાનો ભો. કાળો વળગાડ બનીને રંજાડે.
ધારી-અમરેલી પંથકમાં આખી કાઠી કોમ કામ-કલદાર વિના રઝળી પડેલી. હકૂમત ગમે ત્યારે તહોમત બજાવી મારતી. ગાયકવાડી સરકારે નીમેલા મુખી પટેલો. વીઘો વીઘો કરતા બધી જમીન આંચકી બેઠેલા. બારે ને ચારે સરકારી જાપ્તાની ધોંસ દેખાડતા. ખેડૂતે ખેડ આખી જમીનમાં કરવાની. ઘર માટે માંડ અડધો વીઘું જેટલું ધાન મળે. એટલામાં સમાજ. રીત રિવાજ. વહેવાર. તહેવાર. પ્રસંગ. રૂઆબ. આબરૂ. ક્યાંથી સચવાય? ઉધારી જ કરવી પડે. કરજ લેવાની પહેલા ફરજ પડી. પછી ગરજ પડી. ને છેવટે લત જ પડી. વ્યાજખોર વેપારીઓના ચોપડે કંઇ ઘટતું જ નહીં. સૂરજનો સૂત ગણાતો કાઠી બેહાલીના તાપમાં ભડભડતો હતો. અજગરી ભરડામાં હતી આખી કોમ. તે વખતની વાત છે.
એ ગમે તે હોય. તાકાતના પારખાં કરવા હોય તો આવજો શેલ નદીના વેકરામાં. બાર ચૌદનો એક નિશાળિયો. માથે લીરે લબડતી પાઘડી. આંટો મારીને બાંધેલી. ઊંચા કદનો કાઠી છોકરો. ધીંગાણું કરવા તૈયારીમાં આવી ગયો. છંછેડેલો. બીજા રખડેલ કાઠી નિશાળિયાઓએ. તમે ધાનાણીઓ તો અમારા ચાકર હતા. ડરપોક સાવ. એકલા ગામ પરગામ ન જાવ. ન કોઇ દીધીંગાણે ગયેલા. તો થઇ જાય જોવા જેવી. તમે સૌ ગાંગાણી એક કેડે. આણી પા હું એકલો ધાનાણી. માથાં કૂટી માર્યા હોત એ સાંજે એકબીજાંનાં. ટોળીમાં જ બેએક જણને તાકડે ગમ પડી. સમજાવીને બધાને ટાઢા કર્યા. મગજનો ફરેલ હતો. પેલો લીરાવાળી પાઘડીયાળો. અંદરને અંદર કોક જાતનો ધગધગતો ધામ લઇને ફરતો. બહુ હસતો નહીં. અન્યાય થાય ત્યાં પહેલો જઇને ઊભો રહેતો. લઢવાર સામેથી વહોરી લેતો. એકદી નિશાળમાં માસ્તરને જ લપેટામાં લઇ લીધો. બીજા છોકરા ઉપર અન્યાય આચરતો હતો. આણે થેલીમાંથી સ્લેટનું કાતરિયું કાઢ્યું. માસ્તરના લમણાંમાં ઝીંકી માર્યું. બસ, ત્યારથી ભણતર ભૂલી ગયો.
