એક ફિલમમાં બીજી ફિલમનો ઇલમ
બીજા શૉટમાં તમારે મેઇન રૂમમાં એન્ટર થવાનું. આ
બાજુ, કીચનમાંથી. હાથમાં એક પ્લેટ સાથે. કૅફેમાં જમણી તરફ જવાનું. હા, કૉર્નરમાં
સોફા સેટ બાજુ. ત્યાં કોઇ કેરેક્ટર અખબાર વાંચે છે. પ્લેટ સામે ટેબલ ઉપર મૂકવાની. ‘ગુડ મૉર્નિંગ! બ્રેક ફાસ્ટ રેડી’. એટલું બોલવાનું. પેલી
વ્યક્તિ અખબાર હટાવશે. સામે જોશે. ‘ઓ.... વૅરી ગુડ મૉર્નિંગ’. સીન કટ થશે. પાછળથી સીન સમજાવતા ડિરેક્ટરે તમારા ખભે ટપલી મારી. ચલો લેટ્સ
ગો ફૉર ટેક. સહજ રીતે હસીને તમે પાછળ જોયું. એ પણ હસતો હતો. તમને લાગ્યું, જાણે તમે
જ તમારી સામે હસી રહ્યા છો.
એન્ટ્રી તરફ જતા તમે ફરી એક વખત એની સામે જોયું.
આંખના ખૂણેથી. છાનામાના. ઉફ્.... એ પણ તમારી સામે જ જોતો હતો. હસીને. માય માય! ડિરેક્ટર પણ તમે જ હતા. કોઇ
વિચાર વિના. ઉતાવળે પ્લેટ પકડી લીધી. કમાન્ડ અપાયો. ફૂલ લાઇટ્સ. રોલ સાઉન્ડ. રોલ
કૅમેરા. સાયલેન્સ. ઍક્શન.... તમે તમારા જ કમાન્ડનું પાલન કર્યું. પ્લેટ સાથે સોફા
તરફ ગયા. ડાયલૉગ બોલ્યા. પેલાએ છાપું હટાવ્યું. હવે, હદ થઇ ગઇ. એ પણ તમે જ હતા? ઓહ્, કેમ ભૂલી ગયા? પહેલા શૉટમાં જ તમે
ત્યાં આવીને બેઠેલા. બીજો શૉટ પણ પત્યો. તમે ડિરેક્ટર તરફ ફર્યા. તો આખું યુનિટ
ગાયબ! એને બદલે
ઑડિયન્સ. એમાં પણ તમે. તમારી જ ફિલ્મ જોતા હતા.... અરે યાર, સાંજે જ તો નક્કી
કર્યું. વિથ ફૅમિલી. ડીનર લીધું. પછી મલ્ટિપ્લૅક્સમાં નવાં મૂવીની ટિકિટ લીધી. ને
ફિલ્મ શરૂ થઇ.... તો પછી હમણાં થોડી વાર પહેલાં. કૅફે. ડિરેક્ટર. અખબાર. બીજો શૉટ.
એ બધું શું?
ફિલમની અંદર ફિલમ. એક જાદૂઇ ઇલમ. ઑડિયન્સ પોતે જ પાત્ર બને.
બડા ચાલાક જાદૂગરો છે. અમુક સ્ટોરી રાઇટર્સ. અમુક ડિરેક્ટર્સ. હવે બૉસ માની લો.
તમે આ અમુકમાંથી એક. સુપર સ્ટોરી રાઇટર. આનાકાનીનો સવાલ જ નથી. સાચ્ચેસાચ્ચું કહું? દુનિયાના દરેક જણ પાસે
સ્ટોરી છે. કો’ક લખી કાઢે. કોઇ ન
લખે. બધા ચક્રમ થોડા હોય? ધારો કે, તમારી સ્ટોરી સુપર હીરોની વાત છે. એ બધાનો એક કૉમન સ્ટંટ મૅન. સ્ટોરીનું
જ પાત્ર. લેખક તરીકે દરેક પાત્ર પહેલા તમારે જીવવું પડે. એટલે તમે એક સ્ટંટ કરો. ઇજા
થાય. જરા વધારે. સીધા હૉસ્પિટલમાં. બાજુના બેડ પર એક છોકરી. ક્યુટ. તોફાની. હસે.