એક ગઝલ એને ગમતી. બનીને મર્દ જે પૂરો, ધસીને સન્મુખે શૂરો, હટાવ્યા દુશ્મનોને ના, જીવ્યું ધિક્કાર છે તેનું. એ જ ગણગણતો મોટો થયો. કસાયેલ શરીર. શરીરમાં અખૂટ તાકાત. બળ માંય નહીં એટલું. સ્નાયુઓ ફાડીને બહાર આવે. એના બાપા કાળા આપા. બહુ ફિકર કરતા. શું થશે આનું? એ જોવા આપા ક્યાં બેસી રહ્યા? એમની ફિકર પણ મોટે ગામતરે ગઇ. એમની ભેળી. પાછળ વસ્તાર એમનો એમ. ઘરમાં બે બુનો ને માવડી રાઠોડબાઇ. જવાબદારી આ જવાનિયાને માથે આવી. ખેતરે જા બાપ. ક્યાંક મજૂરીએ વળગ. મા કહેતી. પણ આ હાંભળે? કાઠીનો દીકરો થઇને મજૂરીએ બેસું? લ્યો બોલો. ભટકતો રહેતો સીમમાં એકલો. ઘેર બેનોના પ્રસંગ લેવા વારો આવ્યો. ના કીધેલી માએ. ડોસો કભાર. ગાયકવાડનો ગામપટેલ. રૂંવે રૂંવે ઝેરીલો ને વેરીલો. એનો ભરોસો ના કરીશ. તૈં આ પ્રસંગ કેમ કાઢવા? બા તો ક્યે બધુંય. આ તો ઉપડ્યો. કરી આવ્યો ઉધારી. પ્રસંગ ઉજવાઇ ગયા. પછી ખરા નાટક ભજવાઇ રહ્યા. ડોસાએ કહેણ મોકલ્યું. મળવા આવી લાગજે.
નાહક આમ કરો બાપ. આણે આજીજી કરી. હુક્કો તાણતો બેઠોતો ડોસલો. મારી આખેઆખી જમીન લઇ લીધી. હવે આ વીધું કટકો બચ્યો. એય જાપ્તી લાવશો તો ખાશું શું? મારે તો બળદ વેચતાય પૂરું નહીં થાય. તે જઇને જાવ, તમારા પરદાદાને પૂછો. ડોસો ગરજ્યો. એમના પરતાપે દેવા થયેલા. તમેય ક્યાં બાકી મેલ્યું? બેનો કાં પરણાવી દીધી? ઘરમાં રાખી હોત તો, થોડું રોકાયો. પછી બોલી કાઢ્યું, તો બળદ વેચવાનો વારો ના આવે. હું બોલ્યો ડોહા? ત્રાડ પાડી જવાનીયાએ. ડોહા પટેલ આજે તારી જીભડી ખેંચી મારીશ. મારી બેનો ઉપર નજર બગાડી? હવે હાલતો થા હાલતો. બહુ જોયા જીભડી ખેંચનારા. ડોસો ફાટતો હતો. તું હાથ તો લગાડ. રાતોરાત જેલ ભેગો ના કરું તો.... ફટ્ટાક.... પૂરું કરે એ પહેલા જ આણે વીંઝી દીધી. અવળા હાથની. ડોસલાને પૂરો જ કરી દીધો હોત. પણ એના ચમચા વચ્ચે પડ્યા. પટેલને માંડ છોડાવ્યો. ઘેર પહોંચ્યો ને વાંહે જ પોલિસ પાર્ટી. ડોસલાએ પહોંચ દેખાડી દીધેલી. તાલુકા કચેરીમાં ફરિયાદ નોંધાવીને.
ઘરમાં કોઇ છે કે? સત્તાવાહી અવાજ સંભળાયો. બા બહાર આવી. પોલિસ ભાળતા જ.... કોને શોધો છો? રામ વાળો. વાવડીનો વીર રામવાળો. અરવિંદ ત્રિવેદી. મનહર રસકપૂર. ફૉર અ ચેન્જ. પ્રોડક્શન મૅનેજર બન્યા હતા. કથા. પટકથા અને સંવાદ પણ એમના જ. દિગ્દર્શક હતા ગણપતરાવ બ્રહ્મભટ્ટ. ૧૯૭૬માં બનેલી ગુજરાતી ફિલ્મ. એમાં પહેલી જ વાર. નવોદિત. મલ્ટિ સ્ટાર્સ ચમકેલા. યુવાન. તારક. તારિકાઓનો કાફલો ઉમટેલો. પહેલા ક્યાંક ઇનિંગ્સ ઓપન કરી ચૂકેલા. માધવી પંડ્યા. ફિરોઝ ઇરાની. અરવિંદ રાઠોડ. મીનળ મહેતા. રણજીત રાજ. એકસાથે હતા. એક જાણીતી અભિનેત્રીની શરૂઆતની ગુજરાતી ફિલ્મ. હવે તો લાઇફ ટાઇમ અચિવમેન્ટ અવૉર્ડ પણ મળી ગયો. ઝી ટીવીની બહુ ફેમસ. તીન બહુરાનિયાં. એમાં જી કાકાની વાઇફ. સુનંદા ઘીવાલા. મેઘના રૉય. પહેલીવાર વિશેષ ભૂમિકામાં. ઊંચી તળાવડીની કોર, પાણી ગ્યાતાં, પાણી ભરતાં રે જોયો સાહ્યબો. ગુજરાતના ધબકારમાં રમતું. અષાઢી મોર ટહૂકાવતું ગીત. એમાં મેઘનાએ બેડલાં નૃત્ય કરેલું.
અવિનાશ વ્યાસના ગીત સંગીત. સાથે આપાહમીરની હલકદાર શબ્દરચનાઓ. હંબો હંબો વીંછુડો. કાળો ભમ્મર વીંછુડો. છાણાં વીણવાં ગઇતી, ત્યાં વીંછુડે ચટકાવી રાજ. રાજુલ મહેતાના સ્વરમાં. વિખ્યાત સંગીતકાર નીનુ મજુમદારના એ સુપુત્રી. આ ગીતમાં બાએ મારી બાઉન્ડ્રી. પદ્મારાણી. જોબનના જોશમાં થનગનતાં. ખૂબ રૂપકડા લાગતાતા. અદભૂત સાંબેલા નૃત્ય કરેલું એમણે. એને જોઇને ઓલ્યો મેરુ આભો બની ગયેલો. દિલ દઇ બેઠેલો. તેજલનો સેંથોય મેરુના નામનું કંકુ પૂરવા રાહ જોતો. પણ એના ભાઇએ બીજે ગામથી જાન તેડાવેલી. કન્યા ચોરીમાં પધરાવી. ને સીમમાં ભડાકો થયો. તૂટી ગયું દોરડું. બચી ગયો મેરુ. આત્મહત્યાના પાપથી. રામવાળાએ ઉગાર્યો. એમ તે કંઇ મરાતું હશે જુવાન? હાલ મારી ભેળો. ત્યાં જ. એ જ ચોરીમાં. મેરુ તેજલના વિવાહ કરાવ્યા. લઇને હાલ્યો રામવાળો બંનેને પોતાની ભેળા. કોતરોમાં. કેવી ભયાનક ભાસતી ગુફા. મંદિર બની ગયેલી. રામવાળાના ઓજ પરતાપથી. તેજલે તેદાડે મેરુને કહી દીધેલું. આપણે પરણ્યા ભલે. જિંદગી બ્રહ્મચારીની જીવશું. આખી જિંદગી રામવાળાની સેવામાં કાઢીશ. મેરુ ડગી ગયેલો અંદરથી હોં....
સ્વભાવે સંત. પ્રભાવે શૂરવીર. રામવાળો તાપસનો આતમ લઇ જન્મેલો. રૈયતને રંજાડતો નહીં. એ તો બહારવટું ખેલતો. ગાયકવાડી અમલને ધરાશાયી કરવાની ટેક લીધેલી. ગામેગામ મુખી પટેલો. વેપારીઓના ખોરડાં. ભાંગતો જતો હતો. લૂંટ ગરીબોમાં વહેંચી દે. પોલિસવાળાઓ જોડે પણ સારાસારી રાખેલી. ભાગ્યે જ એમને કનડતો. ફિલ્મમાં રામવાળાની દરિયાદિલી. વીરતાના પ્રસંગો. ખૂબીથી દેખાડ્યા છે. રામવાળો. ગોલણ. ગોદડ. નાગ. શક્તિપીઠના દર્શન પણ કરી આવેલા. હિંગળાજ માતા. જિલ્લો લસબેલા. બલુચિસ્તાન. પાકિસ્તાન. વિભાજન પહેલા ગુજરાતથી કરાંચી ટ્રેનમાં જવાતું. ને ત્યાંથી હિંગળાજ માતાના દર્શને.