દોસ્ત બને. એને હાથે વાગેલું. એની પણ એક સ્ટોરી. નૅચરલી! એણે સ્ટોરી કહી તમને. પછી
એને રજા મળી. તમને મળવા આવી. તમે પ્રૉમિસ કર્યું. જો એ કાલે આવે તો. તમારી લાઇફ
ટાઇમ ઍપિક કહેવાનું.
એ આવી. તમે વાત શરૂ કરી. પાંચ સુપર હીરોની કથા.
એકસાથે. ગજબ હતી સ્ટોરી. છોકરી એમાં પરોવાઇ ગઇ. એ પાંચેયમાં એને એના ફ્રેન્ડ્સ દેખાયા.
એ પોતે જ તમારી સ્ટોરીનું પાત્ર બની. તમને પણ કલ્પનામાં વણી લીધા. પાંચેય સુપર
હીરોના સ્ટંટ. તમે જ કરતા હતા. તમારા મનમાં તમે સુપર હીરો. એની કલ્પનામાં તમે સ્ટંટ
મૅન. આ જ કોઇ પણ કથાની સૌથી મોટી વ્યથા. એકવાર કહો, પછી એ સાંભળનારની. બોલો,
એકસામટી કેટલી બધી સ્ટોરીઝ. તમારી. છોકરીની. સ્ટંટ મૅનની. સુપર હીરોઝની. છોકરીના ફ્રેન્ડ્સની.
પછી એ જ ફિલ્મ ટીવીમાં આવી. જેમાં તમે જમ્પ કરી અહીં પહોંચેલા. એમાં પણ એક નવી
કથા. દરેક વ્યક્તિની એક છાની ફેન્ટસી. પોતે સુપર હીરો હોય તો? આખી દુનિયા પર પોતાનું
રાજ. બધું એનું ધાર્યું થાય. જો એવું થાય તો? ‘ધ ફૉલ’. ૨૦૦૬ની ઍડવેન્ચર
ફેન્ટસી. ઇન્ડિયન અમેરિકન રાઇટર ડિરેક્ટર. તરસેમ સિંહ. એક ફિલ્મમાં અનેક ફિલ્મો.
એમાં તમને પણ તમારી ફિલ્મ મળી જાય.
સ્ટોરી ઇન સ્ટોરી. પ્લે ઇન પ્લે. ઑડિયન્સને
રમાડતી બહુ જૂની મસ્તી. ફિલ્મોમાં એની શરૂઆત એક મ્યૂઝિકલ કૉમેડીથી થઇ. ૧૯૫૨ની સાલ.
એક સિંગર. ઍક્ટર. ડાન્સર. રાઇટર. ડિરેક્ટર. કોરિયોગ્રાફર. સ્ટંટ મૅન. ડૉન લૉકવૂડ.
સુપર સ્ટાર. ધ રૉયલ રાસકલ નવી ફિલ્મ. એનું પ્રીમિયર. સાથે લીના લૅમોન્ટ. ઉછાંછળી.
બડબોલી. છતાંય, લીડિંગ લેડી. પરાણે ટૉલરેટ કરવી પડે. ડૉન લીનામાં કોઇ મેળ નહીં.
ફિલ્મોમાં બંનેની જોડી હિટ. સ્ટુડિયો માટે એમનો મેળ સચવાય એ જરૂરી. હમણાં જ
પ્રીમિયર પત્યું. બીજી તરફ સ્પર્ધકની ‘ધ જૅઝ સિંગર’ હિટ થઇ. એ ટૉકી ફિલ્મ
હતી. સાયલેન્ટ ફિલ્મોનો જમાનો પતી ગયો. હવે ડૉન લીનાની ‘ધ ડ્યુઅલિંગ કેવેલિયર’ ટૉકીમાં કન્વર્ટ કરવી
પડે. કરવા ગયા તો હસવામાંથી ખસવું. હીરોઇનનો અવાજ ઘોઘરો. સાઉન્ડ રેકૉર્ડિંગ વખતે
પણ પ્રૉબલેમ. ફિલ્મનું નામ બદલી કાઢ્યું. ધ ડાન્સિંગ કેવેલિયર. એક ફિલ્મનું
પ્રીમિયર. બીજી ફિલ્મનું પ્રોડક્શન. ત્રીજી ફિલ્મ હિટ. એટલે ચોથી નવી ફિલ્મ. અને
રીલિઝ થાય પાંચમી. ‘સિંગિંન’ ઇન ધ રેઇન’. જીન કેલીની મ્યૂઝિકલ
સુપર હિટ. ફિલ્મ વિધિન અ ફિલ્મનું પહેલું ઉદાહરણ બની. અને ગ્રેટેસ્ટ અમેરિકન
ફિલ્મની યાદીમાં મૂકાઇ ગઇ.
હવે આવો નૉર્મલ સ્થિતિમાં. છોડો બધી કલ્પનાઓ. ફેન્ટસીઝ.
એક ફિલ્મની વાત કરીએ. આપણે ટિકિટ લીધી. હૉલમાં બેઠા. ને શરૂ થઇ સાવ અલગ ફિલ્મ. ફિલ્મમાં
ત્રણ પાત્રો. બધા એક્ટર્સ. રીયલ લાઇફમાં પણ. કેથરિન ઓ’હારા. પાર્કર પોઝી. હૅરી
શૅયરર. બધી ફિલ્મોનું શૂટિંગ પતાવીને. બેઠા છે. નિરાંતે. સૌ પોતપોતાને ઘેર. હવે
લાઇફની મોજ માણવી છે. એવા વિચાર સાથે. ત્યાં ખબર પડે. હજી એક ફિલ્મનું શૂટિંગ તો
બાકી રહી ગયું. એક એવી ફિલ્મ જેને ઑસ્કર મળે. એ જ ફિલ્મ અધૂરી? ‘હોમ ફૉર પ્યુરિમ’. ક્લાસિક ફિલ્મ. ૧૯૪૦ની
સાલ. વર્ષો વીતી ગયાં. એ પૂરી કઇ રીતે થશે? ઍનીવેઝ. શૂટિંગ શરૂ થાય
છે. પ્યુરિમ એક જ્યૂઇશ ઉત્સવ છે. હૉલિડેઝ. પરિવારના બધા એક સાથે.
ઓ’હારા અને હૅરી પતિ પત્ની. એક કોમના ઉપરી. ઓ’હારા બિમાર. એમની એક
દીકરી. પોઝી. એની એક ગર્લ ફ્રેન્ડ રશૅલ. આ તરફ ફિલ્મનું શૂટિંગ ચાલે. બીજી બાજુ એ
જ ફિલ્મના ઑસ્કરની વાતો ઊડે. બોલો, ભેંશ ભાગોળે ને છાશ છાગોળે. હવે શૂટિંગમાં એક
પ્રૉબલેમ. ઇન ફૅક્ટ, પ્રૉબલેમ જ પ્રૉબલેમ. પ્રોડ્યુસર લો બજેટ ફિલ્મ બનાવવા માગે.
ડિરેક્ટર કંઇક જુદી જ ભાંજગડમાં. જાતજાતના તુક્કા તીકડમ લડાવે. ચાલુ શૉટમાં
સ્ક્રીપ્ટ બદલે. એટલે રાઇટર. એક નહીં બે. બરાબર ભડકે. રાઇટર્સમાં તો આમેય
જનમોજનમથી ઠેરી ગયેલી હોય. (આ સનાતન સત્ય છે. ચોખવટ કરનારાએ રસ લેવો નહીં). એ બંને
પણ બાખડે. વળી પાછો એમાંય એક ટ્વિસ્ટ. આધુનિક પૉપ્યુલર ફિલ્મોના પાત્રોની એન્ટ્રી.
એક કન્ફ્યુઝન આંટો મારે ત્યાં બીજું આંકડો ભીડાવે. ફિલ્મનું નામ મેં શું કીધું? ‘હોમ ફૉર પ્યુરિમ’. એ તો અંદરની ફિલ્મ. મેઇન
ફિલ્મ? ‘ફૉર યૉર
કન્સિડરેશન’. ૨૦૦૬ની કૉમેડી.
ડિરેક્ટર ક્રિસ્ટોફર ગૅસ્ટ. પોતે જ તરંગી ડિરેક્ટરની ભૂમિકામાં. આખી ફીચર ફિલ્મ
જોયા પછી ખબર પડે. હત્તેરેકી! આ તો ડૉક્યુમેન્ટરી નહોતી? ના, ના.... અરે હા.... ના યાર.... તમે જ જોઇ લોને પાર્ટી.