એકવાર ખીજડિયા ગામે વ્યાજખોરને લૂંટવા ગયા. રામ બહાર બેસી રાહ જુએ. અંદર ભારે હથોડાના અવાજો. વજનદાર પટારો. ખૂલે જ નહીં. રામે અંદર જોયું. અલ્યા તમે તો ખાવ છો કે શું? કહેતા, પગથી એક જ પાટું માર્યું. ધડાક્! પટારો ખૂલી ગયો. તે ઘડીએ ખબર ના રહી. એક ફાંસ પેસી ગઇ. રામના પગમાં. દિવસો સુધી ખબર પડી નહીં. પછી આખો પગ સૂજી ગયો. રામવાળો ક્યાંય હરી ફરી શકતો નહીં. સાથીઓ પૂરતી સારવાર રાખતા. રામને આ કોતરો હવે કઠતા. એને ગિરનાર સાંભરેલો. સાથીઓના સહારે. છેવટે ઉતરી પડ્યો. બોરિયાગાળાના ભેંકાર અંધારા કોતરોમાં.
એક બપોરે સૌ બહાર હશે. કોતરમાં રોટલાનો લોટ ચોળતો બેઠેલો રામ. ત્યાં બહાર ધણધણાટી થઇ. જૂનાગઢની પોલિસ પલટણ હતી. પેલો મેરુ ફૂટી ગયેલો. એણે જ ઝેર ઓક્યું. કારણ? તેજલની ટેક. જાબનવંતી નારને પરણ્યો. પણ મનની મનમાં રહી. મેરુ સંસાર સુખ નહોતો માણી શક્યો. રામને એના વર્તનની ગંધ હતી. પણ કંઇ કરે એ પહેલા જ ફુટ્ટલ થાણે પહોંચી ગયો. કોતરનું મોં પોલિસે બંધ કરેલું. અંદર ચૂલો ભડકે. રામના શ્વાસ રુંધાઇ ગયા. જાતે જ ગોળી મારી દીધી. ને પછી કોતર માથે ઢાંકેલો પથ્થર પૂરી તાકાતથી ફંગોળી બહાર આવ્યો. બાકીનું કામ પોલિસે પૂરું કર્યું....
હેજી રામ વાળાના લગન આવ્યાં, લગનિયાંનો ઠાઠ, ગોઝારો બોરિયોગાળો, ક્યાં રોકાણો રામ વાળો. ખરે બપોરે જાનું ઉઘલિયું, જાનૈયાનો ઠાઠ, ગોઝારો બોરિયોગાળો, ક્યાં રોકાણો રામ વાળો. સોરઠમાં રામવાળાના લગ્નનો આ રાસ ગવાય. વીર રામવાળો અપરણિત હતા. રાસમાં એમની વીરતાના અંતિમ ઉત્સવને લગ્નનું રૂપક આપ્યું છે. એક દૂહો પણ પ્રસિદ્ધ છે. વાટકી જેવી વાવડી, રાવણ જેવો રામ. ગાયકવાડનાં ગામ રફલે (રાઇફલ) ધબેડે રામડો’. ગાયકવાડીના સાંધેસાંધે સેંધ મારેલી એણે.
શૂરવીર બહાવટિયાઓના ઇતિહાસનું અંતિમ પ્રકરણ. એટલે વીર રામવાળો. થયા હશે પછી બેએક નાના મોટા. પણ નરબંકાઓમાં રામવાળો આખરી ગણાય. આ ફિલ્મ એનો જીવતો જાગતો ઇતિહાસ. નજરે જોઇ લો!
Viral Mehta