આ કૉન્સેપ્ટમાં ચાર મોટા લોકોય તણાઇ ગયેલા. ‘અલ્પા ચીનો’. એક વેલ નોન રૅપર. પાંચ
ઍકેડેમી અવૉર્ડ વિનર. ઑસ્ટ્રેલિયન મેથડ એક્ટર. ‘કિર્ક લઝારસ’. અલ્ટિમેટ ઍક્શન હીરો. ‘ટગ સ્પીડમેન’. અને એક કૉમેડી કિંગ. ‘જૅફ પોર્ટનોય’. ચારેય શૉર્ટ લિસ્ટ થયા.
વૉર ફિલ્મ માટે. ડિરેક્ટર રીયાલિટીનો ચાહક. ઓરિજિનલ ઇફૅક્ટ જોઇએ. એક ભયાનક જંગલમાં
કૅમેરા ઇન્સટૉલ કર્યા. બૉમ્બ પ્લાન્ટ કર્યા. ચારેયને ત્યાં ઊતારી મેલ્યા. એક નક્શો
આપ્યો. અને ખાલી બંદૂકો પકડાવી. હવે જુઓ ભાયડાઓના ભડાકા. આગળ જતા જ યુદ્ધ કેદી
કૅમ્પમાં સપડાયા. ત્યાં એક જણ ઓળખાઇ ગયો. ઓહ્, આ તો પેલો યાર. આપણી ફેવરિટ મૂવી. ‘સિમ્પલ જૅક’. એનો હીરો. ચલને યાર
પેલો ડાયલૉગ તો બોલ. તારો ફેમસ સીન કરને બૉસ. વૉર ફિલ્મને ઠેકાણે. આ કંઇક નવું શરૂ
થયું. ‘ટ્રૉપિક થંડર’. ૨૦૦૮ની ઍક્શન કૉમેડી. ડિરેક્ટર
બેન સ્ટિલર. બેને, આઇ મીન, ભાઇએ એની પબ્લિસિટીમાં પણ તોફાન કરેલું. એક ફેક એનર્જી
ડ્રિંકની ઍડ. એક ફેક ટીવી શો. અને ફેક વૅબસાઇટ્સ તૈયાર કરીને. ફેક ફિલ્મ દ્વારા
મેઇન ફિલ્મ વિષે ચકચાર ઊભી કરેલી.
સ્પેનિશ ફિલ્મ ‘હાબેલ કોન એલા’. ‘ટૉક ટુ હર’. ૨૦૦૨માં બની. એમાં તો
એક જ ફિલ્મમાં એક જ સરખી બે સ્ટોરીઝ એકસાથે ચાલે. બે હીરો. એક હૉસ્પિટલમાં નર્સ.
બીજો પત્રકાર. બે હીરોઇન. બંને કૉમામાં. ચારેય હૉસ્પિટલમાં ભેગા થાય. ચારેયનો વળી પાછો
ભૂતકાળ. છોકરીઓના પૂર્વ પ્રેમીઓ. છોકરાઓની પૂર્વ પ્રેમિકાઓ. છોકરાઓ ભૂતકાળ ભૂલવા
તૈયાર. (એઝ યુઝવલ). પણ છોકરીઓ? કૉમામાં પણ મન
સાથે વાત કરી શકાય. એવું પેલો નર્સ પત્રકારને કહે. પત્રકાર એટલે પત્રકાર. એને તો વાત
કરવી જ હોય. એ વાતો કરે. એમાં ખબર પડે. છોકરી કૉમામાં પણ હજી જૂના પ્રેમીને ચાહે
છે. ત્યાં પેલા નર્સની પ્રેમિકા? કૉમામાં પ્રેગ્નેન્ટ. નર્સ
અત્યાચારના ગુનામાં જેલ ભેગો. એક પછી એક અવનવા વળાંકો. જોવા મળે તો ચૂકશો નહીં.
હવે, તમે અખબાર હટાવશો. સામે જોશો. ત્યાં કોઇ ચા કે નાસ્તો લઇને ઊભું નહીં
હોય. જાતે જ લેવો પડશે. કાં બૂમ મારીને મગાવવો પડશે. દરવાજો ખૂલશે. હાથમા પ્લેટ
સાથે કોઇ આવશે. તમે જ. પ્લેટ સાથે એન્ટર થશો. પતિ કે પ્રેમી હશો તો. મૅડમ તો પહેલા
સીનથી જ તમારી રાહ જોતાં બેઠાં છે. ટાઇમસર પહોંચી જજો સર! નહીંતર નવી ફિલમ
ઉતરશે....
Viral Mehta